Related Questions

ભગવદ્ ગીતા મુજબ જગત કોણ ચલાવે છે?

ભગવદ્ ગીતાના પાંચમા અધ્યાયના ચૌદમા શ્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે,​

ન કર્તૃત્વં ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુઃ ।
ન કર્મફલસંયોગં સ્વભાવસ્તુ પ્રવર્તતે ॥૧૪॥

અર્થાત્ કર્તાપણાથી, કર્મથી, કે કર્મફળના સંયોગથી ભગવાન સૃષ્ટિનું સર્જન કરતા નથી, પરંતુ સૃષ્ટિ સ્વભાવથી જ પ્રવર્તે છે.

આ વાતનો ગુહ્ય ફોડ પાડતાં પરમ પૂજ્ય દાદા ભગવાન સમજાવે છે કે, જગત સ્વભાવથી જ ઉત્પન્ન થયું છે અને સ્વભાવથી જ ચાલે છે. તેને સર્જન કરનાર કે તેને ચલાવનાર કોઈ નથી. જો ભગવાન જગતને ચલાવનાર હોય તો જગત મોડું-વહેલું બંધ થાય. પણ જગત અનાદિ કાળથી અસ્તિત્વમાં છે અને અનંત કાળ સુધી ચાલવાનું છે. જેમ વડના એ બીજમાંથી આખો વડલો બને અને પછી વડમાંથી બીજ પડે, તેમ જગત ચાલ્યા કરે છે. તેનો સ્વભાવ જ પરિવર્તનશીલ છે, જે નિરંતર બદલાયા જ કરે છે.

ભગવદ્ ગીતામાં શ્રીકૃષ્ણ ભગવાને કહ્યું છે કે હું સૃષ્ટિનું નિર્માણ કરું છું. તેનું રહસ્ય સમજાવતા પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, આ વાક્ય શ્રીકૃષ્ણ ભગવાન આત્મારૂપ થઈને બોલે છે. એટલે જ્યાં ‘હું’ શબ્દ છે તે ખરેખર આત્માને સૂચવે છે, કોઈ દેહધારી મનુષ્યને નહીં. આત્માની હાજરીમાં પૂર્વે જીવે જે-જે ભાવો કર્યા હોય છે, તેનું ફળ આ અવતારમાં જન્મથી મરણ સુધી ભોગવવાનું હોય છે. જન્મ થવો, દેહ ધારણ થવો, આકાર, રૂપ, રંગ મળવા એ બધું જ પોતાના ભાવોનું ફળ છે, તેમાં કોઈ ઈશ્વરનું કર્તાપણું નથી.

પરમ પૂજ્ય દાદાશ્રી વિસ્તારમાં સમજાવતા કહે છે કે મનુષ્ય જેવા ભાવ કરે તે પ્રમાણે કર્મ બંધાય અને ફળ ભોગવે. પાશવી વિચારો કરે તો પશુમાં જન્મે, સજ્જનતાના કે માનવતાના વિચારો કરે તો ફરી મનુષ્યમાં જન્મ લે. જ્યારે દૈવી વિચારો હોય, જેમાં સામો ગમે તેટલું નુકસાન કરે તોય તેના ઉપર પોતે વારંવાર ઉપકાર કર્યા કરે, તેવા સુપર હ્યુમન સ્વભાવવાળા મનુષ્યો દેવલોકમાં જાય. એટલે સર્જન વખતે પોતાની અંદર જે ભાવો થાય છે તેની કુદરતમાં નોંધ લેવાય છે અને એ પ્રમાણે પછી રૂપક આવે છે ત્યારે વિસર્જન થાય છે.

જો ભગવાન જગતના નિર્માતા હોય અને જગત ચલાવનાર હોય તો અનેક પ્રશ્નો ઊભા થાય. જેમ કે, શ્રીકૃષ્ણ ભગવાન એક જ જગતને ચલાવતા હશે કે રામ ભગવાન કે મહાવીર ભગવાન? શ્રીકૃષ્ણ ભગવાનનું મૃત્યુ ઝેરી તીર વાગવાથી થયું હતું. જો ભગવાન જગત ચલાવતા હોય તો પોતાનું મૃત્યુ કેમ ન અટકાવી શક્યા? મહાભારતનું યુદ્ધ કેમ ન રોકી શક્યા? રામ ભગવાન પણ પોતાનો વનવાસ ન અટકાવી શક્યા. પોતાની પત્ની સીતાનું હરણ થાય એવી લીલા ભગવાન કરાવતા હશે? ચોવીસ તીર્થંકરોને નહીં પડ્યા હોય એટલા ઉપસર્ગો ભગવાન મહાવીરને પડ્યા હતા. જો ભગવાન જગત ચલાવતા હોય તો કોઈ પણ માણસને સહેજ પણ ચિંતા કે દુઃખ કેમ પડવા દે? જેમ ઘરના પિતા કુટુંબમાં કોઈને દુઃખ ન પડે એનું બધું ધ્યાન રાખતા હોય, તો ભગવાન તો આખી દુનિયાના તાત કહેવાય. એમના બાળકોને એ દુઃખ પડવા દે? કોઈની નોકરી છૂટી જાય છે, કોઈને બે ટંક ખાવાનું નથી મળતું, કોઈનો જુવાનજોધ છોકરો ગુજરી જાય છે, તો શું ભગવાન જાણીજોઈને આવા દુઃખો આપે? જે ભગવાનની આપણે રોજ આરતી, ભક્તિ, પૂજા કરતાં હોઈએ, એ ભગવાન આપણી સામું પણ ના જુએ એવું બને ખરું?

શ્રીકૃષ્ણ ભગવાને જે કહ્યું છે કે “જગત સ્વભાવથી ચાલે છે” એ છેલ્લામાં છેલ્લી તત્ત્વની વાત છે. જેમ ઢાળ ઉપર પાણી રેડીએ તો એ ઉપરથી નીચે પડે. એમાં આપણે કહીએ કે પાણી કેવું દોડ્યું, આગળ વધ્યું. પણ ખરેખર તેનો સ્વભાવ છે ઉપરથી નીચે આવવાનો. કોઈ પાણીને ચલાવતું નથી. તેમ સંજોગોના ધક્કાથી જગત ઓટોમેટિક, એની મેળે જ ચાલી રહ્યું છે.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “યુ આર હોલ એન્ડ સોલ રિસ્પોન્સિબલ. ગોડ ઈઝ નોટ રિસ્પોન્સિબલ એટ ઓલ.” પોતાના કર્મફળમાં આપણે પોતે જ જવાબદાર છીએ, ભગવાન બિલકુલ જવાબદાર નથી. જો ભગવાન કર્તા હોય તો કર્મની થીયરી ખોટી પડે. કર્મનો સિદ્ધાંત કહે છે કે જે કર્તા થાય તેણે ભોક્તા થવું પડે. જો ભગવાન કર્તા હોત તો તેમણે ભોક્તા થવું પડે, કર્મ કર્યા બદલ ભગવાન ગુનેગાર ઠરે. પણ ભોક્તા આપણે થઈએ છીએ, કર્મના ફળ આપણે જ ભોગવીએ છીએ, એટલે આપણે પોતે જ કર્મના કર્તા છીએ.

જેમને તત્ત્વજ્ઞાનમાં ઊંડા ઊતરવું છે, ભગવાનને ખરા સ્વરૂપે ઓળખવા અને પામવા છે, તેમનો સાક્ષાત્કાર કરવો છે, તેમણે ભગવાનને ખરા સ્વરૂપે ઓળખવા પડશે. જગતના કર્તાહર્તા ભગવાન છે અને તે ઉપર બેઠા છે, એમ માનીશું તો કોઈ દિવસ ભગવાન ભેગા નહીં થાય. જ્યાં સુધી ભગવાનનું સાચું સ્વરૂપ નહીં ઓળખાય, ત્યાં સુધી તેમનો સાક્ષાત્કાર નહીં થાય. ભગવાન તો પોતાની અંદર જ છે. શ્રીકૃષ્ણ ભગવાને પણ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે, હું દરેક જીવમાત્રમાં છું, આત્મારૂપે છું, તું એને જો અને ઓળખ.

Related Questions
  1. ભગવદ્ ગીતાનો સાર શું છે?
  2. સંન્યાસ અને નિષ્કામ કર્મ એટલે શું?
  3. સ્થિતપ્રજ્ઞ એટલે શું?
  4. અનાસક્ત યોગ કઈ રીતે સાધી શકાય?
  5. પરધર્મ ભયાવહ એટલે શું?
  6. બ્રહ્મસંબંધ કોને કહેવાય?
  7. ત્રિગુણાત્મક પ્રકૃતિ વિશે ભગવદ્ ગીતામાં શું કહ્યું છે?
  8. ગીતામાં કયા ચાર પ્રકારના ભક્તોની વાત કરી છે?
  9. અર્જુને વિરાટદર્શનમાં શું જોયું હતું?
  10. ભગવદ્ ગીતા મુજબ જગત કોણ ચલાવે છે?
  11. ૐ નમો ભગવતે વાસુદેવાયનો અર્થ શું છે? વાસુદેવના ગુણો શું હોય? ભગવાન કૃષ્ણને શા માટે વાસુદેવ કહેવાય છે?
  12. ગોવર્ધન પર્વતને ટચલી આંગળીએ ઊંચકવાની વાત સત્ય કે દંતકથા?
  13. ઠાકોરજીની પૂજા (ભક્તિ) કેવી રીતે કરવી?
  14. પુષ્ટિ માર્ગનો હેતુ શું હતો? શ્રીકૃષ્ણ ભગવાન શા માટે નૈષ્ઠિક બ્રહ્મચારી કહેવાયા?
  15. કૃષ્ણ ભગવાનનો સાચો ભક્ત કોણ છે? ખરા કૃષ્ણ કે યોગેશ્વર કૃષ્ણ કોણ છે?
  16. ભગવાન કૃષ્ણ વિશેની હકીકત અને દંતકથાઓ.
×
Share on