Related Questions

પ્રતિક્રમણ કરવાનું મહત્ત્વ શું છે?

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “અતિક્રમણથી જગત ઊભું થયેલું તે પ્રતિક્રમણથી જગત બંધ થઈ જાય. બસ એટલો આનો ‘લૉ’ (કાયદો).”

દરેક ધર્મમાં માફી માંગવાનું મહત્ત્વ છે, પછી એ મુસ્લિમ ધર્મ હોય, ખ્રિસ્તી ધર્મ હોય કે જૈન ધર્મ. દરેકે ભૂલ થયા પછી ક્ષમા માંગી લેવાનો રિવાજ ગોઠવ્યો છે. પણ માફી માંગવાથી પાપકર્મ હળવું થાય છે. જ્યારે પદ્ધતિસર ગુરુની હાજરીમાં આલોચના, પ્રતિક્રમણ અને પ્રત્યાખ્યાન કરવાથી પાપકર્મ ખલાસ થઈ જાય છે. પોતાના ગુનાઓ જાહેર કરવા એ આલોચના. પછી તે ખોટું છે એમ પશ્ચાત્તાપ કરવો એ પ્રતિક્રમણ અને ફરી નહીં કરું એવું નક્કી કરવું એ પ્રત્યાખ્યાન. 

જેટલા દોષો દેખાય તેટલા પ્રતિક્રમણ કરવા જોઈએ, તો એટલી કમાણી થઈ ગણાય. પ્રતિક્રમણ કરવાથી ક્યારેય ચાખી ના હોય એવી જબરજસ્ત શાંતિ ઉત્પન્ન થાય.

પણ પ્રતિક્રમણ યથાર્થ રીતે અને સમજીને થવું જોઈએ. પોપટ પઢે એ રીતે પ્રતિક્રમણ ફક્ત ક્રિયામાં કરીએ પણ દિલમાં સાચો પસ્તાવો ન હોય તો વર્ષે બે આના જેટલું ફળ મળે. પણ સાચું પ્રતિક્રમણ કરીએ તો ચોવીસ કલાકના જ સોળ આના જેટલું ફળ મળે, એ પણ વર્ષના ત્રણસોને પાંસઠ દિવસ.

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, “કોઈ પણ ક્રિયા કર્યા પછી પસ્તાવો કરે છે, એ માણસ એક દહાડો શુદ્ધ થશે જ, એ નક્કી છે. જેમના માટે પ્રતિક્રમણ કરીએ તેમનો આપણા માટે કોઈ ખરાબ ભાવ હોય તો એ છૂટી જાય. ગમે તેટલું વેર હોય તો એ પણ છૂટી જાય, આ ભવમાં જ!

પ્રતિક્રમણ આપે પાપોથી મુક્તિ

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, આ કાળમાં ક્રોધ-માન-માયા-લોભ રૂપી કષાયોથી એટલા ભયંકર કર્મો બંધાઈ રહ્યા છે કે મનુષ્યો પાંચ ઇન્દ્રિયમાંથી ચાર ઇન્દ્રિય જીવોમાં જશે, ચારમાંથી ત્રણમાં જશે, ત્રણમાંથી બેમાં એમ કરતા કરતા ઠેઠ એક ઇન્દ્રિય જીવો થઈ જશે.  અતિક્રમણ અધોગતિમાં લઈ જશે. જ્યારે પ્રતિક્રમણ ઊર્ધ્વગતિમાં લઈ જશે. કર્મોથી મુક્ત થઈને મોક્ષે જતા સુધી પ્રતિક્રમણ જ મદદરૂપ થશે.

પાપકર્મથી મુક્તિ બે પ્રકારે થઈ શકે. એક તો પાપ કઈ રીતે બંધાય છે, તેના જોખમો શું, પરિણામો શું એ બધું સમજાય તો મનુષ્ય પાપ કરતા અટકે છે. બીજું પોતાના દોષો ઓળખીને પાપકર્મના પસ્તાવા લેવાથી બધા પાપો ધોવાઈ જાય છે અને તેનાથી છૂટી શકાય છે.

કોઈ વ્યક્તિને આપણા વિચાર, વાણી, વર્તનથી દુઃખ થાય તેને અતિક્રમણ થયું કહેવાય. તેનું પ્રતિક્રમણ કરવું. એટલું જ નહીં, કોઈ વ્યક્તિ આપણને ગમે તેમ બોલી જાય, આપણા ઉપર ગુસ્સો કરે ત્યારે પણ આપણે પ્રતિક્રમણ કરવું પડે, “મેં કોઈ ભૂલ કરી હશે જેથી મને આવું બોલવાનો પ્રસંગ ઉત્પન્ન થયો.” કોઈ આપણને ગાળો ભાંડે, નુકસાન કરે, મારે તોય પણ દોષ ના દેખાય ત્યારે સંસાર છૂટે, નહીં તો સંસાર છૂટે નહીં.આપણને કોઈના માટે ખરાબ ભાવ થાય, પછી તેનું પ્રતિક્રમણ કરી દઈએ તો પાપકર્મ બંધાતું નથી. કારણ કે, ભાવ એ કર્મની માતા છે. પ્રતિક્રમણથી આપણા ભાવો ચોખ્ખા થાય છે.

માફી માંગવા સિવાય બીજા કોઈ રસ્તે આ જગતમાં છૂટી શકાય તેમ નથી.  પ્રતિક્રમણ કરવાથી કર્મોના ધક્કા ઓછા થાય અને જલ્દી નિવેડો આવી જાય. જેમ આપણે જમતાં પહેલાં અને પછી હાથ ધોઈએ છીએ, તેવી જ રીતે પ્રકૃતિથી કોઈને દુઃખદાયી વ્યવહાર થયો ને તરત માફી માંગી લેવી, એ આદત જ પાડી દેવી જોઈએ.  નવરા પડીએ કે નજીકની વ્યક્તિઓ જેમને આપણાથી દુઃખ થયું હોય તેમના માટે પ્રતિક્રમણ કર કર કરવા. સામો નમ્ર અને સરળ હોય તો મોઢે માફી માંગી લેવાની, અથવા તો અંદર જ માફી માંગવી, બેઉ રીતે હિસાબ ચોખ્ખો થઈ જાય.

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે “જે ધર્મથી કર્મનો નાશ ના થાય, એને ધર્મ કેવી રીતે કહેવાય? નવાં કર્મ ક્યારે અટકે? પ્રતિક્રમણથી. ” ક્રોધ-માન-માયા-લોભ એ ચાર કષાયો છે. કષાય નહીં કરવા એ ધર્મ છે. છતાં, પૂર્વકર્મ અનુસાર કષાય થઈ જાય તેનાં પ્રતિક્રમણ કરવાં એ ધર્મ છે.

સ્વયં જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન પોતે આ જ રસ્તે ચાલીને આપણને પણ તે રાહે ચાલવાનું દર્શાવે છે. તેઓશ્રી કહે છે, “આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન એ જ આ મોક્ષમાર્ગ. કેટલાય અવતારથી અમારી આ લાઈન, કેટલાય અવતારથી આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરતાં કરતાં કરતાં અહીં સુધી આવ્યા છીએ.”

પ્રતિક્રમણથી ઘટે દોષો

પ્રતિક્રમણ તો દોષમુક્ત થવા માટે મોટામાં મોટું હથિયાર છે.

પરમ પૂજ્ય દાદાશ્રી તો ત્યાં સુધી કહે છે, “ખૂની માણસ ખૂન કર્યા પછી ખુશી થાય તો એનો જે દંડ બાર મહિનાનો થવાનો હોય, તો તે ત્રણ વર્ષનો થઈ જાય. એ ખૂની માણસ ખૂન કર્યા પછી પસ્તાવો કરે તો બાર મહિનાનો જે દંડ થવાનો હોય તે છ મહિનાનો થઈ જાય. કોઈ પણ ખોટું કાર્ય કરીને પછી ખુશી થશો તો તે કાર્ય ત્રણગણું ફળ આપશે. કાર્ય કર્યા પછી પસ્તાવો કરશે કે ખોટું કાર્ય કર્યું, તો દંડ ઘટી જાય. અને સારું કાર્ય કર્યા પછી ખુશી થશો તો બધાને વધુ લાભ થશે. કહેવાનો અર્થ એમ કે ભારે ગુનો કરવાનો દંડ બહાર તો આવશે, જેને ભોગવી લેવો પડે. પણ અંદર પસ્તાવો કરવાથી આવતા ભવની સેફસાઈડ ઊભી થાય છે.

પ્રતિક્રમણ થયું એટલે કર્મ ધોવાઈ ગયું, પછી સામાને ડંખ ના રહે. નહીં તો પછી આપણે પાછા ભેગા થઈએ તો સામા જોડે પેલો ભેદ પડતો જાય. પ્રતિક્રમણ કરવાથી આપણા દોષ તરત નિર્મૂળ થઈ જાય છે અને પાછલા જન્મોના હિસાબ ચોખ્ખા થાય છે. બધા હિસાબ ચોખ્ખા થાય એટલે આપણે મુક્ત થયા. જાણ્યે અજાણ્યે કોઈ જીવની હિંસા થઈ ગઈ. તો પણ તેનો પસ્તાવો લઈએ, એનું પ્રતિક્રમણ કરીએ એટલે જોખમદારી બધી તૂટી જાય.

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, “આવડો મોટો આપણે કાગળ લખ્યો હોય કોઈ સગાંવહાલાંને અને મહીં ગાળો દીધી હોય, આપણે ખૂબ ગાળો દીધી હોય, આખા કાગળમાં બધી ગાળોથી જ ભર્યો હોય અને પછી નીચે લખીએ કે આજે વાઈફ જોડે ઝઘડો થઈ ગયો છે એટલે તમારે માટે બોલ્યો છું, પણ મને માફ કરી દેજો. તો બધી ગાળો ભૂંસી નાખે કે ના ભૂંસી નાખે? એટલે બધી ગાળો વાંચે, પોતે ગાળો સ્વીકાર કરે અને પાછું માફેય કરે! એટલે આવી આ દુનિયા છે. એટલે અમે તો કહીએ છીએ ને કે માફી માગી લેજો, તમારા ઇષ્ટદેવ પાસે માગી લેજો.”

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે “આખું જગત કાપવાનું મોટામાં મોટું હથિયાર જ આ છે. અતિક્રમણથી જગત ઊભું થયું છે ને પ્રતિક્રમણથી જગતનો વિલય થાય છે.તેઓશ્રી જગતમાં દોષોથી નિવારણ કરવાનો રસ્તો આપણને અહીં બતાવે છે.

દાદાશ્રી: તમારા ઘરનાં બધાં જ માણસો જોડે, તમારે કંઈ ને કંઈ પહેલાં દુઃખ થયેલું હોય, તેનાં તમારે પ્રતિક્રમણ કરવાનાં. સંખ્યાત કે અસંખ્યાત ભવોમાં જે રાગ-દ્વેષ, વિષય, કષાયથી દોષ કર્યા હોય તેની ક્ષમા માગું છું. એવું રોજ એક-એક માણસનું આવું ઘરનાં દરેક માણસને લઈ લઈને કરવું. પછી આજુબાજુનાં, આડોશી-પાડોશી બધાને લઈને ઉપયોગ મૂકી આ કર્યા કરવું જોઈએ. તમે કરશો ત્યાર પછી આ બોજો હલકો થઈ જશે. એમને એમ હલકો થાય નહીં. અમે આખા જગત જોડે આવી રીતે નિવારણ કરેલું. પહેલું આવું નિવારણ કરેલું, ત્યારે તો આ છૂટકો થયો. જ્યાં સુધી અમારો દોષ તમારા મનમાં છે, ત્યાં સુધી મને જંપ ના વળવા દે! એટલે અમે જ્યારે આવું પ્રતિક્રમણ કરીએ ત્યારે ત્યાં આગળ ભૂંસાઈ જાય.

પ્રતિક્રમણથી થાય ચોપડા ચોખ્ખા

અતિક્રમણ સામે જેમ જેમ આપણે પ્રતિક્રમણ કરીએ તેમ તેમ આપણા મન, વાણી ચોખ્ખાં થતાં જાય.

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે, “હંમેશાં ખોટું કર્મ થઈ ગયું તો તરત એની પછી પસ્તાવો હોય છે અને ખરા દિલથી, સિન્સિઆરિટીથી પસ્તાવો કરવો જોઈએ. પસ્તાવો કરવા છતાં ફરી એવું થાય એની ચિંતા નહીં કરવાની. ફરી પસ્તાવો લેવો જોઈએ.”
તેઓશ્રી આ પાછળનું વિજ્ઞાન સમજાવે છે, કે દોષો ડુંગળીના પડ જેવા હોય છે. જેટલી મોટી ગાંઠ એટલા વધુ પડ વધારે. પ્રતિક્રમણ કરવાથી દોષનું એક પડ જાય છે, આખી ડુંગળી ખલાસ નથી થતી. એટલે એવું લાગે કે દોષ બંધ નથી થતા, પણ કર્મની ગાંઠો હલકી થતી જાય છે. ખરા દિલથી પસ્તાવો કરે છે એનાં બધાં કર્મ ધોવાઈ જાય છે. પ્રતિક્રમણ ના કરીએ તો પાપકર્મ બંધાય અને તેનો દંડ બહુ ખરાબ આવે છે. મનુષ્યપણું પણ જતું રહે અને જો મનુષ્યમાં આવે તો પણ તેને જીવનમાં અનેક જાતની અડચણો પડે. ખાવાની, પીવાની અડચણો પડે, તેમજ માન-તાન કોઈ દિવસ મળે જ નહીં, કાયમ અપમાન જ આવ્યા કરે. માટે પસ્તાવો લઈ લઈને સુધારવું જોઈએ. પ્રતિક્રમણ થાય તો આવતા ભવની ગતિ સુધરે, કોઈ દુઃખ ના આવે, અડચણો ના આવે અને વેર બંધાય નહીં. સંસારી સુખ મેળવવા માટે તેમજ કર્મોથી મુક્ત થઈને મોક્ષે જવા માટે, એમ બંને રીતે પ્રતિક્રમણ કામ લાગે છે. ઉદાહરણ તરીકે, કોર્ટમાં આપણા ઉપર સો દાવા માંડ્યા હોય તેનો નિકાલ ના કરીએ તો શું થાય? દાવા ઊભા જ રહ્યા હોય. પ્રતિક્રમણ ના કરીએ ત્યાં સુધી કર્મોના દાવા ઊભા રહે.

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે જેટલાં શરીરનાં દર્દો છે, એ બધાં અતિક્રમણોથી થયાં છે. તે બધાં પ્રતિક્રમણોથી જાય.  એટલું જ નહીં, આપણે પ્રતિક્રમણ કરીએ તો એનું મન આપણી જોડે બંધાય, નહીં તો મન છૂટી જાય.  પ્રતિક્રમણથી ચિત્તશુદ્ધિ થાય છે. જેમ કે, ચોરી કરવાથી ચિત્ત અશુદ્ધ થાય અને પછી પશ્ચાત્તાપ કરવાથી એનું એ ચિત્ત શુદ્ધ થઈ જાય. ચિત્તવૃત્તિઓ અશુદ્ધિ હોવાથી બહાર ભટકે છે. એના પ્રતિક્રમણ થતા જશે તો ચિત્ત ભટકતું બંધ થઈ જશે. 

પ્રતિક્રમણથી નિકાચિત કર્મો થાય હળવા

કર્મની થિયરી એવી છે કે ખોટું કાર્ય થયા પછી જો મહીં ભાવ ફરી જાય તો નવું કર્મ હળવું બંધાય. પણ જો ખોટું કાર્ય કર્યા પછી ઉપરથી રાજી થઈએ કે “આવું કરવા જેવું જ છે.” તે નવું કર્મ મજબૂત થઈ જાય, નિકાચિત થઈ જાય. નિકાચિત કર્મ એટલે જેનું ફળ ભોગવ્યે જ છૂટકો થાય. પણ જો નિકાચિત કર્મ ઉપર પસ્તાવો કર કર કરીએ તો તે હલકું થાય. તેનો રસ મોળો કરી શકાય.

મહાવીર ભગવાને ત્રિપુષ્ઠ વાસુદેવના અવતારમાં ક્રોધિત થઈને દરવાનના કાનમાં સીસું રેડાવી દીધું હતું. તેના ઉપર કોઈ પસ્તાવો પણ નહોતો થયો, ઊલટું “મારી ઊંઘ બગાડનારને સજા થવી જ જોઈએ” તેવા ભાવ હતા. તેનાથી તેમનું નિકાચિત કર્મ એવું બંધાયું કે મહાવીર ભગવાનના અવતારમાં તેમના કાનમાં બરુ ઠોકાયા. એટલું જ નહીં, એ દરવાનનો જીવ ગોવાળ બનીને આવ્યો અને તેના નિમિત્તે વેર વસૂલ થયું.

કોઈ પણ જીવને જાણીજોઈને મારીએ, હિંસા કરીએ અને ઉપરથી રાજી થઈએ તો તેનું ભારે કર્મ બંધાય છે. પણ એ નિકાચિત કર્મ ધોવાય શાનાથી? આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાનથી. એના માટે તો પ્રતિક્રમણ નિરંતર કરવું પડે તો પછી કર્મ હલકું થઈ જાય.
જેટલી તીવ્રતાથી અતિક્રમણ કર્યું હોય એટલી જ તીવ્રતાથી પ્રતિક્રમણ હોવું જોઈએ. અમુક દોષો જે બહુ જાડા હોય અને વારેવારે થતા હોય એનું વારંવાર પ્રતિક્રમણ કરવું જોઈએ, જેથી એ પાતળા થતા જાય. પ્રતિક્રમણ કર્યું એટલે ધોવાઈ ગયું. પ્રતિક્રમણ ના કરીએ તો પછી ભૂલો વધતી જાય.

પ્રતિક્રમણથી રોકડું ધર્મધ્યાન

સામાને કંઈ પણ દુઃખ પહોંચ્યું તેને રૌદ્રધ્યાન કહ્યું. ભયંકર રૌદ્રધ્યાનનું ફળ નર્કગતિ આવે છે. જ્યારે સામાને દુઃખ ના થાય પણ પોતે અંદર દુઃખ રહ્યા કરે તેને આર્તધ્યાન કહ્યું. આર્તધ્યાનનું ફળ તિર્યંચગતિ આવે. શ્રેણિક રાજાએ શિકારમાં હરણીને મારી. તેના પેટમાં બચ્ચું હતું. રાજા ખુશ થયા કે એક તીરથી બે જીવોને માર્યા. એ ખુશીમાં ને ખુશીમાં પસ્તાવો પણ ના થયો અને નર્કગતિ બંધાઈ ગઈ. પછી ભવિષ્યમાં શ્રેણિક રાજાને તીર્થંકર મળ્યા, ક્ષાયક સમકિત થયું, તીર્થંકર ગોત્ર બાંધ્યું, પણ તેઓ નર્કગતિથી છૂટી ના શક્યા.
પસ્તાવો કરવાથી રૌદ્રધ્યાન પણ આર્તધ્યાન થઈ જાય છે. પસ્તાવો કરવાથી નર્કગતિ અટકીને તિર્યંચગતિ થાય છે. અને વધુ પસ્તાવો કરે તો ધર્મધ્યાન બંધાય. ભયંકરમાં ભયંકર ભૂલ ઉપર પસ્તાવો લઈએ તો આપણી એટલી બધી સેફસાઈડ થઈ શકે છે, જેનાથી અધોગતિ રોકાઈ જાય, મનુષ્યગતિમાં અવાય અથવા દેવગતિમાં જઈ શકાય. ક્રિયા તેની તે જ પણ ફળમાં ફેરફાર થયા કરે છે. આર્તધ્યાન-રૌદ્રધ્યાન થઈ જાય છે ખરું પણ તે પ્રતિક્રમણ કરે છે એનું, માટે એ પાછો ધર્મધ્યાનમાં આવી ગયો કહેવાય. એટલે જેટલી વખત આર્તધ્યાન કે રૌદ્રધ્યાન થાય, એટલી વખત પ્રતિક્રમણ કરવું જોઈએ. 

પ્રતિક્રમણથી જાદુઈ અસર

આપણે પ્રતિક્રમણ કરીએ તો તેની સામા ઉપર શું અસર થાય છે તે અહીં આપણને પરમ પૂજ્ય દાદાશ્રી સમજાવે છે.

પ્રશ્નકર્તા: પ્રતિક્રમણ કરીએ તો સામાને પહોંચે?

દાદાશ્રી: સામી વ્યક્તિને પહોંચે. એ નરમ થતો જાય. તેને ખબર પડે કે ના પડે, એનો આપણા પ્રત્યેનો ભાવ નરમ થતો જાય. આપણાં પ્રતિક્રમણમાં તો બહુ અસર છે. એક કલાક જો કરો તો સામામાં ફેરફાર થાય છે, જો ચોખ્ખા થયા હોય તો. જ્યાં આપણે જેનું પ્રતિક્રમણ કરીએ તે આપણા દોષ તો જુએ નહીં પણ આપણા માટે તેને માન ઉત્પન્ન થાય.

આપણાથી કોઈને દુઃખ થયું હોય અને આપણે પચ્ચીસ-પચાસ વખત પ્રતિક્રમણ કરી નાખીએ તો સામાને વેર બંધાતું નથી. ઊલટું બીજે દિવસે મળીએ તો સામાનું મોઢું ચડેલું નહીં પણ સારું દેખાય. ઉદાહરણ તરીકે આપણા હાથમાં દોરડું બાંધેલું હોય અને તેનો બીજો છેડો બીજાના હાથમાં બાંધ્યો હોય. પછી આપણે અહીંથી ખેંચીએ તો સામાને અસર થાય. પણ આપણે આપણા દોષરૂપી દોરડાને છોડી નાખીએ તો સામાને ખેંચાશે નહીં કે અસર નહીં થાય. પ્રતિક્રમણ કરવાથી આપણા હાથનું દોરડું છૂટે છે.

માટે નવરાશના સમયમાં જે જે વ્યક્તિને આપણાથી દુઃખ થયું હોય એ બધાને યાદ કરીને પ્રતિક્રમણ કર કર કરવાં. પ્રતિક્રમણ બહુ જ ક્રિયાકારી છે. પણ આપણે પ્રતિક્રમણ કરીને પછી તપાસ કરવા જવાની જરૂર નથી કે સામાનું સુધર્યું કે ના સુધર્યું? સામાને સુધારવા નહીં પણ કષાયોની દોરીની ગાંઠ છોડીને મુક્ત થવા પ્રતિક્રમણ કરવા જોઈએ.

વિજ્ઞાન એવું છે કે આપણો કંઈ પણ નેગેટિવ અભિપ્રાય હશે સામા માટે, તો તે નેગેટિવ ભાવની અસર આપણી સામા ઉપર અને સામાની આપણી ઉપર થશે. આપણે શુદ્ધ ભાવ જ રાખીશું તો તેનો પડઘો સારો પડશે. સામો આપણા ઉપર એટેક કરતો આવે ત્યારે જો આપણે પણ સામો એટેક કરીએ તો સામો ના થાકે. ઊલટું આપણે સામાના પ્રતિક્રમણ કરીએ તો આપણા ઘરના, આસપાસના લોકોમાં ફેરફાર થઈ જાય, એવી પ્રતિક્રમણની જાદુઈ અસર થાય!

પરમ પૂજ્ય દાદાશ્રી તો ત્યાં સુધી કહે છે કે, તમે જો વાઘનું પ્રતિક્રમણ કરો તો વાઘ પણ એનો હિંસક ભાવ ભૂલી જાય. આપણો વાઘ પ્રત્યેનો ભય છૂટી જાય. તેની પાછળનું વિજ્ઞાન સમજાવતા તેઓશ્રી કહે છે, “વાઘમાં ને મનુષ્યમાં કશો ફેર છે નહીં. ફેર તમારાં સ્પંદનનો છે. જેની એને અસર થાય છે. ‘વાઘ હિંસક છે’ એવું તમારા મનમાં ધ્યાન હોય ત્યાં સુધી એ પોતે હિંસક જ રહે અને ‘વાઘ શુદ્ધાત્મા છે’ એવું ધ્યાન રહે તો એ શુદ્ધાત્મા જ છે ને અહિંસક રહે. બધું થઈ શકે તેમ છે. જ્યારે તીર્થંકર ભગવાન દેશના આપે છે ત્યારે તેમની સભામાં વાઘ અને બકરી એકસાથે હોય છે. વાઘ તેનો હિંસકભાવ ભૂલી જાય છે અને બકરી ભય ભૂલી જાય છે.

જો સામસામે બંને વ્યક્તિ પ્રતિક્રમણ કરે, તો જલ્દી હિસાબ ચૂકતે થાય. પણ જો સામો ના કરે તો આપણે બમણા પ્રતિક્રમણ કરીને પણ હિસાબથી છૂટી જવું. નિયમ એવો છે, આપણે માફી માંગવા જેના પગમાં પડીએ, એનો અહંકાર ઊતરી ગયા વગર છૂટકો જ નથી. અહંકારને ખાલી કરવા હજાર માથાકૂટ કરીએ પણ એ ખાલી નથી થતો. એના કરતા રૂબરૂ જઈને જે વ્યક્તિને આપણાથી દુઃખ થયું હોય તેના પગમાં માથું મૂકી દઈએ, તો એક ઝાટકે બધું સાફ થઈ જાય! અહંકારની આડાઈઓ જ આપણને માફી માંગવા નથી દેતી.

પ્રતિક્રમણથી આત્મ પ્રાપ્તિ

જેનાં ‘આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન’ સાચાં હોય, તેને આત્મા પ્રાપ્ત થયા વગર રહે જ નહીં. સાચું પ્રતિક્રમણ એનું નામ કહેવાય કે દોષ ફરી થાય જ નહીં. અગર તો દોષ ધીમે ધીમે ખલાસ થઈ જાય. તેમાંય જ્ઞાની પુરુષ પાસે કોઈ આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન શીખી જાય તો બહુ થઈ ગયું, તે કામ કાઢી નાખે. ગુનામાંથી મુક્ત થઈ જવાય.

પરમ પૂજ્ય દાદાશ્રી એમ કહે છે કે, કોઈ ગાળ ભાંડે અને અસર થાય તો પોતાની જાતની જ ભૂલ છે એવું પોતાને લાગ્યા કરે અને પોતે પ્રતિક્રમણ કર્યા કરે તો એ ભગવાનનું મોટામાં મોટું જ્ઞાન છે. આ જ મોક્ષે લઈ જાય!

પ્રતિક્રમણનું વૈજ્ઞાનિક ફળ

એક તરફ ખોટું કામ થયા કરે ને બીજી બાજુ પસ્તાવો કર્યા કરવો. આપણને પ્રશ્ન થાય કે આનો દુરુપયોગ કરીને દોષ કરવાનું ચાલુ રાખે એવું ના બને? પણ પરમ પૂજ્ય દાદાશ્રી સમજાવે છે કે, જે માણસ પાપ કરીને પસ્તાવો કરે છે તો એ બનાવટી પસ્તાવો કરી શકતો જ નથી. પસ્તાવો ક્યારેય નકામો જતો નથી. પસ્તાવો સાચો જ હોય અને તેનાથી દોષનું એક પડ જાય છે. ભૂલ થઈ એનો ગુનો નથી, ભૂલ થયા પછી પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન નથી કરતા એનો ગુનો છે.

પસ્તાવાથી બીજ પડી જાય છે. પૂર્વે બીજ નાખેલા બીજના ફળરૂપે આજે પાપ ભોગવવાના છે અને આજે નાખેલા બીજનું ફળ કાલે ભોગવાશે. દોષ બદલ માફી માંગવાથી પાપનું મૂળ બળી જાય, એટલે ફરી એ ફૂટે નહીં અને દંડ ઘટે છે, પણ પછી એનું ફળ તો ભોગવવું જ પડે છે! કૃષ્ણ ભગવાનનેય પગમાં તીર વાગ્યું હતું, એટલે ભગવાનને પણ કર્મફળ તો ભોગવવું જ પડે. પ્રતિક્રમણ કૉઝિઝને મારે છે, રિઝલ્ટને નથી મારતું. જેમ કે, આપણાથી કોઈને નુકસાન થયું. હવે એમાં નુકસાન કરવાનો આપણો જે ઇરાદો હતો, તે ‘કૉઝ’ છે. પછી આપણે પ્રતિક્રમણ કરીએ, તો નુકસાન કરવાનો એ ઇરાદો આપણો તૂટી ગયો. આમ પ્રતિક્રમણ એ કૉઝિઝ તોડે છે. બાકી જે બની ગયું એ તો રિઝલ્ટ છે. આ પરમ પૂજ્ય દાદાશ્રીની વૈજ્ઞાનિક શોધખોળ છે!

બહાર “આવો આવો” કહીએ ખરા, પણ મનમાં થાય કે “અત્યારે મૂઆ ક્યાંથી આવ્યા?” તો આ વધારાની ભૂલ આપણે પ્રતિક્રમણથી ભૂંસી નાખીએ છીએ. જેમ પેન્સિલથી લીટો પડી ગયો, તો રબરથી ઘસીને ભૂંસી નાખ્યું, એટલે ચોખ્ખું થઈ ગયું. જેમ ટપાલ અને ટિકિટ વચ્ચે ગુંદર હોય તો ટિકિટ ટપાલને વળગેલી રહે, પણ ગુંદર ઓગળી જાય તો ટિકિટ ઉખડી જશે. વ્યક્તિઓને ખસેડ્યા વગર, બદલ્યા વગર, સુધાર્યા વગર આપણા રાગ દ્વેષ ખલાસ કરવા માટે આ પ્રતિક્રમણ છે.

ઘણીવાર આપણે કહીએ કે “મારે નહોતું બોલવું છતાં કડક શબ્દ નીકળી ગયો.” એટલે આપણી ઈચ્છા વિરુદ્ધ પ્રકૃતિમાં આવું તોફાન ઊભું થઈ જાય છે. ત્યારે આપણને થાય કે પ્રતિક્રમણ કરું છું તોય પ્રકૃતિ સુધરતી નથી, તો રહેવા દો ને! પણ તેમ નથી. પ્રકૃતિ એનો ભાગ ભજવે અને આપણે આપણો ભાગ ભજવવો. કેટલાંય ‘પ્રતિક્રમણ’ થાય ત્યારે એ પ્રકૃતિ બંધ થાય! આપણે આપણું અંદર સુધાર સુધાર કરવું.

પ્રતિક્રમણની વૈજ્ઞાનિક અસર સમજાવતા પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, કર્મ બહુ ચીકણું હોય અને ગાંઠ મોટી હોય, ત્યારે માણસ ભૂલથાપ ખાઈને દોષ કરી બેસે. પછી એનો પસ્તાવો કરીએ, એટલે એ આવતા ભવમાં ધોઈ શકીએ એવું ઢીલું થઈ જાય. પ્રતિક્રમણ કરવાથી દોષ રહે ખરો, પણ પાતળો થઈ જાય. જેમ બળેલી સૂતળીની દોરી હોય, તો એની ડીઝાઈન, એના વળ બરાબર દોરી જેવા જ દેખાય પણ આમ હાથ અડાડીએ તો રાખ ખરી પડે તેમ, ગાંઠ દેખાય ખરી, પણ આવતા ભવે હાથ અડાડવાથી ખરી પડે. એટલે દરેક કાર્ય થયા પછી પોતાની ભૂલ ઓળખીને પસ્તાવા લેવા.

×
Share on