Related Questions

બ્રહ્મચર્ય પાળવામાં ખોરાક શું ભાગ ભજવે છે? કેવા પ્રકારનો ખોરાક બ્રહ્મચર્ય પાળવા માટે હીતકારી છે?

બ્રહ્મચર્ય પાળવામાં અને જાગૃતિ ટકાવવામાં ખોરાક બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. આ ખોરાક જે પેટમાં જાય છે, તેનો પછી દારૂ થાય છે ને આખો દહાડો પછી દારૂનો કેફ, મેણો ને મેણો ચઢ્યા કરે છે. ખોરાકની જાગૃતિ પર બહુ અસર થાય છે. જેને સંયમ લેવો છે, સંયમ એટલે કે બ્રહ્મચર્ય પાળવું છે તે ખોરાક વધારે લે તો તેને પોતાને અવળી 'ઈફેક્ટ' થાય. પછી એને એ અવળી 'ઈફેક્ટ'ના રીઝલ્ટ ભોગવવાં પડે.

પરમ પૂજ્ય દાદાશ્રી એ બ્રહ્મચર્ય પાળવામાં આહાર જાગૃતિ કેવી રીતે મદદરૂપ થાય છે તેની પાછળનું વિજ્ઞાન ખુલ્લું કર્યુ છે. ખોરાક માટેની આ અજોડ તરકીબ (ટીપ્સ) પ્રમાણે ચાલીને દરેક વ્યક્તિ શુદ્ધ બ્રહ્મચર્ય ટકાવી શકે.

વિષયના સ્પંદનો વધારે એવો ખોરાક ટાળવો

જે લોકો બ્રહ્મચર્ય પાળવા માંગે છે તેમણે અમુક પ્રકારનો ખોરાક વિષયના સ્પંદનો વધારે છે તે માટે જાગૃત રહેવું જોઈએ. આવા પ્રકારના ખોરાકનું સેવન બ્રહ્મચર્ય પાળવા માટે ઓછું કરવું જોઈએ.

  • ડુંગળી, લસણ અને બટાટા – આ ત્રણ ખોરાકની વસ્તુઓ વિષય-વૃત્તિઓને ઉત્તેજના વધારે છે અને અબ્રહ્મચર્ય તરફ લઈ જાય છે.
  • તળેલો ખોરાક (ચરબી યુક્ત) જેવો કે ઘી અને તેલ વાળો ના ખાવો જોઈએ. તમારે દૂધ પણ ઓછું લેવું જોઈએ.
  • ઘી માંથી બનાવેલ મીઠાઈઓ, ખાંડ અને સુકામેવાના સેવનની બહુ હાનિકારક અસરો પડે છે. તેનાથી વિકારીભાવ ઉત્પન્ન થાય છે.
  • ઘી હંમેશાં માંસ વધારનારું છે અને માંસ વધે એટલે વીર્ય વધે, એ બ્રહ્મચારીઓની લાઈન જ ન હોય ને! એટલે તમે જે ખોરાક ખાવ તે દાળ-ભાત-કઢી એકલાં ખાવ. તોય ખોરાકનો સ્વભાવ એવો છે કે ઘી વગરેય એનું લોહી થાય અને તે હેલ્પીંગ થાય. આપણને આ સાદા ખોરાકથી બધી શક્તિ મળી રહે!

ઊણોદરી તપ – બ્રહ્મચર્ય ટકાવી રાખવા માટેની એક અજોડ ચાવી

પરમ પૂજ્ય દાદાશ્રી સમજાવે છે કે ઓછા ખોરાકનું સેવન કેવી રીતે તમારી ઉત્પન્ન થયેલી જાગૃતિને ટકાવી રાખવામાં મદદરૂપ થશે અને તમે શુદ્ધ બ્રહ્મચર્ય પાળી શકશો.

ઊણોદરી તપ એટલે શું કે રોજ ચાર રોટલી ખાતા હોય તો પછી બે કરી નાખે, એનું નામ ઊણોદરી તપ કહેવાય. એવું છે ને, આત્મા આહારી નથી, પણ આ દેહ છે, પુદ્‍ગલ છે, એ આહારી છે અને દેહ જો ભેંસ જેવો થઈ જાય, પુદ્‍ગલશક્તિ જો વધી જાય તો આત્માને નિર્બળ કરી નાખે છે.

પ્રશ્નકર્તા: ઊણોદરી કરવાનું જ્યારે મન બહુ થાય છે, ત્યારે જ વધારે ખવાઈ જાય છે !

દાદાશ્રી: ઊણોદરી તો કાયમનું રાખવું જોઈએ. ઊણોદરી વગર તો જ્ઞાન-જાગૃતિ રહે નહીં. આ જે ખોરાક છે, તે પોતે જ દારૂ છે. આપણે જે ખોરાક ખાઈએ છીએ, તેનો મહીં દારૂ થાય છે. પછી આખો દહાડો દારૂનો કેફ રહ્યા કરે અને કેફ રહે એટલે જાગૃતિ બંધ થઈ જાય.

પ્રશ્નકર્તા: ઊણોદરી અને બ્રહ્મચર્યને કેટલું કનેક્શન?

દાદાશ્રી: ઊણોદરીથી તો આપણને જાગૃતિ વધારે રહે. એથી બ્રહ્મચર્ય રહે જ ને!! ઉપવાસ કરવા કરતા ઊણોદરી સારું, પણ આપણે 'ઊણોદરી રાખવું જોઈએ' એવો ભાવ રાખવો અને ખોરાક બહુ ચાવીને જમવું. પેલા બે લાડવા ખાતા હોય તો તમારે એટલા ટાઈમમાં એક લાડવો ખાવો. એટલે ટાઈમ સરખો જ લે, પણ ખવાય ઓછું. મેં ખાધું એવું રહે અને ઊણોદરીનો લાભ મળે. બહુ ટાઈમ ચાવે તો લાભ બહુ સારો રહે.

પ્રશ્નકર્તા: આ ઊણોદરી કરીએ છીએ, તો જમી લીધા પછી બે-ત્રણ કલાકમાં મહીં ખાવાની ચ્છા થયા કરે છે. પછી એવું થાય અંદર કશુંક નાખીએ, જે મળે એ.

દાદાશ્રી: તે એકલો પડે કે ફાકો મારે પછી. એ જ જોવાનું છે ને (!) અહીં ગમે તેટલું પડ્યું હોય તોય પણ એકલો પડે તોય અડે નહીં, એવું હોવું જોઈએ! ટાઈમે જ ખાવાનું, એ સિવાય બીજું કંઈ પણ વચ્ચે અડવાનું ના હોય. ટાઈમ વગર જે ખાય છે, એનો અર્થ જ નહીં ને! એ બધું મીનિંગલેસ છે. એનાથી તો જીભ પણ બહેલાય, પછી શું રહ્યું? નાદારી નીકળે! અમારે તો બધી વસ્તુ આમ પડી હોય તો પણ અમે અડીએ નહીં, કશું ના અડીએ! આ તો અડ્યા ને મોઢામાં નાખ્યું એટલે પછી ઓટોમેટિક ચાલુ થઈ જશે, જો અડશોને તોય! તમારે તો એટલું નક્કી કરવાનું કે આપણે અડવું નથી, તો ગાડું રાગે ચાલે. નહીં તો પુદ્‍ગલનો સ્વભાવ એવો છે કે આમ જમવા બેસાડે ને, તો ભાતને જરા મોડું થયું હોય તો લોક દાળમાં હાથ ઘાલે, શાકમાં હાથ ઘાલે ને, ખા ખા કર્યા કરે. જાણે મોટી ઘંટી હોય ને, તેમ મહીં નાખ નાખ કરે.

બ્રહ્મચર્ય પાળવામાં ઉપવાસ કરવાની અસરો  

ઉપવાસમાં શું થાય ? આ દેહમાં જે જામી ગયેલો કચરો હોય, તે બળી જાય. ઉપવાસને દહાડે વાણીની બહુ છૂટ ના હોય તો વાણીનો કચરો બળી જાય અને મન તો આખો દહાડો સુંદર પ્રતિક્રમણ કર્યા કરતું હોય, જાતજાતનું કર્યા કરતું હોય એટલે બીજો બધો કચરો પણ બળ્યા જ કરે. એટલે ઉપવાસ બહુ જ કામ લાગે. અઠવાડિયામાં એક દિવસ, રવિવારે ઉપવાસ કરવો. પછી બે દહાડા સાથે ના કરવા, નહીં તો કંઈક રોગ પેસી જાય. ઉપવાસ કરો, તે દહાડે તો બહુ સારો આનંદ થાય ને ?!

પ્રશ્નકર્તા : ઉપવાસ કર્યો હોય, એ રાત્રે જુદી જ જાતનો આનંદ લાગે છે, એનું શું કારણ ?

દાદાશ્રી : બહારનું સુખ ના લે એટલે અંદરનું સુખ ઉત્પન્ન થાય જ. આ બહારનું સુખ લે છે એટલે અંદરનું સુખ બહાર પ્રગટ થતું નથી.

જ્યારે વિષયી વૃત્તિઓ બહુ જોર કરે, ત્યારે ઉપવાસથી તે બંધ થઈ શકે છે.

Related Questions
  1. બ્રહ્મચારીના લક્ષણો કયા કયા છે?
  2. બ્રહ્મચર્ય માટે આધ્યાત્મિક જીવન કેવી રીતે મદદરૂપ થાય છે? આત્મજ્ઞાન અને બ્રહ્મચર્ય વચ્ચે શું સંબંધ છે?
  3. ભાગ્યે જ જાણીતા એવા બ્રહ્મચર્યના ફાયદાઓ
  4. વિષયના જોખમો શું છે?
  5. સ્વપ્નદોષ એ શું છે? સ્વપ્નદોષ શેના કારણે થાય છે? સ્વપ્નદોષને કઈ રીતે અટકાવી શકાય?
  6. અધ્યાત્મમાં વીર્ય એટલે શું? ઉર્ધ્વગામી વીર્યશકિત અધ્યાત્મમાં કઈ રીતે મદદ કરી શકે?
  7. સ્ત્રી અને પુરુષ વચ્ચેના આકર્ષણનું વિજ્ઞાન શું છે?
  8. બ્રહ્મચર્ય પાળવામાં ખોરાક શું ભાગ ભજવે છે? કેવા પ્રકારનો ખોરાક બ્રહ્મચર્ય પાળવા માટે હીતકારી છે?
  9. બ્રહ્મચર્ય પાળવામાં મન શું ભાગ ભજવે છે?
  10. સતી કોને કહેવાય? સતીની સાચી વ્યાખ્યા શું છે?
  11. બ્રહ્મચર્ય વ્રત અંગેની હકીકતો શું છે?
×
Share on