Related Questions

અહિંસાથી થતા ફાયદા કયા કયા છે?

અહિંસાથી બુદ્ધિનો પ્રકાશ વધે

જે અહિંસક હોય તેની બુદ્ધિનો પ્રકાશ બહુ વધે. કોઈ પણ જીવને દુઃખ ના આપે, તો તેના પરિણામે બુદ્ધિ સમ્યક્ થતી જાય. તેનાથી કઈ રીતે કોઈને દુઃખ ના આપવું તેની વધુ ને વધુ સૂઝ અને આવડત પ્રગટ થતા જાય. બીજાને દુઃખ આપે એ વિપરીત બુદ્ધિ છે, જેમાં “સામો જીવે કે મરે, મારે મજા કરી લેવી છે.” એવો પાશવી ભાવ હોય છે. તેનાથી બુદ્ધિનો પ્રકાશ ઘટે.

માનવતા એ કહેવાય કે કોઈ મને દુઃખ આપે તો મને નથી ગમતું, તો મારે કોઈને દુઃખ ના આપવું જોઈએ. માનવતા દાખવવાથી ઊંચી બુદ્ધિ પ્રગટ થતી જાય.

કોઈનેય દુઃખ ના આપે, કોઈ જીવને ના મારે, કોઈનું પણ નુકસાન ન થાય તેમ સાચવીને જીવન જીવે તેની બુદ્ધિ એટલી સરળ અને ઊંચા પ્રકારની હોય કે દરેક મુશ્કેલીમાં સમાધાન લાવવાની શક્તિ પ્રગટ થાય.

અહિંસાથી કર્મો ખપે

કર્મનું ફળ ભોગવતી વખતે નવા હિંસક ભાવો ના થાય તેની જાગૃતિ રાખીએ તો કર્મોનો હિસાબ ચૂકતે થાય છે.

ધારો કે, આપણને કૂતરું બચકું ભરી જાય ત્યારે ખરેખર કર્મનો હિસાબ ચૂકતે થાય છે. પણ આપણે જો સામે હિંસક ભાવ કરીએ કે “આ કૂતરાંઓને તો પકડીને મારી જ નાખવા જોઈએ, એમને આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ.” તો આપણે હિંસાના નવા બીજ નાખીએ છીએ, જેનાથી ફરી આવો જ કર્મનો હિસાબ ભેગો થશે.

પણ જો આપણે તે જ પરિસ્થિતિમાં સમતા રાખીને ઉપાયો કરીએ, પાટાપીંડી અને દવા બધું કરાવીએ, પણ કૂતરાંઓને મારી નાખવાના ભાવ ન કરીએ તો હિંસાના બીજ નથી પડતા અને હિસાબ ચૂકતે થાય છે.

અહિંસાથી ધર્મ અને અધ્યાત્મ તરફ વધાય

અહિંસા એ જ ધર્મ છે અને હિંસા એ અધર્મ છે. મન, વચન, કાયાથી કોઈ પણ જીવને કિંચિત્‌માત્ર દુઃખ ના થાય એવી અહિંસા પાળવાનો ભાવ થયો ત્યારથી ધર્મ તરફ જવાય છે. જ્યારે હિંસા કરવાનો ભાવ થયો ત્યારથી જ અધર્મની શરૂઆત થાય છે.

આધ્યાત્મિક ઉન્નતિ પણ અહિંસાથી જ થાય છે. અધ્યાત્મ એટલે આત્મ સન્મુખ જવું. પોતે આત્મારૂપે રહીને અને અન્યને આત્મારૂપે જોવું એ મોટામાં મોટી અહિંસા છે, જેના પાલન થકી પોતાની જ આધ્યાત્મિક પ્રગતિ થાય છે.

દરેક ક્રિયા પાછળ જ્ઞાન રહેલું છે. જેમ જેમ મનુષ્યનું ડેવલપમેન્ટ એટલે કે, ઉપાદાન વધે તેમ તેનું જ્ઞાન બદલાય છે. પ્રાથમિક ડેવલપમેન્ટમાં મનુષ્યને મારી નાખે તેવું જ્ઞાન અશુદ્ધ જ્ઞાન કહેવાય છે. તેના પછી ઘણા કાળે ડેવલપ થતો થતો આગળ વધે પછી મનુષ્યને નથી મારતો, પણ કૂકડા, બકરા, ડુક્કરને મારીને ખાય છે. એમાંથીય ઘણા ડેવલપમેન્ટ પછી પ્રાણીઓની હિંસા ન કરે પણ ઈંડાં ખાવાનું ચાલુ હોય. આ બંને અશુભ જ્ઞાન કહેવાય છે. અશુદ્ધ જ્ઞાન અને અશુભ જ્ઞાન હિંસા તરફના છે. આગળ વધીને જીવ શાકાહારી થાય ત્યારે શુભ જ્ઞાનમાં આવે છે અને જ્યારે મનુષ્ય આત્મભાવમાં આવે છે ત્યારે કાયમ માટે અહિંસક થાય છે, જેને શુદ્ધ જ્ઞાન કહે છે. શુભ અને શુદ્ધ જ્ઞાન અહિંસા તરફના છે.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “અહિંસા સિદ્ધ થાય તો માણસ ભગવાન થાય!” એટલું બધું અહિંસાનું મહત્ત્વ છે. પણ આપણે આ તબક્કે જેટલું સમજાયું છે તેટલી અહિંસા પાળવાની શરૂઆત કરીએ.

અહિંસાથી સામો પણ હિંસા ભૂલે

અહિંસા જેવું કોઈ બળ નથી. અહિંસાનો એટલો બધો પ્રભાવ છે કે, પોતે સંપૂર્ણ અહિંસક હોય તો તેના ઉપર સાપ નાખીએ તો સાપ પણ ના કરડે, ઊલટો નાસી જાય. વાઘ પણ કંઈ ના કરી શકે. જે સંપૂર્ણ અહિંસા પાળતા હોય તેમને કોઈ મારી ન શકે.

સંપૂર્ણ અહિંસક એટલે જે કોઈ એક પક્ષમાં ન પડે. કારણ કે, એકના પક્ષની તરફેણમાં એક શબ્દ બોલીએ તો બીજા પક્ષનો અહંકાર દુભાય, તેમને દુઃખ થાય. તે હિંસા થઈ કહેવાય. એટલું જ નહીં, સંપૂર્ણ અહિંસક હોય તેને પોતાની સલામતી માટે વિચારવું ન પડે. પોતાની સેફસાઈડ માટેના પ્રયત્નોમાં જેટલા પ્રતિકાર થાય છે એ બધામાં હિંસા થાય છે. જેમ કે, “મને આવું કરે તો હું એને ખલાસ કરી નાખીશ” એવા ભાવો કરવા, સલામતી માટે બોમ્બની શોધખોળ કરવી, હથિયારો વાપરવા એ બધું હિંસા છે. કોઈ પણ હિંસાનો પછી દંડ આવે.

જ્ઞાની પુરુષ અને તીર્થંકરો સંપૂર્ણ અહિંસક હોય. તેમની સામે ગમે તેવો ગાંડો અહંકાર પણ ટાઢો પડી જાય. તીર્થંકરોની સભામાં તો વાઘ અને બકરી એકસાથે બેસે. વાઘ પોતાનો હિંસક ભાવ ભૂલી જાય અને બકરી ભય ભૂલી જાય.

પણ આ કળિયુગમાં જ્યાં મનુષ્યોના મન બગડી ગયા છે, લોકો વ્યસનનો ભોગ બન્યા છે, ત્યાં સાવ છૂટું મૂકાય એમ નથી. નહીં તો લોકો લૂંટી લે. એટલે હિંસા સામે જરૂરી રક્ષણ અનિવાર્ય છે.

×
Share on