પરમ પૂજ્ય દાદા ભગવાન કુદરતનો સિદ્ધાંત સમજાવતા કહે છે કે, “જે જીવ તમે બનાવી શકો છો, તેને મારવાનો અધિકાર છે. તમે જો બનાવી ના શકતા હોય, જો તમે ‘ક્રિયેટ’ ના કરી શકતા હો તો મારવાનો તમને અધિકાર નથી. આ ખુરશી તમે બનાવો તે ખુરશી ભાંગી શકો છો, કપરકાબી બનાવો તો ભાંગી શકો છો પણ જે બનાવી શકાય નહીં, તે મારવાનો તમને અધિકાર નથી.” આટલા એક વાક્યમાં તેઓશ્રી આહાર માટે મનુષ્યના અધિકારની હદરેખા દોરી આપે છે. આ હદરેખાની બહાર થતી હિંસાની જોખમદારી જરૂરથી આવે છે.
પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, હિંસા જેવી કોઈ નિર્બળતા નથી. સંસારમાં બધા દુઃખો હિંસાથી જ છે.
હિંસાના મોટા જોખમો પરમ પૂજ્ય દાદાશ્રી આપણને એક જ વાક્યમાં નીચે આપી દે છે.
પ્રશ્નકર્તા: લોકો હિંસા તરફ ખૂબ જાય છે, તો અહિંસા તરફ વાળવા શું કરવું?
દાદાશ્રી: આપણે એમને સમજ પાડવી જોઈએ. સમજ પાડીએ તો અહિંસા તરફ વળે કે ‘ભઈ, આમાં, આ જીવમાત્રમાં ભગવાન રહેલા છે. તે તમે જીવોને મારશો તો એને બહુ દુઃખ થશે, તેનો તમને દોષ બેસશે અને તેથી તમને આવરણ આવશે અને ભયંકર અધોગતિમાં જવું પડશે.’ આવું સમજણ પાડીએ તો રાગે પડે. જીવહિંસાથી તો બુદ્ધિ પણ બગડી જાય. એવું કોઈને સમજણ પાડો છો?
મન, વચન, કાયાથી કોઈ પણ જીવને દુઃખ આપવાથી બે દોષ બેસે છે. એક સામાને દુઃખ આપવાના બદલામાં આત્મા ઉપર આવરણ આવે છે અને બુદ્ધિનો પ્રકાશ ઘટે છે. જેમ ચશ્મા ઉપર ડાઘ હોય, ગાડીના કાચ ઉપર ચીકાશ આવી જાય તો બરાબર જોવાય નહીં. પછી કાચ સાફ કરીએ તો જોવાનું ફાવે. તેવી જ રીતે આત્મા ઉપર આવરણ આવે તો બુદ્ધિનો પ્રકાશ ઘટે છે.
હિંસાથી બીજાને દુઃખ આપનાર કે નુકસાન પહોંચાડનાર વ્યક્તિ ક્યારેય પોતે સુખી ન દેખાય, તેના ચહેરા ઉપર તેજ ના આવે. કારણ કે, બધા જીવોની અંદર આત્મા છે, મહીં ભગવાન બેઠા છે. એમને દુઃખ આપીએ તો આપણને રિએક્શનમાં દુઃખ ઊભા થાય છે.
ગુમડા જેવા ચામડીના રોગો અથવા ન્યુમોનિયા જેવો રોગ જેમાં થોડા દિવસમાં માણસ ખલાસ થઈ જાય છે, આ બધા રોગો જીવોની હિંસા કરી, તેમને દુઃખ આપ્યું, તેના બદલામાં આવે છે. કોઈ બિલાડી કે કૂતરાં જેવા પ્રાણીને માર્યું હોય, એ મરતા મરતા બચી ગયું હોય પણ આપણને એ બદલ દયા કે પસ્તાવો ન થયો હોય, તો તેના બદલામાં શરીરમાં અસાધ્ય રોગો ઉત્પન્ન થાય છે.
હિંસાનું ફળ ભોગવવા અધોગતિમાં પણ જવું પડે છે, જ્યાં ભયંકર દુઃખો પડે છે.
આપણાથી જાણતા કે અજાણતા જીવોની હિંસા થઈ જાય છે. આ બંનેમાં જાણીને કરેલી હિંસાનું ફળ વધુ દુઃખદાયી હોય છે.
ઉદાહરણ તરીકે બે મિત્રો રસ્તામાંથી પસાર થાય છે. રસ્તામાં બે વાંદા ચાલતા હોય. એક મિત્રનો પગ ભૂલથી એક વાંદા ઉપર પડી ગયો. બીજો મિત્ર એ જુએ અને એને એટલી ચીડ ચડે કે એ પોતાના બૂટથી કચડી કચડીને બીજા વાંદાને મારી નાખે.
હવે બે વાંદા મર્યા તે ક્રિયા સરખી જ થઈ. પણ બંનેનું પાપ કર્મ એકસરખું નથી બંધાતું. એનું ફળ કેવું આવી શકે તેનું પણ એક ઉદાહરણ જ લઈએ. ધારો કે, આવતા ભવમાં બંને એક જ માતાના બે દીકરા તરીકે જન્મે. જેણે કચડીને વાંદાને માર્યો હોય તે દીકરો મોટો પાંચેક વર્ષનો હોય અને જેણે ભૂલથી વાંદાને માર્યો તે નાનો દીકરો છ મહિનાનો હોય. હવે ત્યારે બંનેની માતા ગુજરી જાય.
બંને ભાઈઓને હિંસાનું ફળ એક રીતે તો સરખું મળે છે, કે બંનેની માતાનું મૃત્યુ થયું. પણ ફરક તેમના દુઃખમાં આવે છે. જેણે વાંદાને કચડી કચડીને માર્યો હતો, તે મોટા દીકરાને મા ગુજરી ગયાની સમજણ છે. એટલે એણે રડી રડીને આ ફળ ભોગવવાનું આવે. જ્યારે નાના દીકરાને કશી ખબર જ નથી, એટલે એને બહુ દુઃખ ન હોય.
ટૂંકમાં, હિંસાના ફળમાં દુઃખ તો પડે જ છે. પણ જાણીને કરેલી હિંસાનું ફળ જાણીને ભોગવવું પડે અને અજાણતા કરેલી હિંસાનું ફળ અજાણતા ભોગવાઈ જાય.
કોઈ પણ જીવને મારીએ તેમાં સામાને કેટલો દુઃખનો ભોગવટો આવે છે તેના આધારે હિંસા કરનારનું પાપકર્મ બંધાય છે. જેમ કે, ઘાસ તોડ્યું તેનું પાપ ઓછું બંધાય છે, પણ તેથી વધુ મચ્છરને મારવામાં પાપ બંધાય છે. જ્યારે એથીય વધુ પાપ કોઈ ચોપગાં પ્રાણીને મારવામાં અને સૌથી વધુ પાપ મનુષ્યને મારવામાં બંધાય છે.
એટલે મનુષ્યને દુઃખ ન પહોંચાડવું જોઈએ. અહીં આશય એવો છે કે અહિંસાના માર્ગે ઝીણું કાંતવામાં મોટું ના રહી જાય. એકેન્દ્રિય જીવોની હિંસામાં ઓછું પાપ છે, એમ કરીને આડેધડ ઝાડપાન કાપવા ન જોઈએ. પણ વધુ જોખમ મનુષ્યોને દુઃખ આપવામાં છે. કારણ કે કોઈ વ્યક્તિ ઉપર ગુસ્સો કરીએ, ચિડાઈએ તો સામાનો અહંકાર દુભાય છે, તેને ખૂબ દુઃખ અને ભોગવટો લાગે છે.
કોઈ પણ જીવને મારવાનો ભાવ કર્યો, એટલે પહેલો અંદર સૂક્ષ્મ ગુનો થાય છે, પોતાને જ દુઃખ પડે છે. ઉપરથી સામો જીવ વેર બાંધે તેનું પણ જોખમ ઊભું થાય છે.
પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “તમે જે કર્મ બાંધ્યા છે, એ કર્મ ચૂકવવા માટે એની પાસે બધું જ સાધન તૈયાર છે. એટલે જો તમારે આ જગતમાંથી, આ દુઃખોમાંથી મુક્ત થવું હોય તો કોઈ તમને દુઃખ દે, પણ તમારે સામે દુઃખ ના દેવું જોઈએ. નહીં તો સહેજ પણ દુઃખ દેશો તો આવતે ભવ એ સાપણ થઈને તમને કૈડશે, બધી હજાર રીતે વેર લીધા વગર રહેશે નહીં. આ દુનિયામાં સહેજેય વેર વધારવા જેવું નથી. પછી આ દુઃખો આવે છે, તે આ બધી ઉપાધિ કરી, કોઈકને દુઃખ દીધાં, તેનાં જ દુઃખો આવે છે ને! નહીં તો દુઃખ હોય નહીં દુનિયામાં.”
હિંસાથી કેવું વેર બંધાય છે તે આપણે મહાવીર ભગવાનની એક વાર્તાથી સમજીએ.
ભગવાન મહાવીરે ત્રિપૃષ્ઠ રાજાના અવતારમાં દરવાનના કાનમાં સીસું રેડ્યું હતું. કારણ કે, સૂચના આપી હોવા છતાં સંગીતના તાનમાં મશગુલ થઈ ગયેલા દરવાને રાજા સૂઈ ગયા પછી સંગીત બંધ ના કરાવ્યું. રાજા અવાજથી જાગ્યા, ક્રોધ ભભૂક્યો અને તેના કાનમાં ગરમ સીસું રેડાવ્યું જેથી દરવાનનું અત્યંત પીડા સાથે મૃત્યુ થયું. રાજાએ દ્વેષપૂર્વક, અહંકારના માર્યા આ કર્મ કર્યું એના ફળરૂપે તેમને નર્કમાં તો જવું જ પડ્યું. પણ એ જીવે જે વેર બાંધ્યું તે ઠેઠ મહાવીર ભગવાનના અવતારમાં વસૂલ કર્યું. ગોવાળ તરીકે જન્મેલા એ દરવાનના જીવે, ધ્યાનમાં ઊભેલા મહાવીર ભગવાનને પોતાની ગાયો સાચવવા કહ્યું અને ત્યાંથી કોઈ કામે નીકળ્યો. પણ વીતરાગ ભગવાન તો ધ્યાનમાં લીન હતા. ગાયો વિખરાઈ ગઈ. ગોવાળે આવીને ગાયો ન ભાળી, એટલે ક્રોધના આવેશમાં તેણે ભગવાનના કાનમાં તીક્ષ્ણ બરુ ઠોક્યા, જે કેટલાય દિવસો સુધી ભગવાનના કાનમાં પીડા આપતા રહ્યા. વૈદ્યે જ્યારે આ બરુ તેમના કાનમાંથી ખેંચ્યા ત્યારે ભગવાનની પણ પીડાથી ચીસ નીકળી ગઈ. એટલે જીવને દુઃખ આપવાનું ફળ બે રીતે મળે છે, એક પાપકર્મ ભોગવવું પડે છે અને બીજું સામો જીવ વેર વસૂલ કરે છે. ખુદ ભગવાન પણ આ વેરમાંથી ઊગરી નથી શકતા.
આપણી આસપાસ મૂંગા પ્રાણીઓની કતલ થતી હોય, તેમના પ્રત્યે ક્રૂરતા વર્તાતી હોય, તો તેનો વિરોધ કરવો. હિંસા ચાલતી હોય અને તેને અટકાવવાના પ્રયત્નો ન કરીએ અથવા તેનો વિરોધ ન કરીએ તો તે હિંસાને અનુમોદના આપી કહેવાય. તેનું કેવું જોખમ આવે તે આપણને અહીં પરમ પૂજ્ય દાદાશ્રી સાથે થયેલા પ્રશ્નોત્તરી સત્સંગમાંથી મળે છે.
પ્રશ્નકર્તા: પરંતુ એ સૂક્ષ્મ હિંસાને જ મહત્ત્વ આપીને મોટી દ્રવ્યહિંસા, મૂંગા પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા, હત્યા અને તેમના શોષણથી કે હિંસાથી મેળવવામાં આવતી સામગ્રીનો વપરાશ કરવો કે તેને પ્રોત્સાહન આપી મોટી હિંસા પ્રત્યે ઉદાસીનતા સેવવામાં આવે તો એ ઉચિત ગણાય?
દાદાશ્રી: એ ઉચિત ન ગણાય. એનો વિરોધ તો હોવો જ જોઈએ. વિરોધ નથી તો તમે એને અનુમોદના કરો છો, બેમાંથી એક જગ્યાએ છો. જો વિરોધ નહીં હોય તો અનુમોદના કરો છો. એટલે ગમે તે હોય કે જ્ઞાની હોય, પણ એમણે વિરોધ બતાવવાની જરૂર. નહીં તો અનુમોદનામાં પેસી ગયા.
પ્રશ્નકર્તા: હિંસા નીચે આવેલા કોઈ પણ પશુ-પંખી કે ગમે તે હોય, તો તેના ઉદયમાં હિંસા આવેલી હોય, તો તે અટકાવવા આપણે નિમિત્ત બની શકીએ ખરાં?
દાદાશ્રી: ગમે તેના ઉદયમાં એ આવ્યું હોય અને તમે જો અટકાવવા નિમિત્ત ન થાવ તો તમે હિંસાને અનુમોદના કરો છો. એટલે તમારે અટકાવવા ફરવું. એને ગમે તે ઉદય હોય, પણ તમારે તો અટકાવવા ફરવું જ જોઈએ.
જેમ રસ્તામાં કોઈ જતો હોય અને એનાં કર્મના ઉદયે એ અથડાયો ને પગમાં નુકસાન થઈ ગયું, અને તમે ત્યાં રહીને જતા હો, તો તમારે ઊતરી અને આપણા કપડાંથી એનો પાટો બાંધવો. ગાડીમાં લઈને મૂકી આવવું જોઈએ. ભલે એના કર્મના ઉદયથી એને થયું હોય, પણ આપણે ભાવ બતાવવા જોઈએ. નહીં તો તમે એના વિરોધી ભાવથી બંધાઈ જશો ને મુક્ત નહીં થાવ. આ જગત એવું નથી કે મુક્ત કરી શકે.
પ્રશ્નકર્તા: અધ્યાત્મમાં રુચિ ધરાવનાર માટે હિંસા અટકાવવાના પ્રયત્નો કરવા જરૂરી ગણાય ખરું? જો જરૂરી હોય તો તે અંગે આપ માર્ગદર્શન-ઉપદેશ-સલાહ આપશો?
દાદાશ્રી: અધ્યાત્મમાં રુચિ ધરાવતા હોય અને હિંસા અટકાવવાના પ્રયત્નો ન કરે એ તો હિંસાની પ્રેરણા કરી કહેવાય. હિંસા અટકાવવાના પ્રયત્નો ન કરે તો હિંસાને અનુમોદના કરી કહેવાય. માટે ગમે તે અધ્યાત્મ હોય, પણ હિંસા અટકાવવાનો પ્રયત્ન તો હોવો જ જોઈએ.
પ્રશ્નકર્તા: આવા સંજોગોમાં મોટી દ્રવ્યહિંસાનું નિવારણ શા માટે નહીં સૂઝતું હોય?
દાદાશ્રી: એ દ્રવ્યહિંસાના નિવારણની ખાસ જરૂર છે. એના માટે આપણે બીજા પ્રયત્નો કરીએ, સારી રીતે બધા ભેગા થઈ અને મંડળો રચી અને ગવર્નમેન્ટમાં પણ આપણા ચૂંટેલા માણસો મોકલીએ તો ઘણું ફળ મળે. બધાએ ભાવ કરવાની જરૂર છે અને મજબૂત ભાવ કરવાની જરૂર છે, પ્રોત્સાહન આપવાની જરૂર છે.
પ્રશ્નકર્તા: પણ દાદા, છેવટે તો આ બધો હિસાબ જ છે ને?
દાદાશ્રી: હા, હિસાબ છે. પણ એ હિસાબ કહેવું એ છે તે થઈ ગયા પછી કહેવાય. હિસાબ કહીએ તો બધું બગડી જાય. આપણા ગામમાં બાવાઓ આવ્યા હોય ને છોકરાઓ ઉઠાવી જતા હોય તો પણ આપણે કહીએ છીએને કે પકડો આ લોકોને અને અટકાવી દો! એટલે જેમ પોતાનાં છોકરાંને કોઈ લઈ જાય, ઉઠાવી જાય તો કેટલું દુઃખ થાય? એવી રીતે આ ગાયો-ભેંસો એ બધું કપાય એના માટે મનમાં બહુ જ દુઃખ રહેવું જોઈએ અને એના સામે વિરોધ થવો જોઈએ. નહીં તો એ કામ સફળ જ ના થાય ને! બેસી રહેવાની જરૂર જ નથી. એ કર્મના ઉદય માનીએ, પણ ભગવાનેય આવું નહોતા માનતા. ભગવાનેય વિરોધ બતાવતા હતા. માટે આપણે વિરોધ બતાવવો જોઈએ, એકતા સર્જવી જોઈએ અને એના સામે પડવું જોઈએ. આમાં તો કંઈ હિંસાના વિરોધી નથી, પણ અહિંસક ભાવ છે એ તો!
હિંસાને અટકાવવા આપણે વિરોધ દર્શાવીએ, પણ કેટલાક કાર્યોમાં હિંસા અનિવાર્ય હોય. તેવા હિંસાના કાર્યમાં કરનાર, કરાવનાર બંનેને જોખમદારી આવે છે. તે વખતે હિંસાની જોખમદારીમાંથી બચવું હોય તો આપણો ભાવ હિંસાના વિરોધમાં રાખવો. કારણ કે, આપણો ભાવ કેવો છે તેના આધારે કર્મ બંધાય છે.
ધારો કે, આપણા રહેણાક વિસ્તારમાં માખી-મચ્છરનો ઉપદ્રવ બહુ હોય, તો મ્યુનિસિપાલિટીવાળા આવીને બધે દવા છાંટે, જેનાથી માખી-મચ્છર મરી જાય. આ ક્રિયાનો ગુનો તો બંધાય છે. ત્યારે આપણને વિચાર આવવો જોઈએ કે જેમ માણસો ઉપર બોમ્બગોળા નાખીએ તેવું આ જીવજંતુઓ ઉપર દવા નાખીએ ત્યારે એમને થતું હશે. એટલે મ્યુનિસિપાલીટીના માણસોને આમ કરવું પડે, ત્યારે આપણા મનમાં ભાવ એવો રાખવો, કે “આવું ના હોવું જોઈએ.”
હવે મ્યુનિસિપાલિટીના માણસો તો કામ કરનારા છે. એમને આ કામ કોણ કરાવડાવે છે? જે સત્તા ઉપર હોય, એ ઓફિસરો. તો એ કરાવનારને વધુ દોષ લાગે છે. એમાંય આપણે રહેવાસી તરીકે ફરિયાદ કરીને નોટિસ લખાવી હોય જેથી એ લોકોને આ કરવું પડ્યું હોય, તો આપણને પણ જોખમદારી આવે. આવા સંજોગોમાં પોતે જે કોઈ ભૂમિકામાં હોય, તેણે જો હિંસા ન કરવી હોય તો કહેવું કે, “ભાઈ, મારે આ જોઈતું નથી. મને આ ગમતું નથી.” તો પછી પોતાની જવાબદારી રહે નહીં. જેને આ કાર્ય કરાવવું ગમે છે એની જવાબદારી આવે છે.
ધારો કે, પાણીની ટાંકીમાં કોઈ ઉંદર કે કબૂતર મરી ગયું હોય, તો તેને કઢાવીએ અને ટાંકી સાફ કરાવવા દવા છંટાવીએ, તો એ ફરજીયાત કાર્ય છે. એ કરવું પડે અને તેમાં કરનાર, કરાવનાર બંનેને ગુનો લાગે. પણ આપણે ભાવ ન રાખવો જોઈએ. આપણો અભિપ્રાય તો કોઈ જીવની હિંસા ન થાય તેમાં જ રાખવો જોઈએ.
Q. અહિંસાનું પાલન કઈ રીતે કરવું?
A. અહિંસાનું પાલન કરવા માટે સૌથી પહેલા હિંસા એટલે શું એ જાણવું પડે. હિંસા કઈ રીતે નુકસાન કરે છે? અને... Read More
Q. અહિંસાથી થતા ફાયદા કયા કયા છે?
A. જે અહિંસક હોય તેની બુદ્ધિનો પ્રકાશ બહુ વધે. કોઈ પણ જીવને દુઃખ ના આપે, તો તેના પરિણામે બુદ્ધિ સમ્યક્... Read More
Q. મનુષ્યો અને પ્રાણીઓની હિંસા કઈ કઈ રીતે થાય છે?
A. નિગોદમાંથી એકેન્દ્રિયમાં આવેલો જીવ કરોડો, અબજો અવતારના ડેવલપમેન્ટ પછી, અસંખ્ય યોનિઓમાં ભ્રમણ કરીને... Read More
A. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, અહિંસાના પાલન માટે સ્વાદની ઇન્દ્રિય, એટલે કે જીભનો કંટ્રોલ બહુ... Read More
Q. ઈંડાં શાકાહારી છે કે માંસાહારી?
A. સામાન્ય રીતે માંસાહાર ન કરતા લોકોને પણ ઈંડાં ખાવામાં જોખમ નથી લાગતું. ઘણી બેકરીની વાનગીઓ જેવા કે,... Read More
Q. જીવજંતુઓને મારવાથી થતી હિંસા કઈ રીતે અટકાવવી?
A. સામાન્ય રીતે ઘરમાં મચ્છર, માખી, કીડીઓ, માકણ, વાંદા કે ગરોળી દેખાય એટલે આપણે તરત ભય કે ચીડથી તેમને... Read More
Q. ખેતીવાડીમાં હિંસા થાય ત્યારે શું કરવું?
A. ખેતીવાડી કરવામાં ખેડૂતોને જાણ્યે અજાણ્યે હિંસાનો અપરાધ કરવો પડે છે. જમીન ખેડવામાં નાની જીવાતોથી... Read More
Q. મોટામાં મોટી હિંસા કઈ છે અને તેમાંથી શી રીતે છૂટી શકાય?
A. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, આ જગતમાં મોટામાં મોટી હિંસા કષાયથી એટલે કે, ક્રોધ-માન-માયા-લોભથી... Read More
subscribe your email for our latest news and events