Related Questions

ભગવાનના ગુણધર્મો કયા છે?

ભગવાન એ આત્મા છે જે તમારી, મારી અને પ્રત્યેક જીવમાત્રની મહીં બિરાજેલા છે.

શરીર એ તો ખોખું (આઉટર પેકિંગ) છે અને જે મહીં બિરાજેલા છે તે આપણું ખરું સ્વરૂપ છે!

જો કે, આ આત્મા અરૂપી અને અમૂર્ત છે. તેને આ ચર્મચક્ષુથી ના જોઈ શકાય પરંતુ, એ તો માત્ર આત્માના સ્વાભાવિક ગુણોના અનુભવથી તેનો અનુભવ કરી શકાય. માટે ભગવાનને ઓળખવા અને અનુભવવા માટે તેમના ગુણધર્મ કયા કયા છે તે જાણવું પડે.

તો ચાલો, આપણે સમજીએ ભગવાનના કેટલાક મુખ્ય ગુણ ને…

શાશ્વત

આત્મા એ એક શાશ્વત તત્ત્વ છે. દરેક આત્મા સ્વભાવથી જ શાશ્વત (પરમેનન્ટ) છે. તે અનાદિ અનંત છે. તે હતો, છે અને કાયમ રહેશે. તે ક્યારેય મરતો નથી અને ક્યારેય જન્મતો નથી; તે અમર (અવિનાશી) છે.

અનંત

ભગવાન પાસે અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત શક્તિ અને અનંત સુખ છે!

આ ભગવાનના અનન્ય ગુણો છે, તે આત્મા સિવાય બીજા કોઈ પણ શાશ્વત તત્ત્વમાં નથી. આત્માના અન્ય બધા ગુણોમાં આ ચાર ગુણ મોટા મોટા, જબરજસ્ત ગુણો છે, આત્માને તેના આ ખાસ ગુણોથી અનુભવી શકાય.

સર્વજ્ઞ

ભગવાન બધું જાણે છે! આત્મા પાસે ‘જોવા-જાણવાની’ અનંત શકિત છે.

આપણા ચર્મચક્ષુ કે કોઈ પણ પાંચ ઈન્દ્રિયો એ કોઈ વસ્તુને જોવા કે જાણવા માટે માત્ર બાહ્ય સાધન છે. જે જોનાર અને જાણનાર મુખ્ય તત્ત્વ છે એ આત્મા છે અને આ જગતમાં બીજું બધું જ એ માત્ર જોવા અને જાણવા માટે ના ઓબ્જેક્ટ (જ્ઞેય) છે.

આત્મા માત્ર આ સંસારી બાહ્ય ઓબ્જેક્ટ (જ્ઞેય)ને જ નહીં પરંતુ દરેકની મહીં રહેલા અંતઃકરણના ભાગ જેવા કે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, માન્યતાઓ, અભિપ્રાયો, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ વગેરેને પણ ચોક્કસ રીતે (સૂક્ષ્મતાએ) જોઈ અને જાણી શકે છે.

આત્મા આ ઓબ્જેક્ટ (જ્ઞેય)ને પોતાના અનંત દર્શનની શક્તિ દ્વારા જોઈ શકે છે; પોતાના અનંત જ્ઞાન એવા ગુણને લીધે તે નિજ તત્ત્વ સહિત બધા જ શાશ્વત (અવિનાશી) તત્ત્વોની પ્રત્યેક અવસ્થાઓનું જ્ઞાન ધરાવે છે.

આત્મા એ બીજું કંઈ નહીં પણ ચૈતન્ય ઘન, અખંડ નિરંતર જ્ઞાન સ્વરૂપ છે. આમ ભગવાનને સર્વજ્ઞ કે જાણકાર કહ્યા છે!!!

ઈશ્વરીય: સર્વશક્તિમાન

અનંત શક્તિ એ આત્માનો બીજો એવો સ્વાભાવિક ગુણ છે કે, જે આ જગતની અનંતી ચીજો (અનંતા જ્ઞેયો)ને જોવા-જાણવા છતાં તેમાં તન્મયાકાર નથી થતો.

આત્માની ઉપર જુદા જુદા પ્રકારના કર્મના પરમાણુઓ આવરણ સ્વરૂપે રહેલા છે અને તે મોક્ષમાર્ગમાં આત્માના કલ્યાણ માટે અનંત સમયથી અસંખ્યાત વિઘ્નો ઊભા કરે છે. જો કે, આત્મા પોતાના અનંત શક્તિના સ્વાભાવિક ગુણને લઈને, પોતાનું સંપૂર્ણ શુદ્ધત્વ જાળવીને, આ દરેક પરમાણુથી જુદા રહેવાને સમર્થ છે.

આ અનંત શક્તિના લીધે તે કોઈ પણ બાહ્ય વસ્તુમાં તન્મયાકાર થતો નથી કે ભોગવતો નથી, અને હંમેશાં પોતાના સ્વભાવમાં જ રહે છે, જે પોતાની અનંત શક્તિ દર્શાવે છે. જેમ કે, અનંત શકિત વાળા સર્વશક્તિમાન ભગવાન!!

અનંત સુખ

સંસારી સુખો, સુખ-દુઃખના મિશ્રણ સહિત છે; આ સુખો સ્વભાવે ટેમ્પરેરી (વિનાશી) હોય છે અને તેથી જ તે આવે અને જાય છે. જ્યારે આત્માને ક્યારેય પણ, કોઈ પણ સંસારી સુખો કે મોહનીય કર્મોમાં કે જે આ ભ્રાંતિરૂપ સુખમાં આકર્ષણ કરાવે છે, તેમાં પણ રાગ કે આકર્ષણ થતું નથી અને બીજી તરફ, બહારના સંજોગો ગમે તેટલા ભારે વેદનીયવાળા હોય તો પણ આત્માને કે જે ભગવાન છે તેમને કિંચિતમાત્ર પણ ભોગવટો નથી આવતો. આવું છે કારણ કે, આત્માનું પોતાનું દ્રવ્ય જ પરમ સુખનું ધામ છે.

ભગવાન હંમેશાં આ અનંત સુખમાં એકાકાર હોય છે – આત્માનું શાશ્વતું સુખ કે જે ક્યારેય પણ, કોઈ પણ સંજોગોમાં ખલાસ થતું નથી અને તે હંમેશાં સાથે પરમેનેન્ટ રહે છે. તો આવું છે ભગવાનના અનંત સુખનો ગુણ!!

અસંગ

પોતાના સ્વાભાવિક ગુણથી જ આત્મા સર્વ શાશ્વત તત્ત્વોથી સંપૂર્ણ અસંગ(વીતરાગ) જ છે.

આપણે હંમેશા કહીએ છીએ કે, ‘હું મારા રાગ-દ્વેષથી મુક્ત થવા (છૂટવા) માંગુ છું.’ આપણે આવું કહીએ છીએ કારણ કે આપણે જાણતા નથી કે આત્મા ક્યારેય પણ રાગ અને દ્વેષના પરમાણુથી મલિન થતો નથી કે રંજિત (કલંકિત) થતો નથી. તે હંમેશાં જુદો જ રહે છે અને તેથી જ સર્વ પ્રકારના રાગથી સર્વથા મુક્ત જ છે. તે ક્યારેય પણ કોઈ જ વસ્તુથી કે વ્યક્તિથી આકર્ષણ પામ્યો નથી, કે નથી તેને કોઈ પણ સુખ કે દુઃખ ભોગવ્યા.

આ દેહ સંસારની સર્વ વસ્તુઓની સાથે હોવા છતાં, મહીં રહેલો આત્મા પોતાના સ્વભાવથી જ અસંગ (બંધનોથી મુક્ત) જ છે અને તેથી જ આ જગતની કોઈ પણ વસ્તુ ક્યારેય પણ આત્માને અસર કરી શકી નથી કે કરી શકશે પણ નહીં. આત્મા સર્વથા તમામ લેપાયમાન ભાવોથી સર્વથા નિર્લેપ જ રહ્યો છે કારણ કે, લેપાયમાન ભાવો પોતે જડના બનેલા છે આત્માના નથી.

આત્મજ્ઞાન (જ્ઞાનવિધિ) પ્રાપ્ત થયા પછી, જો કોઈ વ્યક્તિ ઝઘડો કરે, તો પણ તેને કોઈ પણ પ્રકારનો રાગ કે દ્વેષ થતો નથી. કારણકે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરેલ વ્યક્તિ જાણે છે કે, ‘હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું.’

ભગવાન એટલે કે જે સર્વ રાગથી સર્વથા મુક્ત જ છે!

પ્રેમ સ્વરૂપ

ભગવાન એટલે બસ પ્રેમ જ. શુદ્ધ પ્રેમ એ પણ ભગવાનનો એક ગુણ છે!

કોઈને એવો વિચાર આવશે કે ભગવાન વીતરાગ અને ભગવાન શુદ્ધ પ્રેમ સ્વરૂપ? એવું કઈ રીતે શક્ય છે?

આવું છે કારણ કે શુદ્ધ પ્રેમ અને સંસારી પ્રેમ એ બન્ને જુદી જ વસ્તુ છે. શુદ્ધ પ્રેમ એ રાગથી મુક્ત છે; અને તેથી જ તે સર્વ અપેક્ષા, ઘાટ, શરત, ભેદ ભાવ ના કચરાથી કે દરેક જીવમાત્ર માટે પક્ષાપક્ષી થી રહિત છે.

ભગવાન પ્રેમ સ્વરૂપ છે, કે જે એમનો પ્રેમ દરેક જીવમાત્ર માટે દરેક ક્ષણે નિરંતર વહી રહ્યો છે!

શુદ્ધ

ભગવાન એ સંપૂર્ણ શુદ્ધ છે. ગમે તેવા બાહ્ય સંજોગો હોય, ગમે તેટલા મોટી અને ગંભીર (ખરાબ) અશુદ્ધિઓ આત્મા પર આવરણ સ્વરૂપે રહેલી હોય, પણ આત્માને ક્યારેય બગાડી શકતી નથી. આત્મા એ સર્વથા સંપૂર્ણ શુદ્ધ હતો, છે અને રહેશે – આવો છે આત્માનો આ ગુણ!

સંયોગોના કારણે, જડતત્ત્વ અને આત્મતત્ત્વ બન્ને યુગોયુગોથી સાથે જ રહેલા છે પરંતુ, બન્નેમાંથી કોઈ પણ તત્ત્વએ પોતાના સ્વાભાવિક ગુણ ગુમાવ્યા નથી. જેવી રીતે જો આપણે પાણી અને તેલ એક બોટલમાં મિક્સ કરીએ અને એકદમ હલાવીએ તો, તેલ તેની જગ્યા એ જ રહેશે અને પાણી પોતાની જગ્યાએ છૂટું પડી જશે, કારણ કે બન્ને ટંકોત્કીર્ણ સ્વભાવના છે.

એવી જ રીતે, આપણો આત્મા હંમેશાં આ દેહથી શુદ્ધજ્ઞાન સ્વરૂપે જુદો જ રહે છે. ઘણા બધા જીવસ્વરૂપોમાં જેવા કે, ઝાડ, પશુ, મનુષ્ય, દેવગતિમાંથી પસાર થવા છતાંય, આત્માની શુદ્ધતા ક્યારેય પણ કિંચિ‌ત્‌માત્ર પણ કલંકિત (રંજિત) થઈ નથી.

આવું છે કારણ કે, અક્રમ વિજ્ઞાનમાં, જ્ઞાની પુરુષ આપણી પર ભગવાનની કૃપા વરસાવીને, માત્ર એક જ કલાકના સમયમાં જ આત્મા ને અનાત્મ તત્ત્વને છૂટા પાડી દે છે.

અરૂપી અને અમૂર્ત

પાંચ ઈન્દ્રિયોથી આપણે જે કંઈ પણ અનુભવ કરીએ છીએ; મન, બુદ્ધિ, અહંકાર, વાણી વગેરે સહિત બધું જ મૂર્ત છે, જ્યારે આત્મા અમૂર્ત છે. આત્માને કોઈ શરીર હોતું જ નથી.

દેહની મહીં જે અમૂર્ત (અગોચર) ભાગ છે તે આત્મા છે. આત્મા એ જ્ઞાન છે અને જ્ઞાન એ અમૂર્ત છે. જ્ઞેયો (વસ્તુઓ) કે જે જ્ઞાન દ્વારા જોવાય છે, તે મૂર્ત સ્વરૂપી અને રૂપી છે, પરંતુ જ્ઞાન એ અમૂર્ત (અગોચર) છે.

તો ભગવાન એ દરેક જીવમાત્રની મહીં બિરાજેલા છે, પરંતુ અમૂર્ત છે અને તેમનું કોઈ રૂપ કે આકાર નથી!

સૂક્ષ્મ

ભગવાન સૂક્ષ્માતિસૂક્ષ્મ છે. આત્મા એ એટલો સૂક્ષ્મ છે કે અગ્નિ તેને બાળી શકતો નથી કે પર્વત તેને રોકી શકતો નથી! હા, આત્મા પર્વતની આરપાર, અગ્નિની આરપાર, કોઈ પણ વસ્તુની મહીંથી ગમે તેવા કોઈ પણ પ્રકારના વિઘ્ન વિના નીકળી જાય છે.

ભગવાનને કંઈ પણ થઈ શકતું નથી. કારણ કે, આત્માને કોઈ સ્પર્શ કરી શકતું નથી. ભગવાન એવા સૂક્ષ્મ છે!

અવિનાશી

આત્માનો વિનાશ કરી શકાતો નથી. વિનાશી (ટેમ્પરરી) વસ્તુ નાશવંત છે; તે વસ્તુઓ અસ્તિત્વમાં આવે છે અને થોડા ટાઈમ પછી તેનું અસ્તિત્વ રહેતું નથી, જ્યારે શાશ્વત વસ્તુઓ અવિનાશી હોય છે.

ભગવાન શાશ્વત છે માટે અવિનાશી છે!

અગુરુ-લઘુ

આત્મા સ્વાભાવિક રીતે જ ક્યારેય પણ લઘુ કે ગુરુ થતો નથી. (વધતો નથી કે ઘટતો નથી).

ક્રોધ, માન, માયા, લોભ એવા છે કે જે હંમેશાં લઘુ અને ગુરુ (વધ-ઘટ થાય એવું) થતા રહે છે. જેવી રીતે આપણે ક્રોધને વધતો અને ઓછો થતો જોઈએ છીએ, આપણી બધી જ નબળાઈઓ અને શક્તિઓ એવા જ સ્વભાવની છે, વધે કે ઘટે છે, અહંકારનો સ્વભાવ પણ એલિવેટ અને ડિપ્રેસ થઈ જાય એવો છે.

દરેક જે વધે છે કે ઘટે છે તે ટેમ્પરરી સ્વભાવનું છે અને આત્મા તેમાંથી એકમાં પણ ક્યારેય પણ તમન્યાકાર થતો નથી. તો આવી રીતે, ભગવાન પરમેનન્ટ (શાશ્વત) અને અગુરુ-લઘુ છે; તેઓ ક્યારેય પણ વધતા નથી કે નષ્ટ થતા નથી, તેઓ ક્યારે વધ-ઘટ થતા નથી!

અવ્યાબાધ

દુઃખાવો કે મુશ્કેલીઓ (પીડા કે બાધા) આત્માને ક્યારેય સ્પર્શતી નથી. આત્માના સ્વાભાવિક ગુણ એવો છે કે તે કોઈને પણ દુઃખ આપી શકે નહીં કે કોઈના નિમિત્તે પોતે દુઃખી પણ થઈ શકે નહીં; તે કોઈને પણ પીડા પહોંચાડી શકે નહીં કે કોઈ પણ તેને પીડા આપી શકે નહીં; તે કોઈને મારી શકે નહીં કે કોઈ તેને મારી શકે નહીં.

આત્માને ક્યારેય પણ કશું થઈ શકે જ નહીં. જેમ જેમ ભગવાનને અનુભવવા માટેના માર્ગમાં પોતાની પ્રગતિ થતી જાય તેમ તેમ પોતે આ ગુણોનો વધુ ને વધુ સ્પષ્ટ અનુભવ કરી શકે.

અનંત ઐશ્વર્ય

આત્માના ગુણો અસીમિત, અસાધારણ, અજોડ, અસામાન્ય અને અનંત છે. ભગવાનના ગુણો ખૂબ જ, ખૂબ જ જુદા છે; એ ગુણો એવા છે કે જે આપણે ક્યારેય પણ આ બાહ્ય જગતમાં જોયા જ નથી.

આ જ ભગવાનનું ઐશ્વર્ય છે.

Related Questions
  1. ભગવાન શું છે?
  2. ભગવાન કોણ છે?
  3. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
  4. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
  5. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
  6. શું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે એકત્રિત થઈને આ વિશ્વની રચના કરી?
  7. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
  8. ભગવાનને પ્રાર્થના કેવી રીતે કરવી?
  9. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
  10. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
  11. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
  12. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
  13. મૂર્તિપૂજાનું મહત્વ શું છે?
  14. ભગવાનના ગુણધર્મો કયા છે?
  15. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
  16. ભગવાન પદની પ્રાપ્તિ કઈ રીતે કરવી?
  17. દુર્ગાદેવી અને અંબેમાતા કોણ છે?
  18. મા સરસ્વતી શું સૂચવે છે?
  19. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
×
Share on