Related Questions

મોટામાં મોટી હિંસા કઈ છે અને તેમાંથી શી રીતે છૂટી શકાય?

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, આ જગતમાં મોટામાં મોટી હિંસા કષાયથી એટલે કે, ક્રોધ-માન-માયા-લોભથી થાય છે, જેને સૂક્ષ્મ હિંસા કે ભાવહિંસા કહેવાય છે. ભાવહિંસા એ સૌથી મોટી હિંસા છે.

ભાવહિંસાથી કેટલું નુકસાન થાય છે તે સાપેક્ષ રીતે સમજાવતા પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, એક તરફ એકેન્દ્રિય જીવોની હિંસા રોકવા માટે કંદમૂળનો ત્યાગ કરીએ તો ત્રણ રૂપિયા જેટલો નફો થાય, પણ સામે કષાયથી નજીકની વ્યક્તિઓને દુઃખ આપીએ તો ત્રણ કરોડ રૂપિયાની ખોટ જાય છે!

જીવોને બચાવવા એ સ્થૂળ હિંસા છે, જ્યારે કષાયો ન થાય ત્યાં સૂક્ષ્મ અહિંસા છે. કોઈ જીવને મારવા કરતા પણ વધારે પાપકર્મ કષાયથી બંધાય છે. એનો અર્થ એમ નથી કે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવોની છૂટથી હિંસા કરવી. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, દ્રવ્યહિંસા એટલે કે સ્થૂળ હિંસા બંધ થાય તો જ ભાવહિંસા સચવાય એવું છે. છતાં પણ ભાવહિંસાની મુખ્ય કિંમત છે.

ભાવહિંસા

મોટાભાગના લોકોને ભાવહિંસા સમજાતી જ નથી. એકાદ અપવાદ સિવાય, મોટે ભાગે ઘરોમાં આખો દિવસ ભાવહિંસા જ થયા કરતી હોય છે. આખો દિવસ કકળાટ અને કંકાસમાં જ જીવન જાય છે.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “અહિંસા તમે બહાર પાળો, એ સંપૂર્ણ અહિંસા પાળો, સૂક્ષ્મ જીવો કે સ્થૂળ જીવો, બધા માટેની અહિંસા પાળો. પણ તમારા આત્માની ભાવહિંસા ના થાય એ પહેલું જુઓ. આ તો નિરંતર ભાવહિંસા જ થઈ રહી છે. હવે આ ભાવહિંસા લોકો મોઢે બોલે છે ખરાં, પણ એ ભાવહિંસા કોને કહેવાય, એ સમજવું જોઈશે ને?”

પાંચ ઇન્દ્રિયોથી સ્થૂળમાં જે દેખી શકાય તે બધી હિંસા દ્રવ્ય હિંસા (સ્થૂળ હિંસા) છે. પ્રત્યક્ષ, મન-વચન-કાયાથી જે જગતમાં દેખાય છે, એ દ્રવ્યહિંસા છે. સ્થૂળ હિંસાનો ફોટો પાડી શકાય, જ્યારે ભાવહિંસાનો બહાર ફોટો ન પડે. સૂક્ષ્મમાં કોઈને પણ ન દેખાય તે રીતે આ ભાવહિંસા થતી હોય છે.

“જ્યાં ક્રોધ-માન-માયા-લોભ છે એ આત્મહિંસા છે!” - પરમ પૂજ્ય દાદા ભગવાન.

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, “ભાવઅહિંસા એટલે મારે કોઈ પણ જીવને મારવો છે એવો ભાવ કયારેય પણ ના થવો જોઈએ ને કોઈ પણ જીવને મારે દુઃખ દેવું છે એવો ભાવ ઉત્પન્ન ના થવો જોઈએ. મન-વચન-કાયાથી કોઈ જીવને કિંચિત્‌માત્ર દુઃખ ન હો એવી ભાવના જ ખાલી કરવાની છે, ક્રિયા નહીં.”

સ્થૂળ હિંસા સંપૂર્ણપળે પાળવી આપણા હાથમાં નથી. કારણ કે ખોરાક માટે એકેન્દ્રિય વનસ્પતિ ઉપર આધાર રાખવો પડે છે, રોગનાશક દવાઓ લેવી પડે છે. બધી રીતે સાવચેતી રાખવા છતાં અજાણતા પગ મૂકાઈ જતાં કે વાહન નીચે આવી જવાથી પણ અમુક જીવો કચડાઈ જાય છે. એટલે દ્રવ્યહિંસા પરતંત્ર છે, આપણા કાબૂમાં નથી. જ્યારે ભાવહિંસા સ્વતંત્ર છે. અજાણતા પણ કોઈ જીવની હિંસા ન થાય એવો ભાવ આપણે કરી શકીએ, જેનું ફળ અવશ્ય મળે છે. આખી જિંદગી કોઈને દુઃખ ન પડે એવી રીતે જીવવાનો નિશ્ચય કરવો એ તો આપણા હાથમાં છે.

દુઃખ આપવું એ મોટી ભાવહિંસા

કોઈને માનસિક દુઃખ આપવું, કોઈના પર ક્રોધ કરવો, ગુસ્સે થવું, એ બધું હિંસકભાવ કહેવાય, ભાવહિંસા કહેવાય. મન, વાણી કે વર્તનથી દુઃખ આપવું એ મોટી ભાવહિંસા કહેવાય છે. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, પોતાને કષાય ન થાય એવું કરવું જોઈએ. કારણ કે, કષાય એ મોટામાં મોટી હિંસા છે. તેને આત્મહિંસા, ભાવહિંસા કહેવાય છે. કયા કયા પ્રકારે સૂક્ષ્મ હિંસા થાય છે તે સમજાય નહીં ત્યાં સુધી હિંસા પૂરેપૂરી પળાતી નથી.

કોઈ વસ્તુ સાચવવા માટે થઈને મનુષ્યો સાથે કષાય કરીને દુઃખ આપીએ એ હિંસા છે. બહાર સારું વર્તન રાખીએ પણ અંદર કોઈ વ્યક્તિ માટે ખરાબ વિચાર આવે, એ માનસિક હિંસા છે. પોતાના ધાર્યા પ્રમાણે કાર્ય ન થાય તો મોઢું ચડાવીને ફરીએ, કોઈનું અપમાન કરીએ, સામો અપમાન કરે તો તેની સાથે ઝઘડીએ, કોઈ વ્યક્તિથી કામ બગડ્યું તો તેને ગુસ્સામાં વઢી મૂકીએ, જમવાનું બરાબર ના બન્યું તો બનાવનાર ઉપર અકળાઈ જઈએ તેમજ વિષય વિકારથી પ્રેરાઈને કોઈને દુઃખ કે ત્રાસ આપીએ, આ બધું જ સૂક્ષ્મ હિંસામાં આવે છે.

ઘરની વ્યક્તિઓ ઉપર ચિડાવું, મા-બાપને દુઃખ આપવું, સાસુ વહુનું એકબીજા સાથે ઝઘડવું, પતિ-પત્નીમાં એકબીજાને દુઃખ આપવું એ તો આત્મઘાત બરાબર હિંસા છે. આખો દિવસ એકબીજાને દુઃખ આપવાના ભાવ થવા, એકબીજાના દોષ જોવા એ હિંસા છે.

ક્રોધથી, દ્વેષથી, અભાવથી, અપમાનથી, તિરસ્કારથી, તરછોડથી, ધાર્યું કરવાથી, મોહથી કે વિષયથી કોઈને ઉઘાડું દુઃખ થઈ ગયું અથવા બીજાને ખબર પડે તેવી રીતે ભાવ બગડ્યા તો તે રૌદ્રધ્યાન છે. જ્યારે ગમતા ઉપર રાગ અને ન ગમતા ઉપર દ્વેષ થાય, અથવા બહાર કોઈને પણ ખબર ન પડે પણ અંદર ભાવ બગડ્યા, તો તે આર્તધ્યાન કહેવાય છે. જેમ કે, રસોઈ કરીને પરવાર્યા હોઈએ અને ત્યારે જ કવેળાએ ઘરમાં મહેમાન આવે, તો મનમાં ભાવ થાય કે “અત્યારે ક્યાંથી આવ્યા?” તો એ આર્તધ્યાન છે.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “આ જગતમાં મોટામાં મોટી હિંસા કઈ? આર્તધ્યાન ને રૌદ્રધ્યાન! કારણ કે એ આત્મહિંસા કહેવાય છે. પેલી જીવડાંની હિંસા એ પુદ્‌ગલહિંસા કહેવાય છે ને આ આત્મહિંસા કહેવાય છે.”

આ ઉપરાંત, કોઈ વ્યક્તિની નિંદા કરવી એ પણ તેને માર્યા બરાબર હિંસા છે. કોઈ વ્યક્તિની નેગેટિવ ચર્ચા કરવી કે “આ આવા છે, તેવા છે” એ નિંદા કહેવાય. માટે કોઈની પણ ક્યારેય નિંદા કરવી નહીં.

પછી કોઈ મનુષ્યને માટે એક સહેજ પણ ખરાબ અભિપ્રાય ના હોવો જોઈએ. દુશ્મન પડે તો પોતે ખુશ થાય એ પાશવી આનંદ કહેવાય. દુશ્મનને માટે પણ ખરાબ અભિપ્રાય બંધાયો તો એ મોટામાં મોટી હિંસા છે.

ઉપરાંત, જ્યાં પક્ષપાત છે, એટલે કે અમે જુદા ને તમે જુદા, એવો ભેદ છે ત્યાં હિંસા છે. પક્ષપાત બે રીતે થાય છે, એક વ્યવહારમાં અને બીજો ધર્મમાં. વ્યવહારમાં સંતાનો કે કુટુંબીઓ વચ્ચે પક્ષપાત, પિયર અને સાસરી વચ્ચે પક્ષપાત હોય કે પછી “અમારો ધર્મ ઊંચો અને સાચો, તમારો ધર્મ નીચો અને ખોટો” એવો પક્ષપાત હોય. એકના પક્ષમાં પડીએ એટલે બીજાને દુઃખ થાય જ છે, માટે તે પણ સૂક્ષ્મ હિંસા છે.

બુદ્ધિથી મારવું મોટી હિંસા

વધારે બુદ્ધિથી કોઈને છેતરવું, લોભથી પ્રેરાઈને કોઈ વ્યક્તિનું મફતમાં પડાવી લેવું, મહેનતમાં બદલામાં ઓછું વળતર આપવું, એ બધું સૂક્ષ્મ હિંસા છે. વધારે બુદ્ધિવાળો ઓછી બુદ્ધિવાળાને છેતરી જાય એ તો ભયંકર ગુનો છે. વધારે બુદ્ધિનો આવો દુરુપયોગ કરવાનો ન હોય.

“એમ ને એમ ખૂન કરી નાખે તો એક અવતારનું મરણ થયું, પણ આ તો બુદ્ધિથી ગોળી મારવામાં અનંત અવતારનું મરણ થશે.” - પરમ પૂજ્ય દાદા ભગવાન.

બુદ્ધિ એ તો પ્રકાશ છે. આપણી પાસે ટોર્ચનો વધારે પ્રકાશ હોય તો જે અંધારામાં દીવો લઈને જતું હોય તેને પ્રકાશ ધરવાનો હોય. એટલે કે જેની બુદ્ધિ ઓછી હોય તેને વધારે બુદ્ધિવાળાએ મદદ કરવી જોઈએ કે “તમે આમ નહીં, આમ કરો, નહીં તો છેતરાઈ જશો.” પણ બુદ્ધિથી મારવું એટલે ઓછી બુદ્ધિવાળા હાથમાં આવે તો તેનો શિકાર કરવો, તેનો લાભ ઉઠાવવો, પ્રકાશ ધરવાના પૈસા માંગવા!

પરમ પૂજ્ય દાદા ભગવાન આ ગુનાનું જોખમ સમજાવે છે.

પ્રશ્નકર્તા: માનસિક દુઃખ આપવું, કોઈને છેતરવું, વિશ્વાસઘાત કરવો, ચોરી કરવી વગેરે સૂક્ષ્મ હિંસા ગણાય?

દાદાશ્રી: એ બધી હિંસા જ છે. સ્થૂળ હિંસા કરતાં આ હિંસા મોટી છે. એનું ફળ બહુ મોટું આવે છે. કોઈને માનસિક દુઃખ આપવું, કોઈને છેતરવું, વિશ્વાસઘાત કરવો, ચોરી કરવી એ બધું રૌદ્રધ્યાનમાં જાય છે ને રૌદ્રધ્યાનનું ફળ નર્કગતિ છે.

આ સૂક્ષ્મ હિંસામાંથી ફરવાનો રસ્તો ખુલ્લો છે. હજુ પણ બુદ્ધિથી લોકોને છેતરવાનું છોડી દઈએ અને અત્યાર સુધી આવા ગુના કર્યા હોય તેના સાચા હૃદયપૂર્વક પસ્તાવા લઈએ તો એની જોખમદારી થોડી ઓછી થશે.

મોટામાં મોટી અહિંસા - ભાવ અહિંસા

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, એક જ ભાવ રાખવાનો છે કે કોઈ જીવને કિંચિત્‌માત્ર દુઃખ ન હો. કોઈને મનથી પણ દુઃખ ન હો, વાણીથી પણ દુઃખ ના હો અને વર્તનથી પણ દુઃખ ના હો! બસ, તેના જેવો મોટો અહિંસક કોઈ છે નહીં. આ ભાવ આપણે સતત લક્ષમાં રાખવાનો છે. કારણ કે અહિંસક ભાવથી ધબ્બો મારીએ તો પણ નથી વાગતો, જ્યારે હિંસક ભાવથી ફૂલ નાખીએ તો પણ સામાને દુઃખ થઈ જાય છે. એટલે ક્રિયાથી એટલી હિંસા નથી થતી પણ ક્રિયા પાછળના હિંસકભાવથી વધુ હિંસા થાય છે.

જેને અહિંસા પાળવી હોય તે સૂક્ષ્મ હિંસામાં જાગૃત હોય. કોઈને દુઃખ આપતા પહેલાં વિચાર આવે કે મને કોઈ આવું દુઃખ આપે તો ન ગમે, માટે બીજાને એવું દુઃખ ન આપી શકાય. સામો દુઃખ આપી જાય, છેતરી જાય તો તેના ઉપાયો કરવા પણ વ્યક્તિ ઉપર ગુસ્સે ન થવું, રાગ-દ્વેષ ન કરવા. તો સૂક્ષ્મમાં અહિંસા પાળી કહેવાય. સામો છંછેડે તો પણ પોતે હથિયાર ન ઉગામે તો અહિંસા સિદ્ધ કરી કહેવાય.

પરમ પૂજ્ય દાદા ભગવાન ભાવ અહિંસાનો સુંદર ઉપાય બતાવતા કહે છે કે, “આપણે મનમાં હિંસકભાવ નહીં રાખવો. ‘મારે કોઈની હિંસા કરવી નથી’ એવો ભાવ જ સજ્જડ રાખવો અને સવારના પહોરમાં બોલવું જોઈએ કે, ‘મન-વચન-કાયાથી કોઈ જીવને કિંચિત્‌માત્ર દુઃખ ન હો.’ એવો ભાવ બોલી અને પછી સંસારી ક્રિયા ચાલુ કરજો, એટલે જવાબદારી ઓછી થઈ જાય.”

પછી આખો દિવસ જાણતા અજાણતા કોઈને દુઃખ અપાઈ ગયું હોય તો શું કરવું? તેઓશ્રી કહે છે કે, “ઘેર જઈને એવું કહેવું કે આખા દહાડામાં નિશ્ચય કરીને નીકળ્યો છતાં જે કંઈ કોઈને દુઃખ થયું હોય તેની ક્ષમાયાચના કરી લઉં છું. બસ થઈ રહ્યું. પછી તમારે જોખમદારી જ નહીં ને!”

એટલે મનમાં ભાવના જ કરવાની છે અને એ ભાવના પ્રમાણે નિશ્ચય કરીને તેને સંપૂર્ણ સિન્સિયરલી વળગી રહેવાનું છે. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે “કોઈ જીવની હિંસા કરવી નથી, કરાવવી નથી કે કર્તા પ્રત્યે અનુમોદવી નથી અને મારા મન-વચન-કાયાથી કોઈ જીવને દુઃખ ન હો. એટલી ભાવના રહી કે તમે અહિંસક થઈ ગયા! એ અહિંસા મહાવ્રત પૂરું થઈ ગયું કહેવાય.”

×
Share on