Related Questions

મોક્ષ/મુક્તિ/સ્વતંત્રતાનો શું અર્થ છે? વ્યક્તિ શા માટે મોક્ષની શોધ કરે છે?

જુદી જુદી વ્યક્તિઓ માટે મોક્ષ/મુક્તિ/સ્વતંત્રતાનો અર્થ જુદો જુદો થાય છે. જો કે, આધ્યાત્મિક માર્ગમાં તે એક જ અર્થમાં સિમિત થઈ જાય છે.

“મોક્ષ (મુક્તિ) એટલે શાશ્વત આનંદ; બધા દુ:ખોમાંથી કાયમનો છુટકારો!”
- પરમ પૂજ્ય દાદા ભગવાન  

દરેક જીવ સુખની શોધમાં હોય છે. આપણે જે કંઈ પણ કરીએ છીએ તે સુખી થવા માટે કરીએ છીએ. સુખની શોધમાં હોવું એ દરેક જીવનો સહજ સ્વભાવ હોય છે. એક બાળક તરીકે તે રમકડામાં, રમતોમાં અને તેને વહાલ કરે, રમાડે તેમાં સુખ અનુભવાય છે. જેમ જેમ મોટા થતા જઈએ તેમ તેમ તેના સુખના સાધનો બદલાતા જાય છે, પરંતુ સુખની શોધ ચાલુ જ રહે છે. વ્યક્તિ પૈસામાં, ચીજવસ્તુઓમાં, સંબંધોમાં, મોભામાં વગેરેમાં સુખ શોધે છે. આ બધું – ચીજવસ્તુઓ, સંબંધો વગેરે થોડા સમય પછી આપણને છોડી દે છે અથવા આપણે તેને છોડી દઈએ છીએ. જ્યારે આપણને તે છોડી દે છે, ત્યારે જેટલા પ્રમાણમાં આપણે તેમાંથી સુખ લીધું હતું, તેટલા જ પ્રમાણમાં દુ:ખ આપે છે. માટે, આ દુનિયા કાયમી સુખ પાછળ દોડે છે પરંતુ, ક્ષણીક સુખો જ પ્રાપ્ત થાય છે જે દુ:ખમાં પરિણમે છે. મોક્ષનો અર્થ બીજો કાંઈ નથી કાયમી સુખ જ છે.

ચાલો, કાયમી સુખ વિશે પરમ પૂજ્ય દાદા ભગવાન સાથેનો સંવાદ વાંચીએ. 

પ્રશ્નકર્તા: હું પોતાની જાતની શોધમાં છું. 

દાદાશ્રી: બહુ જૂજ લોકો પોતાની જાતને ઓળખી શકે છે. દરેક જીવ પોતાની જાતની શોધમાં હોતો નથી. તે બધા શેની શોધમાં હોય છે? તે બધા સુખની શોધમાં હોય છે; કોઈ પણ જીવને દુ:ખ ગમતું નથી. ભલે ને તે નાનકડું જીવડું હોય કે મનુષ્ય હોય, કોઈને દુ:ખ ગમતું નથી. બધા લોકો પાસે જો કે સુખ છે જ પરંતુ, તેનાથી તેઓને સંતોષ હોતો નથી. તેની પાછળ શું કારણ છે? તેઓ પાસે જે સુખ છે તે સાચુ સુખ નથી. સાચું સુખ તો એ છે કે જે એક વખત અનુભવમાં આવે પછી ક્યારેય જતું નથી. દરેક તેવા સુખની જ શોધમાં હોય છે. મનુષ્ય જન્મમાં આ પ્રકારના સુખના અનુભવને મોક્ષ કહે છે (દરેક પ્રકારના દુ:ખોથી મુક્તિ). જ્યારે જીવના દરેક કર્મોનો અંત આવે છે ત્યારે અંતિમ મોક્ષ થાય છે. પરંતુ, પહેલા પ્રકારનો મોક્ષ તો અહીં જ આ જન્મમાં જ થાય છે. કષાય (ક્રોધ, માન, માયા અને લોભ) ઉત્પન્ન થતા જ નથી. શું તમને કોઈ કષાયનો અનુભવ છે? 

પ્રશ્નકર્તા: હા, છે. 

દાદાશ્રી: શું તમને કષાય ગમે છે? 

પ્રશ્નકર્તા: મને તે ગમતાં નથી, પરંતુ તે થયા કરે છે. 

દાદાશ્રી: કષાય જ ખરેખર દુ:ખ–દર્દનું કારણ છે. આખો સંસાર કષાયમાં જ છે. તેઓને કષાય ગમતા નથી, પરંતુ તેઓ તેમાં ફસાયા કરે છે. દરેક લોકો કષાયના સકંજામાં છે, તેથી બિચારા માણસો શું કરે? તેઓ તો ઘણું એવું ઈચ્છે છે કે ગુસ્સે થવું નથી અને છતાં અનિવાર્યપણે તેઓ ગુસ્સે થઈ જાય છે. તમે કેવું સુખ ઈચ્છો છો, ક્ષણીક કે કાયમી? 

પ્રશ્નકર્તા: દરેક લોકો કાયમી સુખ જ ઈચ્છે છે. 

દાદાશ્રી: અને છતાં લોકો કાયમી સુખ મેળવી શકતા નથી. તેની પાછળ શું કારણ છે? 

પ્રશ્નકર્તા: એવા આપણા કર્મો છે, બીજું તો શું હોય શકે? 

દાદાશ્રી: તમારા કર્મો ગમે તેવા હોય, પરંતુ તમે એવી વ્યક્તિને શોધી જ નથી કે જે તમને કાયમી સુખ બતાવી શકે અથવા આપી શકે. જો તમે જે વ્યક્તિએ આવું સુખ પ્રાપ્ત કર્યું છે તેને પૂછો તો તે જ તમને તેવા સુખની પ્રાપ્તિ કરાવી શકે છે, પછી તમારું કામ થઈ જશે. પરંતુ, તમને કોઈ એવી વ્યક્તિ મળતી નથી. માત્ર જ્ઞાની પુરુષ જ કાયમના સુખમાં, કાયમી અનંદમાં હોય છે. તે જ મોક્ષમાં રહે છે. જ્યારે તમને તે મળે છે ત્યારે તમારી સમસ્યાનો ઉકેલ આવી જાય છે. નહીં તો, તમારે એક ભવમાંથી બીજા ભવમાં ભટકવું પડે છે. આ યુગમાં તમે કાયમના સુખમાં કઈ રીતે રહી શકો? પોતાની જાતને ઓળખ્યા વિના તેમાં કઈ રીતે રહી શકાય? પોતાની જાતની અજ્ઞાનતા જ દુ:ખનું કારણ છે. 

પ્રશ્નકર્તા: શું દરેક મનુષ્યને મોક્ષ પ્રાપ્ત કરવાનો અધિકાર છે? 

દાદાશ્રી: દરેક જીવમાત્ર મોક્ષનો અધિકારી છે. એટલા માટે કે દરેક જીવમાત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ સુખ મેળવવા માટે અસંખ્ય ભવોથી ભટકે છે. જે શાશ્વત આનંદની શોધમાં હોય છે, તે મોક્ષ છે. 

×
Share on