Related Questions

દૂધ વેજીટેરિયન છે કે નોન વેજીટેરિયન?

પ્રશ્નકર્તા: જેવી રીતે વેજીટેરિયન ઈંડું ખવાય નહીં, એવી રીતે ગાયનું દૂધ પણ ના ખવાય.

દાદાશ્રીઈંડુ ખવાય નહીં. પણ ગાયનું દૂધ સારી રીતે ખવાય. ગાયના દૂધનું દહીં ખવાય, અમુક માણસથી માખણેય ખવાય. ના ખવાય એવું કંઈ નથી.

ભગવાને શા સારુ માખણ નહોતું ખાવાનું કહ્યું? તે જુદી વસ્તુ છે. તે પણ અમુક જ માણસને માટે ના કહ્યું છે. ગાયના દૂધનો દૂધપાક કરીને ખાજો નિરાંતે. એની બાસુંદી કરજો ને તોય વાંધો નથી. કોઈ શાસ્ત્રોએ વાંધો ઉઠાવ્યો હોય તો હું તમને કહીશ કે વાંધો નથી ઉઠાવ્યો જાવ, એ શાસ્ત્ર ખોટું છે. છતાં એવું કહે છે કે વધારે ખાઈશ તો તરફડામણ થશે. એ તમારે જોવાનું. બાકી લિમિટમાં ખાજે.

પ્રશ્નકર્તા: પણ દૂધ તો વાછરડા માટે કુદરતે મૂક્યું છે. આપણા માટે નથી મૂક્યું.

દાદાશ્રી: વાત જ ખોટી છે. એ તો જંગલી ગાયો ને જંગલી ભેંસો હતી ને, તેને પાડુ ધાવે, તે બધું દૂધ પી જાય. અને આપણે ત્યાં તો આપણા લોકો ગાયને ખવડાવીને પોષે છે. એટલે વાછરડાને ધવડાવવાનુંય ખરું અને આપણે બધાએ દૂધ લેવાનુંય ખરું. અને તે આદિ-અનાદિથી આ વ્યવહાર ચાલુ છે. અને ગાયને વધારે પોષણ આપે ને, તો ગાય તો ૧૫-૧૫ લિટર દૂધ આપે છે. કારણ કે, એને ખવડાવવાનું જેવું સરસ ખવડાવીએ એટલું એનું દૂધ નોર્મલ જોઈએ, તેના કરતા ઘણું વધારે હોય. એવી રીતે લેવાનું અને બચ્ચાંને ભૂખ્યું મારશો નહીં.

ચક્રવર્તી રાજાઓ તો હજાર-હજાર, બબ્બે હજાર ગાયો રાખતા. એને ગોશાળા કહેતા હતા. ચક્રવર્તી રાજા દૂધ કેવું પીતા હશે? કે હજાર ગાયો હોય ગોશાળામાં, એ હજાર ગાયોનું દૂધ કાઢે, તે સો ગાયોને પાઈ દે. એ સો ગાયોનું દૂધ કાઢવાનું, તે દસ ગાયોને પાઈ દે. એ દશ ગાયોનું દૂધ કાઢવાનું તે એક ગાયને પાવાનું અને એનું દૂધ ચક્રવર્તી રાજા પીતા હતા.  

×
Share on