Related Questions

પ્રતિક્રમણ કઈ રીતે કરવું?

અતિક્રમણ કરવાની કોઈને રીત નથી શીખવી પડતી. અતિક્રમણ એની મેળે થયા કરે છે. કોઈને ગોદો મારવો હોય, કોઈની મશ્કરી કરવી હોય તો શીખવા ના જવું પડે, એ લોકોનું જોઈ જોઈને શીખી જ ગયા હોઈએ. પણ અતિક્રમણ થાય પછી પ્રતિક્રમણ કઈ રીતે કરવું તે શીખવું પડે છે.

પ્રતિક્રમણ વાંચીને, મોટેથી બોલીને કે કોઈને દેખતા કરવું આવશ્યક નથી. ખરેખર તો મનમાં જ આપણી ભૂલને યાદ કરીને પ્રતિક્રમણ કરવાનું છે. શબ્દથી કોઈને દુઃખ થયું હોય કે માનસિક રીતે દુઃખ થયું હોય બંને માટે પ્રતિક્રમણ કરવું જોઈએ. કેટલાક દોષો થોડા પ્રતિક્રમણ કરવાથી ચોખ્ખા થઈ જાય અને કેટલાક દોષ માટે બહુ પ્રતિક્રમણ કરવાં પડે ત્યારે ચોપડો ચોખ્ખો થાય. એટલે દોષોની ચીકાશ ઉપર પ્રતિક્રમણનો આધાર રહેલો છે.  પ્રતિક્રમણ સમૂહમાં જ કરવા એમ પણ જરૂરી નથી. આપણે એકલા કરીએ તોય ચાલે. સૂતા સૂતા મનમાં કરીએ તો પણ ચાલે. ટૂંકમાં જે રસ્તે આપણા દોષ ઘટે તે રસ્તે પ્રતિક્રમણ કરવા જોઈએ.

પ્રતિક્રમણ કોની સાક્ષીએ કરવાનું? આપણને જે કોઈ ભગવાનમાં કે જ્ઞાની પુરુષમાં શ્રદ્ધા હોય, તેમને યાદ કરીને માફી માંગવી. અથવા દરેક જીવની અંદર આત્મા રહેલો છે, તેના આત્માની રૂબરૂમાં પ્રતિક્રમણ કરવા. સૌથી પહેલા દોષની આલોચના કરવી કે “હે ભગવાન! મારાથી આ ભૂલ થઈ ગઈ, ખોટું થયું.” પછી દોષના પસ્તાવા લેવા કે “મારી ભૂલ કરવાની ઈચ્છા નથી, છતાં થઈ જાય છે, માટે ક્ષમા કરશો. ત્યારબાદ પ્રત્યાખ્યાન લેવા એટલે કે, ફરી આવો દોષ ના થાય તે માટે પ્રતિજ્ઞા લેવી.”

ધારો કે, કોઈ વ્યક્તિને ઊંચે અવાજે બોલી ગયા અને તેમને આપણાથી દુઃખ થયું હોય તો સામી વ્યક્તિની અંદર બેઠેલા આત્માને કે ઇષ્ટદેવને સંભારીને કહેવું કે “હે ભગવાન, મારાથી ઊંચે સાદે બોલાયું તે ભૂલ થઈ. માટે તેની માફી માગું છું. અને તે ભૂલ હવે ફરી નહીં કરું એ નિશ્ચય કરું છું. તે ભૂલ ફરી નહીં કરવાની શક્તિ આપો.” આત્માને યાદ કરીને “આ ભૂલ થઈ ગઈ” કહ્યું એટલે એ આલોચના, એ ભૂલને ધોઈ નાખવી એ પ્રતિક્રમણ અને એ ભૂલ ફરી નહીં કરું એવો નિશ્ચય કરવો એ પ્રત્યાખ્યાન છે.

તેવી જ રીતે હસબન્ડ વાઈફ સિવાય બહાર કોઈ વ્યક્તિ માટે વિષય-વિકારી વિચારો આવ્યા તો, એમની અંદર બેઠેલા ભગવાનની સાક્ષીએ માફી માંગવી કે “હે ભગવાન! આ બેન/ભાઈ માટે મને ખરાબ વિચાર આવ્યો તેની હું દાદા ભગવાન પાસે આલોચના કરું છું, મને માફ કરો. અને ફરી આવો વિચાર ક્યારેય પણ નહીં કરવાની મારી ઈચ્છા છે. મને કોઈ દેહધારી ઉપર આવા વિચાર ના આવે, એવી મને શક્તિ આપો.” ક્યાંય અણહક્કના વિષય વિકારી દોષ થયા હોય તો “હે ભગવાન, અણસમજણથી, ખરાબ બુદ્ધિથી, કષાયોથી પ્રેરાઈને પણ આ જે મેં દોષો કર્યા છે, ભયંકર દોષો કર્યા છે. એની ક્ષમા માગું છું.” એમ માફી માંગવી પડે.

કુટુંબીજનોના પ્રતિક્રમણ

ઘરમાં નજીકની વ્યક્તિઓને આપણાથી કોઈ ને કોઈ રીતે દુઃખ પહોંચ્યું જ હોય. માટે તેમના રોજ પ્રતિક્રમણ કરવા જોઈએ. નજીકથી માંડીને દૂરના કુટુંબીઓ જેમ કે, ભાઈ-બહેન, પપ્પા-મમ્મી, મિત્રો, સગાં-સંબંધીઓ, કાકા-કાકી, ફોઈ-ફુઆ, મામા-મામી, એમના છોકરાંઓ, વડીલ હોઈએ તો દીકરા-વહુઓ, દીકરી-જમાઈઓ, વેવાઈ-વેવાણ, સાસુ-સસરા, સાળી-સાઢુ વગેરેને યાદ કરીને દરેકનું એક કલાક પ્રતિક્રમણ થાય તો અંદર ભયંકર પાપો ભસ્મીભૂત થઈ જાય અને આપણને અંદર આનંદ ઊભરાય. એટલું જ નહીં, સાચા પ્રતિક્રમણ થાય તો એ લોકોના મન પણ આપણા માટે ચોખ્ખા થઈ જાય.

કુટુંબીઓના પ્રતિક્રમણ થઈ જાય પછી આપણા શહેર કે ગામમાં ઓળખીતાઓ સાથે રાગ-દ્વેષ થયા હોય તેમને યાદ કરીને પ્રતિક્રમણ કરવાં જોઈએ. ઘરનાં આડોશી-પાડોશી, જૂના ઘરના આડોશી-પાડોશી, સ્કૂલ કોલેજ તેમજ ટ્યુશનોમાં ભેગા થયલા લોકો, નોકરી ધંધામાં સહકર્મચારીઓ અને માણસો, ગામવાળા ઓળખીતા-પાળખીતા, કોઈ ગ્રુપમાં જોડાયા તો તેના લોકો એમ દરેક માટે જે કોઈ રાગ-દ્વેષ થયેલા આપણને યાદ આવે, તેના પ્રતિક્રમણ કરવા જોઈએ.

રાત્રે ઊંઘ ના આવતી હોય ત્યારે આવા પ્રતિક્રમણ ગોઠવી દેવાના. આજે રાતે પ્રતિક્રમણ કરીએ બધા કુટુંબીઓના, પછી સમય ખૂટી પડે તો કાલે રાતે ફરી કરવા. પછી સમય ખૂટી પડે તો પરમ દિવસે રાતે કરવા. જીવનમાં જેટલા ભેગા થયા હોય એ બધા સાથે રાગ-દ્વેષ, વિષય-કષાયથી જે કંઈ ભૂલો થઈ હોય, આ ભવ, પૂર્વભવ, સંખ્યાત-અસંખ્યાત ભવમાં જે કંઈ દોષ થયા હોય એ બધાની માફી માંગી લેવી.

જે વ્યક્તિના બહુ તરછોડ, તિરસ્કાર કર્યા હોય, ભયંકર અપમાન કર્યા હોય તો તેમના કોઈ વખત રૂબરૂ પગે લાગીને માફી માંગી લેવી. પણ જો સામો તેનો દુરુપયોગ કરે તો ત્યાં પ્રત્યક્ષ પ્રતિક્રમણ કરવાને બદલે મનમાં પ્રતિક્રમણ કરી દેવા. માનવતા તો એને કહેવાય કે આપણે માફી માંગીએ એ પહેલાં સામો નમી પડે. એવા વ્યક્તિઓની પ્રત્યક્ષમાં માફી માંગી લેવી. પણ જો સામા માણસનો સ્વભાવ અવળો હોય અને ઉપરથી એમ કહે કે “હવે બરાબરના ઠેકાણે આવ્યા!” તો ત્યાં પ્રત્યક્ષ માફી માંગવાને બદલે અંદર અંદર જ સામાના શુદ્ધાત્માને યાદ કરીને માફી માંગી લેવી.

સમજીને કરવા પ્રતિક્રમણ

પ્રતિક્રમણ એ કોઈ ક્રિયા નથી પણ આપણા કષાય, આપણા દોષ ઘટે તે માટેનું સાધન છે. આ પ્રતિક્રમણ આપણને સમજાય તે ભાષામાં કરવા જેમ કે,“મેં આ વ્યક્તિનું અપમાન કર્યું કે આમના માટે દૃષ્ટિ બગડી અથવા આમને વાણીથી દુઃખ અપાયું તેની માફી માંગું છું.” શાસ્ત્રોમાં લખેલી અઘરી ભાષામાં નહીં પણ પોતાને આવડતી હોય તે ભાષામાં સરળ શબ્દોમાં ભૂલોનો એકરાર કરવો અને માફી માંગવી એ સાચું પ્રતિક્રમણ છે. બીજા કોઈના લખેલા દોષોના નહીં પણ આપણા પોતાના જ દોષોને ઓળખીને તેના પ્રતિક્રમણ કરવા ઘટે. કારણ કે, કોઈ માણસ જમીને ઓડકાર ખાય તો આપણું પેટ ન ભરાય. તેમ શાસ્ત્રોમાં લખેલા દોષોનું પ્રતિક્રમણ કરીએ તો આપણા એક પણ દોષ ખલાસ થતા નથી અને દોષના ભંડાર ઊભા થઈ જાય છે.

પ્રતિક્રમણ પાછળ ભગવાને એવો આશય આપ્યો હતો કે “સમજાય એ ભાષામાં પ્રતિક્રમણ કરો. પોતપોતાની ભાષામાં પ્રતિક્રમણ કરજો. નહીં તો લોકો પ્રતિક્રમણને પામશે નહીં.” મૂળ પ્રતિક્રમણનો હેતુ ક્રિયા કરવી કે શબ્દો બોલવાનો નથી, પણ પોતાનો અત્યારનો અભિપ્રાય ફેરવવાનો છે. જૂના અભિપ્રાય પ્રમાણે લોકોને દુઃખદાયી વિચાર, વાણી અને વર્તન પાછળ “આવું ન હોવું જોઈએ” તેવો નવો અભિપ્રાય ગોઠવવા માટે પ્રતિક્રમણ છે.

સાચા દિલથી ભાવ પ્રતિક્રમણ

પ્રતિક્રમણ સાચા દિલથી હોવું જોઈએ. શબ્દો એ આવડ્યા કે ના આવડ્યા, એ મહત્ત્વનું નથી, પણ સાચા દિલથી અને ભાવથી કરેલું પ્રતિક્રમણ અસરકારક હોય છે. 

સાચા દિલના પ્રતિક્રમણનું મહત્ત્વ સમજાવતા પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, “આ બધું ખોટું છે, આ ના કરવું જોઈએ એવું બધા બોલે છે, તે ઉપલક બોલે છે. ‘સુપરફ્લુઅસ’ બોલે છે. ‘હાર્ટિલી’ નથી બોલતા. બાકી જો એવું ‘હાર્ટિલી’ બોલે તો એને અમુક ટાઈમે ગયે જ છૂટકો! તમારો ગમે તેવો ખરાબ દોષ હોય પણ તેનો તમને ખૂબ ‘હાર્ટિલી’ પસ્તાવો થાય તો એ દોષ ફરી ના થાય. અને ફરી થાય તોય તેનો વાંધો નથી, પણ પસ્તાવો ખૂબ કર્યા કરો.” 

આપણે અવારનવાર “સોરી” કહીએ એ તો ઉપલક વ્યવહાર છે, તે સાચું પ્રતિક્રમણ નથી કહેવાતું. સાચા પ્રતિક્રમણમાં ભૂલનો સ્વીકાર એટલે કે આલોચના, ભૂલની માફી માંગવી એટલે કે પ્રતિક્રમણ અને ફરી ભૂલ ના થાય તેવો નિશ્ચય કરવો એટલે કે પ્રત્યાખ્યાન મહત્ત્વના છે.   ક્રિયાથી કરેલું પ્રતિક્રમણ સાચું નથી હોતું. ખરેખર તો ભાવ પ્રતિક્રમણની જ જરૂર છે, જે ક્રિયાકારી છે. અંદર ભાવ એવો રાખવો કે “આવું ન હોવું જોઈએ”, એ ભાવ પ્રતિક્રમણ કહેવાય છે. જ્યારે શબ્દે શબ્દ બોલવો, પછી અંદર ભાવ ના પણ હોય, એ દ્રવ્ય પ્રતિક્રમણ કહેવાય.

ખોટું કામ થઈ ગયું પછી તેનો સાચા હૃદયથી પસ્તાવો કરે તો ખોટા કામ કર્યા બદલનો દંડ જગતમાં ભોગવી લેવો પડે, પણ આવતા ભવનો ગુનો બંધાતો નથી.  સાચા દિલથી કરેલા પ્રતિક્રમણ તો કામ કાઢી નાખે.

પ્રતિક્રમણ માટે આપણો કેવો ભાવ હોવો જોઈએ તેનું એક સુંદર દ્રષ્ટાંત આપતા પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, “સ્ત્રી જોડે જેટલી ઓળખાણ છે એટલી પ્રતિક્રમણ જોડે ઓળખાણ હોવી જોઈએ. જેમ સ્ત્રી ભુલાતી નથી તેમ પ્રતિક્રમણ ભુલાવું ના જોઈએ. આખો દહાડો માફી માંગ માંગ કરવી. માફી માગવાની ટેવ જ પાડી નાખવી. તેઓશ્રી કહે છે કે આ ખાઈએ, પીએ, આખો દિવસ શ્વાસમાં હવા લઈએ તેમ આખો દિવસ પ્રતિક્રમણ કરવા જોઈએ.

‘શૂટ ઑન સાઈટ’ પ્રતિક્રમણ

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, પ્રતિક્રમણ ‘શૂટ ઑન સાઈટ’ હોવું જોઈએ. ‘શૂટ ઑન સાઈટ’ પ્રતિક્રમણ એટલે જેમ પોલીસ કોઈ ગુનેગાર માટે વોરંટ બહાર પાડે, કે ગુનેગારને “દેખો ત્યાંથી ઠાર કરો.” તેમ આપણા દોષ દેખાય ત્યાં જ પ્રતિક્રમણથી ખલાસ કરી નાખવા. આપણાથી એક શબ્દ સહેજ વાંકો નીકળી ગયો હોય, તો પછી અંદર પ્રતિક્રમણ શરૂ થઈ જ જવું જોઈએ, તરત જ ઑન ધી મોમેન્ટ. પ્રતિક્રમણમાં ઉધાર રાખીએ કે વાસી રાખીએ એ ન ચાલે.

ધારો કે, સવાર સવારમાં ઘરમાં કોઈથી કપ-રકાબી ફૂટી ગયા અને આપણે અકળાઈને ગુસ્સામાં બોલ્યા કે મોઢું ચડાવ્યું તો એનાથી સામાને દુઃખ થાય. તે વખતે આપણને મનમાં એમ થવું જોઈએ કે “આ મેં એને દુઃખ આપ્યું, ત્યાં પ્રતિક્રમણ હોવું જોઈએ.” આવા અનેક પ્રસંગો ઘરમાં બનતા હોય છે. જરાક જમવાનું બગડ્યું, કોઈએ ટાઈમે કામ ન કર્યું, કોઈએ મદદ ના કરી તો મોઢું બગડી જાય. “હું કહું છું તોય કેમ ના થાય?”, “મારું કેમ માનતા નથી?” એ બધી માન્યતાઓને કારણે વ્યવહારમાં ક્રોધ ઊભો થાય. સામાને દુઃખ થઈ જાય.

સામાને કંઈક દુઃખ થાય એવું આચરણ કરીએ તોયે એ અતિક્રમણ કહેવાય અને અતિક્રમણ ઉપર પ્રતિક્રમણ હોવું જોઈએ. તેનાથી અતિક્રમણ ભૂંસાઈ જાય, કર્મ હલકું થઈ જાય. પણ પ્રતિક્રમણ બાર મહિને એક વખત કરીએ છીએ એવું નહીં, ‘શૂટ ઑન સાઈટ’ હોવું જોઈએ, તો એ દોષ જાય અને પરિણામે આપણને દુઃખ ના આવે. સ્થિરતાથી બેઠા ના હોઈએ પણ હાલતા-ચાલતા આવું ‘શૂટ ઑન સાઈટ’ પ્રતિક્રમણ કરીએ કરે તો પણ ચાલે. એમાં લાંબું કરવાની પણ જરૂર નથી, ટૂંકમાં કરી નાખવાનું. સામાના આત્માને હાજર કરી માફી માંગવી કે “આ ભૂલ થઈ, માફ કરો.”

‘શૂટ ઑન સાઈટ’ પ્રતિક્રમણ ના થાય તો બે કલાક પછી પણ કરાય. એ પણ ના થાય તો રાત્રે યાદ કરીને કરવા કે આજે આખા દિવસમાં કોની જોડે અથડામણમાં આવ્યા, કોને દુઃખ થયું. એ પણ ના થાય તો અઠવાડિયે એક દિવસ આખા અઠવાડિયામાં જેટલા અતિક્રમણ થયા હોય, લોકોને દુઃખ થયા હોય તેને યાદ કરીને ભેગા પ્રતિક્રમણ કરવા. પણ તરત થાય એના જેવી તો વાત જ નહીં. જેમ સફેદ કપડાં ઉપર ચાનો ડાઘ પડે પછી આપણે તરત ધોઈ નાખીએ તો જ એ ચોખ્ખો થાય. આપણે ડાઘવાળા કપડાંને મહિને એકવાર, કે બાર મહિને એકવાર સાફ નથી કરતા.

એટલે ‘શૂટ ઑન સાઈટ’ પ્રતિક્રમણ ઉત્તમ છે. નહીં તો કલાક બેસીને જેટલા પ્રસંગો દેખાય તેમને ખોદી ખોદીને પ્રતિક્રમણ કરવા જોઈએ. બાકીના યાદ ના આવે તેમના માટે જાથું એટલે કે સામૂહિક પ્રતિક્રમણ થઈ શકે કે “હે ભગવાન! જે કંઈ ભૂલચૂક હોય, આજે મને જડતી નથી, પણ પ્રકૃતિ સ્વભાવથી આવી વાણી બોલાઈ ગઈ ને લોકોને ધરખમ દુઃખ અપાઈ ગયાં છે. ઘણાં વર્ષોથી આવું થયા કરે છે. તેનો ખૂબ હૃદયથી પસ્તાવો કરું છું, માફી માંગું છું. જે કંઈ ભૂલો કરી હોય, દુઃખ પહોંચ્યા હોય, તે બધા માટે ખૂબ પસ્તાવો કરું છું અને માફી માંગું છું.  કોઈ એક માણસ જોડે સો જાતના દોષ થયા હોય અને બધા દોષ યાદ ન આવતા હોય તો પણ તેમનું ભેગું પ્રતિક્રમણ કરી નાખવું કે આ બધાય દોષોની હું તારી પાસે માફી માંગી લઉં છું. 

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, “ભગવાને રોજ ચોપડો લખવાનો કહ્યો હતો, તે અત્યારે બાર મહિને ચોપડો લખે છે. જ્યારે પર્યુષણ આવે છે ત્યારે. ભગવાને કહ્યું કે સાચો વેપારી હોય તો રોજ લખજે ને સાંજે સરવૈયું કાઢજે. બાર મહિને ચોપડો લખે છે, પછી શું યાદ હોય? એમાં કઈ રકમ યાદ હોય? ભગવાને કહ્યું હતું કે સાચો વેપારી બનજે અને રોજનો ચોપડો રોજ લખજે અને ચોપડામાં કંઈ ભૂલ થઈ, અવિનય થયો એટલે તરત ને તરત પ્રતિક્રમણ કરજે, એને ભૂંસી નાખજે.

×
Share on