Related Questions

ભગવાનને પ્રાર્થના કેવી રીતે કરવી?

પ્રાર્થનાનું મહત્ત્વ

પ્રાર્થના એ ભગવાન સાથે કનેક્ટ (અનુસંધાન) કરવાનું એક માધ્યમ છે અને તમે ભગવાન પાસેથી શક્તિઓ પણ મેળવી શકો છો.  

પ્રાર્થના, આપણા સર્વાંગી વિકાસ (પ્રગતિ) માટે બહુ જ જરૂરી છે, જેના વગર કદાચ આપણે લપસી પડીએ. જ્યારે તમે ભગવાનને પ્રાર્થના કરો છો, ત્યારે નમ્ર થાઓ છો, કે જે સાચી દિશામાં પ્રગતિ કરવા માટેની સૌથી મુખ્ય વસ્તુ છે. 

ભગવાનને કેવી રીતે પ્રાર્થના કરવી

  1. માત્ર શબ્દોનું પઠન (જપ) કરવા કરતા કોઈ પણ પ્રાર્થના ન કરવી એ સારું; પરંતુ સાચી સમજણ અને આશય સાથે પ્રાર્થના કરવાથી સારા પરિણામ પ્રાપ્ત થાય છે.
  2. પ્રાર્થના સમયે તમારું ધ્યાન ભગવાન અને પ્રાર્થના પર હોવું જોઈએ. તે અહીં તહી ભટકવું ના જોઈએ.
  3. પ્રાર્થના જ્યારે સિન્સયરલી (નિષ્ઠાપૂર્વક) અને સાચા દિલથી કરવામાં આવે ત્યારે, ખરા એવિડન્સને (સંજોગને) તમારી તરફેણ (પક્ષમાં) લાવી ભેગા કરે છે.
  4. પ્રાર્થના હંમેશાં સારા કાર્ય માટે હોવી જોઈએ. તમારે તમારા પોતાના સ્વાર્થ માટે કે બીજાને નુકસાન પહોંચાડવા માટે ક્યારેય પણ પ્રાર્થના ન કરવી જોઈએ. અંતે તો એમાં તમને જ નુકસાન થશે. જ્યારે તમે સર્વના કલ્યાણ માટે પ્રાર્થના કરો છો, ત્યારે તમે તેમાં સમાઈ જ જાવ છો.
  5. એવી રીતે પ્રાર્થના કરો કે જે ગાઢ અંતર શાંતિમાં પરિણમે.
  6. તમારી રોજબરોજના જીવન વ્યવહારમાં પ્રાર્થનાને વણી લેવી તે એક સારી આદત છે, જો તમે તેને એક રાબેતા મુજબના (નીરસ) કાર્ય તરીકે ન લેતા ઉત્સાહથી કરો તો.   

ક્યારે અને શા માટે પ્રાર્થના કરવી:

જેવું તમે જાણો જ છો કે, પ્રાર્થના કોઈ એક વિશેષ કારણ (કાર્ય) માટે કરવામાં આવે છે. તેથી તમારે એવું ચિંતવન કરવું જોઈએ કે તમે ભગવાનની સામે ઊભા છો અને તેમની પાસે શક્તિ માગો છો કે તમે આ કાર્ય પૂરું કરી શકો.  

અહીં અમુક પ્રાર્થનાઓ છે કે જે લાંબા સમયે આપણી મહીં એક સુંદર વ્યક્તિત્વ ખિલવીને આપણું ભવિષ્ય સુરક્ષિત બનાવે છે:

પ્રાર્થના દરરોજ સવારે

જ્યારે તમે સવારે ઊઠો ત્યારે, એવા શુદ્ધ ભાવ સાથે પ્રાર્થના કરો કે:

હે ભગવાન! મારા મન-વચન-કાયાથી આ જગતમાં કોઈ પણ જીવને કિંચિ‌ત્‌માત્ર પણ દુઃખ ના હો.  

આ પ્રાર્થના હૃદયથી અને નિષ્ઠાપૂર્વક કરવાથી તમારી અંદર બદલાવનો સાગર લાવશે! તમારા શરીરના બધા જ પરમાણુ કોઈને પણ દુઃખ ના થાય તેવી સ્થિતિ (અવસ્થા)માં પરિવર્તિત થઈ જશે અને એક દિવસ એવો આવશે કે કોઈને પણ તમારાથી દુઃખ નહીં થાય.  

જ્યારે તમારાથી કોઈને દુઃખ થાય ત્યારે  

જો તમારાથી કોઈ પણ વ્યક્તિને જાણ્યેઅજાણ્યે દુઃખ થાય, તો જે વ્યક્તિને તમારાથી દુઃખ થયું હોય તેની મહીં બિરાજેલ આત્મા (ભગવાન) પાસે હૃદયમાં પસ્તાવા સહિત માફી માંગો

હે ભગવાન! મારા મન-વચન-કાયાથી આપને દુઃખ થયું છે. તેની માફી માંગુ છું, (તેનો હૃદયપૂર્વક પસ્તાવો કરું છું) મને માફ કરો. અને ફરી આવી ભૂલો ક્યારેય પણ નહીં કરું એવો દ્રઢ નિશ્ચય કરું છું. (હું આવી ભૂલો ફરી કરવા માગતો/માગતી નથી) અને આવી ભૂલો ફરી ક્યારેય ના કરું તે માટે મને પરમ શક્તિ આપો.  

તમારા પસ્તાવાનું પ્રમાણ (તીવ્રતા) તમે જે વ્યક્તિને દુઃખ આપ્યું છે તેટલા જ પ્રમાણમાં હોવી જોઈએ. જો તમે આ પ્રેક્ટિસ રોજના વ્યવહારમાં મૂકી દો તો, તમને જલદીથી એવો અનુભવ થશે કે તમારા સંબંધો જ્યાં તે બગડી જવાની શક્યતા હોય ત્યાં સુધરી જશે અને તે તમારા બાકીના જીવન માટે તંદુરસ્ત (સારા) સંબંધોને કેળવવામાં મદદ કરશે.  

પોતાની ભૂલમાંથી બહાર નીકળવા માટેની પ્રાર્થના  

ભૂલો થશે; તે કુદરતી છે કારણ કે, આપણે સામાન્ય મનુષ્ય છીએ. મહત્ત્વનું એ છે કે એમાંથી મુક્ત કેવી રીતે થવું?  

જ્ઞાની પુરુષ આપણી ભૂલોમાંથી મુક્ત થવાનો પવિત્ર રસ્તો બતાડે (દર્શાવે) છે! 

આખા દિવસ દરમ્યાન થયેલી ભૂલોનું લિસ્ટ બનાવો. રાત્રે સૂતા પહેલા તમારા લિસ્ટની દરેક ભૂલો માટે ભગવાન પાસે માફી માંગો.  

હે ભગવાન! મારાથી આ ભૂલ થઈ છે. મને માફ કરો! અને ફરી આવી ભૂલ ના કરું તે માટે મને શક્તિ આપો.  

ભૂલો થયા ફરી ફરી થયા કરશે. કારણ કે, ભૂતકાળમાં આપણે ક્યારેય ભગવાનને આ ભૂલોમાંથી બહાર નીકળવાની પ્રાર્થના કરી જ નથી. હવે, આવી (ઉપરની) પ્રાર્થના કરીને નાની નાની ભૂલોનું અદ્રશ્ય થવાનું શરૂ થઈ જશે અને મોટી ભૂલો નરમ થતી જશે. ભૂલોમાંથી બહાર નીકળી શકાય એવું છે, એનાથી ઉત્તમ તો બીજી કોઈ વાત જ નથી. તો આવી પ્રાર્થના નિયમિત રીતે ભૂલોમાંથી બહાર નીકળવા માટે કરવી. પરંતુ, હકારાત્મક વલણથી (પોઝિટિવિટીથી) અને અપરાધભાવથી (ડિપ્રેશનમાં આવીને) નહીં.  

સારી રીતે અભ્યાસ કરી શકાય તે માટેની પ્રાર્થના (પછી એ ભણતર હોય કે આધ્યાત્મ)  

શાંત જગ્યાએ બેસો. તમારી આખો બંધ કરો અને નીચેના શબ્દો ૧૦ મિનિટ માટે એક-એક અક્ષર વાંચતાં વાંચતાં બોલો.  

"દાદા ભગવાનના અસીમ જય જયકાર હો!" 

દાદા ભગવાન આપણી અંદર બિરાજેલા પરમાત્મા જ છે. તમારી ઈચ્છા હોય તો તમે જે ભગવાનને ભજતા હોય તેમનું નામ પણ લઈ શકો છો. 

"દાદા ભગવાનના અસીમ જય જયકાર હો!"ની ઓડિયો તમને અહીંથી મળશે.

જ્યારે કોઈ તમને હેરાન (વ્યાધિ) કરતું હોય ત્યારે કરવા યોગ્ય પ્રાર્થના  

જ્યારે તમને કોઈ હેરાન (વ્યાધિ) કરતું હોય અને જો તમને ત્યારે તે વ્યક્તિ માટે દ્વેષ થશે, તો આ બધું તમને અજંપો કરાવશે અને વધુમાં તે વ્યક્તિ તમારા માટે વેર રાખશે. તેના બદલે તમે તે વ્યક્તિની મહીં બિરાજેલ શુદ્ધાત્મા ભગવાનને હૃદયથી પ્રાર્થના કરો:  

હે ભગવાન! તેઓ પણ પોતાની ભૂલો જોઈને તેમાંથી બહાર નીકળી શકે એ માટે તેમને સાચું જ્ઞાન મળી રહે. 

આવું કરવાથી તમને શાંતિ રહેશે અને તમારી પ્રાર્થનાઓથી સામેની વ્યક્તિનો વ્યવહાર પણ ધીમે ધીમે તમારી સાથે સુધરશે.

જ્યારે કોઈ મરણ પથારીએ હોય ત્યારે પ્રાર્થના  

આ પ્રાર્થના તમે દિલથી કરો. જો શક્ય હોય તો મરણ પથારીએ રહેલા તમારા સ્વજનને આ પ્રાર્થના કરવાનું કહો અને તેઓ સતત ભગવાનમાં ચિંતવનમાં જ રહે અને ખરા આશય સાથે તેમની સ્પષ્ટ રૂપરેખા તેમના મનમાં રહ્યા કરે તેવું ધ્યાન રાખો: 

હે ભગવાન! મને આ જગતની કોઈ વિનાશી ચીજ જોઈતી નથી. મને મોક્ષ જ જોઈએ છે. મારા અંતિમ સમયે હાજર થાજો. મોક્ષ જતા સુધી મારી જોડે જ રહેજો! મારો આવતો ભવ તમારા શરણમાં જ હોજો!  

આધ્યાત્મિક પ્રગતિ અને શક્તિ માટે પ્રાર્થના  

આપણે આપણા જીવનમાં કર્મોના બોજા કે જે આપણા આત્મા (આવરણરૂપે) પર છે, તેને લીધે ભોગવટામાં રહીએ છીએ. જેમ જેમ કર્મો ઓછા થતા જાય, તેમ તેમ આપણે શુદ્ધ થતા જઈએ અને આપણા ભોગવટા પણ ઓછા થતા જાય છે. માત્ર નીચે આપેલી નવ પ્રાર્થના બોલવાથી કે જેમાં સર્વોત્કૃષ્ટ ભાવનાઓ સમાયેલી છે કે, જે ધીમે ધીમે અને સતત તમને સંપૂર્ણ રીતે શુદ્ધ થવામાં મદદ રૂપ થશે. 

  1. હે શુદ્ધાત્મા ભગવાન! મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિ‌ત્‌માત્ર પણ અહમ્ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ દેહધારી જીવાત્માનો કિંચિ‌ત્‌માત્ર પણ અહમ્ ન દુભાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો.
  1. હે શુદ્ધાત્મા ભગવાન! મને કોઈ પણ ધર્મનું કિંચિ‌ત્‌માત્ર પણ પ્રમાણ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈપણ ધર્મનું કિંચિ‌ત્‌માત્ર પણ પ્રમાણ ન દુભાવાય એવી સ્યાદવાદ વાણી, સ્યાદવાદ વર્તન અને સ્યાદવાદ મનન કરવાની પરમ શક્તિ આપો.
  1. હે શુદ્ધાત્મા ભગવાન! મને કોઈ પણ દેહધારી ઉપદેશક, સાધુ-સાધ્વી કે આચાર્યનો અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરવાની પરમ શક્તિ આપો.
  1. હે શુદ્ધાત્મા ભગવાન! મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિ‌ત્‌માત્ર પણ અભાવ, તિરસ્કાર ક્યારેય પણ ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો.
  1. હે શુદ્ધાત્મા ભગવાન! મને કોઈપણ દેહધારી જીવાત્મા સાથે ક્યારેય પણ કઠોર ભાષા, તંતીલી ભાષા ન બોલાય, ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો મને મૃદુ, ઋજુ ભાષા બોલવાની શક્તિ આપો.
  1. હે શુદ્ધાત્મા ભગવાન! મને કોઈપણ દેહધારી જીવાત્મા પ્રત્યે, સ્ત્રી-પુરુષ અગર નપુંસક, ગમે તે લિંગધારી હોય, તો તેના સંબંધી કિંચિ‌ત્‌માત્ર પણ વિષય-વિકાર સંબંધી દોષો, ઈચ્છાઓ, ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો.
  1. હે શુદ્ધાત્મા ભગવાન! મને કોઈપણ રસમાં લુબ્ધપણું ન કરાય એવી શકિત આપો. સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો.
  1. હે શુદ્ધાત્મા ભગવાન! મને કોઈપણ દેહધારી જીવાત્માનો, પ્રત્યક્ષ અગર પરોક્ષ, જીવંત અગર મૃત્યુ પામેલાનો કોઈનો કિંચિ‌ત્‌માત્ર પણ અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરાય, ના કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો.
  1. હે શુદ્ધાત્મા ભગવાન! મને જગતકલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો.  

પ્રાર્થના હંમેશાં હૃદયથી હોવી જોઈએ બુદ્ધિથી નહીં. તમે જ્યારે પણ ચિંતા કે તણાવ, મૂંઝવણમાં કે શંકામાં હોવ ત્યારે, હળવા થઈને, ભગવાનને પ્રાર્થના કરો. તમને તુરંત જ આગળનો રસ્તો મળી જશે અને તમે સમસ્યાના સમાધાન પણ પ્રાપ્ત થશે. તો આવી છે પ્રાર્થનાની શક્તિ! 

Related Questions
  1. ભગવાન શું છે?
  2. ભગવાન કોણ છે?
  3. શું ભગવાનનું અસ્તિત્વ છે? ભગવાન ક્યાં છે?
  4. ભગવાનને કોણે બનાવ્યા? ભગવાન ક્યાંથી આવ્યા હતા ?
  5. શું ભગવાને આ જગત બનાવ્યું છે?
  6. શું બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે એકત્રિત થઈને આ વિશ્વની રચના કરી?
  7. વર્તમાને શું કોઈ જીવંત ભગવાન હાજર છે? તેઓ ક્યાં છે? તેઓ આપણને કેવી રીતે મદદ કરી શકે?
  8. ભગવાનને પ્રાર્થના કેવી રીતે કરવી?
  9. શું મારા ખરાબ કર્મ માટે ભગવાન મને માફ કરશે કે સજા આપશે?
  10. ભગવાન, જ્યારે મને તમારી જરૂર હોય છે ત્યારે તમે કયા હોવ છો? ભગવાન કૃપા કરીને મને મદદ કરો!
  11. ભગવાનનો પ્રેમ કેવી રીતે પ્રાપ્ત કરવો.
  12. ભગવાન પર ધ્યાન એકાગ્ર કેવી રીતે કરવું?
  13. મૂર્તિપૂજાનું મહત્વ શું છે?
  14. ભગવાનના ગુણધર્મો કયા છે?
  15. ભગવાનનો ખરો અનુભવ કરવા માટેની ચાવી કઈ છે?
  16. ભગવાન પદની પ્રાપ્તિ કઈ રીતે કરવી?
  17. દુર્ગાદેવી અને અંબેમાતા કોણ છે?
  18. મા સરસ્વતી શું સૂચવે છે?
  19. દેવી લક્ષ્મીજી ક્યાં રહે છે? એમના કાયદા શું છે?
×
Share on