જ્યાં જ્યાં અતિક્રમણ થાય છે ત્યાં પ્રતિક્રમણ કરવાની જરૂર. સામાન્ય વ્યવહાર એટલે ક્રમણ. પણ જે વ્યવહારથી કોઈને સહેજ પણ દુઃખ થયું તે અતિક્રમણ કહેવાય છે. જ્યાં કોઈને દુઃખ નથી થતું તેવા વ્યવહાર માટે પ્રતિક્રમણ કરવાની જરૂર નથી. આપણે મનમાં જેવું હોય, એવું વાણીમાં બોલવું, એવું વર્તનમાં કરવું. આપણે વાણીમાં સારું સારું બોલીએ પણ મન ખરાબ હોય તો તેને માટે પણ પ્રતિક્રમણ કરવું જોઈએ.
પ્રતિક્રમણમાં આપણે જે ભગવાનને માનતા હોઈએ, તેમને યાદ કરીને તેમની સાક્ષીમાં માફી માંગવી કે આ ખોટું થયું, ફરી આવું નહીં કરું, એ માટે મને શક્તિ આપો. છતાં ફરી વાર તે દોષ યાદ આવે કે ખૂંચે, તેટલી વાર તેનું પ્રતિક્રમણ કરવું જોઈએ જેથી તે દોષ ખલાસ થઈ જાય.
દોષ અનેક પ્રકારે થઈ જતા હોય છે. નીચેનામાંથી કોઈ પણ પ્રકારે દોષ થયા હોય પછી પશ્ચાત્તાપ કરવાથી આપણા દોષો ધોવાઈ જાય છે.
દિવસમાં ડગલે ને પગલે આવા અતિક્રમણ થયા કરતા હોય છે. પરમ પૂજ્ય દાદાશ્રી તેની સામે ચેતવતા કહે છે કે ”અતિક્રમણ થશે ત્યાં સુધી આ મનુષ્યપણું ફરી આવશે નહીં. ચેતીને ચાલજો.” આ જગત બહુ ચોક્કસ છે. તેમાં કોઈની ઓળખાણ કે લાંચરુશ્વત કામ નહીં લાગે. કોઈ પણ જીવને, પછી એ મનુષ્ય હોય, જાનવર હોય કે ઝાડપાન, તેમને કિંચિત્માત્ર દુઃખ થયું તેનાથી પાપકર્મ બંધાય છે અને પાપ દૂર કરવા પ્રાયશ્ચિત્ત સિવાય બીજો કોઈ ઉપાય નથી.
પરંતુ, ઘણી વખત આપણને સમજાતું જ નથી કે કઈ કઈ રીતે અતિક્રમણ થાય છે. આપણે ઘરમાં રસોઈ બનાવનાર વ્યક્તિને કહીએ કે “જમવાનું આપો.” તો એમાં અતિક્રમણ નથી. પણ જમવા બેઠા અને થોડું ખાધા પછી એમાં ભૂલ કાઢીએ કે “આ કઢી તમે ખારી કરી નાખી.” તો એ અતિક્રમણ કર્યું કહેવાય. કશું બોલ્યા વગર ચૂપચાપ ખારી કઢી ખાઈ લીધી, અથવા કોઈ પ્રતિભાવ આપ્યા વગર બાજુએ મૂકી રાખી તો અતિક્રમણ નથી થતું. તેવી જ રીતે કોઈ મોડું આવે અને તેને ગુસ્સાથી કહીએ કે “તમે કાયમ મોડા જ આવો છો.” તો તે અતિક્રમણ કહેવાય. ટૂંકમાં, લોકોને ગમે નહીં તેવું બોલવું, તેને અતિક્રમણ કર્યું કહેવાય.
આ ઉપરાંત, કોઈની મજાક ઉડાવવી એ પણ અતિક્રમણ કહેવાય. સામો માણસ જરા કાચો હોય અને વ્યવહારમાં કદાચ ચલાવી લે, પણ અંદર એને દુઃખ થતું હોય, તો તેનું પ્રતિક્રમણ કરવું પડે. આપણે બીજાની મજાક મશ્કરી કરીએ, પણ તે નિર્દોષ હોય તો જ સામાને દુઃખ ના થાય.
ઉપરાંત, કોઈ વ્યક્તિ માટે વિષય વિકારી ભાવો થાય તે એને દુઃખ આપ્યા બરાબર છે. તેમાંય ખાસ કરીને પતિ-પત્ની સિવાય અણહક્કના સંબંધોમાં વિકારી ભાવો થાય, વિચારો આવે કે દૃષ્ટિ બગડે તો ત્યાં પ્રતિક્રમણ કરવા જોઈએ.
કોઈ પણ વસ્તુનો આગ્રહ રાખવો એ મોટામાં મોટું પોઈઝન છે. આગળ વધીને પોતાના મતનો સ્ટ્રોંગ આગ્રહ થઈ જાય તેને મતાગ્રહ કહેવાય છે. એ મોટું અતિક્રમણ કહેવાય છે. આપણે આપણો મત આપીને પછી છોડી દેવું જોઈએ. પણ એ વસ્તુ પકડી રાખીએ તો સામાને દુઃખદાયી હોય છે, તેનું પ્રતિક્રમણ કરવું જોઈએ. વ્યવહારમાં આપણા ધાર્યા પ્રમાણે કશું ના બને કે રિસાઈને પછી આડાઈ કરીએ તેનું પણ પ્રતિક્રમણ કરવું પડે. ઘણી વખત કોઈ કામ સહજ રીતે ચાલતું હોય, પણ તેમાં પ્રકૃતિવશાત ઈમોશનલ થઈને આપણાથી ડખોડખલ થઈ જાય તો ત્યાં પ્રતિક્રમણ કરવું જોઈએ અને ભાવના ભાવવી કે આવું ફરી ના થવું જોઈએ.
જે લોકોને દુઃખદાયી હોય, તેવી વાતો માટે જ પશ્ચાત્તાપ કરવાનો છે, બીજાને ગમતો હોય તેવા વ્યવહાર માટે નહીં. જેમ કપડામાં ડાઘ પડ્યો હોય તો આપણે એ ડાઘ રહેવા નથી દેતા. પણ એને સાબુ લગાવીને પાણી રેડીને કપડું ચોખ્ખું કરી નાખીએ છીએ. તેવી જ રીતે કોઈને દુઃખ થાય એવો દોષ થયો હોય તો પ્રતિક્રમણ કરીને તેને ચોખ્ખો કરી નાખવો જોઈએ.
પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “પ્રતિક્રમણ આ બે શબ્દોનું કરવાનું હોય; એક અતિક્રમણ અને બીજું આક્રમણ. આક્રમણ વસ્તુ આપણામાં ન હોવી જોઈએ. આક્રમણ એટલે એટેકીંગ નેચર (હુમલાખોર સ્વભાવ). આક્રમણ એટલે વાત વાતમાં, શબ્દમાંય એટેક (હુમલો) કરી નાખે.”
અતિક્રમણ અને આક્રમણમાં શું ફેર? સામાને દુઃખ થાય તેવું બોલાયું, પછી તે ભલે મજાકમાં જ કેમ ના હોય, તે અતિક્રમણ કહેવાય. જ્યારે આક્રમણ એટલે શબ્દોથી સીધો સામાના અહંકારને ઘા મારવો. કોઈના અહંકારને આક્ષેપ આપવો, ચારિત્ર ઉપર આળ મૂકવું, સામાનું મન તૂટી જાય તેવા શબ્દો બોલવા એ બધું આક્રમણમાં જાય છે. ત્યાં અવશ્ય પ્રતિક્રમણ અને પસ્તાવો કરવા જોઈએ.
ઘણી વખત આપણે અતિક્રમણ કર્યું હોય, સામાને દુઃખ થયું હોય અને કોઈ આવીને કહે કે “તમે આવું ખોટું કર્યું?” તો તે અતિક્રમણનું રક્ષણ કરવા બીજું મોટું અતિક્રમણ કરી બેસીએ. સામાને તોડી પાડીએ કે “તમે વચ્ચે ના બોલશો, આવું કરીએ તો જ સુધરે!” તો એ આક્રમણ કહેવાય. કોઈ સહેજ આપણી ભૂલ બતાવે અને સામે આપણે “તમે તમારું સંભાળો, મને કહેવાની જરૂર નથી.” એમ ગુસ્સાથી કહીએ એ આક્રમણ કહેવાય. તેનાથી આંટીઓ વધે, પછી તે આંટીઓ છૂટવા માટે બે પગમાંથી ચાર પગમાં જવું પડે.
અતિક્રમણ અને આક્રમણ એ કષાયો (ક્રોધ, માન, માયા, લોભ) દ્વારા થતી હિંસા કહેવાય છે. જ્યારે કોઈ જીવને મારી નાખવું તે સ્થૂળ હિંસા કહેવાય છે. અજાણતા પણ સ્થૂળ હિંસા થઈ જાય તો તરત પસ્તાવો લેવો જોઈએ કે આ ખોટું થઈ ગયું, જીવની માફી માંગું છું અને આવું ફરી ના થાય તેવું નક્કી કરવું જોઈએ.
આપણી પૂરેપૂરી ઈચ્છા હોય કે હિંસા કરવી જ નથી, છતાં આપણા પગ નીચે કોઈ જીવડું વટાઈ જાય, તો આપણે પ્રતિક્રમણ કરવું જોઈએ નહીં તો એ જીવ વેર બાંધશે. રાત્રે મચ્છર કરડતા હોય અને આપણે ઊંઘમાંથી જાગીને તેમને મારવા માંડીએ, તો એ પણ સ્થૂળ હિંસા થઈ કહેવાય.
માંકડ કે એવી જીવાતને આમ સોયા ઘાલી ઘાલીને માર્યા હોય તો કલ્પનાથી એક વાડકીમાં માંકડ રાખી પછી એનો દેહ જોઈને, પ્રતિક્રમણ કરવા જોઈએ. પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, કોઈ પણ જીવજંતુ ઘરમાં ના ફાવે તો બહાર મૂકી આવવું પણ તેને મારી નાખવાનો વિચારેય ના કરવો.
આપણને લાગે કે ભૂલથી કોઈ જીવજંતુ કચડાઈ જાય એમાં તે શું વેર બાંધે? પણ જેમ મનુષ્યોના સંસારમાં પતિ-પત્ની અને બાળકોના ઋણાનુબંધી સંબંધો છે, તેમ અન્ય જીવોનો પણ સંસાર હોય ને? કોઈ આપણા સગાંવહાલાંને મારી નાખે તો આપણને કેટલું દુઃખ થાય! તો પશુ-પક્ષી, જીવજંતુઓ સંસાર ઉજડે તો તેમને પણ દુઃખ તો થાય. જેમ ભૂલથી અગ્નિમાં હાથ નાખીએ તો પણ આપણે દાઝાઈએ છીએ તેમ અજાણતા થયેલી હિંસાનું ફળ પણ આપણે ભોગવવું પડે છે. પરમ પૂજ્ય દાદા ભગવાન સ્થૂળ હિંસા થઈ જાય તેની સામે સુંદર ઉપાય અહીં આપે છે.
દાદાશ્રી: અજાણથી હિંસા થાય એટલે આપણને તરત જ પશ્ચાત્તાપ થવો જોઈએ, કે આવું ન થાય. ફરી આવું ના થાય એની જાગૃતિ રાખવાની. એવો આપણો ઉદ્દેશ રાખવાનો. ભગવાને કહ્યું હતું, કોઈને મારવો નથી એવો ભાવ સજ્જડ રાખજે. કોઈ જીવને સહેજેય દુઃખ નથી દેવું, એવું રોજ પાંચ વખત ભાવના રાખજે. મન-વચન-કાયાથી કોઈ જીવને કિંચિત્માત્ર દુઃખ ન હો એવું પાંચ વખત સવારમાં બોલી અને સંસારી પ્રક્રિયા ચાલુ કરજે. એટલે જવાબદારી ઓછી થઈ જાય. કારણ કે ભાવનો અધિકાર છે. પેલું સત્તામાં નથી.
સામાન્ય રીતે આપણને પોતાના બે-ત્રણ મોટા મોટા દોષ જ દેખાય, પણ સામાના જોવા હોય તો સો-સો દોષો શોધી આપીએ. સામી વ્યક્તિ દોષિત દેખાય ત્યારે તેના પ્રતિક્રમણ કરવા જોઈએ.
પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “આ જગતમાં જીવ માત્રનો દોષ છે જ નહીં, એ જ્ઞાનીની દૃષ્ટિ. જે દોષિત દેખાય છે, એ આપણો દૃષ્ટિદોષ હોય છે, આપણા રાગ-દ્વેષ છે.”
કોઈ વ્યક્તિ આપણને ગમે તેમ બોલી જાય કે આપણું નુકસાન કરે, ત્યારે આપણને તેનો પ્રતિકાર કરવાના વિચારો આવે, તો તેનું પણ પ્રતિક્રમણ કરવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ માટે એવો અભિપ્રાય બંધાઈ જાય કે “આ ખરાબ છે, કાયમ આવું જ કરે છે” તો તેનું પ્રતિક્રમણ કરવું પડે. અભિપ્રાય જ્યારે ગાઢ થઈ જાય ત્યારે પૂર્વગ્રહ થઈ જાય છે. પછી એ વ્યક્તિને દેખતાની સાથે જ પૂર્વગ્રહ ઊભો થાય કે “આ આવું જ કરશે.” તો તેનું પણ પ્રતિક્રમણ કરવું જોઈએ.
કોઈ આપણી સાથે જે વ્યવહાર કરે છે, તે આપણા કર્મનો ઉદય પ્રમાણે વર્તે છે. વ્યક્તિ તો ફક્ત નિમિત્ત બને છે. એટલે આપણે તેના માટે મનમાં ભાવ ના બગાડવો જોઈએ. ઊલટું જ્ઞાનીઓની દૃષ્ટિ તો એવી હોય કે સામાનું સારું થાય તેવો ભાવ કરે, કારણ કે સામી વ્યક્તિ આપણને આપણા કર્મમાંથી મુક્ત કરે છે. જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, “ચાર ગાળો ખાઈને પણ છૂટા થઈ ગયા ને, એટલે હલકા થઈ ગયા ને. હવે છૂટા થતી વખતે બીજ અવળાં ના પડે એટલું જ જોવાનું.”
અવળાં બીજ નાખવા એટલે શું? સામો આપણને એક કડવાં વેણ સંભળાવે તો આપણે સામે ચાર કડવાં સંભળાવીએ તે. આપણાથી એક કડવું તો સહન નથી થતું, એમાં સામે ચાર કડવાં ધીરીએ, પછી એ હિસાબ વસૂલ થશે તો આપણાથી સહન થશે? ખરેખર, આવી જ રીતે કર્મના ગુનામાં સપડાઈએ છીએ અને બંધનમાં આવતા ભવોભવની ભટકામણ ચાલુ રહે છે. માટે, જગતમાં કોઈના માટે ભાવ બગાડવા જેવો નથી. છતાં જો ભાવ બગડી જાય તો તરત સુધારી લેવો. તેની માટે પ્રતિક્રમણ કરવા જોઈએ.
વાસ્તવિકતામાં બહાર જે ક્રિયા થાય છે તેના કરતા, ક્રિયા કરતી વખતે અંદર ભાવ કયા થાય છે તેના આધારે કર્મ બંધાય છે. ક્રિયા ફરજિયાત છે, પણ ભાવ મરજિયાત છે. આપણે ભાવ બગડે તેના પ્રતિક્રમણ કરવા જોઈએ. બહાર ક્રોધ થઈ ગયો તો ફરજિયાત ભાગ બગડ્યો, પણ અંદર પસ્તાવો કરીએ અને માફી માંગી લઈએ તો મરજિયાત ભાગ સુધારી શકાય છે.
કોઈ પણ ધર્મની, ધર્મગુરુઓની કે ધર્મના ઉપાસકોના દોષ દેખાય તો તેના પણ અવશ્ય પ્રતિક્રમણ કરવા જોઈએ. આજકાલ ટીવી, છાપાં કે ઈન્ટરનેટ ઉપર વિડીયોના માધ્યમથી પ્રેરાઈને આપણે જુદા જુદા ધર્મો વિશે નેગેટિવ ચર્ચાઓ કરીએ છીએ. તેને ધર્મની વિરાધના થઈ ગણાય અને તેનો ભયંકર ગુનો બંધાય છે. એમાંય વીતરાગ ભગવાનની વિરાધનાનું ફળ અનેકગણું થઈને આપણી પાસે આવે છે.
આપણે જૂઠું બોલીએ તો પણ પાપકર્મ બંધાય છે. આપણી ઈચ્છા ન હોય છતાં આપણાથી વારેવારે જૂઠું બોલાઈ જતું હોય, પશ્ચાત્તાપ કરવો જોઈએ, “કે મારાથી જૂઠું બોલાઈ ગયું, તેની માફી માંગું છું, આવું ન થવું જોઈએ.” જૂઠું બોલવાનું એકાએક બંધ ના થાય, પણ જૂઠું બોલવાનો અભિપ્રાય આપણે પ્રતિક્રમણ કરીને ફેરવી નાખવો જોઈએ. “હવે આજથી હું જૂઠું નહીં બોલું, જૂઠું બોલવું એ મહાપાપ છે, મહા દુઃખદાયી છે અને જૂઠું બોલવું એ જ બંધન છે.” એવો જો અભિપ્રાય આપણો થઈ ગયો તો જૂઠું બોલવાનાં પાપો બંધ થઈ જશે.
તેવી જ રીતે સિગારેટ, તમાકુ કે દારુ જેવા વ્યસનના બંધાણીઓ માટે, વ્યસનથી છૂટવા માટે પ્રતિક્રમણ એ શ્રેષ્ઠ ઉપાય છે. શરૂઆતમાં શોખથી વ્યસનને પોતે વળગ્યા હોઈએ, પછી વ્યસન પોતાને જ વળગી જાય અને છૂટે નહીં ત્યારે પોતે કંટાળે. “આ વ્યસન ખોટું છે, બહુ નુકસાન કરે છે, મારે છોડવું જ છે.” એવું નક્કી થયું ત્યારથી વ્યસન છૂટવાની તૈયારી થાય. પછી જેટલી વખત આદત મુજબ વ્યસન થઈ જાય, તેટલી વખત સાચા દિલથી પસ્તાવો લેવો જોઈએ. પ્રતિક્રમણ કરવાથી પોતાનો અભિપ્રાય વ્યસનની વિરુદ્ધનો થાય છે અને વારેવારે પસ્તાવો લેવાથી અંતે વ્યસન છૂટી પણ જાય છે.
A. પ્રતિક્રમણ એટલે પાછા ફરવું. જેમ આપણે કોઈ ખોટા રસ્તે આગળ વધી ગયા તો પછી યુ-ટર્ન લઈને પાછા સાચા રસ્તે... Read More
Q. પ્રતિક્રમણ કરવાનું મહત્ત્વ શું છે?
A. પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “અતિક્રમણથી જગત ઊભું થયેલું તે પ્રતિક્રમણથી જગત બંધ થઈ જાય. બસ એટલો... Read More
A. અતિક્રમણ કરવાની કોઈને રીત નથી શીખવી પડતી. અતિક્રમણ એની મેળે થયા કરે છે. કોઈને ગોદો મારવો હોય, કોઈની... Read More
Q. સંબંધોને સુધારવા પ્રતિક્રમણ કઈ રીતે કરવા?
A. આપણે નજીકની વ્યક્તિઓના સંબંધોમાં સૌથી વધારે દુઃખ આપી દઈએ છીએ. ઘણીવાર દુઃખ આપવા બદલ આપણે ખૂબ પસ્તાવો... Read More
Q. જીવનમાં પાપકર્મથી કઈ રીતે છૂટવું?
A. ભયંકર કાળ આવી રહ્યો છે. ભયંકર દુઃખો આવવાના છે! વધુ અતિક્રમણનું ફળ જ પશુયોનિ આવશે, એનીય મોટાં... Read More
Q. મિચ્છામિ દુક્કડમ્ એટલે શું?
A. મિચ્છામિ દુક્કડમ્ એ અર્ધમાગધી (સંસ્કૃતમાંથી ઊતરી આવેલી પ્રાકૃત ભાષા) ભાષાનો શબ્દ છે, જે ભાષામાં... Read More
Q. જો આપણે કોઈને અજાણતા દુઃખ આપી દઈએ તો શું એ પાપ ગણાય?
A. પ્રશ્નકર્તા: કોઈ જીવની અજાણથી હિંસા થઈ જાય તો શું કરવું? દાદાશ્રી: અજાણથી હિંસા થાય પણ ખબર પડે... Read More
Q. તમારા દોષોનો પશ્ચાતાપ કેવી રીતે કરશો?
A. દુઃખ દીધું એટલે અતિક્રમણ કહેવાય. અને અતિક્રમણની ઉપર પ્રતિક્રમણ કરે તો એ ભૂંસાઈ જાય. એ કર્મ હલકું થઈ... Read More
Q. વ્યસનમાંથી કેવી રીતે છૂટવું?
A. પ્રશ્નકર્તા: મને સિગરેટ પીવાની ખરાબ ટેવ પડી ગઈ છે. દાદાશ્રી: તે એને 'તું' એવું રાખજે કે આ ખોટી છે,... Read More
Q. નેગેટિવ વિચારોને કેવી રીતે બંધ કરવા?
A. પ્રશ્નકર્તા: પ્રતિક્રમણ કર્મના ફળના કરવાનાં કે સૂક્ષ્મના કરવાના? દાદાશ્રી: સૂક્ષ્મના... Read More
A. મોક્ષમાર્ગમાં ક્રિયાકાંડ કે એવું કશું હોતું નથી. ફક્ત સંસારમાર્ગમાં ક્રિયાકાંડ હોય છે. સંસારમાર્ગ... Read More
subscribe your email for our latest news and events