Related Questions

સંબંધોને સુધારવા પ્રતિક્રમણ કઈ રીતે કરવા?

આપણે નજીકની વ્યક્તિઓના સંબંધોમાં સૌથી વધારે દુઃખ આપી દઈએ છીએ. ઘણીવાર દુઃખ આપવા બદલ આપણે ખૂબ પસ્તાવો પણ લઈએ, છતાં ફરી વ્યવહાર ઊભો થાય ત્યારે સામાના દોષો દેખાય અને ફરી ફરી દુઃખ અપાઈ જાય. સાચું પ્રતિક્રમણ ક્યારે થયું કહેવાય? પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે “જ્યારે ઘરનાં માણસો નિર્દોષ દેખાય, ને પોતાના જ દોષ દેખાય ત્યારે સાચાં ‘પ્રતિક્રમણ’ થાય.”તેઓશ્રી સમજાવે છે કે આધ્યાત્મિક વિજ્ઞાનની દૃષ્ટિએ આખું જગત નિર્દોષ છે. આપણા પોતાના દોષોએ કરીને આપણે જગતમાં બંધાયેલા છીએ. આવું જ્યારે સમજાશે ત્યારે સાચો ઉકેલ આવશે.

સંબંધોમાં જેટલા રાગ-દ્વેષ વધારે એટલી ચીકાશ વધારે કહેવાય. જેમ આપણા શરીર ઉપર તેલ લગાવીને પછી ધૂળ ચોપડીએ તો એ ચોંટી જાય. જો તેલની ચીકાશ ના હોય તો ધૂળ ના ચોંટે. તેવી જ રીતે રાગ-દ્વેષ વધારે હોય ત્યાં કર્મ વધારે ચોંટે. પ્રતિક્રમણ એ રાગ-દ્વેષની ચીકાશ ધોવા માટેનું સાધન છે. ખાસ કરીને, ઘર, કુટુંબ અને આડોશ-પડોશમાં ખાસ ધ્યાન રાખીને ચીકાશવાળા દોષો ધોવા. જેમાં ધાર્યું કરવું, આગ્રહ, અપેક્ષાઓ, આક્ષેપો, પૈસાની બાબતે ઝઘડા, સાસુ વહુ વચ્ચેની આંટીઓ, કોઈનો અહંકાર ભગ્ન થયો હોય તેવા તમામ દોષોના ખૂબ પસ્તાવા લઈને ચોખ્ખું કરી નાખવું જોઈએ. આપણી આસપાસના સર્કલમાં જે કોઈને આપણે રગડ રગડ કર્યા હોય, તે એક એકને શોધીને તેમના પ્રતિક્રમણ કર કર કરવા. “આ ભવમાં, સંખ્યાત-અસંખ્યાત ભવમાં રાગ-દ્વેષ, અજ્ઞાનતાથી જે દોષો થયા હોય તેનું આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરું છું.” એમ સમજીને દિલથી પ્રતિક્રમણ કરવું. કોઈ વ્યક્તિ મૃત્યુ પામી હોય તો તેમનો ફોટો જોઈને, તેમનો ચહેરો યાદ કરીને કે તેમનું નામ બોલીને પણ પ્રતિક્રમણ કરી શકાય, જેનાથી આખી જિંદગી તેમના માટે જે કોઈ રાગ-દ્વેષ થયા હોય તે ધોવાઈ જાય.

પ્રતિક્રમણનો અર્થ શું? સાંધવું. જેમ સામો માણસ કપડું ફાડે ને આપણે સાંધીએ તો એ કપડું લાંબુ ટકે. પણ સામો માણસ પણ ફાડે ને આપણે પણ ફાડીએ તો શું થાય? સામો ખેંચે તો આપણે ઢીલું મૂકવું. સામાને આપણાથી દુઃખ થાય, ને એના જો પ્રતિક્રમણ ન થાય તો સંબંધ પણ તૂટી જાય. કોઈને આપણાથી કિંચિત્‌માત્ર દુઃખ થાય તો જાણવું કે આપણી જ ભૂલ છે. આપણે કોઈ વ્યક્તિ ઉપર ક્રોધ કર્યો, ત્યારે આપણી અંદરના પરિણામો ઊંચા-નીચા થયા, એટલે આપણી ભૂલ છે એમ સમજાય. આપણી ભૂલથી સામાને કંઈક પણ અવળી અસર થાય એટલે તરત મનમાં માફી માંગીને પ્રતિક્રમણ કરી નાખવું. ગુસ્સો બહાર ના પડ્યો ને અકળામણ થઈ હોય તોયે આપણે એના પ્રત્યે પ્રતિક્રમણ ના કરીએ ને તો એટલો ડાઘ આપણને રહ્યા કરે. આપણે પ્રતિક્રમણ કરીએ તો સામાને જે અસર થઈ હતી તે નાબૂદ થાય કે ન થાય, પણ આપણે દોષ ચોખ્ખો કરવા ઉપર ધ્યાન આપવું. જેમ કોઈની પાસેથી ઉધાર રકમ લીધી હોય, એ જમા કરાવીએ તો હિસાબ પૂરો થઈ જાય, તેમ પ્રતિક્રમણ કરી નાખવાથી કર્મનો હિસાબ ચોખ્ખો થઈ જાય છે. ક્રોધ, માન, માયા, લોભના કષાયોથી જ કર્મનો વેપાર ચાલુ રહે છે અને આપણને સંસારમાં ભટકાવે છે.

જીવનમાં ભૂલ થયા વગર રહે નહીં, નર્યા દોષો જ થયા કરવાના. એ ભૂલ આપણને ભૂલ લાગવી જોઈએ. તેનું ઉપરાણું ન લેવું જોઈએ. તેમજ જે ભૂલો આપણને દેખાય તેનો પશ્ચાત્તાપ કરવાનો અને ફરી આવી ભૂલો નહીં કરું તેમ પ્રત્યાખ્યાન લેવાનું. આ રીતે ભૂલ થાય કે તરત તેને ‘શૂટ ઑન સાઈટ’ પ્રતિક્રમણથી ધોઈ નાખવી જોઈએ.

સામાનો ખ્યાલ રાખીને પ્રતિક્રમણ

સામાનો વિચાર કરીને, સામાનો ખ્યાલ રાખીને દરેક કાર્ય કરવું તેનું નામ માનવીય અહંકાર. જ્યારે પોતાનો જ વિચાર કરીને, પોતાનો ખ્યાલ રાખીને દરેકની સાથે વર્તન કરવું, બીજાને ગોદા મારવા તેનું નામ પાશવી અહંકાર. કોઈ પશુને ભૂખ લાગે તો બીજા જીવને મારીને, કે બીજાનું પડાવીને પણ ખાઈ જાય. તેમને પડી ના હોય કે સામાને દુઃખ થાય છે કે નુકસાન થાય છે. તેવી જ રીતે જો મનુષ્યો પોતાના સુખ માટે બીજાને અહંકારથી દુઃખ આપે, દુઃખ આપ્યા પછી પસ્તાવો ના કરે ને ઉપરથી ખુશ થાય, અણહક્કના વિષય કે અણહક્કની લક્ષ્મી ભોગવે તો તે પાશવી સ્વભાવ કહેવાય. આપણો પાશવી સ્વભાવ બદલાઈ જવો જોઈએ. કોઈ વ્યક્તિને કડક શબ્દોમાં ઠપકો આપીએ ત્યારે આપણને ખ્યાલ આવવો જોઈએ કે કોઈ આપણને ઠપકો આપે તો આપણને શું થાય?

ઘણી વખત આપણને ખબર જ નથી પડતી કે સામા માણસને આપણાથી દુઃખ થયું. આપણા શબ્દો ભારે નીકળે એટલે આપણને તો ખબર પડે જ કે સામાને એ શબ્દો વાગશે. ઉપરથી સામાનું મોઢું પડી જાય, ચહેરા ઉપરથી હાસ્ય જતું રહે એટલે ખ્યાલ આવે કે સામાને અસર થઈ. ત્યારે પ્રતિક્રમણ કરી નાખીએ એટલે સામાને જે અસર થતી હોય એ બિલકુલ ના થાય.

શબ્દોના ઘા વાગે ત્યાં પ્રતિક્રમણ

ઘરમાં જમતી વખતે દાળમાં મરચું વધારે પડ્યું હોય તો આપણે બૂમાબૂમ કરી મૂકીએ કે “આ દાળ બગાડી નાખી, તને બનાવતા નથી આવડતું” વગેરે. હવે તે વખતે ક્રોધ થઈ ગયો, પણ પાછળથી આપણને સમજાયું કે આ તો ભૂલ કરી નાખી, આપણે એડજસ્ટ થવાને બદલે ચિડાઈને સામાને દુઃખ થાય તેવું બોલી ગયા ત્યારે પ્રતિક્રમણ કરી નાખવું. એડજસ્ટ થવું એટલે શું? દાળ તીખી હોય તો ભાત અને રોટલી વધારે લઈને નિવેડો લાવવો, પણ બનાવનારને દુઃખ ના આપવું. પણ એવો વ્યવહારિક ઉકેલ લાવતા ન આવડે તો તરત પાછળથી પણ પ્રતિક્રમણ કરવું.

ઘરની વ્યક્તિના કાળજે ઘા પડે એવા શબ્દો વાગે પછી એ ઘા રુઝાતા નથી. ઘરમાં જ્યારે એકબીજાનો અહંકાર દુભાય, ત્યારે અહંકાર નોંધી રાખે છે. પતિ તરફથી આવા દુઃખ પડે એટલે પત્નીના મનમાં તેની નોંધ પડી જાય અને તે પછી મનમાં આંટી વાળે કે “મારા લાગમાં આવે ત્યારે સીધા કરી નાખીશ.” એટલે પછી ઝઘડો ત્યાં પૂરો થવાને બદલે મનમાં આગળ વધે. બીજી વખત લાગ મળે ત્યારે પત્ની પતિને ટોણો મારે કે કડવા વેણ સંભળાવે. દાદાશ્રી કહે છે કે મનથી ઘા કર્યો હોય તો મનથી પ્રતિક્રમણ કરવા. પણ શબ્દોથી ઘા પડે એવું દુઃખ અપાયું હોય ત્યાં બને તો વ્યક્તિની રૂબરૂ માફી માંગવી.

બાળકોને વઢી મૂક્યા ત્યાં પ્રતિક્રમણ

ઘરમાં બાળકો કોઈ ભૂલ કરે ને મા-બાપ એમને ક્રોધથી ધીબી નાખે. પછી એના પ્રતિક્રમણ ના કરે તો કર્મ બંધાયા જ કરે. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે “છોકરાને મારવાનો અધિકાર નથી, સમજાવવાનો અધિકાર છે.” પણ મા-બાપની ભૂલ ક્યાં થાય છે? કે તેઓ બાળકોને વાતે વાતે ટોકે છે અને ગમે તેમ બોલી નાખે છે. “આ વાતે વાતે આડાઈ કરે છે, આને માર પડવો જ જોઈએ, છોકરાંઓ સાંભળતા જ નથી, નાલાયક છે, બદમાશ છે.” એમ કેટકેટલું નેગેટિવ બોલી નાખે છે. બાળકોને ઘરમાં જરાય પ્રેમ નથી મળતો. પછી બહાર ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડનું લફરું કરે ને ઘરમાં ખબર પડે એટલે વધારે માર પડે. મા-બાપને ખબર નથી પડતી કે આખો દિવસ એમના મગજમાં નેગેટિવ શબ્દો રેડાતા હોય છે કે “આ આવી છે, ને આ આવો છે.” પરિણામે કેટલાક બાળકોને તો માનસિક રોગો ઘર કરી જાય છે. માતા-પિતાએ બાળકોને પ્રેમ આપવો, હૂંફ આપવી, સમજણ પાડવી. બાળકમાં સહેજ વાંકો વ્યવહાર દેખાય તો લાગણી રાખવી અને એને પ્રતિક્રમણ કરીને પાછા વળવું. નહીં તો આ બાળકોનું માનસ એટલું બગડી જશે કે તેઓ આગળ જીવનમાં ક્યાંય સફળ નહીં થઈ શકે. 

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે ગમે તેવો ગાંડો માણસ હોય પણ તે આપણાં પ્રતિક્રમણથી ડાહ્યો બની શકે.  આપણા અહંકારથી સામાને કચડી કચડીને દુઃખ આપ્યા છે એટલે એ માનસિક બીમારીનો ભોગ બને છે. આપણા સદ્ભાવથી, પ્રતિક્રમણ કરવાથી સામાની મશીનરી ફેરફાર થઈ જાય, અવળામાંથી સવળી ફરી જાય અને સુધરી શકે છે.

ઉપરી-અન્ડરહેન્ડના પ્રતિક્રમણ

નોકરી કે ધંધો કરતી વખતે આપણી હાથ નીચે કામ કરનારની ભૂલ કાઢવાથી ગુનો ચોંટે છે. તેના પ્રતિક્રમણ કરવા. બધા પોતપોતાની ફરજો બજાવે છે. કામ કરે તેની ભૂલ થાય. આપણે બહાર પોલીસ કે મેજિસ્ટ્રેટની ભૂલ થાય તો તેને કહેવા નથી જતા. તો આપણા હાથ નીચે કામ કરનાર આપણા આશ્રિત કહેવાય, તેમની ભૂલ ના જ કઢાય. તેમને સમજાવીને કહેવું અને કહેવા છતાં વારંવાર ભૂલ થાય તો નાટકીય રીતે કહેવું કે “આવું જ રહેશે તો નોકરી કઈ રીતે રહેશે?” જે માણસો કામ જ ન કરતા હોય તેમને આપણે ચેતવવા કે “જો આવું રહેશે તો તમને છૂટા કરવા પડશે, ડિસમિસ કરવા પડશે, માટે તમે ચેતીને કામ કરો.” અને ક્યારેક સંજોગોવશાત કોઈને ડિસમિસ કરવા પણ પડે તો અંદરખાને માફી માંગી લેવી. સત્તા કે સીટના અહંકારને લઈને લોકોના અપમાન કર્યા હોય, લોકોને ધુત્કાર્યા હોય, કડક સ્વભાવને લઈને લોકોને દુઃખ આપ્યા હોય તો તેના ખાસ પ્રતિક્રમણ કરવા જોઈએ. જે ઑફિસમાં નોકરી કરતા હોઈએ ત્યાં આપણા આસિસ્ટન્ટને અક્કલ વગરના કહીએ તો એ આપણી અક્કલ પર અંતરાયનું કારણ બને છે.

આપણે કોઈ વ્યક્તિને સારી રીતે બોલાવીએ પણ તે આપણી સાથે મોઢું ચડાવીને વાત કરે, અકારણ આપણી સાથે કપટ કરે, આપણા માટે ડંખ કે દ્વેષ રાખે તો સમજવું કે આપણા જ ગુનાના રિએક્શન છે, માટે તેના પ્રતિક્રમણ કરવા. આપણને કોઈ વ્યક્તિ માટે ઈર્ષ્યા થાય, અથવા આપણા અહંકાર અને અભિમાનને કારણે સામાને દુઃખ થાય તો પણ પશ્ચાત્તાપ કરવો.

બીજી બાજુ, આપણા બોસ કે ઉપરી આપણને ઠપકો આપે ત્યારે તેમની ભૂલ ન જોવી, પણ આપણી કઈ ભૂલને કારણે એમણે કહેવું પડ્યું તે પકડવું. આપણી ભૂલ સુધાર સુધાર કરવી અને ઉપરી સાથે વિનયવાળો વ્યવહાર રાખવો. “હું કોઈનું સાંભળું જ નહીં” એવા અહંકારને કારણે ઉપરીના દોષ દેખાતા હોય તો ત્યાં અહંકારને લઘુ રાખીને વ્યવહાર પૂરો કરવો.

સાથે કામ કરનારાઓમાં ટકરામણ તો થાય. પણ ટકરામણમાં એકબીજાથી જુદા ન પડીએ બસ, એટલું ધ્યાન રાખવું જોઈએ. છતાં ટકરામણ થઈ જાય તો પ્રતિક્રમણ કરવાનું જેથી દોષનું એક પડ જાય.

અભિપ્રાય સામે પ્રતિક્રમણ

ભૂતકાળના અનુભવના આધારે આપણને ઘરની કે નજીકની વ્યક્તિઓ માટે અભિપ્રાય પડી જાય છે. “તે દિવસે આવું કર્યું હતું, આજે પણ આવું જ કરશે. એમણે આવું ના કરવું જોઈએ. વ્યવહાર આવો હોવો જોઈએ.” આ પ્રકારના અભિપ્રાયના આધારે વ્યક્તિને દુઃખ અપાય છે. ઘણીવાર વ્યક્તિ માટે એટલો પૂર્વગ્રહ હોય છે કે દેખતાની સાથે જ તે જાગૃત થઈ જાય કે “આવું જ કરશે.” અને જોતાં જ અભાવ થાય. આપણને સામી વ્યક્તિ માટે અવળો ભાવ થાય તો તેની અસર પહોંચે છે અને સામાની પ્રકૃતિ પણ છંછેડાય છે. એટલે તેના પ્રતિક્રમણ કર કર કર્યા કરવા જોઈએ. 

વ્યક્તિના અભિપ્રાય સામે પ્રતિક્રમણના બે ભાગ પડે છે. એક તો એ વ્યક્તિ માટે આવા ઊંધા અભિપ્રાય આપ્યા એની માફી માંગતા જવું. તો સામાને અસરો નહીં રહે. બીજું, સામા માટે જે અવળા અભિપ્રાય તેના બરાબર વિરોધી અને સવળા અભિપ્રાય મૂકી દેવા. કોઈ વ્યક્તિ માટે આપણને થતું હોય કે “આ માણસ ખરાબ છે, નાલાયક છે”, તો તેની સામે “આ માણસ બહુ લાયક છે, આફ્ટર ઓલ બહુ સારા માણસ છે, ઉપકારી છે.” એમ ગોઠવવું.

દોષિત દેખાય તેના પ્રતિક્રમણ

કોઈ પણ વ્યક્તિ માટે આપણા ભાવ બગડે એટલે અંદર ભેદરૂપી દીવાલ ઊભી થઈ જાય. પછી સામાને પણ અવળા સ્પંદનો પહોંચે અને દીવાલ લાંબી અને પહોળી થતી જાય. આપણે ભાવ બગડે તેના પ્રતિક્રમણ કરી નાખીએ તો આપણા તરફની દીવાલ તૂટી જાય, પછી વ્યક્તિ સાથેનો ભેદ ધીમે ધીમે ઓછો થઈને ખલાસ થઈ જાય.

સંબંધોમાં જેમ જેમ પ્રતિક્રમણ થશે તેમ દોષો હળવા થતા જશે અને વ્યક્તિઓ સાથેના વ્યવહારમાં આપણું મન ચોખ્ખું થતું જશે. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, કોઈ વ્યક્તિ સાથે આપણને બિલકુલ ના ફાવતું હોય તેના જો બે-ચાર દિવસ સુધી આખો દિવસ યથાર્થ પ્રતિક્રમણ કર્યા કરીએ તો સામો પાંચમે દિવસે આપણને શોધતો આવે!

કોઈ વ્યક્તિ આપણું જબરજસ્ત અપમાન કરે ત્યાં પણ તેને દોષિત જોવાને બદલે પ્રતિક્રમણ કરવા કે “મારા કર્મના ઉદયે સામાને આવું કરવું પડ્યું. તેનું હું પ્રતિક્રમણ કરું છું અને ફરી એવું નહીં કરું જેથી કોઈને મારા કારણે કર્મ બાંધવું પડે.” કારણ કે, અપમાન કરનારને મોટી જોખમદારી આવે છે. આપણું અપમાન થયું એ આજની ભૂલનો દંડ નથી. આ ભવમાં જેટલું જેટલું આપણને સ્પર્શે છે એ આપણા પૂર્વના ભાવનું પરિણામ છે. કોઈ પણ ઈફેક્ટ આપણા જીવનમાં આવે છે તે આપણા જ કોઝિઝની છે. ઈફેક્ટ આપવા માટે જુદી જુદી વ્યક્તિઓ કે સંજોગો ઊભા થાય છે. જો આ સમજણ અને જાગૃતિ હાજર રહે તો અપમાન કરનાર નિર્દોષ દેખાશે અને આપણી ભૂલના પસ્તાવા થશે. જો અપમાન કરનાર દોષિત દેખાશે તો બે જણ ભેગા થઈને એના માટે મરચાં વાટશે કે “આ કેટલું ખોટું કરે છે” જેનાથી વધુ કર્મ બંધાશે અને આપણો ભવ બગડશે.

તિરસ્કારના પ્રતિક્રમણ

ઘરની વ્યક્તિઓ પૂર્વના ઋણાનુબંધથી આપણી નજીક આવે છે. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, “આપણને જેની જોડે પૂર્વનું ઋણાનુબંધ હોય અને તે આપણને ગમતું જ ના હોય, એની જોડે સહવાસ ગમતો જ ના હોય. અને છતાં ફરજિયાત સહવાસમાં રહેવું પડતું હોય, તો શું કરવું જોઈએ? કે બહારનો વ્યવહાર એની જોડે રાખવો જોઈએ ખરો, પણ અંદર એના નામનાં પ્રતિક્રમણ કરવાં જોઈએ. કારણ કે આપણે આગલા અવતારમાં અતિક્રમણ કરેલું હતું તેનું આ પરિણામ છે. કૉઝિઝ શું કર્યા’તાં? તો કહે, એની જોડે પૂર્વભવમાં અતિક્રમણ કર્યું’તું. તે અતિક્રમણનું આ ભવમાં ફળ આવ્યું, એટલે એનું પ્રતિક્રમણ કરીએ તો પ્લસ-માઈનસ (વત્તા-ઓછા) થઈ જાય. એટલે અંદર તમે એની માફી માંગી લો. માફી માંગ માંગ કર્યા કરો કે મેં જે જે દોષ કર્યા હોય તેની માફી માગું છું. કોઈ પણ ભગવાનની સાક્ષીએ માફી માંગી લો, તો બધું ખલાસ થઈ જશે.”

જે વ્યક્તિનો સહવાસ ના ગમતો હોય તેમના ખૂબ દોષો દેખાય. જેમના બહુ દોષો જોયા કરીએ, તેમના પ્રત્યે તિરસ્કાર છૂટે અને પરિણામે આપણને તે વ્યક્તિનો ભય લાગે. દેખતાની સાથે ગભરામણ થાય. એ ભયથી છૂટવા માટે જે વ્યક્તિ પ્રત્યે તિરસ્કાર થયા હોય તે વ્યક્તિની અંદર બેઠેલા ભગવાન પાસે માફી માંગવી કે “હે ભગવાન! હું ક્ષમા માગું છું.” તો દોષ ધોવાઈ જશે અને તિરસ્કાર બંધ થઈ જશે.

તરછોડના પ્રતિક્રમણ

સામાનું મન તૂટી ગયું હોય તો એમને રૂબરૂમાં જઈને કહેવું કે “હું મૂરખ છું. મારી આવી ભૂલ થઈ, મેં તમને બહુ મુશ્કેલીમાં મૂક્યા, તેની માફી માંગું છું.” એટલે આપણા અહંકારનો પારો નીચે ઊતરે અને  સામાના અહંકારના ઘા રૂઝાય તો  તેને શાંતિ થાય, પછી આપણને માફ કરી દે.

આપણે સામાનું મન પાછું ન ફરે ત્યાં સુધી પ્રતિક્રમણ કર કર કરવા. વ્યક્તિને આપણાથી જેટલા પ્રમાણમાં દુઃખ થયું હોય એટલા પ્રમાણમાં પ્રતિક્રમણ કરવા પડે. કોઈ વ્યક્તિના દેહને દુઃખ પડે તેના કરતા અહંકારને ઘા પડ્યાનું દુઃખ બહુ મોટું હોય છે. એ દુઃખ મટાડતા આપણને આવડવું જોઈએ.

શંકાના પ્રતિક્રમણ

જીવનમાં ડગલે ને પગલે શંકા થતી હોય છે. નજીકને વ્યક્તિઓ પ્રત્યે જ્યાં અત્યંત રાગ હોય ત્યાં વધારે શંકા થાય છે. પતિ-પત્નીમાં એકબીજા માટે અત્યંત માલિકીભાવ હોય ત્યાં અથવા બાળકો યુવાવસ્થામાં આવે ત્યારે તેમનું ચારિત્ર બગડી જશે એ વિચારે સૌથી વધુ શંકા થાય છે.

શંકા એ આત્મઘાતી લક્ષણ છે. શંકા માણસને અંદરથી કોરી ખાય છે. માટે શંકા ઊભી જ ન થવા દેવી અને થાય તો તરત પ્રતિક્રમણ કરવા. કોઈ માટે સહેજ પણ અવળો વિચાર આવે કે તેને તરત ધોઈ નાખવો. “આમ થશે તો?” એવી શંકા ઊભી થાય તો બહુ ત્યારે તપાસ કરી આવવી અને આવીને નિરાંતે સૂઈ જવું. ખરેખર તો શંકા કરતો વિચાર આવે તો તરત ઉખેડીને ફેંકી દેવો.

વેરમાંથી છૂટવા પ્રતિક્રમણ

કોઈ પણ વ્યક્તિને દુઃખ પડે, અહંકારને ઘા વાગે એટલે અહંકાર તેની નોંધ લે છે, પછી તેનું વેર વાળે છે. સામો માણસ જબરો હોય અને બોલી શકે એમ હોય તો વળતું સંભળાવે છે, જ્યારે નબળો માણસ બોલી ન શકે તો અંદર આંટી રાખે છે. કુદરતનો નિયમ એવો છે કે પછી નબળો બીજા ભવે જબરો થાય અને જબરો બીજા ભવે નબળો થાય અને પછી વેર વસૂલ થાય.

આપણે જાણ્યે-અજાણ્યે સામી વ્યક્તિના અહંકારને છંછેડીએ પછી તે ભૂલે જ નહીં. “હું જોઈ લઈશ, બદલો વાળીશ.” એમ આંટી બાંધે અને પછી આપણને આખી જિંદગી ના ભુલાય તેવું દુઃખ આપી દે. પાર્શ્વનાથ ભગવાને પત્ની અને ભાઈના વ્યભિચારની ફરિયાદ રાજાને કરી, પછી સગા ભાઈએ એવું વેર બાંધ્યું, જે આવતા નવ ભવો સુધી ચાલ્યું.  કોઈ જીવને ત્રાસ ના થાય તે રીતે જીવન જીવવું અને ત્રાસ આપે તો આપણો હિસાબ છે એમ સમજીને જમે કરી નાખવું તો વેરથી છૂટાશે. વેરથી વેર વધે, માટે ગમે તે રસ્તે માફી માંગીને વેરથી છૂટકારો મેળવવો. જે જે વ્યક્તિને દુઃખ થયા હોય તેમના પ્રતિક્રમણ કરવા. જેટલા વધારે પ્રમાણમાં દુઃખ પડ્યું હોય એટલા વધારે પ્રમાણમાં પ્રતિક્રમણ કરવું પડે. વેરમાંથી છૂટવાનો પ્રતિક્રમણ એ જ એક ઉપાય છે.

નજીકની વ્યક્તિઓમાં એક જ ગુરુના શિષ્યો જે ધર્મબંધુઓ હોય તેમાં પણ સ્પર્ધા અને ઈર્ષ્યાને કારણે વેર બંધાય છે. ભવોભવથી હું ઊંચો, તું નીચો, હું આગળ, તું પાછળ એવા અહંકારના તોફાન ચાલ્યા કરે છે, જેના કારણે સહાધ્યાયીઓમાં સૌથી વધારે વેર બંધાય છે. ધારો કે, જૂના શિષ્યને કોઈ નવો શિષ્ય આવે તો પહેલા એના ઉપર રાગ બેસે. પછી જેમ જેમ શિષ્ય ગુરુની વધારે નજીક આવે તેમ તેમ તેના ઉપર જ દ્વેષ થાય.  માટે સહાધ્યાયીઓના તો પ્રત્યક્ષ પગે લાગીને પ્રતિક્રમણ કરવા જેથી આ વેરમાંથી છૂટી શકાય.

×
Share on