Related Questions

બ્રહ્મચર્ય પાળવામાં મન શું ભાગ ભજવે છે?

મનનો સ્વભાવ શું છે?

મન એ વિરોધાભાસી છે. તે બન્ને તરફના વિચારો બતાડશે, બ્રહ્મચર્ય પાળવાના અને તમને પૈણવાના પણ વિચારો બતાડશે.

તો પછી મારું મન મને બ્રહ્મચર્ય પાળવામાં કેવી રીતે મદદ કરશે?

જો તમે બ્રહ્મચર્ય પાળવાનો દ્રઢ નિશ્ચય કરો તો પછી ગમે તેવું બને તો છતાં તમારું મન વધુ સ્થિર થશે. આ સ્થિરતા તમને બ્રહ્મચર્ય પાળવામાં મદદ કરશે.

બ્રહ્મચર્ય વ્રત પાળવું હોય તો સ્ટ્રોંગ રહેવું પડે. મન તો એવું બોલશે કે, ‘પેલીને પૈણો’, અને તમને હઉ એવું બોલાવશે. જો મન તમને પરણી જવાના કે વિષયના વિચારો બતાડે તો તમારે વિરોધ કરવો પડશે. આવું કરવાથી મન સમજી જશે કે હવે આપણા બિસ્ત્રા-પોટલા બાંધીને આપણે બીજે ગામ જવાની તૈયારી કરી દો. એનું અપમાન થાય એટલે બહુ જ સારું રહે. કારણ કે, મન તમારા કંટ્રોલમાં આવતું જાય.

મન ક્યારે જીતી શકાય?

મન તો ક્યારે જીતી શકે? એની આંખ ખેંચાય, તે મનના આધારે આંખ ખેંચાય છે એ સમજી જાય પછી તરત જ. મનની બધી વાતો કાપી જ નાખે વિષયને લગતી બાબતોમાં, તમારે મનને કાપી નાખવાનું. મન છટકબારી ખોળે. જ્યાં આગળ મહેનત ના પડે ને, ત્યાં મન પેસી જવા ફરે. મનના કહ્યામાં ના ચાલે તો રાગે પડે.  

બ્રહ્મચર્ય પાળવાનો તમારો નિશ્ચય એ સંપૂર્ણ બ્રહ્મચર્ય પ્રાપ્ત કરવાના તમારા લક્ષ્યને અનુસાર રહેલો છે. આજના બ્રહ્મચર્ય પાળવાના નિશ્ચય પ્રમાણે જ આપણે કરવાનું છે. તે ધ્યેય પ્રમાણે કરવા આપણું આયોજન મનના આયોજન પ્રમાણે ન કરવું. નહીં તો બ્રહ્મચર્ય પાળવાનો ધ્યેય પ્રાપ્ત થ શકે નહીં. બ્રહ્મચર્ય પાલન પણ થ શકે નહીં

નિશ્ચય (અડગ અને દ્રઢ) એટલે શું?

નિશ્ચય કોનું નામ કહેવાય? કે ગમે તેવું લશ્કર ચઢી આવે તોય આપણે તેને ગાંઠીએ નહીં! મહીં ગમે એવા સમજાવનારા મળે તોય આપણે તેને ગાંઠીએ નહીં! નિશ્ચય કર્યો પછી એ ફરે નહીં, એનું નામ નિશ્ચય કહેવાય.

વિષયને પોષતા બધા વિચારો બંધ કરી દઈને એક જ વિચાર પર આવી જવું કે મારે બ્રહ્મચર્ય જ પાળવું છે. જો તમે એક દ્રઢ નિશ્ચય કરશો, તો બ્રહ્મચર્ય પાળવાના બધા જ સંજોગ ભેગા થશે અને એવું બનશે. જો તમારો નિશ્ચય પોલો હશે તે આગળ એવા એવિડન્સ નહીં ભેગા થાય અને તમારો ધ્યેય પૂરો નહીં થાય.

જો બ્રહ્મચર્યનો ભાવ નબળો કે કપટવાળો ના હોય તો શું વિષયના વિચારો આવતાં બંધ થઈ જશે?

ના, છોને વિચાર આવતો. વિચાર આવે એમાં આપણે શું વાંધો છે? વિચાર બંધ ના થઈ જાય. દાનતચોર ના જોઈએ, મહીં ગમે તેવી લાલચનેય ગાંઠે નહીં, સ્ટ્રોંગ! વિચાર જ કેમ આવે તે?

વિચારો વ્યવહારિક રીતે (પ્રેક્ટિકલી):

કૂવામાં નથી જ પડવું એવો નિશ્ચય છે, તેને ચાર દહાડાથી ઊંઘ્યો ના હોય અને કૂવાની ધાર ઉપર બેસાડે તોય ત્યાં ના ઊંઘે. તેથી, દ્રઢ નિશ્ચયથી જ તમે તમારા બ્રહ્મચર્યના ધ્યેયને પહોંચી વળી શકશો.

એવું શું છે જે તમારા દ્રઢ નિશ્ચયને અસ્થિર કરે છે?

આ સ્ત્રી જાતિને ખાલી હાથ આમ અડી ગયો હોય તો પણ નિશ્ચય ડગાવ ડગાવ કરે. રાત્રે ઊંઘવા જ ના દે એવા એ પરમાણુઓ! માટે સ્પર્શ તો થવો જ ના જોઈએ અને દ્રષ્ટિ સાચવે તો પછી નિશ્ચય ડગે નહીં!

મન આપણને દોરી જાય, એવું ન બનવા દેવું. આપણે પોતાની રીતે મનને ચલાવવું. મન તો જડ છે. આ લોકો મનના ચલાવ્યા ચાલે તો એને બધું સર્વસ્વ જતું રહેશે.

એ મનના કહ્યા પ્રમાણે આપણે નહીં ચાલવાનું. મનના કહ્યા પ્રમાણે ચાલેને, એનું બ્રહ્મચર્ય ટકે નહીં, કશુંય ટકે નહીં. ઊલટું અબ્રહ્મચર્ય થાય.

તમારા સ્વતંત્ર નિશ્ચયથી જીવો. મનની જરૂર હોય તો આપણે લેવું અને જરૂર ના હોય તો થયું, બાજુએ રાખો એને. પણ આ મન તો પંદર-પંદર દહાડા સુધી ફેરવીને પછી પૈણાવે. આ બ્રહ્મચર્ય પાળે છે, તે બ્રહ્મચર્ય એટલે પોતાનું નિશ્ચયબળ. કોઈ ડગાવે નહીં એવું. કો'કના કહ્યાથી ચાલે એ બ્રહ્મચર્ય શી રીતે પાળે?

ચાલો તમારા સિદ્ધાંત પ્રમાણે

મન આઈસ્ક્રીમ માંગ માંગ કરતું હોય તો તે બ્રહ્મચર્યના સિદ્ધાંતને એટલું બધું નુકસાન કરતું નથી. માટે એને થોડોક આઈસ્ક્રીમ આપવો. વધારે નહીં. એને ડિસ્કરેજ ના કરો. તમે થોડી ઘણી ગોળીઓ પણ આપી શકો. ‘હવે, અહીં થી જાઓ’, એમ કહી એને દબાવો (કાબુ કરશો) નહીં. ફક્ત એક વિષયની બાબતમાં ચલાવી લેવું નહીં, ‘આ અમારો સિદ્ધાંત છે, મારા સિદ્ધાંતના માર્ગમાં વચ્ચે આવવું નહીં! આવી રીતે બ્રહ્મચર્ય પાળી શકાય.

અપરિચયથી બ્રહ્મચર્ય કેવી રીતે પાળી (ટકાવી) શકાય

એક ફેરો એ વસ્તુથી છેટે રહ્યા ને, બાર મહિના કે બે વરસ સુધી છેટે રહ્યું એટલે એ વસ્તુને જ ભૂલી જાય છે પછી મનનો સ્વભાવ કેવો છે? છેટું રહ્યું કે ભૂલી જાય. નજીક ગયું એટલે પછી કોચ કોચ કરે! પરિચય મનનો છૂટો થયો. 'આપણે' છૂટા રહ્યા એટલે મનેય પેલી વસ્તુથી છેટું રહ્યું, એટલે ભૂલી જાય પછી, કાયમને માટે. એને યાદેય ના આવે. પછી કહે તોય એ બાજુ જાય નહીં. એવું તમને સમજણ પડે?! તું તારા ભાઈબંધથી બે વરસ છેટો રહ્યો, તો તારું મન ભૂલી જાય પછી. મહિનો-બે મહિના સુધી કચ કચ કર્યા કરે એવો મનનો સ્વભાવ છે અને આપણું જ્ઞાન તો મનને ગાંઠે જ નહીં ને?!

સાચી સમજણથી કરો મનને વશ

મનને દબાવી રાખવાનું નહીં, મનને વશ કરવાનું છે. વશ એટલે જીતવાનું. આપણે બેઉ કચકચ કરીએ તેમાં જીતે કોણ? તને સમજાવીને હું જીતું, તો પછી તું ત્રાસ ના આપું ને ? અને સમજાવ્યા વગર જીતું તો? મન બૂમ નહીં પાડે જો તે સમાધાન થઈ જાય તો. આવી જ રીતે, આત્મજ્ઞાનથી સાચી સમજણ પ્રાપ્ત કરી શકીએ. દુનિયામાં આત્મજ્ઞાન એકલું જ એવું છે કે જે મનને વશ કરી શકે.

Related Questions
  1. બ્રહ્મચારીના લક્ષણો કયા કયા છે?
  2. બ્રહ્મચર્ય માટે આધ્યાત્મિક જીવન કેવી રીતે મદદરૂપ થાય છે? આત્મજ્ઞાન અને બ્રહ્મચર્ય વચ્ચે શું સંબંધ છે?
  3. ભાગ્યે જ જાણીતા એવા બ્રહ્મચર્યના ફાયદાઓ
  4. વિષયના જોખમો શું છે?
  5. સ્વપ્નદોષ એ શું છે? સ્વપ્નદોષ શેના કારણે થાય છે? સ્વપ્નદોષને કઈ રીતે અટકાવી શકાય?
  6. અધ્યાત્મમાં વીર્ય એટલે શું? ઉર્ધ્વગામી વીર્યશકિત અધ્યાત્મમાં કઈ રીતે મદદ કરી શકે?
  7. સ્ત્રી અને પુરુષ વચ્ચેના આકર્ષણનું વિજ્ઞાન શું છે?
  8. બ્રહ્મચર્ય પાળવામાં ખોરાક શું ભાગ ભજવે છે? કેવા પ્રકારનો ખોરાક બ્રહ્મચર્ય પાળવા માટે હીતકારી છે?
  9. બ્રહ્મચર્ય પાળવામાં મન શું ભાગ ભજવે છે?
  10. સતી કોને કહેવાય? સતીની સાચી વ્યાખ્યા શું છે?
  11. બ્રહ્મચર્ય વ્રત અંગેની હકીકતો શું છે?
×
Share on