Related Questions

મનુષ્યો અને પ્રાણીઓની હિંસા કઈ કઈ રીતે થાય છે?

નિગોદમાંથી એકેન્દ્રિયમાં આવેલો જીવ કરોડો, અબજો અવતારના ડેવલપમેન્ટ પછી, અસંખ્ય યોનિઓમાં ભ્રમણ કરીને અંતે પંચેન્દ્રિય જીવ તરીકે પ્રગટ થાય છે. જેમાં ચારપગાં પ્રાણીઓ અને મનુષ્યોનો સમાવેશ થાય છે અને તેમની હિંસાનો ગુનો મોટો છે. આપણે એક સ્થૂળ ઉદાહરણથી સમજીએ. ધારો કે, ઘર પાંચ ઈંટ સિમેન્ટથી ચણાયું હોય અને આપણે તેને તોડી નાખીએ તો બાંધકામનું કેટલું નુકસાન જાય? બહુ નહીં. પણ જો પાંચ માળનું ઘર બંધાઈ ગયું હોય, અંદર ઈન્ટીરીયર પણ થઈ ગયું હોય, તો કેટલું નુકસાન થાય? અનેકગણું! એટલે જેમ પાંચ ઈંટ કરતા પાંચ માળનું મકાન તોડવાનો ગુનો ઘણો વધારે છે, તેવી જ રીતે એકેન્દ્રિય જીવની હિંસા કરતા પંચેન્દ્રિય જીવની હિંસાનો ગુનો ઘણો વધારે છે.

એકેન્દ્રિય જીવમાં આત્મા ઉપરનું આવરણ થોડું તૂટ્યું છે, જ્યારે પંચેન્દ્રિય જીવમાં એ આવરણ વધારે તૂટ્યું છે અને ઉપરથી મન ડેવલપ થયું છે. મનુષ્યમાં તો આગળ વધીને મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર પણ ડેવલપ થાય છે. એટલે ડેવલપમેન્ટની શરૂઆતમાં જીવને મારવા કરતા વધારે ડેવલપ થયેલા જીવને મારવામાં વધુ જોખમ છે.

હિંસાનો ગુનો સાપેક્ષ રીતે સમજીએ તો દાળ ભાત, શાક, રોટલી, સલાડ વગેરે ભોજન લેવામાં જેટલું નુકસાન થતું હોય, તેનાથી હજારગણું નુકસાન મરઘીના બચ્ચાંને મારીને ખાવામાં થાય છે. જ્યારે મનુષ્ય સાથે કકળાટ કરવામાં તો એનાથીય અનેકગણું નુકસાન થાય છે.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે અહિંસાનાં પાલનમાં પહેલાં મોટા જીવોને સાચવવા જોઈએ. તેઓશ્રી કહે છે કે, “પહેલાં મનુષ્યોને સાચવો. હા, એ બાઉન્ડ્રી શીખો કે મનુષ્યોને તો મન-વચન-કાયાથી કિંચિત્‌માત્ર દુઃખ ના દેવું. પછી પંચેન્દ્રિય જીવો - ગાય, ભેંસ, મરઘાં, બકરા એ બધાં જે છે, તેમની મનુષ્યો કરતાં થોડી ઘણી ઓછી પણ એમની કાળજી રાખવી. એમને દુઃખ ના થાય એવી કાળજી રાખવી. એટલે અહીં સુધી સાચવવાનું છે. મનુષ્ય સિવાયના પંચેન્દ્રિય જીવોને, પણ એ સેકન્ડરી સ્ટેજમાં. પછી ત્રીજા સ્ટેજમાં શું આવે? બે ઇન્દ્રિયથી ઉપરનાં જીવોને સાચવવાનું.

હત્યા

કોઈ જીવની હત્યા કરવી એ બહુ મોટો ગુનો છે. તેનાથી ભારે વેર બંધાય છે અને દંડ ભોગવવા અધોગતિમાં જવું પડે છે. તેમાંય મનુષ્યની હત્યા કરવી એ દુનિયાનો સૌથી મોટો ગુનો છે.

આપણે કોઈ જીવને દુઃખ આપીએ તો એ જીવ વેર બાંધે છે. એ વેરનું ફળ ભયંકર આવી શકે છે, જેમાં તે જીવ બદલામાં આપણને જ દુઃખ આપે છે અને આગળ વધીને મારી પણ નાખે છે. વેર બંધાવાના કારણો અનેક હોઈ શકે. મુખ્યત્વે લક્ષ્મી, વિષયવિકાર અને અહંકારના કારણે વેર બંધાય છે. જેમ કે, પૈસાની ઉઘરાણી વખતે સામો પૈસા ના આપે અને ઉપરથી એમ કહે કે, “થાય તે કરી લે! પૈસા નહીં આપું તો તું શું કરી લેવાનો છે?” ત્યારે ઉઘરાણી કરનાર વ્યક્તિ આક્રોશમાં આવીને કહે કે, “નહીં આપે તો મારી નાખીશ!” આમ લક્ષ્મીના કારણે વેર બંધાય છે. પછી બીજા ભવે સામાને મારવાનું નિમિત્ત બની શકે. ઘણીવાર પોતાના જ પતિ કે પત્ની સાથે કોઈ આડા વિષયવિકારી સંબંધ રાખે ત્યારે પણ “હું એને મારી જ નાખીશ!” એવો પોતે ભાવ કરી બેસે છે. જેનાથી સામાને મારી નાખવાના બીજ પડે છે.

કોઈએ ભાવ કર્યા હોય કે “આવો ગુનો કરે એ લોકોને મારી જ નાખવા જોઈએ” અને બીજાએ એવા ગુના કર્યા હોય તો બંને હિસાબની સંકલનામાં આવે છે અને હત્યાનું કારણ બને છે. આપણે કોકને મારી નાખવાનો ભાવ કરીએ તો કોક આપણને મારી નાખવાનો ભાવ કરે, એ રીતે પણ હિસાબમાં આપણે બંધાઈએ છીએ. જો કે, હત્યા થવા પાછળ આપણે દેખી કે સમજી શકીએ તેનાથી ઘણા વધારે કારણો હોય છે. છતાં, હત્યા એ બહુ ખરાબ કર્મનું ફળ છે.

ખરેખર તો આત્મા અમર છે. તેને ભેદાતો નથી કે નાશ કરી શકાતો નથી. દેહ તો પૂતળું છે, તે કોઈનું ખૂન કરી શકે નહીં. પણ દેહની ક્રિયા પાછળનો અહંકાર છે. એ અહંકાર ખૂન કરે છે અને અહંકારનું ખૂન થાય છે. પોતાને દુઃખ પડે ત્યારે અહંકારને ઈચ્છા થાય છે કે “આને સીધા કરી નાખું.”, “ખલાસ કરી દઉં!”, “તને છોડીશ નહીં.” એ અહંકારનો તીવ્ર દ્વેષભાવ ઊભો થાય છે. દ્વેષના હિસાબથી પછી હત્યા કરનાર અને હત્યાનો ભોગ બનનાર બેઉ ભેગા થાય છે. દ્વેષના પરમાણુ ભેગા થતાં ખરાબ કર્મનો બંધ પડે છે. એ કર્મ જ્યારે ફળ આપશે ત્યારે એટલા જ પીંખી નાખશે, છોડશે નહીં.

ગર્ભપાત (ભ્રૂણહત્યા)

ગર્ભપાત કરાવવો એ મનુષ્યની હત્યા કરાવ્યા બરાબર કૃત્ય છે. એનો બહુ મોટો ગુનો લાગુ પડે છે.

મેડીકલ સાયન્સમાં પ્રગતિ થઈ છે. અલ્ટ્રાસાઉન્ડના માધ્યમથી ગર્ભમાં બાળકની અવસ્થા જોઈ શકાય છે. ઘણીવાર માતા પિતા જુએ કે બાળકને કોઈ શારીરિક ઊણપ છે, અથવા દીકરી છે, એટલે ગર્ભમાં જ બાળકને મારી નાખે છે, જેને ગર્ભપાત કહે છે. ઘણા યુવક યુવતીઓ લગ્ન પહેલા શારીરિક સંબંધ બાંધે છે અને તેમાં ભૂલ થતા યુવતી ગર્ભ ધારણ કરે છે. પછી લગ્નને લાયક ઉંમર ન હોવાથી અથવા સમાજમાં બદનામીના ભયથી ગર્ભપાત કરાવે છે. પોતાની મજા, બીજા જીવની સજા થઈ પડે છે, જેનો બહુ મોટો ગુનો લાગુ પડે છે.

આમાં સૌથી વધુ ગુનો ગર્ભપાત કરાવનાર માતાને, પછી ગર્ભપાત કરવાની અનુમોદના આપનાર પિતાને લાગુ પડે છે, ત્યારબાદ ગર્ભપાત કરનાર ડોક્ટરને લાગુ પડે છે. ઘણીવાર ડોક્ટર તરીકે ફરજ બજાવતી વ્યક્તિને સીધી રીતે ગર્ભપાત કરવાનો ન આવે પણ ગર્ભપાતની દવા લખી આપવી પડે છે, એમાં પણ એટલો જ ગુનો લાગુ પડે છે. એટલે માતા, પિતા કે ડોક્ટર તરીકે ગર્ભપાતનું કાર્ય કર્યું, કરાવ્યું કે અનુમોદન આપ્યું એ ત્રણેનું જોખમ તો ખરું જ.

બાળક ગર્ભમાં પાંચ મહિનાનું થાય ત્યારે હલનચલન શરૂ કરે છે. એટલે ઘણા લોકોની માન્યતા છે કે પાંચમાં મહિને જીવ આવે છે, એટલે એ પહેલા બાળકને મારી શકાય. પણ તે વાત તદ્દન ખોટી છે. બાળકનો જીવ ગર્ભ ધારણ કરે ત્યારથી જ તેમાં જીવન હોય છે. આત્માની હાજરી હોય તો જ જીવની વૃદ્ધિ થાય, નહીં તો જીવની વૃદ્ધિ થાય નહીં એ સિદ્ધાંત છે. જેમ કે, ઝાડમાંથી કાપેલા લાકડાંની વૃદ્ધિ થતી નથી, પણ ગર્ભમાં જીવ ઈંડાંમાંથી વધતું વધતું મોટું થાય છે. ગર્ભ રહ્યાના ચૌદ કે અઢાર અઠવાડિયા પછી સોનોગ્રાફીમાં બાળકને જોઈએ તો તેના બધા જ અંગ નાના નાના વિકાસ પામેલા દેખાય છે, હૃદયના ધબકારા પણ સંભળાય છે.

બાળકને જન્મ આપીને તેને પ્રેમથી ઉછેરીને મોટું કરીએ છીએ. તેને ધવડાવીએ, ખવડાવીએ, પીવડાવીએ, ભણાવીએ, પરણાવીએ, એની બધી જ જરૂરિયાતો પૂરી કરીએ. હવે એ જ બાળકનું નાનું સ્વરૂપ એ ગર્ભ છે, એનાથી જુદું નથી. એને કેવી રીતે મારી શકાય? બીજા બાળકને જન્મ આપ્યો હોય તો તેના જ ભાઈ કે બહેનને ગર્ભમાં કેવી રીતે મારી શકાય? જે જીવ મનુષ્યમાંથી ભગવાન થવાની લાયકાત ધરાવે છે, આત્મજ્ઞાન પામીને મોક્ષે જઈ શકે છે, તેવા જીવને મારી નાખવામાં કેટલો ભયંકર ગુનો લાગુ પડે?

ગર્ભપાતમાં જીવતા માણસને મારી નાખ્યા જેટલું જ પાપ છે. તેના ફળરૂપે એ જીવ વેર વાળ્યા વગર રહેશે જ નહીં. આ પાપકર્મનું ફળ નર્કગતિ પણ આવી શકે છે, જેમાં ઓછામાં ઓછી દસ હજાર વર્ષ ભયંકર યાતના ભોગવવી પડે છે. આમ ક્ષણિક સુખ માટે ગર્ભના જીવની હિંસા બહુ મોટી છે અને તેનો ભયંકર ગુનો લાગુ પડે છે.

પશુહિંસા

પશુઓની હિંસા એટલે પંચેન્દ્રિય જીવોની હિંસા, એટલે એનો પણ ગુનો મોટો હોય છે. હિંસા પાછળ કયો આશય છે, તેના આધારે પણ હિંસાનો ગુનો લાગુ પડે છે. કેટલાક લોકો દેખીતા કારણ વગર, ફક્ત શિકાર કર્યાનો આનંદ મેળવવા માટે હરણ જેવા પશુઓનો શિકાર કરે છે અને ઉપરથી ગર્વ અનુભવે છે કે, “મેં કેવો મોટો શિકાર કર્યો!” પોતાના મોજશોખ માટે કે દેખાડો કરવા મૂંગા પશુઓને નુકસાન કરવું, એ ગુનો મોટો હોય છે અને તેનું ફળ નર્કગતિ આવે છે. કેટલાક લોકો મજબૂરીના માર્યા શિકાર કરે છે. ઘરમાં બીજું કશું ખાવાનું ન હોય, પત્ની ને બાળકો ભૂખથી ટળવળતા હોય, ત્યારે હરણ કે સસલું જેવા પ્રાણીનો શિકાર કરીને ઘરમાં ખાવા આપે. પણ પોતાને અંદર ભારે પસ્તાવો અને દુઃખ હોય કે “આ મેં ખોટું કર્યું” સંજોગોવશાત્ પ્રાણીઓની હિંસા કરવી પડે અને પોતાને અંદર પસ્તાવો હોય, તો પણ એ ગુનાના દંડરૂપે તિર્યંચગતિ (જાનવરગતિ) આવે છે. શિકાર કરવાની ક્રિયા બંનેમાં સરખી જ છે અને દંડ બંનેને આવે છે. પણ એક વ્યક્તિ મોજશોખ માટે કરે છે, જ્યારે બીજી વ્યક્તિ મજબૂરીના માર્યા કરે છે, તેના આધારે ફળ બદલાય છે. કેટલાક સજ્જનો એવા પણ હોય, કે ઘરમાં બધા ભૂખથી ટળવળતા હોય તોય નક્કી રાખે કે “કોઈ જીવને મારીને મારે ભૂખ મટાડવી નથી.” તો તે મનુષ્યગતિને લાયક બને છે.

માંસાહાર કરવા માટે પ્રાણીઓને માર્યા હોય, કે પછી દ્વેષના માર્યા પથ્થરથી કોઈ ઉંદર, બિલાડી કે કૂતરાં જેવા પ્રાણીઓને મારી નાખ્યા હોય, ક્રોધના આવેશમાં કોઈ પશુ કે પક્ષીને રહેંસી નાખ્યા હોય કે ધાર્મિક ક્રિયાઓમાં બલિ ચડાવવા માટે મૂંગા પ્રાણીઓની કતલ કરી હોય, કોઈ પણ રીતે પશુહિંસાનું પાપકર્મ બંધાય છે, જેનું ફળ ભોગવવું જ પડે છે.

તેમાંય ભારતમાં ગાયોને પવિત્ર ગણવામાં આવે છે અને તેમને માતા તરીકે પૂજવામાં આવે છે. ગાયોની હિંસા ન થાય તેમ કરવું જોઈએ. શ્રીકૃષ્ણ ભગવાને પણ તેમના વખતમાં ગાયોની હિંસા ટાળવા પ્રયત્નો કર્યા હતા. એ કાળમાં ગાયોની હિંસા કરીને તેનું માંસ ખાવાનો અધર્મ શરૂ થયો હતો. એને અટકાવવા તેમણે ગો-વર્ધન એટલે કે, ગાયોના વર્ધનની વ્યવસ્થા કરી હતી. શ્રીકૃષ્ણ ભગવાને ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વત ઉપાડ્યો એ તેમના આ ઉદાત્ત કાર્યનું રૂપક છે. તેમણે ગોરક્ષાથી ગાયોની હિંસા અટકાવી અને ગોવર્ધનથી ગાયોની વસ્તી વધારવાના પ્રયત્નો શરૂ કર્યા. શ્રીકૃષ્ણ ભગવાનની આગેવાની હેઠળ ગોવર્ધનના હેતુથી ઠેર ઠેર ગોશાળાઓ સ્થપાઈ, જેમાં હજારો ગાયોનું પોષણ થાય તેવી વ્યવસ્થા કરી હતી. ગોવર્ધન અને ગોરક્ષા, આ બંને થતાં ઠેર ઠેર દૂધ-ઘીનું ઉત્પાદન વધ્યું. જેના આધારે ઘણા લોકોનું ગુજરાન ચાલતું. અત્યારે પણ ગાયોની હિંસા ન થાય અને તેમનું રક્ષણ થાય તે સાચવવું જોઈએ.

×
Share on