જો આત્મા અજન્મ-અમર છે, તો પછી આવાગમન એટલે કે જન્મ પછી મૃત્યુ, મૃત્યુ પછી ફરી જન્મના ફેરા કોના છે? તેનો જવાબ આપતા પરમ પૂજ્ય દાદા ભગવાન આપણને કહે છે કે, “જે અહંકાર છે ને, તેને આવાગમન છે. આત્મા તો તેની તે જ દશામાં છે. અહંકાર પછી બંધ થઈ જાય છે. એટલે એનો ફેરો બંધ થઈ જાય!” અહંકાર ક્યારે જાય? જ્યારે પોતાના આત્મસ્વરૂપનો અનુભવ થાય ત્યારે. પોતે પોતાના સ્વરૂપને જાણે એટલે આવાગમનના ફેરા બધા બંધ થઈ જાય. આત્મસાક્ષાત્કાર કરીને જન્મ-મરણના ફેરામાંથી મુક્ત થવાનું ફક્ત મનુષ્યદેહે જ શક્ય છે.
આપણે ફોનની બૅટરીના ઉદાહરણથી સમજી શકીએ કે જેમ બૅટરીમાં સેલ 'ચાર્જ' થયેલા હોય છે, એમ આ દેહ 'ચાર્જ' થયેલો છે. પૂર્વભવના કૉઝીઝના પરિણામે 'ઈફેક્ટિવ બૉડી' એટલે આ મન-વચન-કાયાની ત્રણ 'બૅટરી'ઓ તૈયાર થઈ જાય છે. આ ભવમાં મન-વચન-કાયાની ગયા ભવની ‘બૅટરીઓ’ અત્યારે 'ડિસ્ચાર્જ' થયા કરે છે, એ પૂર્વ ભવની ઈફેક્ટ છે. બીજી બાજુ અજ્ઞાનતાથી નવી મન-વચન-કાયાની 'બૅટરીઓ' ચાર્જ થયા કરે છે, જે આવતા ભવ માટે છે. નવું 'ચાર્જ' બંધ થાય તો, જૂનું ડિસ્ચાર્જ થઈને પૂરું થાય અને નવો જન્મ થતો અટકે.
મૃત્યુ પછી આત્મા એક દેહ છોડે ત્યારે જ બીજી બાજુ યોનિમાં પ્રવેશે છે. ત્યારે આત્મા સૂક્ષ્મ શરીર તથા કારણ શરીર સાથે જાય છે. સૂક્ષ્મ શરીર દરેકને કોમન હોય છે, પણ કારણ શરીર દરેકના પોતે સેવેલા કૉઝીઝ પ્રમાણે જુદા જુદા હોય છે.
આ કૉઝ કેવી રીતે પડે છે? અને તે કેવી રીતે બંધ થાય? તે સમજાઈ જાય તો મુક્તિ હાથવેંતમાં છે.
કોઈ પણ પ્રસંગ બને ત્યારે આપણા અંદરની સ્થિતિ શું છે તેના આધારે કર્મ ચાર્જ થાય છે. કોઈ આપણને માનભેર રાખે, ઘરે જતા જ ‘આવો, પધારો’ કહે, પૂજ્ય ગણીને ફૂલોનો હાર પહેરાવે તે વખતે આપણે અંદર ખુશ થઈ જઈએ. જ્યારે કોઈ આપણું અપમાન કરે, આપણી સામે ગમે તેમ બોલે તે વખતે આપણે ચિડાઈ જઈએ. બહાર જે ક્રિયા બને છે તે પૂર્વની ઈફેક્ટ એટલે કે પરિણામ છે. પણ તે વખતે આપણે ખુશ થઈએ કે ચિડાઈ જઈએ તેનાથી કર્મ ચાર્જ થાય છે. આ ચાર્જકર્મ આવતા ભવે ફળ આપીને ડિસ્ચાર્જ થાય છે. હવે, કર્મની ઈફેક્ટ ભોગવતી વખતે નવા કૉઝ ના પડે તો નવો જન્મ ના થાય.
મૃત્યુ પછી જન્મ ને જન્મ પછી મૃત્યુ છે, બસ. આ નિરંતર ચાલ્યા જ કરે છે. હવે આ જન્મ ને મૃત્યુ કેમ થયેલા છે? ત્યારે કહે, 'કૉઝીઝ એન્ડ ઈફેક્ટ, ઈફેક્ટ એન્ડ કૉઝીઝ; કારણો અને કાર્ય, કાર્ય અને કારણો'. એમાં જો કારણોનો નાશ કરવામાં આવે તો આ બધી 'ઈફેક્ટ' બંધ થઈ જાય, પછી નવો જન્મ ન લેવો પડે!
અહીં આગળ આખી જિંદગી 'કૉઝીઝ' ઊભા કરેલા હોય, એ તમારા 'કૉઝીઝ' કોને ત્યાં જાય? અને 'કૉઝીઝ' કરેલા હોય એટલે એ તમને કાર્યફળ આપ્યા વગર રહે નહીં. 'કૉઝીઝ' ઊભા કરેલા, એવું તમને પોતાને સમજાય?
દરેક કાર્યમાં 'કૉઝીઝ' ઊભા થાય છે. તમને કોઈએ 'નાલાયક' કહ્યું તો તમને મહીં 'કૉઝીઝ' ઊભા થાય છે. 'તારો બાપ નાલાયક છે' એ તમારું 'કૉઝીઝ' કહેવાય. તમને 'નાલાયક' કહે છે એ તો કાયદેસર કહી ગયો અને તમે એને ગેરકાયદેસર કર્યું. એ ના સમજાયું આપને? કેમ બોલતા નથી?
પ્રશ્નકર્તા: બરોબર છે.
દાદાશ્રી: એટલે 'કૉઝીઝ' આ ભવમાં થાય છે. એની 'ઈફેક્ટ' આવતે ભવ ભોગવવી પડે છે!
આ તો 'ઈફેક્ટિવ' (પરિણામ) મોહને 'કૉઝીઝ' (કારણ) મોહ માનવામાં આવે છે. તમે એવું ફક્ત માનો જ છો કે 'હું ક્રોધ કરું છું' પણ આ તો તમને ભ્રાંતિ છે ત્યાં સુધી જ આ ક્રોધ છે. બાકી, એ ક્રોધ છે જ નહીં, એ તો 'ઈફેક્ટ' છે. અને 'કૉઝીઝ' બંધ થઈ જાય એટલે 'ઈફેક્ટ' એકલી જ રહે છે અને તે 'કૉઝીઝ' બંધ કર્યાં એટલે 'હી ઈઝ નોટ રિસ્પોન્સિબલ ફોર ઈફેક્ટ' (પરિણામનો પોતે જવાબદાર નથી) અને 'ઈફેક્ટ' એના ભાવ બતાવ્યા વગર રહેવાની જ નથી.
ટૂંકમાં, સઘળું થાય છે ડિસ્ચાર્જના ધક્કાથી, પણ પોતે માને છે કે, ‘આ હું છું’, ‘મને થયું’ અથવા 'હું કરું છું!' એ અજ્ઞાનતાથી આવતા ભવના નવા બીજ પડે છે. જ્યારે આત્માનું ભાન થાય કે પોતે કોણ છે, ત્યારે બીજ પડવાના બંધ થાય અને જન્મ-મરણના ફેરામાંથી છૂટકારો થાય!
પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “મનુષ્યજન્મ એકલામાં જ 'કૉઝીઝ' બંધ થઈ શકે એમ છે. બીજી બધી ગતિમાં તો ખાલી 'ઈફેક્ટ' જ છે. અહીં 'કૉઝીઝ' એન્ડ 'ઈફેક્ટ' બન્ને છે. અમે જ્ઞાન આપીએ ત્યારે 'કૉઝીઝ' બંધ કરી દઈએ છીએ. પછી નવી 'ઈફેક્ટ' થાય નહીં.”
જ્યાં સુધી સેલ્ફ રીયલાઈઝેશન (આત્મસાક્ષાત્કાર) ન થાય ત્યાં સુધી જુદી જુદી યોનિઓમાં ભટકવાનું છે. ફક્ત એક જ્ઞાની પુરુષ આપણને આત્માની ઓળખાણ કરાવી શકે, જેનાથી જૂનું ચાર્જ થતું અટકી જાય અને જન્મ-મરણના ફેરામાંથી મુક્ત થઈ શકાય.
અત્યારે અક્રમ વિજ્ઞાન થકી પ્રત્યક્ષ જ્ઞાનીની લિંક ચાલુ છે. જેમાં જ્ઞાનવિધિના ભેદજ્ઞાનના વૈજ્ઞાનિક પ્રયોગથી “હું શુદ્ધાત્મા છું” એવો અંશ અનુભવ થાય છે અને સો ટકા પ્રતીતિ (શ્રદ્ધા) બેસી જાય છે. ગમે તેટલા તપ-જપ-ધ્યાન કરીએ પણ આ અનુભવ જાતે નથી થઈ શકતો. એ તો જ્યારે અનુભવી જ્ઞાની પુરુષ પાસે જ્ઞાન મળે તો રોકડો અનુભવ થાય.
આ વીંટીમાં સોનું અને તાંબું બે મહીં ભેગા થયેલા હોય, એને આપણે ગામમાં ઘેર લઈ જઈએ કે, ‘ભઈ, આને છૂટું કરી આપો ને!’ તો બધા લોક કરી આપે? કોઈ કરી આપે?
પ્રશ્નકર્તા: સોની જ કરી આપે.
દાદાશ્રી: જેનો આ ધંધો છે, જે આમાં એક્સ્પર્ટ છે, તે સોનું અને તાંબું બન્ને જુદું કરી આપે, સોએ સો ટચનું સોનું જુદું કરી આપે. કારણ કે, એ બેઉના ગુણધર્મ જાણે છે કે સોનાના આવા ગુણધર્મ છે ને તાંબાના આવા ગુણધર્મ છે. એવી જ રીતે જ્ઞાની પુરુષ આત્માના ગુણધર્મ જાણે છે ને અનાત્માનાયે ગુણધર્મ જાણે છે.
આ વીંટીમાં સોનું અને તાંબું મિક્ષ્ચર થઈ ગયું હોય છે, એટલે એને છૂટું પાડી શકાય. સોનું અને તાંબું એ બે કમ્પાઉન્ડ સ્વરૂપે થયું હોય, તો તે છૂટું પડી શકે નહીં. કારણ કે, નહીં તો ગુણધર્મ જુદી જ જાતના થઈ જાય. એવી રીતે આની અંદર ચેતન અને અચેતન બધું મિક્ષ્ચર છે, એ કમ્પાઉન્ડ સ્વરૂપ થયેલું નથી. એટલે ફરી સ્વભાવને કાઢી શકાય. કમ્પાઉન્ડ થયું હોય તો જડત જ નહીં. ચેતનનાયે ગુણધર્મ જડત નહીં ને અચેતનનાયે ગુણધર્મ જડત નહીં ને તીસરો જ ગુણધર્મ ઊભો થઈ જાત. પણ એવું નથી. એ તો મિક્ષ્ચર થયેલું છે ખાલી.
જ્ઞાની પુરુષ જે ‘વર્લ્ડ’ના ‘ગ્રેટેસ્ટ સાયન્ટિસ્ટ’ હોય એ આત્મા-અનાત્માનું વિભાજન કરી આપે. એટલું જ નહીં, પણ આપણા પાપોને બાળીને ભસ્મીભૂત કરી આપે, દિવ્યચક્ષુ આપે અને ‘આ જગત શું છે? કેવી રીતે ચાલે છે? કોણ ચલાવે છે?’ વગેરે બધા જ ફોડ પાડી આપે. ત્યાર પછી જ્ઞાની પુરુષની આજ્ઞામાં રહીએ એટલે નવા કર્મો ચાર્જ થવાના બંધ થાય અને જૂના કર્મો ડિસ્ચાર્જ થતા પૂર્ણાહુતિ થાય!
A. મૃત્યુ એ જીવનનું સત્ય છે, એક અનિવાર્ય હકીકત છે. આ હકીકત આપણે બધા જાણીએ છીએ, છતાં મૃત્યુના નામથી જ... Read More
A. દેખીતી રીતે મૃત્યુના અનેક કારણો હોઈ શકે. કોઈને બીમારીના કારણે મૃત્યુ આવે, તો કોઈને અકસ્માતના કારણે,... Read More
A. મૃત્યુ પછી આત્મા દેહ છોડીને જતો રહે છે એ સૌ માને છે, પણ આત્મા જાય છે ક્યાં? શું આત્મા ફરીથી બીજા... Read More
A. મૃત્યુ પછી આત્મા એક દેહ છોડે છે અને બીજી બાજુ જ્યાં પિતાનું વીર્ય અને માતાનું રજ બે ભેગા થવાનો... Read More
Q. મૃત્યુના ભયથી કેવી રીતે છૂટવું?
A. મૃત્યુ ટાળી શકાય એવું નથી એ જાણવા છતાં મૃત્યુનો ભય દરેકને રહે જ છે. મૃત્યુનો ભય રાખવાનો નથી પણ... Read More
Q. અંતિમ સમયે કઈ જાગૃતિ રાખવી?
A. વ્યક્તિને અંતિમ સમયે ઘણી ઈચ્છાઓ અધૂરી રહી જશે એમ લાગે છે. અણધાર્યું મૃત્યુ નજીક આવે તો ‘હજુ... Read More
subscribe your email for our latest news and events