Related Questions

મિચ્છામિ દુક્કડમ્ એટલે શું?

મિચ્છામિ દુક્કડમ્ એ અર્ધમાગધી (સંસ્કૃતમાંથી ઊતરી આવેલી પ્રાકૃત ભાષા) ભાષાનો શબ્દ છે, જે ભાષામાં મહાવીર ભગવાને દેશના આપી હતી. મિચ્છામિ દુક્કડમ્ એટલે 'મિથ્યા મે દુષ્કૃતમ', જેનો અર્થ એવો થાય છે કે, મારા દુષ્કૃત થયેલાં મિથ્યા થાઓ. એટલે આ શબ્દોથી “મારાં જેટલાં દુષ્કૃત્ય થયાં હોય એ બધી જાતનાં દુષ્કૃત્યો મિથ્યા થાઓ” એ ભાવના વ્યક્ત થાય છે.

દુષ્કૃત્ય એટલે કેવાં કાર્યો? જેમાં કોઈ પણ જીવને કિંચિત્‌માત્ર દુઃખ થતું હોય તેવા સર્વે કાર્યો, જેના માટે પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઈએ. ઉપરાંત, જે કાર્યોમાં પ્રત્યક્ષ હિંસાનો વેપાર થતો હોય જેમ કે, અનાજ-કરિયાણાના કે ખેતીના વ્યાપારમાં જીવજંતુઓની હિંસા થતી હોય તો પણ તે દુષ્કૃત્ય કહેવાય. આપણી ઈચ્છા ના હોય તો પણ ફરજિયાત કરવું પડે એ કાર્ય માટે આપણે ખુશ તો ના જ થવું જોઈએ અને પ્રતિક્રમણ કરવું પડે કે “હે ભગવાન! આ કામ મારે ભાગે ક્યાં આવ્યું? હું તેનો પસ્તાવો કરું છું.” 

આટલા અર્થ પરથી પણ એમ સમજી શકાય કે “મિચ્છામિ દુક્કડમ્” શબ્દો વર્ષમાં એક વખત સંવત્સરીના દિવસે સામે મળનાર દરેકને બેસતાં વર્ષની શુભેચ્છાની જેમ પાઠવવાનો શબ્દ ન હોઈ શકે. પણ આ શબ્દો તો આપણી ભૂલો યાદ કરીને તેના પર પશ્ચાત્તાપ વ્યક્ત કરતા શબ્દો છે. એ પશ્ચાત્તાપ એટલે સંવત્સરીના દિવસે કરવામાં આવતું પ્રતિક્રમણ.

આપણને એમ પણ પ્રશ્ન થાય કે, જો આપણે ભૂલો આખું વર્ષ કરતા હોઈએ તો પ્રતિક્રમણ એક જ દિવસે કેમ કરવાનું? જ્ઞાની પુરુષ પરમ પૂજ્ય દાદા ભગવાન આપણને અહીં સમજાવે છે કે, યથાર્થ પ્રતિક્રમણ કોને કહેવાય અને મહાવીર ભગવાને કેવા પ્રતિક્રમણની વાત કરી છે. 

ભાવ પ્રતિક્રમણ

સાચા પ્રતિક્રમણ એને કહેવાય જેમાં “આ ભૂલ કરું છું તે ખોટું છે, આવું ન હોવું જોઈએ.” એવો આપણો ભાવ હોય અને દોષ પ્રત્યેનો આપણો અભિપ્રાય ફરી ગયો હોય. ધારો કે, કોઈ વ્યક્તિ ઉપર આપણે ક્રોધ કરી મૂક્યો હોય, તો તેના ઉપર પસ્તાવો કરવો અને ફરી ક્રોધ ના થાય તેમ નક્કી કરવું એ પ્રતિક્રમણ કહેવાય. શાસ્ત્રોમાં લખેલા સૂત્રોને ગોખીને બોલી જઈએ તેનાથી ખરેખર દોષ ધોવાતો નથી.  પોપટ રામ-રામ બોલે તેનાથી શું તેનો મોક્ષ થઈ જાય? 

આજકાલ જે પ્રતિક્રમણ થાય છે તે મોટેભાગે દ્રવ્ય પ્રતિક્રમણ કહેવાય છે. દ્રવ્ય પ્રતિક્રમણમાં દોષને ઓળખ્યા વગર ખાલી ગોખેલું બોલવાની ક્રિયા થાય છે, પણ તેમાં પસ્તાવાનો ભાવ નથી હોતો એટલે ક્રિયાકારી નથી થતું. જેમ કે, આપણે બોલ્યા કરીએ કે “મેં જમી લીધું, મેં જમી લીધું.” તો શું એનાથી આપણું પેટ ખરેખર ભરાઈ જાય? બીજું ઉદાહરણ લઈએ તો, શાસ્ત્રમાં ક્રિયા દર્શાવી હોય જેમ કે, “પહેલાંના સમયમાં ૫૦૧નો સાબુ વાપરતા હતા, તે 12 ઇંચ લાંબો, 2 ઇંચ પહોળો હતો અને 1 ઇંચ જાડો હતો. પછી મેલાં કપડાં લઈને પાણીમાં નાખતા અને પછી એમાં સાબુ લગાડીને પાણીમાં ધોતા.” હવે આ રીતને, વરસમાં એક કલાક બેસીને આપણે ગાયા કરીએ તો એનાથી શું આપણા પોતાના કપડાંનો મેલ ધોવાઈ જાય? ના જ ધોવાય! તેના માટે આપણે સાબુ લઈને આપણા કપડાં ધોવા બેસવું પડે. જેમ ડોક્ટરે ચોપડવાની દવા આપી હોય તે પી જઈએ અને પછી રોગ ના મટે, ઊલટું ઝેર ચડે. માટે તીર્થંકર ભગવાનના હૃદયનો આશય સમજીને કરેલા ભાવ પ્રતિક્રમણ યથાર્થ પ્રતિક્રમણ કહેવાય છે.

પોતાની ભાષામાં પ્રતિક્રમણ

આપણો પોતાનો જ્યાં દોષ થયો હોય, જ્યાં અતિક્રમણ થયું હોય ત્યાં જ પ્રતિક્રમણ કરવાનું હોય, જેનાથી દોષ ઘટે.  આપણે કોઈ ફ્રેન્ચ ભાષા બોલતી વ્યક્તિને ગુજરાતીમાં રસ્તો બતાવીએ તો એ મંઝિલે પહોંચે? ના પહોંચે. તે જ રીતે, માગધી ભાષા આપણે આજે જાણતા નથી, તો તેમાં લખેલા સૂત્રો ગોખીને બોલી જવાથી સાચું પ્રતિક્રમણ થતું નથી.

એક તો પ્રતિક્રમણ માગધી ભાષામાં થતું હોય, એમાંય કોઈ બીજું વાંચતું હોય અને આપણે સાંભળતા હોઈએ, તો તેમાં ચિત્ત કોનું એકાગ્ર થાય? નિયમ એવો છે કે જે વસ્તુમાં આપણને રસ પડે ત્યાં ચિત્ત ચોંટે. જેમ આપણે કોઈ બાળકને શીખવાડીએ કે તું પેન્સિલથી ગણિતનો દાખલો ગણતો હોય અને એમાં ભૂલ થઈ જાય, તો રબરથી એને ભૂંસી નાખે ને? તેવી જ રીતે કોઈને આપણાથી દુઃખ થઈ ગયું તો તેની માફી માંગી લેવાથી આપણો દોષ ભૂંસાઈ જાય છે. આપણને જે ભાષા આવડતી હોય તે ભાષામાં સરળ શબ્દોમાં જ માફી માંગી લઈએ કે “આ ભૂલ થઈ ગઈ, માફી માંગું છું, ફરી આવી ભૂલ નહીં કરું” તો થઈ ગયું પ્રતિક્રમણ.

તત્ક્ષણ પ્રતિકમણ

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, ખરો વિચક્ષણ એને કહેવાય જે ક્ષણે ક્ષણે વિચારે કે આ શું થયું? આ શું થયું? અને દોષ બેઠો કે તરત જ પ્રતિક્રમણ કરે. વિચક્ષણ વ્યક્તિ તરત સમજી જાય કે આમની સાથે આ દોષ થયો, આમની સાથે બોલતી વખતે આ શબ્દ જરા ભારે બોલાઈ ગયો, એટલે તરત જ માફી માંગી લે. અથવા તો આ વ્યક્તિ સાથે ઝઘડો થઈ ગયો, કે આમના માટે મને ખરાબ વિચાર આવી ગયો, તો તે જ વખતે ઑન ધી મોમેન્ટ એ વ્યક્તિને યાદ કરીને તેનું પ્રતિક્રમણ કરી નાખે. આવું ‘શૂટ ઑન સાઈટ’ પ્રતિક્રમણ કરીએ તો આપણો દોષ જાય. હવે સંવત્સરીના દિવસે બાર મહિને ભેગા પ્રતિક્રમણ કરવા બેસીએ તો આવા નાના નાના એકેય દોષ યાદ આવતા હશે? તો પછી એ ધોવાય કઈ રીતે!

પરમ પૂજ્ય દાદાશ્રી મહાવીર ભગવાનના અંતરનો આશય સમજાવતા અત્યંત કરુણાસભર શબ્દોમાં કહે છે, “ભગવાને શું કહ્યું કે, ‘ઠોકર વાગે તો સમજજે કે કાંઈક ભૂલ થઈ હશે, તો તરત જ ગુરુ પાસે આલોચના કર અને પછી ગુરુની સાક્ષીએ કે અમારી સાક્ષીએ પ્રતિક્રમણ કર.’ આ તો પ્રત્યક્ષ કરવાનું હોય, કપડાંને ડાઘ પડે કે તરત જ ચોખ્ખું કરવાનું હોય, તરત જ પ્રતિક્રમણ કરે તો જ ચોખ્ખું થાય. આ લોકો કેવા છે? કપડાં ઉપર ચાનો ડાઘ પડે તો તરત જ દોડાદોડ કરીને ડાઘ ધોઈ નાખે; જ્યારે આ મન ઉપર અનંત અવતારના ડાઘ પડેલા તેને ધોવાની કોઈનેય પડી નથી.” 

તીર્થંકર ભગવાનના હૃદયની વાત

ખરેખર તો તીર્થંકર ભગવાને દર્શાવેલો માર્ગ જુદો હતો. તેમણે સૌથી પહેલા કહ્યું હતું કે દોષ થતાની સાથે જ તત્ક્ષણ પ્રતિક્રમણ કરજો. તે ના થાય તો રોજ ઘરમાં કચરો સાફ કરીએ તે રીતે અંદરના કચરાનો દિવસે અને રાત્રે એમ બે વખત પૂંજો વાળજો. ત્યારે હજાર શિષ્યોમાંથી બે એવા નીકળ્યા જે કહે કે “અમારાથી સવાર-સાંજ પ્રતિક્રમણ નથી થતા તો શું કરવું?” તો તેમને કહ્યું હતું કે અઠવાડિયે એક વખત કરજો, પછી કહ્યું કે પાક્ષિક એટલે દર પંદર દિવસે એક વખત કરજો. પછી એમાંય ન કરી શકનારા નીકળ્યા એટલે ભગવાને મહિને એક વાર, પછી ચાર મહીને એક વાર કરવાનો રસ્તો બતાવ્યો. છેવટે એમાં પણ ન કરી શકનારા લોકો નીકળ્યા એટલે ભગવાન અહીં આવીને અટક્યા કે વર્ષે એક વખત સંવત્સરીના દિવસે પ્રતિક્રમણ કરજો. કારણ કે, સમય જતો ગયો એમ મનુષ્યોની શક્તિ હીન થતી ગઈ. ક્રોધ-માન-માયા-લોભના કષાયો એટલા વધી ગયા કે વર્ષમાં એક વખત પણ દોષોને બ્રેક વાગે તો પાછા ફરવાનો કંઈક ઉપાય થઈ શકે.

ખરેખર તો પ્રતિક્રમણ કેવું હોવું જોઈએ કે ધંધામાં વેપારીએ તોલમાં છેતરપીંડી કે ભેળસેળના દોષો કર્યા હોય તો રોજેરોજ આખા દિવસની આવી ભૂલોને યાદ કરીને પસ્તાવો લેવો જોઈએ અને ફરી આ ભૂલ ના થાય એ નક્કી કરવું જોઈએ. જેમ કે “આ ભાઈને અનાજ ઓછું તોલીને આપ્યું” તેનું પ્રતિક્રમણ, “આ બેનને ખરાબ મીઠું પધરાવ્યું” તેનું અલગથી પ્રતિક્રમણ, “પેલાને ભેળસેળવાળું તેલ આપ્યું” તેનું પ્રતિક્રમણ, “દુકાનમાં કામ કરનારા જોડે ભાંજગડ થઈ ગઈ” તેનું પ્રતિક્રમણ એમ દરેક દોષને યાદ કરીને જુદા જુદા પ્રતિક્રમણ કરવા પડે. તેવી જ રીતે ઘરના વ્યક્તિઓ સાથે સવારથી ઊઠ્યા ત્યારથી સાંજ સુધીમાં પતિ-પત્નીમાં, બાળકો સાથે, બોસ કે નોકર સાથે કે નજીકની કોઈ પણ વ્યક્તિ સાથે જે જે દોષ થયા હોય તે દરેકને યાદ કરીને તેના ભાવથી પ્રતિક્રમણ કરવા જોઈએ.

એમાંય આપણે જાણે લગ્નમાં મહાલવા જતા હોઈએ તેવી રીતે નવા કપડાં પહેરીને પ્રતિક્રમણ કરવા જઈએ છીએ, ત્યાં પસ્તાવાનો છાંટો પણ નથી હોતો. એટલે દોષો ઘટવાને બદલે વધ્યા જ કરે છે. જીવનના ત્રીસ ચાળીસ વર્ષો સુધી પણ ક્રિયાઓ કરવા છતાં, જો તેની પાછળનો આશય કે હેતુ ના સમજાયો હોય, તો તે ક્રિયા નકામી જાય છે!

×
Share on