Related Questions

આવશ્યક ધાર્મિક સિદ્ધાંત

મોક્ષમાર્ગમાં ક્રિયાકાંડ કે એવું કશું હોતું નથી. ફક્ત સંસારમાર્ગમાં ક્રિયાકાંડ હોય છે. સંસારમાર્ગ એટલે જેને ભૌતિક સુખો જોઈતાં હોય, બીજું જોઈતું હોય, તેને માટે ક્રિયાકાંડ છે, મોક્ષમાર્ગમાં એવું કશું હોતું નથી. મોક્ષમાર્ગ એટલે શું? આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન. ચલાવ્યે જ જાવ ગાડી. તે આપણો આ મોક્ષમાર્ગ છે. એમાં ક્રિયાકાંડ ને એવું બધું ના હોય ને!

આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન એ જ આ મોક્ષમાર્ગ. કેટલાય અવતારથી અમારી આ લાઈન, કેટલાક અવતારથી આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરતા કરતા અહીં સુધી આવ્યા છીએ.

કષાય નહીં કરવા અને પ્રતિક્રમણ કરવા એ બે જ ધર્મ છે. કષાય નહીં કરવા એ ધર્મ છે. અને પૂર્વકર્મના અનુસાર થઈ જાય તેના પ્રતિક્રમણ કરવાં એ જ ધર્મ છે. બાકી બીજી કોઈ ધર્મ જેવી વસ્તુ નથી. અને આ બે આઈટમ જ આ બધા લોકોએ કાઢી નાખી છે!!

હવે તમે એમને અવળું કહ્યું તો તમારે પ્રતિક્રમણ કરવું પડે. પણ એમણે પણ તમારું પ્રતિક્રમણ કરવું પડે. એમણે શું પ્રતિક્રમણ કરવું પડે કે, 'મેં ક્યારે ભૂલ કરી હશે કે આમને મને ગાળ દેવાનો પ્રસંગ ઉત્પન્ન થયો?' એટલે એમણે એમની ભૂલનું પ્રતિક્રમણ કરવું પડે. એમણે એમના પૂર્વ અવતારનું પ્રતિક્રમણ કરવું પડે ને તમારે તમારા આ અવતારનું પ્રતિક્રમણ કરવું પડે! આવા પ્રતિક્રમણો દિવસના પાંચસો-પાંચસો કરે તો મોક્ષે જાય!

જો આટલું જ કરો ને તો બીજો કોઈ ધર્મ ખોળો નહીં તોય વાંધો નથી. આટલું પાળો તો બસ છે અને હું તને ગેરન્ટી આપું છું, તારા માથે હાથ મૂકી આપું છું. જા, મોક્ષને માટે, ઠેઠ સુધી હું તને સહકાર આપીશ! તારી તૈયારી જોઈએ. એક જ શબ્દ પાળે તો બહુ થઈ ગયું! 

×
Share on