Related Questions

મોક્ષપ્રાપ્તિ માટે મનુષ્ય જીવનની શું મહત્ત્વતા છે?

આપણે સાંભળીએ છીએ કે મનુષ્ય જીવન કિંમતી છે. પરંતુ, શું આપણે જાણીએ છીએ કે શા માટે તે કિંમતી છે? મનુષ્ય જીવનનું શું મહત્ત્વ છે? માનવજાત અન્ય જીવો કરતા કઈ રીતે અલગ પડે છે?

ઉત્તર મેળવવા આગળ વાંચન કરીએ: 

ફક્ત મનુષ્યગતિમાં જ કર્મ બંધાય છે. અન્ય યોનિમાં કર્મ બાંધી શકાતા નથી, અન્ય યોનિમાં ફક્ત મનુષ્ય યોનિમાં બાંધેલા કર્મનું ફળ ભોગવાય છે. જ્યારે મનુષ્ય યોનિમાં જીવ નવા કર્મ બાંધી શકે છે અને સાથોસાથ પૂર્વે કરેલા કર્મોના ફળ પણ ભોગવાય છે. બાંધેલા કર્મના પ્રકારોના (પાપ અથવા પુણ્યના) આધારે જીવ નવી યોનિમાં જન્મ લે છે. તેથી મનુષ્ય માટે કોઈ પણ ચાર ગતિમાં જવાનું શક્ય છે. 

ચાર મુખ્ય ગતિઓ 

મુખ્યત્વે ચાર મોટી ગતિઓ છે, દેવગતિ, મનુષ્યગતિ, જાનવર ગતિ અને નર્કગતિ. મનુષ્યગતિ એ જંક્શન જેવું છે. જો તમે કર્મોના કર્જામાં છો તો એનો અર્થ એવો છે કે તમે ખરાબ કર્મો બાંધ્યા છે; તમે તે ખરાબ કર્મોનું ફળ ભોગવવા માટે જાનવર ગતિમાં જશો. જો તમારું કર્મોનું દેવું ખૂબ વધારે હશે, તો તમે નર્કમાં જશો અને ત્યાં કર્મોનો હિસાબ ચૂકતે થશે પછી પાછા મનુષ્ય ભવમાં આવશો. જો તમે સારા કર્મો બાંધ્યા હશે તો, તમે મનુષ્ય ભવમાં ઉચ્ચ ગતિમાં જન્મ લેશો અને સમગ્ર જીવનમાં ખૂબ સુખ મેળવશો. જો તમે દૈવી મનુષ્ય છો કે જે પોતે સુખ ભોગવવાને બદલે બીજાને સુખ આપે છે, તો તમે દેવગતિમાં જન્મ લેશો. તે પોતાની પુણ્યૈ ભોગવવા માટે દેવગતિમાં જશે. દેવગતિમાં આયુષ્ય હજારો વર્ષોનું હોય છે. એક વખત પુણ્યૈ વપરાઈ જાય પછી પાછા મનુષ્ય ભવમાં જન્મ લેવાનો થાય છે. 

મોક્ષ મેળવવા માટે મનુષ્ય ભવ 

મનુષ્ય ભવ સિવાય જ્યાં કર્મો બંધાતા નથી, ત્યાં જીવો પૂછે છે કે, “શા માટે આપણે જેલમાં છીએ?” મનુષ્ય ભવમાં કર્મો બાંધવાની સ્વતંત્રતા છે, કારણ કે, અહીં પસંદગી છે. બીજી ત્રણ ગતિઓ (દેવગતિ, જાનવર ગતિ, અને નર્કગતિ) ‘જેલ’ છે, કારણ કે, ત્યાં કોઈ પસંદગી નથી. ફક્ત એક મનુષ્યગતિ જ એવી છે કે જ્યાં જીવ ફરી ફરી ભવોભવના ચક્કરમાં આવે છે અને મોક્ષ પણ મેળવી શકે છે. 

માત્ર મનુષ્ય જ મોક્ષ મેળવી શકે છે, જે મુખ્ય રીતે મનુષ્ય જીવનનું મહત્ત્વ છે. અહીં તેના વિશે જોઈએ:  

ઉપરની ચર્ચા પરથી આપણે સમજી શકીએ છીએ કે વ્યક્તિ મનુષ્ય ભવમાં સારા અથવા ખરાબ કર્મો બાંધે છે અને તેના ફળ સ્વરૂપે ચાર ગતિમાં ભટકે છે. મનુષ્ય ભવમાં આવ્યા પછી જીવ જૂના કર્મો ભોગવતી વખતે પછીના ભવ માટે ફરી નવા કર્મો બાંધે છે. જો કે, જો જીવ આ ભવમાં નવા કર્મો બાંધે નહીં અને માત્ર જૂના કર્મો પૂરા કરે છે, મોક્ષ પ્રાપ્ત કરે છે. 

ચાલો, પ્રસ્તુત દર્શાવેલ સંવાદો પરથી જાણીએ કે પરમ પૂજ્ય દાદાશ્રીનું આના વિશે શું કેહવું છે: 

પ્રશ્નકર્તા: શું ફક્ત મનુષ્ય જીવનમાં જ એવું છે કે સારા કે નરસા કર્મો બાંધે છે? 

દાદાશ્રી: બન્ને સારા અને ખરાબ પ્રકારના કર્મો અહીં બંધાય છે. મનુષ્યો કર્મો બાંધે છે. જો તેઓ લોકોને નુકસાન પહોંચાડશે અથવા દુ:ખ આપશે, તો તેઓ જાનવર ગતિમાં જશે અથવા નર્કે જશે. જો તેમના કર્મો બીજાને સુખ આપશે તો તેઓ પાછા મનુષ્યગતિમાં આવશે અથવા દેવગતિમાં જશે. તેથી, જે પ્રકારના કર્મો બાંધીએ છીએ તેના આધારે જીવની ગતિ નક્કી થાય છે. એક વખત ગતિ બંધાય જાય છે, પછી જીવને તે ગતિમાં જવું પડે છે, કર્મોનું ફળ ભોગવે છે અને મનુષ્યગતિમાં પાછો આવે છે.  

ફક્ત મનુષ્યોને જ કર્મો બાંધવાનો અધિકાર છે, બીજા કોઈને નહીં. જેને આવો અધિકાર છે તેને ચારેય ગતિમાં ભટકવું જ પડે છે. જો તેઓ કોઈ કર્મ કરતા જ નથી, જરા પણ કર્મના કર્તા થતા નથી, તેઓ આ ચક્કરમાંથી મુક્ત થાય છે. વ્યક્તિ માત્ર માનવજીવનમાં જ મુક્તિ પામી શકે છે. બીજી કોઈ ગતિ એવી નથી જ્યાંથી મુક્તિ મેળવી શકાય છે. શું તમે એવી કોઈ વ્યક્તિને જોઈ છે જે કંઈ કર્મ જ ન કરતા હોય? 

પ્રશ્નકર્તા: ના, મેં નથી જોયો. 

દાદાશ્રી: આ બધા પશુઓને તમે જુઓ છો, તેઓ બધા ખાય છે, પીવે છે અને ઝઘડો કરે છે અને છતાં તેઓ કર્મો બાંધતા નથી. તેવી જ રીતે, મનુષ્યગતિમાં પણ જીવન દરમિયાન કોઈ કર્મ ન બંધાય તેવું શક્ય છે. આવું ત્યારે જ શક્ય બને જ્યારે તેઓ કર્મના કર્તા થતા નથી અને જૂના કર્મોને ભોગવનાર તરીકે જ રહે છે. જ્યારે તેઓ મારી પાસે આવે છે અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે, ત્યારે તેઓ કર્મોના કર્તાપણામાંથી મુક્ત થાય છે અને પછી માત્ર પૂર્વે કરેલા કર્મોનું ફળ ભોગવવાનું રહે છે. અહંકાર એ કર્મનો કર્તા છે. 

મનુષ્ય જીવનનો મુખ્ય ધ્યેય પ્રાપ્ત કરવાનો માર્ગ 

મનુષ્ય જીવનનો અંતિમ ધ્યેય મોક્ષ (કાયમની મુક્તિ) મેળવવાનો છે. જીવ અનંત જન્મોથી આનો રસ્તો શોધવા ભટકે છે, પરંતુ તેને તે મળતો નથી. જો તેને સાચો રસ્તો મળે તો માત્ર મનુષ્ય જીવનમાં જ મુક્તિ મેળવવી શક્ય છે. જો જીવ જ્ઞાની પુરુષને મળે તો જ મનુષ્ય જીવનનો અંતિમ ધ્યેય પૂર્ણ થાય છે. જ્યારે તમે તેમને મળો છો ત્યારે તમારું બધું કામ થઈ જાય છે!

×
Share on