Related Questions

શું એકાંતિક જીવન જીવીને હું મનને સ્થિર કરી શકું?

mind

માંડે મન સંસાર જંગલમાંય!

આ તો અહીં બેઠાં હોય ને, આ તો સારું છે મારી રૂબરૂમાં બેઠાં, તે જરાક અહીંયા મન ઠેકાણે રહે પણ બીજી જગ્યાએ જો કદી ગયા હોય ને, બીજી સભામાં કે કથામાં ગયા હોય ને, તો ત્યાં મન પાછું ઘરના વિચારમાં પડેલું હોય ને એ સભામાં બેઠો હોય મૂઓ. આ માણસ જ કેમ કહેવાય? આપણું મન આપણી જગ્યા છોડીને બીજામાં જાય એટલે માણસ જ કેમ કહેવાય?

અત્યારે કેમનું છે મન? કૂદાકૂદ કરે છે? અત્યારે છાનું બેઠું છે ને? આવું બેસી રહે તો સારું પડે ને? હા. તો તો પછી ત્રણ લોકનું રાજ મળ્યું હોય તેવું સુખ થાય ને?

પ્રશ્નકર્તા: હા, જરૂર થઈ જાય.

દાદાશ્રી: અને એબ્સન્ટ (ગેરહાજર) ના થવું જોઈએ. એ હાજરી, એબ્સન્ટ થાય તો તો ખલાસ થઈ ગયું. એ એબ્સન્ટ થાય તો આપણને હઉ એબ્સન્ટ કરી નાખે. એટલે 'હાજર રહો' એમ કહીએ.

મનને શેમાં રાખવું? જો દેરાસરમાં નહીં રાખો તો બગીચામાં પેસી જશે. બગીચામાં નહીં રાખો તો ગટરમાં પેસી જશે. એવો મનનો સ્વભાવ છે. આખા સંસારની મમતા નડતી નથી, એને ઘરની મમતા નડે છે. એક બૈરી ને બે છોકરાં ને બાપ, આ ચાર જણની મમતાને લઈને એ કંટાળે છે અને તે પછી હિમાલયમાં નાસી જાય છે. એકાંત થાય તો મને ભગવાન મળે. તે ત્યાં ગયા પછી શું થાય છે કે એકાંત તો મળી ગયું. તે પછી ઝૂંપડી બનાવે. તે ઝૂંપડીની જરૂર તો ખરી ને? આવશ્યક છે, આવશ્યક પર વાંધો ના હોય. અનાવશ્યકમાં વાંધો હોય. એ ઝૂંપડી બનાવે તેનો વાંધો નથી. પછી કોઈ સાધનામાં બેસે. આ છે તે પાછો ઝૂંપડીની બહાર તુલસી રોપે. પછી એક જણ આવે તે કહે કે બાવાજી, આ તુલસી જોડે ગુલાબનો છોડ રોપતા હો તો કેવું સરસ લાગે? તે કહે કે, 'મળશે ગુલાબ?' ત્યારે એ કહે કે 'હા, લાવી આપું.' તે ગુલાબનો છોડ રોપ્યો. અને પછી સાધના કરવા માંડ્યા. એ થોડા દા'ડા પછી આવડો તુલસીનો છોડ થયો, ગુલાબનો થયો, તે ખુશ થયા. તુલસીના બે પાન નાખી સવારમાં ઉકાળો-બુકાળો પીવે. પછી એક દા'ડો ઉંદરડો આવીને તુલસી કાપી નાખી. એટલે બાવાજી પાછા પઝલમાં પડ્યા, યે ક્યા હુઆ? ત્યાર હોરો કોઈક આવીને ઊભો રહ્યો. 'બાવાજી, આ તો ઉંદરડે કાપી નાખ્યું લાગે છે.' 'તો ફીર ક્યા કરેગા?' તો કહે કે, 'બિલાડી પાળો એક.' ત્યારે મૂઆ ઘેર ચાર ઘંટ મૂકી અહીં નવા ઘંટ વળગાડ્યા. તુલસીનો ઘંટ, ગુલાબનો ઘંટ, પાછો બિલાડીનો ઘંટ. એટલે અમે કહીએ કે એકાંત ખોળશો નહીં. એકાંતમાં મન બધા જાતજાતના ઘંટ વળગાડશે. ભીડમાં જ રહેજો. એકાંત તો કો'ક દા'ડો. જેમ સંડાસ જવાનું, તો કાયમ સંડાસમાં બેસી રહેવાનું? એના જેવું એકાંત છે. થોડીવાર નિરાંત થાય એટલા હારુ એકાંત છે.

પ્રશ્નકર્તા: પણ મનને કાઢી નાખવું કેવી રીતે?

દાદાશ્રી: એ નથી નીકળે એવું. ત્યાં એકાંતમાં જશે ને તેની કરતા આ ભીડમાં સારું પડે. આપણે અહીં આ ભીડમાં મોટા મોટા કલેક્ટરો જેવા હોય છે ને, તે કલેક્ટર અહીં ગાડીમાં ઊભો હોય ને તમારો પગ એના પગ ઉપર પડે તો એ 'પ્લીઝ, પ્લીઝ' બોલ્યા કરશે. આ ભીડને લઈને આવું બધું થયું છે. આ વિનય ક્યાંથી પ્રગટ થશે? ભીડમાં વિનય પ્રગટ થાય. ભીડમાં બધા ગુણ ઉત્પન્ન થાય. ભીડમાં પેલી ચોરીઓય થાય, પણ આ ગુણોય ઉત્પન્ન થાય. આ ડેવલપ થઈ રહ્યું છે અત્યારે.

અત્યારે આ ડેવલપ થઈ રહ્યું છે. આ લોખંડના બીડ ગાળવાના કારખાના હોય છે ને, તે બીડના આવડા આવડા દાગીના બનાવે છે. પછી એને મોગરા વળગેલા હોય છે. આમ એને કાઢવા માટે ટંબલિંગ બેરલ ફેરવે છે. એટલે બેરલ ખરું ને, તેની મહીં ભેગા નાખી દે અને પછી ઈલેક્ટ્રિકસિટીથી ચાલ્યું બધું. ઘરરર... ઘટર ફર્યા કરે ને તો મહીં અથડાઈ અથડાઈ અથડાઈને બધા મોગરા તૂટી જાય. એવું આ અત્યારે નેચરનું (કુદરતનું) ટંબલિંગ બેરલ ફરી રહ્યું છે. મોગરા તોડી નાખે પછી બહાર કાઢે, ફર્સ્ટ ક્લાસ થશે.

ઊંધા વિચારો બેસાડે છે, તેમાં જ લોકો રમ્યા કરે છે. એ સારું થયું કે અંગ્રેજોના આવ્યા પછી આપણી વિચાર શ્રેણી ફરી અને બધું હલાવ્યું. તે કેળવાયેલો લોટ થયો. પહેલા તો ભાખરીયે ના થાય એની. આ વેઢમી થાય એવો લોટ કેળવાયો છે. હવે થોડા કેળવનારા મળી આવે ને, બહુ સરસ.

મન શેમાં એડજસ્ટ (ગોઠવવું) કરવું એ મોટામાં મોટો સવાલ છે ને? મન તો લઈ જઈએ ને આપણે? આ હિમાલયમાં મન લઈ ગયા, તે મન હવે એડજસ્ટ શેમાં કરવું? કંઈ મન એકાંતમાં એકાંત ભોગવે છે કોઈ દહાડોય? એકાંતમાંયે મન કાંઈ પાંસરું રહેતું હશે? વધારેમાં વધારે દિશામાં ફરતું થાય. એ તો ભીડમાં છૂટ થઈ કે મન ચગ્યા કરે કે આ લાવું ને તે લાવું, જે બંધન છે એ છૂટ્યું કે વિકલ્પોના નાદ ઉપર ચઢી જાય. આમ વિકલ્પોની પરંપરા ઊભી થાય.

Related Questions
  1. મન એ શું છે? મનની વ્યાખ્યા શું છે?
  2. મન અને જીવન તથા મન અને આત્મા વચ્ચે શું સંબંધ છે?
  3. શું જપ અથવા મંત્રો દ્વારા હું મનની શાંતિ પ્રાપ્ત કરી શકું?
  4. શું એકાંતિક જીવન જીવીને હું મનને સ્થિર કરી શકું?
  5. તમે મનને કેવી રીતે સ્થિર કરો છો? આધ્યાત્મિકતા અને મનની સ્થિરતા વચ્ચે શું સંબંધ છે?
  6. મન કેટલું મજબૂત છે? શા માટે મનને મારવું નહીં?
  7. શા માટે આટલા બધા વિચારો ઉત્પન્ન થાય છે? શું વિચારોને કાબૂમાં રાખવા શક્ય છે? શા માટે આપણે વિચારોને દબાવવા ન જોઈએ?
  8. મન કેવી રીતે કાર્ય કરે છે?
  9. શું મન અને મગજ બંને સરખી વસ્તુ છે? મન અને આત્મા વચ્ચે શું તફાવત છે?
  10. શું મનનું નિયંત્રણ એ અંતરશાંતિ કે સમાધિનો પાયો છે? શું મન કાબૂમાં છે તે જાણવાની કોઈ કસોટી છે?
×
Share on