Related Questions

અર્જુને વિરાટદર્શનમાં શું જોયું હતું?

ભગવદ્ ગીતાના અગિયારમા અધ્યાયમાં અર્જુન શ્રીકૃષ્ણ ભગવાનને વિનંતી કરે છે કે, “હે યોગેશ્વર! જો આપ માનતા હો કે હું દર્શન માટે સમર્થ છું, તો આપના અવ્યય (અવિનાશી) સ્વરૂપ દેખાડવા કૃપા કરો!” અને ત્યારે શ્રીકૃષ્ણ ભગવાને અર્જુનને વિરાટ વિશ્વદર્શન કરાવ્યું હતું. એ વિરાટ દર્શન એટલે શું? તેમાં શું જોયું? અર્જુને વિશ્વદર્શન કઈ દૃષ્ટિથી જોયું? તેનાથી અર્જુનમાં શું ફેરફાર થયો? આ સર્વનો ફોડ આપતા પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “એ વિશ્વદર્શન એ આત્મજ્ઞાન નથી. આ કેટલાં બધાં જન્મેલાં એ મરી જાય છે, ફરી જન્મે છે, આમ કાળચક્રમાં બધાં ખપાયા કરે છે, માટે કોઈ મારનાર નથી, કોઈ જીવાડનાર નથી. માટે હે અર્જુન, તને જે મોહ છે મારી નાખવાનો-તે ખોટો છે, તે છોડી દે. આ માટે કૃષ્ણે અર્જુનને બિહામણું રૌદ્રસ્વરૂપ દેખાડ્યું, બધા મરેલા દેખાડ્યા. તે વિરાટ સ્વરૂપ અર્જુનને બતાવ્યું. એક વાર તો અર્જુન ગભરાઈ ગયો. પછી તેને સમજાયું તેથી તે લડવા તૈયાર થયો. પછી તેને તેમણે સૌમ્ય સ્વરૂપ બતાવ્યું.

શ્રીકૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે, “તું તારા ચર્મચક્ષુથી મારા સ્વરૂપનું દર્શન નહીં કરી શકે, તેથી હું તને દિવ્યદૃષ્ટિ પ્રદાન કરું છું. તેનાથી તું મારું ભવ્ય ઐશ્વર્ય જો.”

દિવ્યદૃષ્ટિ એટલે જ સુદર્શન. આપણે શ્રીકૃષ્ણ ભગવાનના સુદર્શન ચક્રને ઓળખીએ છીએ, જે તેમની આંગળી ઉપર ગોળ ગોળ ફરતું એક હથિયાર હતું જેનાથી શત્રુના મસ્તક કપાઈ જતાં હતાં, તેમ જાણીએ છીએ. પણ શ્રીકૃષ્ણ ભગવાનનું સુદર્શન એ કોઈ ચક્ર નહોતું. સુદર્શન એટલે સુ + દર્શન. શ્રીકૃષ્ણ ભગવાનને તીર્થંકર પ્રભુ શ્રી નેમિનાથ ભગવાન પાસેથી સમ્યક્ દર્શનની પ્રાપ્તિ થઈ હતી, તેને સુદર્શન કહ્યું.

શ્રીકૃષ્ણ ભગવાને ભગવદ્ ગીતાનો ઉપદેશ આપતી વખતે થોડા સમય માટે અર્જુનને જે દિવ્યચક્ષુ આપ્યા હતા, તેનાથી અર્જુનને “આત્મવત્ સર્વભૂતેષુ” એટલે કે, સર્વ જીવો આત્મા સ્વરૂપે દેખાય છે.

શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે કે, જ્ઞાની પુરુષ તમારા અનંતકાળનાં પાપોને ભસ્મીભૂત કરી આપે. એકલા પાપો બાળી આપે એટલું નહીં, પણ જોડે જોડે તેમને દિવ્યચક્ષુ આપે અને સ્વરૂપનું લક્ષ બેસાડી આપે!”

શ્રીકૃષ્ણ ભગવાનના વિરાટ સ્વરૂપના દર્શનથી પહેલાં તો અર્જુન ભયભીત થઈ ગયા. પણ તે જોવાથી અર્જુને પોતાનો બધો અહંકાર ભગવાન શ્રીકૃષ્ણને અર્પણ કરી દીધો. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, “બીજાનો અહંકાર લઈ લે એનું નામ વિરાટ પુરુષ કહેવાય.

તેઓશ્રી આપણને વિરાટ દર્શન એટલે શું તે અહીં સમજાવે છે.

દાદાશ્રી: વિરાટનું દર્શન એટલે જ્ઞાની પુરુષને ઓળખવા. ખરી રીતે વિરાટ કોને કહેવાય કે જે આપણા અહંકારને પણ ખાઈ જાય. આપણા અહંકારનેય ભક્ષણ કરી જાય, એનું નામ વિરાટ! અને તેનું ફળ શું આવે? આપણને વિરાટ બનાવે. વિરાટ સ્વરૂપ વગર કોઈ નમે જ નહીં ને! એવું કૃષ્ણ ભગવાને અર્જુનને વિરાટ સ્વરૂપ બતાડ્યું ત્યારે નમેલો ને, નહીં તો નમે નહીં.

લાખો અવતારેય આ અહંકાર જાય એવી વસ્તુ નથી. ત્યારે એક જણ મને કહે છે, ‘તમે અહંકાર તો મારો લઈ લીધો!’ ત્યારે એ જ વિરાટ પુરુષ! ત્યાં પુસ્તકોનો વિરાટ પુરુષ ખોળવા જાવ છો? જે આપણો અહંકાર લઈ લે, એ વિરાટ પુરુષ; બીજો વિરાટ પુરુષ દુનિયામાં કેવો હોય?

વિરાટ સ્વરૂપ કોનું નામ કહેવાય કે જેનામાં સહેજ પણ બુદ્ધિ ના હોય, છાંટોય બુદ્ધિ ના હોય. આમ ગોદા મારી મારીને અહંકાર જ કાઢી નાખે, જેમ ટાયરમાંથી હવા જ કાઢી નાખે. એટલે જેનો અહંકાર સંપૂર્ણ ગયેલો હોય, તે જ લઈ શકે. જેનો પોતાનો અહંકાર ખલાસ થયો એ આત્મજ્ઞાની. બીજાનો અહંકાર જે લઈ લે એ વિરાટ પુરુષ!

કુરુક્ષેત્રની વચ્ચે શ્રીકૃષ્ણ ભગવાને “હું મારા સગાંઓ વિરુદ્ધ યુદ્ધ નહીં કરું” એમ કહીને હતાશ થયેલા અર્જુનને અદ્ભુત ગીતા બોધ આપ્યો અને છેવટે વિરાટ વિશ્વદર્શન કરાવ્યું. આ વિશ્વદર્શનમાં જગતની વાસ્તવિકતાનું, તેના વિનાશીપણાના દર્શન થયા, જેના પરિણામે અર્જુનનો કરવાપણાનો અહંકાર પૂરેપૂરો ઓગળી ગયો અને તેમણે ભગવાનના શરણમાં સમર્પણ કરી દીધું.

શ્રીકૃષ્ણ ભગવાને ચોથા અધ્યાયમાં એમ પણ કહ્યું છે કે આવા વિરાટ જ્ઞાની પુરુષ વારેવારે અવતાર લેતા રહે છે.

યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત ।
અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ્ ॥ ૭॥

પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતામ્ ।
ધર્મસંસ્થાપનાર્થાય સમ્ભવામિ યુગે યુગે ॥ ૮॥

અર્થાત્, “હે અર્જુન! જ્યારે જ્યારે ધર્મનો અસ્ત થાય છે અને અધર્મનો ઉદય થાય છે, ત્યારે ત્યારે હું આ પૃથ્વી પર પ્રગટ થાઉં છું. સજ્જનોની રક્ષા કરવા, દુષ્ટોનો વિનાશ કરવા અને ધર્મની સ્થાપના કરવા માટે હું યુગે યુગે જન્મ લઉં છું.”

એનો અર્થ એમ નથી કે શ્રીકૃષ્ણ ભગવાન પોતે વારેવારે અવતાર લે છે. જેમ એક પ્રધાનમંત્રી હોય, એ જતા રહે પછી બીજા પ્રધાનમંત્રી આવે, અને પ્રધાનમંત્રીના પદ ઉપર જે હોય તે દેશને મદદ કરે. તેવી જ રીતે શ્રીકૃષ્ણ ભગવાન જેવી સ્થિતિવાળા આત્મા ફરી ફરી અવતાર લેશે. શ્રીકૃષ્ણ ભગવાનનો આત્મા પ્રગટ થયો છે, તેવા પ્રગટ આત્મા બીજા દેહમાં અવતરશે. જ્ઞાની પુરુષો, તીર્થંકર ભગવંતો અવતાર લેતા રહે છે અને દુનિયામાં લોકોને સુખ-શાંતિનો, તમામ દુઃખોથી મુક્તિનો અને મોક્ષનો રસ્તો બતાવે છે અને લોકોનું કલ્યાણ કરીને મોક્ષે જતા રહે છે.

×
Share on