Related Questions

જીવનમાં પાપકર્મથી કઈ રીતે છૂટવું?

ભયંકર કાળ આવી રહ્યો છે. ભયંકર દુઃખો આવવાના છે! વધુ અતિક્રમણનું ફળ જ પશુયોનિ આવશે, એનીય મોટાં અતિક્રમણ થાય તો પછી નર્કયોનિ આવશે. આ ભ્રષ્ટાચાર, ભેળસેળ કરવા, અણહક્કનું ભોગવવું એ બધું પાશવતા કહેવાય. તેનું ફળ ભોગવવા જાનવરના અવતારમાં જવું પડે. તેમાં હજુ પ્રતિક્રમણરૂપી હથિયાર વાપરીશું તો કંઈક બચવાનો આરો છે.

જીવનના ઘડામાં ગમે તેવું પાપ હોય તો પણ પશ્ચાત્તાપને લઈને હલકું થઈ જાય. કેટલાંક પાપ તો બળીને ખલાસ થઈ જાય. કોઈ દોષ થયો હોય તો તેનો ખૂબ પસ્તાવો કરે, ખૂબ પસ્તાવો કરે, તો તે દોષ અવશ્ય જાય.

કોઈ પણ જીવને કિંચિત્‌માત્ર દુઃખ થાય તો પાપકર્મ બંધાય છે. માટે દુઃખ દેવાય ત્યાં અવશ્ય પ્રતિક્રમણ કરવું જોઈએ. અહીં આપણે પાપકર્મ કઈ કઈ રીતે બંધાય છે તે ઓળખીને પ્રતિક્રમણ કરવાની સમજણ મેળવીશું.

સ્થૂળ હિંસાના પ્રતિક્રમણ

જીવોની સ્થૂળ હિંસામાં સૌથી વધારે દુઃખ પહોંચે છે. જેમ કે, ખેતીવાડીમાં પાકને બચાવવા જંતુનાશક દવા છાંટવામાં અનેક જીવો મારી જાય છે, તેનું પાપ બંધાય છે. માટે ખેતીવાડી કરનારે રોજ પાંચ-દસ મિનિટ ભગવાન પાસે પ્રાર્થના કરવી કે “ખેતીવાડીના નિમિત્તે જીવોની જે હિંસા થાય છે, તેના પ્રતિક્રમણ કરું છું. મને માફ કરો.” તો હિંસાનો ગુનો ઘટી જશે.

અજાણતા કોઈ જીવડું પગ નીચે વટાઈ ગયું, કોઈ પ્રાણી વાહનની અડફેટમાં આવી ગયું, કે જાણીજોઈને આપણે કોઈ જીવજંતુ કે પશુપક્ષીને મારી નાખ્યા હોય તો તે તમામ પ્રકારની હિંસાને યાદ કરી કરીને પ્રતિક્રમણ કરવા જોઈએ અને મનમાં મજબૂત ભાવ કરવો જોઈએ કે કોઈ જીવને મારવા નથી.

અજાણતા થયેલી હિંસામાં “મને ક્યાં ખબર હતી? કેટલું બચાવું?” એમ બેદરકારી ન રાખવી. રોજ સવારે ઊઠીને “મન-વચન-કાયાથી કોઈ જીવને કિંચિત્‌માત્ર દુઃખ ન હો.” તેમ પાંચ વખત બોલવું, એ પણ જેમ પૈસા ગણતી વખતે ચિત્ત હાજર રાખીએ તેમ એકાગ્રતાથી.

કષાયોની હિંસાના પ્રતિક્રમણ

ક્રોધ-માન-માયા-લોભ રૂપી કષાયોથી અને વિષય-વિકારી ભાવોથી કોઈને દુઃખ થાય તે સૂક્ષ્મ હિંસા કહેવાય છે. વિચાર-વાણી કે વર્તનથી કોઈને સહેજ પણ દુઃખ થાય તેવો વ્યવહાર થાય, જેથી સામાને પ્રત્યક્ષ, ઉઘાડું દુઃખ થયું તો તે અતિક્રમણ થયું, તેના પ્રતિક્રમણ અવશ્ય કરવા.

કોઈને ઉઘાડું દુઃખ ના થતું હોય અને ગર્ભિત એટલે કે અંદરખાને દુઃખ રહેતું હોય તો તેના પણ પ્રતિક્રમણ કરવા જોઈએ. કોઈ અપમાન કરે ત્યારે આપણે બહાર કશું ન બોલીએ પણ મનથી પ્રતિકાર ચાલુ રહે, વાણીથી પ્રતિકાર થઈ જાય, અરે, દેહનોય પ્રતિકાર થઈ જાય. આ ત્રણેય પ્રકારની નિર્બળતા ઊભી થઈ, ત્યાં ત્રણેય પ્રકારે પ્રતિક્રમણ કરવું પડે. 

સામાને આપણા નિમિત્તે ભય રહે, તેની પાછળ આપણા બુદ્ધિ-અહંકાર હોય છે. આપણી બુદ્ધિ હાઈપર હોય, કોઈ કામમાં સ્ટ્રોંગ રીતે નિર્ણય લેવાઈ જાય ને તો સામા ફફડી જાય. આજે આપણે માફી માંગીએ, તો પણ પાછલા પડઘા રહી ગયા હોય એ ભૂંસાતા વાર લાગે. તે બધાની યાદ કરી કરીને માફી માંગ્યા કરવી. કોઈને દુઃખદાયી વ્યવહાર બન્યો તો તેની પાછળ આપણા કયા કષાયો કામ કરે છે તે શોધવા. આપણા કેવા આગ્રહો, અપેક્ષાઓ, પૂર્વગ્રહો છે, સામાને કેવા આક્ષેપો આપ્યા છે, શું ધાર્યું કરવું છે, આપણા જ માન, લોભ અને મોહ છે તે પકડવા.

આપણે કોઈ રેસ્ટોરન્ટમાં જમવા ગયા અને આપણાથી કોઈ ડીશ તૂટી ગઈ, ત્યારે આપણે પોતાની ભૂલ ઢાંકીને સામા ઉપર ઠોકી બેસાડીએ કે “તમારા માણસો ધ્યાન નથી આપતા, ફોડી નાખ્યું!” અથવા કોઈ ઉપર ક્રોધ કરીને પછી રક્ષણ કરીએ કે “એ જૂઠું બોલતો હતો એટલે મારે ક્રોધ કરવો પડ્યો.” તો આ બધું અતિક્રમણ થયું કહેવાય. તે બધાનું પ્રતિક્રમણ કરવું જોઈએ. ઘરમાં પણ ચા ઠંડી પડી ગઈ, ગરમ નાસ્તો ના બન્યો, જમવાનું સમયસર ના બન્યું અથવા બાળકો આપણા કહ્યા પ્રમાણે ના કરે તો આપણે ગુસ્સો કરી મૂકીએ. એ બધાથી વ્યક્તિને દુઃખ પહોંચે છે, તેનું પ્રતિક્રમણ કરવું જોઈએ.

અણહક્કની લક્ષ્મી મેળવવાના કાર્યોમાં પણ ભારે પાપ બંધાય છે. ધંધામાં વધારે કમાણી માટે વધુ પડતો ભાવ લેવો, નાણાં ધીરીને વધારે પડતું વ્યાજ ખાવું, લેણદારના પૈસા પરત ન કરવા, કાળાબજારનો માલ ખરીદવો કે વેચવો, ટેક્સની ચોરી કરવી, લાંચ કે કમિશન લેવા વગેરે સામાને દુઃખદાયી થાય છે. બને ત્યાં સુધી ખોટા કાર્યો કરવા ન જોઈએ, તેમ છતાં દબાણ હેઠળ કરવું જ પડે, તો સંજોગ મળે તો વ્યવસાય બદલી નાખવો અને સંજોગ ન મળે તો કલાક બેસીને પસ્તાવો લઈને અંદરનું સુધારવું. ધીમે ધીમે બહારના સંજોગો બદલાઈ પણ જાય.

આ ઉપરાંત કોઈ પરસ્ત્રી કે પરપુરુષ પ્રત્યે વિષય વિકારી ભાવો થાય, મનમાં ખરાબ વિચારો આવે તો તેનું પણ પ્રતિક્રમણ કરીને ચોખ્ખું કરવું જોઈએ. પતિ અને પત્ની સિવાય અણહક્કના વિષયભોગ ભોગવ્યા હોય તો તેનાથી જાનવર અને નર્કગતિના ભયંકર પાપ બંધાય છે. તેમાં ખાસ ચેતવું જોઈએ અને થયેલા દોષોના હૃદયથી પશ્ચાત્તાપ કરીને પાછા ફરવું જોઈએ.

વાણીના દુઃખ દીધાના પ્રતિક્રમણ

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, આ દુષમકાળમાં વાણીથી જ બંધન છે અને કોઈને ખોટું કહેવું તે પોતાના આત્મા ઉપર ધૂળ નાખ્યા બરાબર છે.

વ્યવહારમાં વાણીથી હુમલો કરી નાખીએ તો એ આક્રમણ કહેવાય, સામાને દુઃખ પહોંચે, માટે તેનું પ્રતિક્રમણ કરવું પડે. સહેજ કોઈ આપણી ભૂલ બતાવે તો ધાડ કરીને એટેક કરીએ કે “જો તમને કહી દઉં છું, મારી પાછળ પડશો નહીં, તમે સમજો છો શું તમારા મનમાં?” એટલે સામો બોલતો બંધ થઈ જાય. “તમે તમારી ભૂલો જુઓ ને, શું કામ મારી પાછળ પડ્યા છો?” એ શબ્દોનો હુમલો કર્યો કહેવાય. સામાનું મન તૂટી જાય, અહંકાર ભાંગી જાય તેવા વેણ બોલવા, ઊંચા અવાજે બોલવું, કોઈનું અપમાન કરવું, તીક્ષ્ણ બુદ્ધિથી સામાની ભૂલો શોધીને શબ્દોથી ઘા મારવો, કોઈનાં ચારિત્ર ઉપર કે ચોરીનો મોટો આક્ષેપ મૂકવો એ બહુ ભારે હુમલો કહેવાય. તેનાથી સંસાર પણ બગડે અને સામો વેર પણ બાંધી શકે.

કોઈની સહેજ પણ મશ્કરી કરીએ, જેમાં સામો નબળો હોય અને બોલી ન શકે, તો તેને પણ અંદરખાને દુઃખ થાય. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે કોઈને ધોલ મારીએ તેનાથી અનંતગણું વધારે જોખમ મશ્કરી કરવામાં છે. કારણ કે, મજાક-મશ્કરીમાં સામાની બુદ્ધિ પહોંચી શકતી નથી, ત્યાં આપણે બુદ્ધિથી ઘા મારીએ છીએ. આમ જ્યાં જ્યાં વાણીથી કોઈને દુઃખ પહોંચાડ્યું હોય તે તમામ દોષોને યાદ કરીને માફી માંગવી જોઈએ, તેના હૃદયથી પસ્તાવા લેવા જોઈએ.

જે વ્યક્તિ હાજર નથી, એના માટે ચર્ચા કરીએ, નેગેટિવ બોલીએ તો થઈ ગયું રૌદ્રધ્યાન. તેના સ્પંદનોની અસર પહોંચ્યા વગર રહેતી નથી. કોઈ વ્યક્તિ માટે બોલીએ કે “લુચ્ચા છે, નાલાયક છે” તો બે કલાક એ વ્યક્તિને આપણા ઉપર પ્રેમ ના આવે, ભેદ પડી જાય. તેનું પ્રતિક્રમણ કરવું જોઈએ.

વ્યવહારમાં સત્યનો આગ્રહ રાખીને કડક શબ્દો બોલ્યા હોઈએ કે કોઈની માન્યતાને છેદતું બોલીએ જેનાથી સામાને દુઃખ થાય તો પણ પ્રતિક્રમણ કરવા જોઈએ. દરેક જણ પોતપોતાના વ્યૂ પોઈન્ટને સાચા માને છે. તેમના વ્યૂ પોઈન્ટને ખોટો કહીએ તો તેને દુઃખ થાય. આપણને જે સાચું લાગે તે સામાની દૃષ્ટિએ ખોટું હોઈ શકે. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, જે વાત ઉપર વિવાદ નથી, અથડામણ નથી, જે સામો સ્વીકારે એ વાત ખરેખર સત્ય છે.

આપણો ગમે તેવો સોનાનો હેતુ હોય, પણ સામાને દુઃખ પહોંચાડે તેવી વાણી નીકળે તો તેનું પ્રતિક્રમણ કરવું જોઈએ, કારણ કે કોઈને દુઃખ આપીને આપણે સુખી થઈ શકીએ નહીં. સામાના હિત માટે કોઈને ટોકવા પડે તો સામાને દુઃખ થાય તેવી રીતે નહીં પણ પ્રેમથી, વિનયપૂર્વક હોવું જોઈએ. ટકોરનું પણ પ્રતિક્રમણ કરવું.

ભાવ બગડ્યાના પ્રતિક્રમણ

બીજાને કંઈ પણ નુકસાન થાય તેવો વિચાર આવ્યો તો તે રૌદ્રધ્યાન કહેવાય અને પોતાને નુકસાન થાય તેવા વિચારોને આર્તધ્યાન કહેવાય. આર્તધ્યાન કે રૌદ્રધ્યાન થાય તો તેના પ્રતિક્રમણ કરવા જોઈએ. કોઈ વ્યક્તિ માટે મનમાં ભાવ બગડવા, જે વ્યક્તિ માટે દ્વેષ હોય તેને દેખતા જ અંદર અકળામણ ઊભી થવી, ટીવી કે ન્યુઝમાં સમાચાર સાંભળીએ કે વાંચીએ ત્યારે પણ કેટલાય લોકો માટે ભાવ બગડી જવા, એ બધાના પ્રતિક્રમણ કરવા પડે. અગ્રશોચ, ભવિષ્યની ચિંતા જેમ કે, “દીકરી પરણશે કે નહીં?” માંદા થઈએ ત્યારે “મરી જઈશ તો શું થશે?” ધંધામાં ઈન્કમટેક્ષનો કાગળ આવે તો “હવે શું થશે?” વગેરે વિચારો આર્તધ્યાનમાં જાય, તેનાથી અધોગતિના કર્મ બંધાય છે. માટે તેના પ્રતિક્રમણ કરવા.

ભાવ કઈ રીતે બગડે છે તેનું એક ઉદાહરણ લઈએ. આપણે રાત્રે સાડા અગિયાર વાગ્યે સૂવાની તૈયારી કરતા હોઈએ અને કોઈ ઘરનો દરવાજો ખખડાવે. જઈને જોઈએ તો દસ-બાર માણસોનું ટોળું આવ્યું હોય. એક-બે જણ આપણા ઓળખીતા હોય અને બાકીના તેમના ઓળખાણવાળા. ત્યારે આપણે બહાર તો મહેમાન આવ્યા એટલે “આવો, બેસો.” એમ કહીએ. પણ અંદરખાને ભાવ બગડે કે “અત્યારે ક્યાંથી આવ્યા?” પછી આપણે એમને કહીએ કે “દૂરથી આવ્યા છો, થોડી ચા લેશો...” એ પહેલા તો મહેમાન કહે કે “ચા રહેવા દો, ખીચડી-કઢી કરી નાખોને, બહુ થઈ ગયું.” એટલે રસોડામાં કામ કરનાર સ્ત્રી ધૂંધવાય. આપણે બહાર વ્યવહાર ખરાબ ન દેખાય એટલે સારો રાખીએ પણ અંદર ઊંધું ચીતરીએ.

ભારતીય સંસ્કૃતિમાં “અતિથિ દેવો ભવઃ” કહ્યું છે. અતિથિ એટલે કાગળ લખ્યા વગર, તિથિ લખ્યા વગર આવે તેવા મહેમાન. હવે મહેમાન માટે ભાવ બગડ્યા તેના પ્રતિક્રમણ કરવા કે “હે ભગવાન! આ સંજોગોના દબાણને લીધે મારાથી અવળા ભાવ થઈ ગયા, મારી ઈચ્છા નથી, તેની માફી માંગું છું. આ લોકો ભલે આવ્યા!” અને ઘરની સ્ત્રીઓએ પણ તેમને શાંતિથી જમાડવા. કારણ કે, મહેમાન આવી ગયા છે હવે એમનો ઉપાય નથી. મહેમાનને ભૂખ્યા ન સુવાડાય.

ટીવી કે સમાચારમાં કોઈ ધર્મ કે ધર્મગુરુ વિશે નેગેટિવ વાતો સાંભળીને આપણે તેમની વિરાધના કરી હોય, ભાવ બગાડ્યા હોય તો તેને પણ યાદ કરીને ધોઈ નાખવા જોઈએ. “આ ભવ, ગત ભવ, ગત સંખ્યાત ભવ, ગત અસંખ્યાત ભવોમાં, ગત અનંતા ભવોમાં ધર્મની, સાધુ-સાધ્વી કે આચાર્યોની જે જે વિરાધના કરી, કરાવી હોય તો તે બદલ જેમાં શ્રદ્ધા હોય તેવા ભગવાનની કે ઇષ્ટદેવની સાક્ષીએ ક્ષમા માગું છું. કિંચિત્‌માત્ર અપરાધ ના થાય એવી શક્તિ આપજો.” એમ પ્રતિક્રમણ કરવું જોઈએ.

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, “સારાને સારું કહેવામાં દોષ નથી, પણ સારાને ખોટું કહેવામાં દોષ છે અને ખોટાને ખોટું કહેવામાંય દોષ બહુ છે. જબરજસ્ત દોષ! કારણ કે ખોટો એ પોતે નથી, એના પ્રારબ્ધે એને ખોટો બનાવ્યો છે.” ખરેખર, કોઈ જીવને ખરાબ કામ કરવાની ઈચ્છા હોતી જ નથી. સંજોગો એની પાસે ખરાબ કાર્ય કરાવડાવે છે. નિર્દોષ જોવાની આ બહુ મોટી ચાવી છે.

જે વ્યક્તિ તરફ આપણું મન અકળાતું હોય તેના પ્રતિક્રમણ કરીએ તો દ્વેષ બંધ થઈ જાય પછી. એ વ્યક્તિ નિમિત્તે આપણને ક્લેશ થતો હોય તે પણ બંધ થઈ જાય. રોજ રાત્રે આખા દિવસમાં જેનો જેનો દોષ દેખાયો હોય, જ્યાં જ્યાં મનના ભાવો બગડી ગયા હોય, તે દરેકનું પ્રતિક્રમણ કરીને ચોપડો ચોખ્ખો કરી નાખવો. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે “ના ગમતું ચોખ્ખા મને સહેવાઈ જશે ત્યારે વીતરાગ થવાશે.”ચોખ્ખું મન એટલે જેમાં સામેવાળા માટે સહેજ પણ ખરાબ વિચાર ન હોય અને આવે તો તરત તેના પ્રતિક્રમણ કરીને ધોઈ નાખીએ.

પાપકર્મને ધોવા પ્રતિક્રમણ ક્યાં સુધી કરવું તેનો અહીં પરમ પૂજ્ય દાદા ભગવાન જવાબ આપે છે.

પ્રશ્નકર્તા: અમારાં પાપકર્મ માટે અત્યારે કેવી રીતે ધોવું?

દાદાશ્રી: પાપકર્મના તો જેટલા ડાઘા પડ્યા એટલાં પ્રતિક્રમણ કરવાં, એ ડાઘ કઠણ હોય તો ફરી ધો ધો કરવો. ફરી ધો ધો કરવો.

પ્રશ્નકર્તા: એ ડાઘ જતો રહ્યો કે નથી જતો રહ્યો એ ખબર કેવી રીતે પડે?

દાદાશ્રી: એ તો મહીં મન ચોખ્ખું થાયને, તો ખબર પડી જાય. મોઢા પર મસ્તી આવે.

ઉપરાંત, જ્યાં સુધી દોષ આપણને ખૂંચે છે ત્યાં સુધી પ્રતિક્રમણ કરવું. જેમ કે, આપણે ગાદી ઉપર સૂઈ ગયા હોઈએ અને નીચે કાંકરા હોય, તો જ્યાં જ્યાં કાંકરા ખૂંચે ત્યાંથી આપણે કાઢી નાખીએ. તેવી જ રીતે જે જે દોષો આપણને ખૂંચે છે ત્યાં જ પ્રતિક્રમણ કરવાના છે.

આપણને પ્રતિક્રમણ કર્યા પછી એમ લાગે કે “કેમ ફેરફાર નથી થતો?” તો એનું એ પણ કારણ હોય કે, દોષ આપણે એક હજાર દોષ કરીએ ને ખાલી દસ પ્રતિક્રમણ કરીએ તો ફરક નથી પડતો એમ લાગે. કોઈ એક પ્રસંગમાં અંદર એક હજાર વખત ઊંધું ફર્યું, તેની સામે સવળું કેટલી વખત કર્યું? કપડાં પર ચાનું એક ટીપું પડ્યું, તો એને ધોવા માટે પાણીનું એક ટીપું ચાલે? તેમ એક દોષને ધોવા માટે ઘણા પ્રતિક્રમણ કરવા પડે. ઉપરથી કળિયુગના કર્મો ચીકણાં હોય, એટલે વધારે સમય કાઢીને પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કર્યા કરવા, તો અનુભવમાં આવશે કે ચીકાશ ધોવાઈ ગઈ અને વ્યવહાર ચોખ્ખો થઈ ગયો. 

×
Share on