Related Questions

પ્રતિક્રમણ એટલે શું?

પ્રતિક્રમણ એટલે પાછા ફરવું. જેમ આપણે કોઈ ખોટા રસ્તે આગળ વધી ગયા તો પછી યુ-ટર્ન લઈને પાછા સાચા રસ્તે ચડીએ છીએ. તેમ જ્યારે અતિક્રમણ થાય ત્યારે પ્રતિક્રમણ જરૂરી છે. અતિક્રમણનો અર્થ સામાન્ય ભાષામાં થાય છે, સીમાનું ઉલ્લંઘન કરીને આગળ વધવું. જ્યારે અધ્યાત્મની ભાષામાં અતિક્રમણ એટલે આપણી એવી ભૂલ, જેનાથી પાપકર્મ બંધાય છે.  જેમ કે, ક્રોધ કરવો અને લોકોને દુઃખ થાય તેવા વિચાર-વાણી-વર્તન કરવા એ અતિક્રમણ છે અને તેના ઉપર પસ્તાવો લેવો એનું નામ પ્રતિક્રમણ કહેવાય.  ટૂંકમાં, અતિક્રમણ એટલે ઊંધી દિશામાં આગળ વધવું. હવે જે ઊંધું ચાલ્યા, ત્યાંથી પાછા ફરવું એનું નામ પ્રતિક્રમણ.

પ્રતિક્રમણથી જે ભૂલ થઈ હોય એ ભૂંસાઈ જાય છે.  પ્રતિક્રમણ એટલે પાપકર્મના બીજને શેકી નાખવું, જેથી એ ફરી ના ઊગી શકે. 

આપણે આખા દિવસમાં જે કંઈ નોર્મલ વ્યવહાર થાય છે, જેમ કે ખાવું, પીવું, ઊંઘવું, ઊઠવું, બોલવું, ચાલવું એ બધું ક્રમણ કહેવાય છે. વહેલા ઊઠવું કે મોડા ઊઠવું એ પણ ક્રમણ છે. વ્યવહારમાં સામાને દુઃખ ના થાય તેવી રીતે કામ લેવું એ બધું ક્રમણ કહેવાય છે. 
પણ નોર્મલ વ્યવહારમાં કોઈની જોડે કંઈક અવળું થઈ ગયું તો એ અતિક્રમણ કહેવાય છે. જેમ કે, કોઈની સાથે કડક શબ્દ બોલાઈ ગયો, કોઈને ખોટું લાગે તેવું બોલાઈ ગયું, કોઈને દુઃખ થાય તેવા શબ્દો નીકળ્યા, કોઈને ઈજા થાય તેમ ધક્કો વાગી ગયો ત્યારે એ બધું અતિક્રમણ થયું કહેવાય.

વ્યવહારમાં સામાને આપણાથી દુઃખ થાય તો તે અતિક્રમણ થયું કહેવાય અને જો દુઃખ નથી થતું તો અતિક્રમણ થયું ના કહેવાય. જેમ કે, આપણને કોઈ કામની ઉતાવળ હોય અને કામ કરનાર માણસ થોડો વખત ચા પીવા ગયો હોય, તો એ પાછો આવે ત્યારે આપણે બૂમાબૂમ કરી મૂકીએ, “ક્યાં ગયો હતો? કામ બાકી છે. સમજ નથી પડતી? નાલાયક!” તો તેને અતિક્રમણ થયું કહેવાય. આવા આખા દિવસમાં કેટલીય વખત લોકોને દુઃખદાયી વ્યવહાર થતા હોય છે. ઘણીવાર આપણી ઈચ્છા ન હોય તો પણ અતિક્રમણ થઈ જાય છે.  મોઢે ના બોલીએ, પણ કોઈને માટે મન પણ બગડ્યું હોય તો તે અતિક્રમણ કહેવાય છે. વ્યવહારમાં મોટેભાગે આપણને ખબર પણ પડે છે કે આ અતિક્રમણ થઈ ગયું.  જગત શા આધારે ઊભું રહ્યું છે? અતિક્રમણ દોષથી.

અતિક્રમણ થવું એ સ્વભાવિક છે, પણ પ્રતિક્રમણ કરવું એ આપણો પુરુષાર્થ છે. અતિક્રમણથી પાપકર્મ રૂપી જે ડાઘ પડ્યો હોય તે પ્રતિક્રમણ કરવાથી તરત ભૂંસાઈ જાય છે.  કોઈને કિંચિત્‌માત્ર દુઃખ ન થાય તેવું જીવન હોવું જોઈએ. અતિક્રમણ જાણી જોઈને ના કર્યું હોય અને સહજભાવે થઈ ગયું હોય તો પણ તેનું પ્રતિક્રમણ કરવું જોઈએ. 

યથાર્થ પ્રતિક્રમણ

જગતના લોકો માફી માગી લે છે, એથી સાચું ‘પ્રતિક્રમણ’ થતું નથી. એ તો રસ્તામાં ‘સોરી’, ‘થેન્કયુ’ કહે, એના જેવી વાત છે. એવી ઉપલક માફી માંગવાનું કંઈ મહત્ત્વ નથી. મહત્ત્વ ખરેખર યથાર્થ પ્રતિક્રમણ કરવાનું છે, જે આલોચના-પ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન એમ ત્રણ તબક્કે થાય છે. આલોચના એટલે જેવો દોષ થયો હોય એવા સ્વરૂપે એકરાર કરવો તે.  પછી આપણી ભૂલ ઉપર પસ્તાવો કરવો એ પ્રતિક્રમણ કહેવાય.  ત્યારબાદ થયેલો દોષ ફરી ના થાય તે માટે દ્રઢ નિર્ણય-નિશ્ચય કરવો તે પ્રત્યાખ્યાન છે. 

આલોચના મોટેભાગે લોકનિંદ્ય કર્મો માટે કરવી પડે, જે લોકોને પોષાય એવા નથી. ભારે કર્મો જે બીજા કોઈને ન કહી શકાય તેની આલોચના કરવી જોઈએ. આલોચના કરતી વખતે તેઓ “શું કહેશે?” એવો ભય રાખ્યા વગર જેમ છે તેમ દોષ ખુલ્લો કરવો જોઈએ. આલોચના કરીએ એટલે બધો દોષ જાય, હળવા થઈ જવાય.  પણ સંપૂર્ણ વિશ્વાસ હોય ત્યાં જ આલોચના કરવી, નહીં તો આ જગતના લોકો દુરુપયોગ કરી શકે છે.  ખરી રીતે આપ્તજન, ‘જ્ઞાની પુરુષ’ પાસે જ આલોચના થાય.  પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “માણસે સાચી આલોચના કરી નથી. તે જ મોક્ષે જતાં રોકે છે. ગુનાનો વાંધો નથી. સાચી આલોચના થાય તો કશો વાંધો નથી.”

પાપથી પાછા વળવું એનું નામ પ્રતિક્રમણ. આપણી ભૂલ માટે દિલથી પસ્તાવો કરવો એ પ્રતિક્રમણ છે. પરમ પૂજ્ય દાદાશ્રી આપણને પ્રતિક્રમણની યથાર્થ સમજણ અહીં આપે છે.

પ્રશ્નકર્તા:  એટલે આ પ્રતિક્રમણ કરે છે એ ને એ કન્ફેસ સરખું જ થયું ને પછી?

દાદાશ્રી: ના, એ સરખું ન હોય. પ્રતિક્રમણ તો અતિક્રમણ થાય અને પછી ધો-ધો કરવું અને પાછું ડાઘ પડે, પાછું ધોવું અને પાપ કન્ફેસ કરવાં, જાહેર કરવાં તો એ વસ્તુ જુદી છે.

પ્રશ્નકર્તા: પ્રતિક્રમણ ને પશ્ચાત્તાપમાં ફેર શો?

દાદાશ્રી: પશ્ચાત્તાપ એ બાધેભારે છે, ક્રિશ્ચિયનો રવિવારે ચર્ચમાં પશ્ચાત્તાપ કરે છે. જે પાપ કર્યા તેનો બાધેભારે પશ્ચાત્તાપ કરે છે. અને પ્રતિક્રમણ તો કેવું છે કે, જેણે ગોળી મારી, જેણે અતિક્રમણ કર્યું, તે પ્રતિક્રમણ કરે. તે જ ક્ષણે, ‘શૂટ ઑન સાઈટ’ - તેને ધોઈ નાખે.
હવે પ્રતિક્રમણ કર્યું તો પછી “ફરી હવે આવી ભૂલ નહીં કરું” એનું નામ પ્રત્યાખ્યાન. ફરી એ ભૂલ નહીં થાય તેનો નિશ્ચય કરવો એને પ્રત્યાખ્યાન કહે છે. પ્રત્યાખ્યાન લીધા પછી ફરી એ ભૂલ થાય તો ફરીથી પ્રતિક્રમણ કરવાનું. એમ કરતાં કરતાં દોષ હળવો થાય છે. જેમ આપણે કપડાં ઉપર ડાઘ પડ્યો હોય અને ટેબલ સાફ કરીએ તો ડાઘ ભૂંસાતો નથી. તેમ, ખરેખર જે દોષ થયા છે, તેના જ પ્રતિક્રમણ કરવા અને તેના જ પ્રત્યાખ્યાન લેવાના હોય. 

આલોચના, પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન એટલે રોજનું સરવૈયું કાઢવું.  આ ત્રણેય સાથે હોવા જોઈએ.

પ્રતિક્રમણ - અભિપ્રાય ફેરવવાનું સાધન

પ્રતિક્રમણ ખરેખર આપણો અભિપ્રાય ફેરવવા માટે કરવાનું છે. ધારો કે, આપણે મોટા અવાજે આપણા મા-બાપ કે વડીલ સામે બોલી ગયા હોઈએ, તો એ અતિક્રમણ થયું કહેવાય. ત્યારે જો આપણે પ્રતિક્રમણ ના કરીએ તો આપણે અતિક્રમણના પક્ષના કહેવાઈશું. પણ જો આપણે આ ભૂલ માટે પસ્તાવો લઈએ છીએ, તો આપણે ભૂલના વિરોધી પક્ષના થયા. જે અતિક્રમણ થયું તેના વિરોધમાં બેસવા માટે પ્રતિક્રમણ કરવાનું છે. આપણે ક્રોધ કરીને સામાને દુઃખ આપી દઈએ અને પછી પ્રતિક્રમણ ના કરીએ તો ક્રોધમાં સહમત છીએ એવું ઠરે.

ઘણી વખત પ્રતિક્રમણ કર્યા પછી પણ દોષમાં ફેરફાર થતો નથી જણાતો. તેનો અર્થ એમ નથી કે પ્રતિક્રમણ અસરકારક નથી. દોષો ડુંગળીના પડ જેવા હોય છે. જેમ જેમ પ્રતિક્રમણ કરીએ તેમ તેમ એક પડ ઓછું થતું જાય છે. એમ કરતા કરતા છેવટે બધાં પડ ખાલી થશે અને દોષ ખલાસ થઈને ઊભો રહેશે. આપણો આજનો ભવ પાછલા ભવના કર્મફળ રૂપે છે. ધારો કે, એક છોકરો આડા પાટે ચડી ગયો હોય અને બે લાખ રૂપિયાનું દેવું કરી નાખ્યું હોય. પછી એનામાં ફેરફાર આવે અને આજે એ નક્કી કરે કે મારે એક પાઈનું પણ દેવું નથી કરવું, એ પ્રમાણે વર્તે પણ ખરો, મહિનાનો જે પગાર આવે તે દેવું ચૂકવવામાં નાખી દે. હવે આજે એણે નવું દેવું નહીં કરવાનો નિશ્ચય કર્યો છે, છતાં પાછલું દેવું ચૂકવ્યા વગર ચાલે જ નહીં. તેવી જ રીતે સાચા દિલના યથાર્થ પ્રતિક્રમણ કરવાથી કર્મોનું દેવું ઓછું થશે, પણ આજે ને આજે ખલાસ નહીં થઈ જાય.

પ્રતિક્રમણ પાછળ વિજ્ઞાન કામ કરે છે તે પરમ પૂજ્ય દાદાશ્રી આપણને અહીં સમજાવે છે.

પ્રશ્નકર્તા:  પ્રતિક્રમણ કરવાથી પાપ નાશ થાય છે, તેની પાછળ સાયન્સ શું છે?

દાદાશ્રી: અતિક્રમણથી પાપ થાય છે ને પ્રતિક્રમણથી પાપ નાશ થાય છે. પાછા વળવાથી પાપ નાશ થાય છે.

પ્રશ્નકર્તા: તો પછી કર્મનો નિયમ ક્યાં લાગુ પડે? આપણે માફી માંગીએ અને કર્મ છૂટી જાય તો પછી એમાં કર્મનો નિયમ ના રહ્યોને?

દાદાશ્રી: આ જ કર્મનો નિયમ! માફી માંગવી એ જ કર્મનો નિયમ!

પ્રશ્નકર્તા: તો તો બધા પાપ કરતા જાય ને માફી માંગતા જાય.

દાદાશ્રી: હા, પાપ કરતા જવાનું ને માફી માંગતા જવાનું, એ જ ભગવાને કહેલું છે.

પ્રશ્નકર્તા: પણ ખરા મનથી માફી માંગવાનીને!

દાદાશ્રી: માફી માંગનારો ખરા મનથી જ માફી માંગે છે. અને ખોટા મનથી માફી માંગે તોય ચલાવી લેવાશે, તોય માફી માંગજો.

પ્રશ્નકર્તા: તો તો પછી એને ટેવ પડી જાય!

દાદાશ્રી: ટેવ પડી જાય તો ભલે પડી જાય પણ માફી માંગજો. માફી માંગ્યા વગર તો આવી બન્યું જાણો! માફીનો શો અર્થ છે? એને પ્રતિક્રમણ કહેવાય છે. અને દોષને શું કહેવાય? અતિક્રમણ. કર્મનો નિયમ શું છે? અતિક્રમણ કરે તો એનું પ્રતિક્રમણ કરો. સમજાયું તમને?

પ્રશ્નકર્તા: હા.

દાદાશ્રી: એટલે માફી અવશ્ય માંગો. ને આ ડાહ્યા, દોઢ ડાહ્યાની વાત જવા દો. કોઈ ખોટું કરતો હોય ને માફી માંગતો હોય તો કરવા દોને! ‘ધીસ ઈઝ કમ્પ્લીટ લૉ.’

કોઈ બ્રાન્ડી પીતો હોય અને કહેશે કે હું માફી માગું છું. તો હું કહું કે, માફી માંગજે. માફી માંગતો જજે ને પીતો જજે. પણ મનમાં નક્કી કરજે કે મારે હવે છોડી દેવી છે. સાચા દિલથી મનમાં નક્કી કરજે. પછી પીતો જજે ને માફી માંગતો જજે. એક દહાડો એનો અંત આવશે. આ સો ટકાનું મારું વિજ્ઞાન છે.

આ તો વિજ્ઞાન છે! ઊગ્યા વગર રહે નહીં. તરત જ ફળ આપનારું છે.

ક્યારેક આપણને એમ પણ થાય કે હું પ્રતિક્રમણ કરું, પણ સામી વ્યક્તિ માફ ન કરે તો શું કરવું? પરમ પૂજ્ય દાદાશ્રી તેની પાછળનું વિજ્ઞાન સમજાવતા કહે છે કે સામો માફ કરે કે ન કરે એ આપણે જોવાનું નથી. પ્રતિક્રમણ એ આપણો અભિપ્રાય ફેરવવા માટે છે. જો એ નહીં ફરે તો આપણો અભિપ્રાય આપણી પાસે પડી રહેશે, અને તે ફરી ઊભો થયા વગર નહીં રહે.

×
Share on