સામાન્ય રીતે ઘરમાં મચ્છર, માખી, કીડીઓ, માકણ, વાંદા કે ગરોળી દેખાય એટલે આપણે તરત ભય કે ચીડથી તેમને મારવાના ઉપાયો કરીએ છીએ. બજારમાં પણ મચ્છર જેવી જીવાતોને મારી નાખવા રસાયણયુક્ત સ્પ્રે તેમજ બેટરીથી ચાલતા ઈલેક્ટ્રિક ઉપકરણો મળે છે, જેના સંપર્કમાં આવતાં જ તે જીવો મરી જાય છે. વાંદા મારવા માટે દવાઓ છાંટવી, કીડીઓનો ઉપદ્રવ થાય તો ત્યાં પાણી રેડવું, વાંદા કે ગરોળીને ઝાડુ જેવા સાધનોથી મારવા, મચ્છરને બે હાથથી કચડીને મારવા આ બધા હિંસક ઉપાયો છે. આ જીવજંતુઓ ત્રણ કે ચાર ઇન્દ્રિયના જીવો છે, જ્યારે ગરોળી કે સાપ પાંચ ઇન્દ્રિય જીવો છે. તેમને મારવાના ભાવ કરીએ કે મારી નાખીએ એ ગુનો છે.
પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “જે તમે ‘ક્રિયેટ’ કરી શકો છો, તેનો તમે નાશ કરી શકો છો. તમે ‘ક્રિયેટ’ નથી કરતા, એનો નાશ તમે કરી ના શકો.” એટલે કે, જેનું તમે સર્જન કરી શકો તો એને વિસર્જન કરી શકો.
તેઓશ્રી કહે છે કે જો એક માકણ કે મચ્છર તમે જાતે બનાવી નથી શકતા, માટે તેનો નાશ કરવાનો તમને અધિકાર નથી. આપણા અધિકારની સીમાની બહાર કોઈનું પણ કશું પડાવી લેવું એ ગુનો છે. તેઓશ્રી એક બીજા ઉદાહરણથી સમજાવે છે કે ધારો કે, કોઈ માલિકની વાડીમાં તેની હદ ઉપર ગલકાં કે દૂધીની વેલો વાવી હોય. એ વેલા પર ઉગેલા શાકભાજી વાડીની હદની બહાર લટકતા હોય. હવે હદ બહારથી કોઈ વ્યક્તિ પસાર થાય અને એ શાકભાજી તોડે તો કાયદાકીય રીતે બીજાની માલિકીની વાડીમાંથી તોડે છે. જો માલિક જોઈ લે તો તેને ચોક્કસ દંડ કરે. તેવી જ રીતે આ આખી દુનિયા ભગવાનની વાડી છે અને તેમાં રહેતા દરેક જીવને જીવવાનો પૂરેપૂરો અધિકાર છે. જેમ બીજાની માલિકીની વાડીમાંથી એક દૂધી કે ગલકું ચોરવું એ ગુનો છે, તેવી જ રીતે દુનિયામાં કોઈ પણ જીવને મારી નાખીએ તો એ ભગવાનની વાડીને લૂંટ્યા બરાબર ગુનો છે અને તેનો દંડ અવશ્ય મળે છે.
એગ્રીકલ્ચર કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને પણ અભ્યાસના હેતુથી પતંગિયા જેવા જીવોને મારીને તેનું આલ્બમ બનાવવાનું હોય છે. જેટલા વધુ અને જેટલા સારા પતંગિયા પકડે તેટલા વધુ માર્ક્સ મળે છે. તેવી જ રીતે ડોકટરીના અભ્યાસમાં દેડકા અને વાંદા ચીરવા પડે છે, જેમાં દેખીતી હિંસા છે. આપણે કોઈ વૈજ્ઞાનિક પ્રયોગશાળામાં એક ફૂદું કે વાંદો જાતે બનાવી શકીએ? જો ના, તો તેમને મારવાનો અધિકાર નથી. ભણતર માટે થઈને નાછૂટકે આવી હિંસામાં ભાગીદાર થવું પડે તો તેના ઉપાયમાં પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે રોજ ભગવાનને પ્રાર્થના કરવાની, કે “મારે ભાગે આવી હિંસા ક્યાંથી આવી? હે ભગવાન, હું ક્ષમા માંગું છું, હવે આવું ન આવે એવું કરજો.” સાચા પસ્તાવા સહિત થતી હિંસક ક્રિયાની જોખમદારી ઓછી આવે છે. જ્યારે રાજીખુશીથી હિંસા કરવાની જોખમદારી વધારે છે. જેટલું ખુશ થઈને કાર્ય કર્યું, તેટલી જ કડવાટ ભોગવવી પડશે.
દરેક જીવમાં ભગવાન બિરાજે છે. એક તરફ આપણે ધર્મ કરીએ, ભગવાનનું નામ લઈએ અને બીજી બાજુ જે જીવમાં ભગવાન બેઠા છે તે જ જીવને મારી નાખીએ એ ક્યાંનો ન્યાય? એટલે આપણે કોઈ પણ જીવને, ભલે પછી એ નાનામાં નાનો જીવ જ કેમ ન હોય, તો પણ તેને બિલકુલ દુઃખ ન પહોંચે તેવું વર્તન રાખવું જોઈએ.
જો ઘરમાં માખી, મચ્છર કે અન્ય જીવોનો ઉપદ્રવ વધે તો રોગ ફેલાય છે. તેમને દૂર કરવા કયા અહિંસક ઉપાયો કરવા જોઈ તેની વિગતવાર સમજણ આપણને પરમ પૂજ્ય દાદા ભગવાન પાસેથી અહીં મળે છે.
ઘરમાં જીવાતો થવાનું મુખ્ય કારણ એ છે કે પૂરતી સફાઈ નથી હોતી. માકણ એટલે કે સ્વેદજ. તેઓ મનુષ્યના સ્વેદ એટલે કે પરસેવામાંથી જ ઉત્પન્ન થાય છે અને મનુષ્યને જ કરડે છે. કારણ કે માકણ કે મચ્છર જેવા જીવોનો ખોરાક જ મનુષ્યનું લોહી છે. તેમને સરસ મજાનું ઘી નાખીને ખીચડી ધરો તોય તે ના ખાય!
માટે ઘરમાં સાફસૂફી રાખવી જોઈએ, જેથી માકણ, માખી કે મચ્છર ટકે નહીં. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, કે ગમે તે રસ્તે પણ ઉપાયો કરવા પણ જીવોને મારવા તો ન જ જોઈએ. તેઓશ્રી સૂચવે છે કે, માકણ, મચ્છર, વાંદા જેવા જીવજંતુઓ ન થાય તે માટે ઘરમાં પોતું મારવું જોઈએ, નિયમિત સફાઈ કરવી જોઈએ. ઘરના ખૂણે ખાંચરે સફાઈ ન થાય તો ધૂળ અને ભેજ ભેગા થાય, તેમાં સડો થાય અને પછી જીવો ઉત્પન્ન થાય. એટલે સફાઈ રાખવી એ ઉત્તમ ઉપાય છે, જેનાથી ઉપદ્રવ જ ઘટી જશે. છતાં જીવજંતુઓ થાય તો તેમને પકડીને દૂર નાખી આવવા જોઈએ. પણ તેમને મારવા તો ન જ જોઈએ.
માકણ જેવા જીવોને મારી નાખીએ તો પણ તેની વસ્તી ઘટતી નથી. બીજા દિવસે એટલા ને એટલા જ માકણ દેખાય. આ જીવો અમુક કાળવર્તી હોય છે. તેમની ઋતુ આવે ત્યારે ઊભરાય. પછી ગમે તેટલી દવા છાંટીએ તો પણ ઊભરાયા જ કરે. તો પછી દવા છાંટીને ગુનો વધારવો ના જોઈએ.
માથાના વાળમાં પણ સફાઈ ન રાખવાને કારણે જૂ અને લીખ પડે છે. તેમને વીણી વીણીને મારવા કરતા અહિંસક ઉપાયો કરવા અને તે થતા અટકાવવા માટે વાળની નિયમિત સફાઈના પગલા લેવા.
સફાઈ રાખવા છતાં પણ ઘરમાં જીવજંતુઓ દેખાય તો અન્ય ઉપાયો કરવા જેમાં તેમની હિંસા નથી થતી. જેમ કે, તેમને પકડીને ઘરની બહાર મૂકી આવવા. આપણે ભાવના પણ કરી શકાય કે એ જીવોને બીજે ક્યાંય ખોરાક મળી આવે. આમ કરવાથી આપણને પણ બહાર મૂકી આવ્યાનો સંતોષ થાય અને જીવને નુકસાન પણ ન થાય.
મનુષ્યમાં બુદ્ધિ વિકાસ પામી છે. આપણે નક્કી કરીએ કે મારે જીવોની હિંસા નથી જ કરવી, તો અન્ય કોઈ પણ ઉપાયો મળી જ આવશે. કોઈ પણ જીવને મારી નાખવાની જોખમદારી જો બરાબર સમજાશે તો હિંસક ઉપાયો આપોઆપ અટકી જશે.
ઘરમાં કીડીઓ ખૂબ ઊભરાય તો જ્યાં તેનો ઉપદ્રવ હોય તે જગ્યા બંધ રાખવી. કુદરતી રીતે ઉપદ્રવ અમુક દિવસ ચાલે, પછી એનો ટાઈમ પૂરો થઈ જાય એટલે બંધ થઈ જાય. છતાં જરૂર પડે તો અન્ય ઉપાયો કરવા પણ કીડીઓને મારવી નહીં.
કેટલાક લોકો માને છે કે આપણે ભગવાનનું નામ લઈને મચ્છરને મારીએ તો તેની ઊંચી ગતિ થાય અને આપણને નિરાંતે ઊંઘ આવે. પરમ પૂજ્ય દાદા ભગવાન તેની સામે સાચી સમજણ આપે છે.
પ્રશ્નકર્તા: અને આ મચ્છરો બહુ ત્રાસ આપે છે તે?
દાદાશ્રી: એવું છેને, આ જગતમાં કોઈ પણ વસ્તુ ત્રાસ આપે ને, એ કાયદાની બહાર કોઈ ત્રાસ આપી શકે એમ છે જ નહીં. એટલે એ કાયદાની બહાર નથી. તમે કાયદેસર ત્રાસ પામી રહ્યા છો. હવે તમારે બચવું હોય તો તમે મચ્છરદાની રાખો. બીજું રાખો, સાધનો કરો. પણ એને મારવું એ ગુનો છે.
પ્રશ્નકર્તા: બચાવ કરવો, મારવું નહીં.
દાદાશ્રી: હા, બચાવ કરવો.
પ્રશ્નકર્તા: પણ મચ્છરને મારીએ અને ‘શ્રીરામ’ કહીએ તો એની ગતિ ઊંચી જાય?
દાદાશ્રી: પણ તે આપણી અધોગતિ કરે. કારણ કે એ ત્રાસ પામે છે.
કોઈ પણ જીવને મારવાથી આપણને પાપકર્મ બંધાય છે, જેનું ફળ અધોગતિ આવે છે. માટે જાહેરાતોથી પ્રેરાઈને કે લોકોનું સાંભળીને જીવોને મારવાના ઉપાયો ન કરવા જોઈએ.
પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, હિસાબ વગર એક મચ્છર પણ તમને કરડી ના શકે તેવું આ સ્વતંત્ર જગત છે. શ્રીમદ રાજચંદ્ર જેવા જ્ઞાનીઓ, જંગલમાં તપ કરતા તપસ્વીઓ અને તીર્થંકર ભગવાન મહાવીરને પણ ખૂબ મચ્છરો કરડ્યા હતા, કારણ કે હિસાબ ચૂકતે થવાનો હોય ત્યાં ખુદ ભગવાન પણ ફેરફાર ન કરી શકે.
પણ આપણે ફેરફાર ક્યાં કરી શકીએ? ભાવ ફેરવવામાં. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે જો તમે ડખલ ના કરો તો એક મચ્છર પણ તમને અડી ના શકે. જીવજંતુઓને મારવાના જે-જે ભાવો કર્યા છે તે ડખલ થઈ કહેવાય. આપણામાં જ્યાં સુધી આ જીવો પ્રત્યે દ્વેષ ભાવ હશે, ત્યાં સુધી એ કરડશે. આ જીવો પ્રત્યેના આપણા દ્વેષભાવ ખલાસ થઈ જશે તો એ જીવો આપણને હેરાન કરતા બંધ થઈ જશે. ઉપદ્રવને નાથવાની તૈયારીઓ કરીએ છીએ, તેથી જ ઉપદ્રવ બંધ થતા નથી. ઉપદ્રવને મારવાનો ભાવ બંધ થશે, તો ઉપદ્રવ એની મેળે ઓછા થતા જશે એ વિજ્ઞાન છે.
હિંસાના જોખમોની સમજણ પ્રાપ્ત થયા બાદ આપણે કોઈ પણ રસ્તે હિંસા નથી જ કરવી એવું નક્કી કરીએ, પણ અત્યાર સુધી જે હિંસા થઈ ગઈ તેનું શું કરવું?
તેનો ઉપાય આપણને પરમ પૂજ્ય દાદાશ્રી પાસેથી જ મળે છે. અત્યાર સુધી જીવજંતુઓની જે કોઈ હિંસા થઈ ગઈ હોય તેમને યાદ કરી કરીને પસ્તાવા લેવા જોઈએ અને ફરી આવી હિંસા ન થાય તે માટે નિશ્ચય કરવો જોઈએ.
જીવાતો ઉપર સ્પ્રે કરીને મારી નાખ્યા હોય, ઈલેક્ટ્રિક ઉપકરણોથી માર્યા હોય, કચડીને માર્યા હોય, સાપ જેવા જીવોથી ભયભીત થઈને મારી નાખ્યા હોય કે અન્ય કોઈ પણ નિમિત્તે નાના કે મોટા જીવોની હિંસા થઈ ગઈ હોય તેના પસ્તાવા લેવા જોઈએ. તેમાંય મોટા જીવોને માર્યા બદલ એક એક કલાક પસ્તાવો લેવો જોઈએ.
બહાર જીવો માર્યા હોય કે તેમને મારવાનો ભાવ પણ કર્યો હોય તો ભાવ બગડ્યા બદલ પસ્તાવો કરીને ભાવો ફેરવી લેવા જોઈએ. જેથી હિંસાની જોખમદારીમાંથી મુક્ત થઈ શકાય છે.
Q. અહિંસાનું પાલન કઈ રીતે કરવું?
A. અહિંસાનું પાલન કરવા માટે સૌથી પહેલા હિંસા એટલે શું એ જાણવું પડે. હિંસા કઈ રીતે નુકસાન કરે છે? અને... Read More
Q. હિંસાના જોખમો કયાં કયાં છે?
A. પરમ પૂજ્ય દાદા ભગવાન કુદરતનો સિદ્ધાંત સમજાવતા કહે છે કે, “જે જીવ તમે બનાવી શકો છો, તેને મારવાનો... Read More
Q. અહિંસાથી થતા ફાયદા કયા કયા છે?
A. જે અહિંસક હોય તેની બુદ્ધિનો પ્રકાશ બહુ વધે. કોઈ પણ જીવને દુઃખ ના આપે, તો તેના પરિણામે બુદ્ધિ સમ્યક્... Read More
Q. મનુષ્યો અને પ્રાણીઓની હિંસા કઈ કઈ રીતે થાય છે?
A. નિગોદમાંથી એકેન્દ્રિયમાં આવેલો જીવ કરોડો, અબજો અવતારના ડેવલપમેન્ટ પછી, અસંખ્ય યોનિઓમાં ભ્રમણ કરીને... Read More
A. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, અહિંસાના પાલન માટે સ્વાદની ઇન્દ્રિય, એટલે કે જીભનો કંટ્રોલ બહુ... Read More
Q. ઈંડાં શાકાહારી છે કે માંસાહારી?
A. સામાન્ય રીતે માંસાહાર ન કરતા લોકોને પણ ઈંડાં ખાવામાં જોખમ નથી લાગતું. ઘણી બેકરીની વાનગીઓ જેવા કે,... Read More
Q. ખેતીવાડીમાં હિંસા થાય ત્યારે શું કરવું?
A. ખેતીવાડી કરવામાં ખેડૂતોને જાણ્યે અજાણ્યે હિંસાનો અપરાધ કરવો પડે છે. જમીન ખેડવામાં નાની જીવાતોથી... Read More
Q. મોટામાં મોટી હિંસા કઈ છે અને તેમાંથી શી રીતે છૂટી શકાય?
A. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, આ જગતમાં મોટામાં મોટી હિંસા કષાયથી એટલે કે, ક્રોધ-માન-માયા-લોભથી... Read More
subscribe your email for our latest news and events