જેને મોક્ષના માર્ગમાં આગળ પ્રગતિ કરવી હોય અને સતત તે જ માર્ગમાં આગળ વધવું હોય, તે સહુએ આ માર્ગમાં જે અડચણો આવે તે જાણવી જરૂરી છે. દરરોજ પોતાની જાતનું, પોતાના આંતરિક વલણોનું, જે આ માર્ગમાં અડચણરૂપ હોય તેનું તટસ્થતાથી નિરીક્ષણ, વિશ્લેષણ અને મૂલ્યાંકન કરવું પણ તેટલું જ જરૂરી છે. નીચે કેટલાંક બાધક કારણો દર્શાવેલા છે:
માન પ્રત્યે લગાવ: જ્યારે કોઈ આપણને ખૂબ આદર આપે, તો તે આપણામાં માનની લાગણી ઊભી કરે છે જેમાં ખરેખર ખૂબ મીઠાશ હોય છે. પરિણામે, આપણને માન પ્રત્યે લગાવ ઊભો થાય છે. જ્યાં સુધી સંસારી વ્યવહારમાં આવી મીઠાસ અનુભવાય ત્યાં સુધી આત્માની અવિરત જાગૃતિ શક્ય નથી. એવું એટલા માટે કે મીઠાશના કારણે જાગૃતિ મંદ પડી જાય છે.
માનનો આનંદ મેળવતી વખતે આપણો આત્માની જાગૃતિનો આનંદ નાશ પામે છે. જો કે, જ્યારે કોઈ વ્યક્તિ વધુ ને વધુ માન મેળવવાના પ્રયત્નો કરે છે, ત્યારે અંદર સંપૂર્ણ અંધકાર થઈ જાય છે. મોક્ષની દ્રષ્ટીએ સામાન્ય માન તો હજી માન્ય છે. જો કે, જેની સમગ્ર શક્તિ સતત એમાં જ વપરાયા કરે કે, “ક્યાંથી મને માન મળશે, જગત સમક્ષ હું કઈ રીતે માન અને પ્રતિષ્ઠા મેળવી શકું?”, તે વસ્તુ ખૂબ જ જોખમી છે. માન દૂર થઈ શકે પરંતુ, માનની ભીખ દૂર કરવી ખૂબ જ અઘરી છે. કૃપા દ્વારા પ્રાપ્ત થતા મુક્તિના માર્ગમાં પ્રગતિ માટે પોતાનું મહત્ત્વ હોવાનો વિચાર ધીમે ધીમે નાશ કરવો જોઈએ.
પ્રશંસાની લાલસા: જ્યારે વ્યક્તિને પોતાની પ્રશંસા વધુ ને વધુ સાંભળવાનું મન થયા કરે ત્યારે લાલસા ઊભી થાય છે; જેમાં વ્યક્તિ કેમ કરીને પોતાની પ્રશંસા થયા કરે તે શોધ્યા કરે છે. જ્યારે લોકો આપણી પ્રશંસા કરે અને આપણે આખો દિવસ તેના નશામાં ફર્યા કરે, તેને પ્રશંસાનો નશો કહે છે.
જ્યારે કોઈ એવું કહીને આપણી પ્રશંસા કરે કે, “તમે બહુ સરસ કર્યું!” ત્યારે આપણે તરત જ કર્તાપણાની મીઠાશ ચાખીએ છીએ. તેનું પરિણામ પછી આપણી આધ્યાત્મિકતામાં પડતીરૂપે આવે છે! લોકો આપણને ઉપર ચડાવશે; તેઓ આપણને ટોચ પર બિરાજિત કરશે અને આપણે પ્રશંસાને લાયક છીએ તેવું પણ માનશે. જો કે, લોકો જે વિચારે છે અને માને છે તેના માટે આપણે શું કરવું જોઈએ? છતાં, અહંકાર બધો રસ ભોગવી લે છે અને આપણને મુક્તિથી દૂર કરી દે છે. જ્યારે કોઈ સારું બોલે છે, તે આપણને ગમે છે; જ્યારે કોઈ આપણું ખરાબ બોલે છે, તે આપણને કડવું લાગે છે. જ્યારે કડવા અને મીઠામાં (અપમાન અને માનમાં) કોઈ ફરક રહેતો નથી, ત્યારે જાણવું કે આધ્યાત્મિક જ્ઞાન હાજર છે. જે વ્યક્તિ કડવા અને મીઠામાં ફરક રાખતો નથી, જ્યારે કોઈ પણ વસ્તુ તેને અસર કરતી નથી, ત્યારે તે આધ્યાત્મિક પ્રગતિ માટે પાત્ર થયો કહેવાય છે.
પૂજાવાની કામના : લોકો દ્વારા પૂજાવાની ઈચ્છા હોવી તે બીજો મોટો ખાડો છે. જે ક્ષણે કોઈ આપણી સામે હાથ જોડે છે અને આપણને ખૂબ પૂજ્યભાવથી નમે છે, તે ક્ષણે અંદર ખૂબ ખૂબ ગલગલિયા થવા લાગે છે. આપણને ગલગલિયા થવા લાગે છે અને તેથી, આ ક્ષણિક આનંદની લાલચમાં કીચડમાં ફસાઈ જઈએ છીએ. આ સંપૂર્ણપણે ખોટો માર્ગ છે. કીર્તિ અને પૂજાવાની તીવ્ર કામના જેવો ભયંકર રોગ બીજો કોઈ નથી.
કોણ પૂજાવું જોઈએ? આત્મા એક જ એવો છે કે જે ખરેખર પૂજાવો જોઈએ. તેથી દેહને પૂજાવાની શું જરૂર છે? આ દેહ કે જે એક દિવસ સ્મશાનમાં બળી જવાનો છે, તે દેહની પૂજા કરવાથી શું ફાયદો થવાનો છે? જ્યારે લોકો આપણા વખાણ કરે છે અને આપણને આવકારે છે, ત્યારે ધીમે ધીમે આપણને તેની ટેવ પડી જાય છે; તે આપણને જકડી રાખે છે, જેવી રીતે ચા પીવાની આદત પડી ગઈ હોય છે. પછી જ્યારે આપણને તે પ્રાપ્ત થતું નથી ત્યારે આપણે ખૂબ હતાશ થઈ જઈએ છીએ.
વ્યક્તિ ક્યારેક માન મેળવવા અને બીજા પાસેથી વખાણ સાંભળવા કપટ પણ કરી બેસે છે. અહીં તેને શેની ભૂખ હોય છે? પૂજાવાની કામના હોવી એ ભીખ સમાન છે. આવી ટેવ એક વખત પડી જાય છે પછી સહેલાઈથી જતી નથી. લોકો પોતાની અલગ દુનિયા બનાવે છે જ્યાં તેમનું પોતાનું મહત્ત્વ હોય અને એવી પરિસ્થિતિઓ શોધે છે કે તેઓ જ્યાં જાય ત્યાં માન મેળવે છે. જે લોકો પ્રશંસા અને કીર્તિનો લોભ રાખે છે તેઓ સત્ય પ્રાપ્ત કરી શકતા નથી. આ ખૂબ જ ભયંકર વસ્તુ છે; તેથી ચેતો!
“લોકો મારા વિશે શું કહેશે” તે જાણવાની જિજ્ઞાસા: મોક્ષના માર્ગમાં બીજો ભયંકર રોગ એ છે કે લોકો આપણા વિશે શું કહે છે તે જાણવા માટે ગુપ્ત રીતે સાંભળવું. બીજી વ્યક્તિ તેના વિશે શું કહેતી હશે તે જાણવા વ્યક્તિ ગુપ્તતાથી તે સાંભળવાનો પ્રયત્ન કરે છે. જો આપણે બીજા આપણા વિશે શું કહે છે તે સાંભળવામાં પડશું, તો આપણે આપણો વિવેક ગુમાવી દઈશું. આપણે જે સાંભળીએ છીએ તેના આધારે આપણા મગજમાં લોકો માટે ગાઢ અભિપ્રાય બંધાય જાય છે, જે લોકો આપણા માટે ખરાબ બોલતા હોય તેના માટે ખરાબ અભિપ્રાય અને જે આપણા વિશે સારું બોલતા હોય તેના વિશે સારો અભિપ્રાય. જે વ્યક્તિ મોક્ષે જવા ઈચ્છે છે, તેમણે કોઈ તેના વિશે ખરાબ વાતો કરે તો ખુશ થવું જોઈએ. એવું એટલા માટે કે, વાસ્તવમાં તે વ્યક્તિ તેના કર્મોમાંથી તેને મુક્ત કરે છે અને આ ખરાબ વાતો તેના પોતાના પર લઈ લે છે. જે આવું બોલતો હોય છે તે તો અમસ્તો જ બોલી નાખે છે પરંતુ, તે શબ્દો આપણા મગજ અને ઊંઘને બરબાદ કરી નાખે છે.
જો વ્યક્તિ એ જાણવાની ઈચ્છા રાખે કે, “જ્યારે હું નથી હોતો ત્યારે તેઓ મારા વિશે શું કહેતા હશે?” તો તે મોક્ષનો માર્ગ ચૂકી જાય છે. લોકો જે ઈચ્છે તે તેઓને કહેવા દો. જો આપણે દોષિત હશું તો દુનિયા બોલશે જ; તો પછી શા માટે આપણને તેનાથી વિરોધ હોવો જોઈએ? જો કોઈ આપણા વિશે ખરાબ બોલે તો તેને બોલવા દો, કારણ કે, તે આપણા જ હિતમાં છે. આપણે મજબૂત થવાની જરૂર છે. આ બાબતમાં નાનકડી એવી ભૂલ પણ મોક્ષના માર્ગમાં અતિશય સમસ્યાઓ સર્જી શકે છે. તે આપણામાં રહેલું કપટ છે જે લોકો આપણા વિશે શું કહે છે તે ગુપ્ત રીતે સાંભળવા પ્રેરાઈએ છીએ.
લોકો શું કહેશે તેનો ડર: “લોકો શું કહેશે?” તે આ દુનિયાનો મોટામાં મોટો રોગ છે. મોક્ષમાં વ્યક્તિ સામાજિક બંધનોના દબાણમાં આવતો જ નથી. સામાન્ય રીતે, વ્યક્તિ ભયમાંથી બહાર આવવા માટે કપટ અને છેતરપિંડીનો ઉપયોગ કરે છે, પરંતુ ભય શેનો? જે વ્યક્તિ દોષિત હોય તેને જ ભય લાગે, નહીં?
કોઈ પણ વ્યક્તિ કે જેને છૂટવા માટે તીવ્ર ઈચ્છા અને ઝંખના હોય તેને મુક્તિના માર્ગની કોઈ પણ અડચણોથી કશો ફર્ક પડતો નથી. એવી સતત જાગૃતિ, “મોક્ષ સિવાય મારે બીજું કશું જોઈતું જ નથી.” તેનાથી કપટ જશે. આવું દરરોજ સવારે પાંચ વખત બોલવાથી આપણામાં કપટને હરાવવા માટેની જાગૃતિ ઊભી થશે.
લોકોની વાતમાં સહેલાઈથી આવી જવું: ઘણા લોકો સામાની વાતમાં સરળતાથી આવી જાય છે. જ્યારે ત્રીજી વ્યક્તિ આવીને કોઈ વ્યક્તિનું નેગેટિવ બોલે છે, ત્યારે આપણે તરત જ તે વ્યક્તિ માટે ખરાબ અભિપ્રાય બાંધી દઈએ છીએ. જ્યારે વ્યક્તિ બીજા શું કહે છે તેની વાતમાં ભોળવાઈ જતા નથી તો તે સાચું છે. આપણે તે ખ્યાલમાં રાખવું જ જોઈએ કે સામી વ્યક્તિ માત્ર આપણને તેનો પક્ષ લઈએ તે માટે જ તે આવું કરી રહ્યું છે. પરમ પૂજ્ય દાદા ભગવાન પોતાનું ઉદાહરણ આપતા કહે છે કે, “ઘણા બધા માણસો આવીને મને જાતજાતની વાતો કહે છે પરંતુ, હું જરા પણ ધ્યાનમાં લેતો નથી. હું તેઓની વાતોમાં મારી જાતને આવવા જ ન દઉં.”
પ્રગતિ ત્યારે જ થાય છે જ્યારે વ્યક્તિ જે વાતોને મોક્ષના ધ્યેય સાથે કશો સંબંધ ન તેવી વાતોમાં ન આવે. તે જ આધ્યાત્મિક પ્રગતિની ખાતરી આપે છે. એવી વાતોને જ વળગી રહો જે તમને મુક્ત કરે. કોઈ પણ વાતો જે આપણને આપણા ધ્યેયથી અને સાચી દ્રષ્ટિથી દૂર કરે તેને તમારા મગજમાં પ્રવેશવા જ ન દો. તે માટેનો ઉપાય એ છે કે નાટકીય રીતે સાંભળો. એટલે કે, આતુરતાથી સાંભળો છો તેવો ઢોંગ કરો, જ્યારે વાસ્તવમાં ઉપરછલ્લું જ સાંભળો; બહાર તેનો જરા પણ વિરોધ નહીં કરવાનો અને અંદર સમ્યક્ દ્રષ્ટિ પર જ વિશ્વાસ મૂકવાનો. દરેક વ્યક્તિ જેવું પોતે જ સમજે છે તેવું જ બોલે છે; પરંતુ આપણે મુમુક્ષુ તરીકે સમ્યક્ દ્રષ્ટિ પર જ ભાર મૂકવાનો.
પોઈન્ટ મેન - એવી વ્યક્તિનો સંગ કે જે આપણને મોક્ષના માર્ગથી દૂર કરે અને આપણને જુદી દિશામાં ઢસડી જાય તેનાથી ચેતો:
જો કોઈ એવી વ્યક્તિનો સંગ મોક્ષમાર્ગમાં થઈ જાય કે જે આપણને જુદા રસ્તે લઈ જતી હોય, તો આપણે સાચી જગ્યાએ પહોંચશું તેની કોઈ ખાતરી મળતી નથી. જો માર્ગ બદલાઈ જાય, તો તે રસ્તો ક્યાં અટકશે તે કહી શકાય નહીં.
જ્યાં સુધી ગાડી સાચા પાટા પર ચાલી રહી છે, ત્યાં સુધી જ્ઞાની પાસેથી જે મહાન આધ્યાત્મિક સ્થિતિ પ્રાપ્ત કરી છે તે આપણા પાસેથી લૂંટાઈ જશે નહીં. માટે આ ખાડામાં પડતા આપણી જાતને બચાવો, આપણે ‘મુખ્ય રસ્તો’ (મોક્ષનો ધ્યેય) બદલાય ન જાય તેની ખાતરી કરવા અત્યંત કાળજી રાખવી જોઈશે અને આપણે હંમેશાં જ્ઞાનીના દર્શાવેલા રસ્તે અને સ્થળે પહોંચવા વળગી રહેવું જોઈએ.
આડાઈ: જે વ્યક્તિ મોક્ષે જવા માગે છે તેને સંપૂર્ણપણે સરળ પડવું જોઈએ; આટલી પણ આડાઈ મોક્ષના માર્ગમાં ચાલે નહીં. જ્ઞાની પુરુષ કહે છે કે મોક્ષના માર્ગમાં આડાઈ એ સૌથી મોટી અવરોધરૂપ છે અને જો વ્યક્તિ સરળ બને છે તો વ્યક્તિ ભગવાન બની જાય છે.
આડાઈ પાછળનું કારણ એ છે કે આપણે આપણું ધાર્યું કરાવવા ઈચ્છીએ છીએ. આપણે એવી કપટની ચાલ કે યુક્તિ અપનાવીએ છીએ. રિસાઈ જવું, ગુસ્સામાં વસ્તુઓ ફેંકવી અને જે આપણા રસ્તામાં આડું આવતુ હોય તેને ખસેડવું વગેરે. જો વ્યક્તિ આવા પ્રયત્નોમાં સફળ થાય છે, તો સમય જતાં તે એવો દ્રઢ અભિપ્રાય બાંધી બેસે છે કે, “આવી આડાઈ કરવાથી જે વસ્તુ જોઈતી હોય તે સરળતાથી મેળવી શકાય છે.” આવી દરેક સફળતામાં તેની માન્યતા દ્રઢ થતી જ જાય છે. જીદ આવી માન્યતાઓને કારણે જ ઊભી રહે છે. તેથી આ અભિપ્રાય તોડી નાખવો અત્યંત જરૂરી છે. અથવા તો, જે વ્યક્તિ જિદ્દી છે તે સંસાર માર્ગમાં તેમજ મોક્ષમાર્ગમાં ઘણું બધું ગુમાવી બેસે છે.
જ્યારે આપણે આપણી આડાઈઓનો સ્વીકાર કરીશું, ત્યારે તે દૂર થતી જશે, પરંતુ જો આપણે તેને નકારીશું તો તે હજુ ગાઢ થતી જશે. જ્યારે સાચી વાત કે જે હૃદયને સ્પર્શી જતી હોય તે ન સ્વીકારીએ, ત્યારે તે આડાઈ બની જાય છે. આડાઈ કરનારો પોતાના જ અભિપ્રાય મુજબ ચાલે છે. જ્યારે જ્ઞાનીના અભિપ્રાય મુજબ ચાલતો થશે ત્યારે તેના આગ્રહો-આડાઈઓનો અંત આવશે.
અતિશય લોભ: લોભ આપણો ધ્યેય ભૂલાવી દે છે. જે આપણો ધ્યેય તોડી નાખે તે આપણો દુશ્મન છે. મન અને દેહના ક્ષણિક ભૌતિક સુખોને ભોગવવામાં અને તેમાં એકાકાર થવાની જૂની આદતને કારણે લોભ વધુ ને વધુ ઊભો થાય છે. આ આનંદ તેની માયાજાળમાં આપણને ફસાવે છે. જો કે, આપણે એવું નક્કી કરવું જ જોઈએ કે આપણે મોક્ષના ધ્યેયથી ક્યારેય દૂર થવું નથી અને લોભના દરેક પ્રસંગોમાં આપણી જાતને કહેવું જોઈએ કે, “ના, હું આ રસ્તે જવા ઈચ્છુ છું, મને કોઈ ક્ષણિક આનંદની જરૂર નથી, હું મોક્ષના રસ્તે આગળ વધવા માગુ છું અને મારો ધ્યેય પ્રાપ્ત કરવા માગુ છું.”
પ્રત્યક્ષ જ્ઞાનીની હાજરી વિના ઉપર દર્શાવેલ બાધક કારણોની જાણકારી આપણને મદદરૂપ થશે, પરંતુ અમુક હદ સુધી જ.
તે એટલા માટે કે આ બાધક કારણોને શોધવા અઘરા છે અને એક ફેરો જો લપસ્યા પછી તેમાંથી બહાર નીકળવું ખૂબ મુશ્કેલ બની જાય છે. જ્યારે જ્ઞાની આપણી ભૂલો બતાવે અને આપણે તેને તપાસીએ ત્યારે આપણે પોતાની ભૂલ જોઈ શકવા સમર્થ બનીએ છીએ. પછી ધીમે ધીમે તેમના સૂચનોનું અનુસરણ કરીને, આપણે આ બધી ભૂલોમાંથી બહાર નીકળવાનો રસ્તો કાઢી શકીએ છીએ.
મોક્ષમાર્ગે પ્રગતિ સાધવા ઈચ્છુક મુમુક્ષુના જીવનમાં પ્રત્યક્ષ જ્ઞાનીની હાજરી અતિ આવશ્યક બની રહે છે.
Q. મોક્ષ/મુક્તિ/સ્વતંત્રતાનો શું અર્થ છે? વ્યક્તિ શા માટે મોક્ષની શોધ કરે છે?
A. જુદી જુદી વ્યક્તિઓ માટે મોક્ષ/મુક્તિ/સ્વતંત્રતાનો અર્થ જુદો જુદો થાય છે. જો કે, આધ્યાત્મિક માર્ગમાં... Read More
Q. શું આત્માની મુક્તિ ખરેખર થાય છે? કોણ મોક્ષ પ્રાપ્ત કરે છે?
A. ઘણા લોકો એવું માને છે કે મોક્ષ એટલે આત્માની મુક્તિ અથવા બધા બંધનોથી આત્માનો છુટકારો. આ જે બંધાયેલો... Read More
Q. મોક્ષપ્રાપ્તિ માટે મનુષ્ય જીવનની શું મહત્ત્વતા છે?
A. આપણે સાંભળીએ છીએ કે મનુષ્ય જીવન કિંમતી છે. પરંતુ, શું આપણે જાણીએ છીએ કે શા માટે તે કિંમતી છે?... Read More
Q. શું મોક્ષની વ્યાખ્યા વાસ્તવિક છે? કે પછી મોક્ષ એ માત્ર કલ્પના જ છે?
A. આધ્યાત્મિક દ્રષ્ટિએ, મોક્ષની વ્યાખ્યા મુક્તિ અને છુટકારા જેવી જ થાય છે. ઘણા માણસો માટે મોક્ષ એટલે... Read More
Q. કળિયુગમાં (વર્તમાન કાળચક્રમાં) મોક્ષ કઈ રીતે પ્રાપ્ત થાય?
A. જો આપણે એરપોર્ટ જવા માગતા હોઈએ, તો રસ્તો ન જાણવાને કારણે તે ઘણું અઘરું થઈ જશે. જો કે, જ્યારે આપણે... Read More
Q. મોક્ષમાર્ગમાં ધાર્મિક ક્રિયાઓની શું ભૂમિકા છે? શું મોક્ષ મેળવવા ત્યાગ જરૂરી છે?
A. જ્યારે આપણે ભગવાન, આધ્યાત્મિકતા અને મોક્ષ વિશે વાતો કરીએ છીએ, ત્યારે ઘણા પ્રશ્નો આપણા મનમાં ઉદ્ભવે... Read More
Q. મોક્ષપ્રાપ્તિ બાદ શું થાય છે?
A. મોક્ષ પછી શું થાય છે? મોક્ષ પછી આત્માનું શું થાય છે? એક વખત તમે મોક્ષ પ્રાપ્ત કરો પછી તમે આખા જગતના... Read More
Q. મોક્ષ અને નિર્વાણ: બન્ને વચ્ચે શું ફરક છે?
A. મોક્ષ એ મુક્તિની શરૂઆત છે અને નિર્વાણ જ્યારે વ્યક્તિ અંતિમ મુક્તિ મેળવે છે ત્યારે થાય છે! આ મોક્ષ... Read More
subscribe your email for our latest news and events