મૃત્યુ ટાળી શકાય એવું નથી એ જાણવા છતાં મૃત્યુનો ભય દરેકને રહે જ છે. મૃત્યુનો ભય રાખવાનો નથી પણ મૃત્યુની તૈયારી રાખવાની છે. આજે કોઈ ભાઈ શર્ટ-પેન્ટ બદલીને ઝભ્ભો-લેંઘો પહેરીને આવે તો આપણને ભય લાગે? ના. કેમ કે, ભાઈ તો એના એ જ છે, એમણે ખાલી કપડાં બદલ્યા. મૃત્યુ પણ આમ જૂનો, ફાટેલો કોટ કાઢી નવો કોટ બદલવા જેવું, જૂનો દેહ છોડી નવો દેહ લેવા જેવું સહજ જ છે. પણ દેહાધ્યાસ (આ દેહ હું છું એમ માનવું) અને મમતાને લઈને મૃત્યુ સમયે, મનુષ્ય અનંત પ્રકારનું દુઃખ ભોગવે છે. મૃત્યુ શબ્દથી પણ ફફડાટ થાય છે. પછી મૃત્યુ સામે આશ્વાસન ખોળવા ભગવાનનો આશરો લે છે. પણ સાચા ભગવાનની ઓળખાણ નહીં પડી હોવાથી મનુષ્યો નિરાશ્રિતપણે જીવે છે.
મૃત્યુનો ભય આત્માને નથી પણ અહંકારને ભય રહે છે કે, ‘હું મરી જઈશ, હું મરી જઈશ.’ આત્મા તો પરમેનન્ટ છે અને શરીર ટેમ્પરરી છે. નામ શરીરનું છે અને શરીરની સાથે સાથે નામ જતું રહે છે. એટલે નામ પણ વિનાશી છે. પણ મનુષ્ય નામને ‘હું છું’ માને છે. કોઈ ભાઈનું નામ ચંદુભાઈ હોય તો તે ‘હું જ ચંદુ છું’ એમ માની લે છે. વિનાશીને ‘હું છું’ માનવાથી પોતે પણ વિનાશી ભાવમાં આવે છે. આવી અજ્ઞાનતાથી 'મરી જઈશ' તેવું ભાસે છે, તેનું દુઃખ પડે છે. બાકી આત્મા મરતો જ નથી, પણ જ્યાં સુધી આપણે આત્મસ્વરૂપ થયા નથી, ત્યાં સુધી મૃત્યુનો ભય લાગ્યા કરે. જ્ઞાની પુરુષ આપણને આત્માનું ભાન કરાવી આપે, પછી ‘આ દેહ હું છું જ નહીં’, એવું સજ્જડપણે ફીટ થાય તો મૃત્યુનો ભય જતો રહે છે.
પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, “આ બધી વસ્તુઓ બિગિનિંગ-એન્ડવાળી, પણ બિગિનિંગ ને એન્ડને જાણે છે, એ જાણનાર કોણ છે? બિગિનિંગ-એન્ડવાળી વસ્તુઓ બધી જ છે તે ટેમ્પરરી વસ્તુઓ છે. જેનું બિગિનિંગ હોય ને, એનો એન્ડ હોય. બિગિનિંગ થાય એનો એન્ડ હોય જ અવશ્ય. એ બધી ટેમ્પરરી વસ્તુઓ છે, પણ ટેમ્પરરીને જાણનાર કોણ છે? તું પરમેનન્ટ છું. કારણ કે, તું આ વસ્તુઓને ‘ટેમ્પરરી’ કહું છું માટે તું ‘પરમેનન્ટ’ છું.”
જે પ્રસંગ કે અનુભવથી ભય પેઠો હોય તેનું તારણ કાઢીએ તો ભયમાંથી છૂટી શકાય. એક બેનના ભાઈ ગુજરી ગયા અને તેમના મૃત્યુના સમાચાર ફોનથી આવ્યા હતા. એટલે બીજી વખત કોઈ સગાંનો ફોન આવે એટલે તરત બેનને ભય ઊભો થાય કે, “કોઈ ગુજરી તો નહીં ગયું હોય ને?”
આવા સમયે અનુભવ લેવાનો દરેક ફોન ઉપર મૃત્યુના સમાચાર આવે છે એવું નથી બનતું. એટલે બીજી વખત પણ ફોન આવે તો એવું નહીં બને. એમ પાછલા અનુભવ પરથી તપાસ કરવી, નોંધ લેવી અને તારણ કાઢીને વર્તમાનમાં રહેવું. છતાં ફોનની ઘંટડી વાગતા જ અંદરથી ઊભું થયા કરે કે, “કોનો ફોન હશે? શું થશે?” ત્યારે મજબૂત થઈને અંદરવાળાને કહેવું, “ચૂપ! શું હકીકત છે એ પહેલા સાંભળવા તો દે.” આ રીતે કાલ્પનિક ભય સામે સ્ટ્રોંગ રહી શકાય, કારણ કે, તે એક સાયકોલોજી ઈફેક્ટ છે, જે લાંબા ગાળે ડિપ્રેશનમાં નાખી દે.
મૃત્યુ સાથે સંકળાયેલી ભય ઉપજાવનારી માન્યતાઓ છૂટે તો પણ ભયથી મુક્ત થવાય. અમુક માન્યતા પ્રમાણે, રાત્રે કૂતરાં રડે તો કહેવાય છે કે, યમરાજ જીવ લેવા માટે આવ્યા. યમદૂત મારી મારીને યમલોક લઈ જાય, બહુ દુઃખ આપે. એમાંય યમરાજના દેખાવનું વર્ણન તો બિહામણું હોય છે, જેમાં મોટા દાંત, મોટા નખ, મોટી આંખોવાળા અને મોટા મોટા શિંગડાવાળા યમરાજ પાડા ઉપર આવે! એવું જાતજાતનું વર્ણન આપણને નાનપણથી ડરાવતું રહે છે. પણ પરમ પૂજ્ય દાદા ભગવાન જેવા પ્રગટ જ્ઞાની પુરુષ જ્યારે ફોડ પાડે કે યમરાજ નામનું કોઈ છે જ નહીં, પણ નિયમરાજ છે. મનુષ્ય નિયમથી જન્મે છે, નિયમથી જીવન જીવાય છે, નિયમથી મરવાનું આવે છે. એ નિયમરાજનું અપભ્રંશ થઈને યમરાજ થયું છે. આવી સાચી સમજણ મળે તો કશો ભય કે ભડકાટ રહે? આ તો મનુષ્યો ખોટા કર્મો કરતા અટકે તેના માટે યમરાજ આવશે ને મારી મારીને લઈ જશે, એવો ભય સમાજમાં મૂક્યો છે.
યમરાજ નામનું કોઈ છે જ નહીં, પણ નિયમરાજ છે. મનુષ્ય નિયમથી જન્મે છે, નિયમથી જીવન જીવાય છે, નિયમથી મરવાનું આવે છે.
પરમ પૂજ્ય દાદાશ્રીની ગજબની વિચક્ષણતા કે એમણે તેર વર્ષની નાનકડી ઉંમરે આ યમરાજ શું હશે તેની તપાસ કરવાનો વિચાર આવ્યો. જેમ મોટા થતા ગયા તેમ ‘જો યમરાજ હોય તો એમની ઓફિસ ક્યાં હશે, એમને પગાર કોણ આપે છે?’ વગેરે તાર્કિક પ્રશ્નો તેઓશ્રીને ઊભા થતા.
પરમ પૂજ્ય દાદાશ્રી એક પ્રસંગનું વર્ણન કરતા કહે છે કે, “અમારા પાડોશમાં એક કાકા હતા. તે બહુ માંદા હતા ને મરી જાય એવા હતા, એટલે બધા છે તે રાત્રે સૂઈ જાય તે સહુ વારાફરતી. હું તેર વર્ષનો હતો ત્યારે એક રાતે મેં કહ્યું, કે ભઈ, કાલે સવારમાં રવિવાર છે, તે હું સૂઈ જઈશ. રાત્રે હું દવા આપીશ. એટલે અગિયાર વાગ્યા ત્યારે કાકા તો ઊંઘી ગયા, પણ મને ઊંઘ આવી નહીં. ત્યારે કૂતરું રડ્યું. ત્યારે મેં એ જ્ઞાન સાંભળેલું કે આ કૂતરું રડે ત્યારે જાણવું કે જમરા આવ્યા એમ. એ કૂતરું રડ્યું એટલે મને ભય પેસી ગયો કે આ કાકાને લેવા આવ્યા આ જમરા.
હવે આ ભય નીકળે શી રીતે? જે જ્ઞાનથી ભય થયો એનું વિરોધી જ્ઞાન ન હોય ત્યાં સુધી ભય નીકળે નહીં. એટલે પછી મને તો ઊંઘ ના આવી અને સવાર થયું. કાકા તો રહ્યા'તા જીવતા. જાગ્યા ત્યારે મેં કહ્યું, 'આ ખોટું છે. કોઈએ તૂત ઘાલી દીધું છે આ, જમરા નામનું.' એટલે પછી મેં તપાસ કરવા માંડી, પૂછી આવ્યો પંડિતોને, આ જમરા નામનું જીવડું કંઈથી આવ્યું પાછું. તો કહે, 'તમે ના સમજો. બોલશો નહીં, નહીં તો વિરોધી થશો.' મેં કહ્યું, 'ના, મારે વિરોધ કરવો છે. જે થવાનું હોય તે થાય.' મારો તો ક્રાંતિકારી સ્વભાવ. દુઃખના સામો પડું, પણ એનો નિવેડો લાવી નાખું.
જે જ્ઞાનથી ભય થયો એનું વિરોધી જ્ઞાન ન હોય ત્યાં સુધી ભય નીકળે નહીં.
અને અમે તો મૂળ ક્ષત્રિયને પાછા, એટલે એવા ખોટા ભય ચલાવીએ નહીં. એટલે મેં કહ્યું, 'પણ ભગવાનની ઓફીસ હોવી જોઈએ. પણ ઓફીસ ક્યાં રાખી છે ભગવાને? અને આ ભગવાનનું આ રેવન્યુ કેવી રીતે કલેક્ટર કલેક્ટ કરતો હશે? તે આ બધું શું છે એની પાછળ?' એટલે તે દા'ડેથી વિચારો જાગેલા એટલે પછી તપાસ કરતા લાગ્યું કે વાત જુદી છે. પછી એ બહુ વિચાર વિચાર કરતા કરતા ઠેઠ સુધી વિચારો ગૂંચાયેલા રહ્યા પણ આમ મોટી ઉંમર જેમ થતી ગઈ ને તેમ વિચાર કરતા એમ લાગ્યું કે આ કોઈ જમરા નામનું કોઈ હતું જ નહીં. આખા હિન્દુસ્તાનમાં ભય, ભય, બંગાળમાંય આ વહેમ, બધેય આ વહેમ.
જમરા નામ તે આખું જગત ફફડેલું રહે. હવે જમરા એટલે શું? યમરાજ. એને જમરા કહે આપણા લોકો, પણ યમરાજ નામનું કોઈ હતું જ નહીં. માટે કોઈ ભય પામશો નહીં. આમ કોઈ એવો મારનારો છે નહીં.”
યમરાજ નામનું કોઈ હતું જ નહીં. માટે કોઈ ભય પામશો નહીં. આમ કોઈ એવો મારનારો છે નહીં.
મૃત્યુના ભયના વિચારો ફરી વળે, ખૂબ વિકલ્પો ઊભા થાય ત્યારે પરમ પૂજ્ય દાદાશ્રી સુંદર ચાવી આપે છે.
દાદાશ્રી: અમે તો એવું આ દેહનેય કહીએ કે, ‘તારે જ્યારે છૂટવું હોય ત્યારે છૂટી જજે, મારી ઈચ્છા નથી.’ કારણ કે, કાયદા એવા સરસ છે કે કાયદો કોઈનેય છોડે નહીં, એટલા બધા કાયદા છે. અહીંયા કંઈ કોઈને દયા આવે એવું છે નહીં. માટે અમથા વગર કામના દયા શું કામ માગો છો તે? ‘હે ભગવાન! બચાવજે, બચાવજે!’ શી રીતે બચાવે તે? ભગવાન બચ્યા નહોતા ને! અહીં જન્મ લીધો ને, તે બધા બચ્યા નહોતા ને! એય કૃષ્ણ ભગવાન છે તે પગ ઉપર પગ ચઢાવ્યા આમ અને સૂતા, તે પગને આમ જોયો પેલાએ, તે પેલાને એવું લાગ્યું કે આ કોઈ હરણું-બરણું લાગે છે, તે પેલાએ માર્યું તીર.
કર્મ કોઈને છોડે નહીં. કારણ કે, આ સ્વરૂપ નથી આપણું. આપણા સ્વરૂપમાં કોઈ નામ ના દે. જો તમે શુદ્ધાત્મા છો તો કોઈ નામ દેનાર નથી. પરમાત્મા જ છો! પણ અહીં કોઈના સસરા થવું હોય તો મુશ્કેલી છે.
પ્રશ્નકર્તા: આપણે દેહને ફક્ત ‘તારે જ્યારે મરવું હોય ત્યારે તું મરજે’ એટલું જ કહીએ તો ચાલે?
દાદાશ્રી: ફક્ત ‘મરવું હોય ત્યારે મરજે’ એવું કહેવાનો અર્થ શું થાય, કે એકપક્ષી થઈ જાય. એટલે એ તિરસ્કાર ઉત્પન્ન ન થાય એટલા માટે આપણે જોડે કહીએ છીએ, ‘અમારી ઈચ્છા નથી.’ આ શરીરને અમે શું કહીએ છીએ કે, ‘તારે જ્યારે જવું હોય તો જજે, મારી ઈચ્છા નથી.’ કારણ કે, ‘મારે તો હજુ લોકોનું કેમ કલ્યાણ થાય, એટલી જ મારી ઈચ્છા છે.’
પ્રશ્નકર્તા: એમ કહેવાથી શું ફાયદો થાય?
દાદાશ્રી: નિર્વિકલ્પ બનાવે.
પ્રશ્નકર્તા: કોને, આપણને?
દાદાશ્રી: આપણને. આ તો અમારી શોધખોળ છે! એક-એક ચાવી અમારી શોધખોળ છે આ બધી!
A. મૃત્યુ એ જીવનનું સત્ય છે, એક અનિવાર્ય હકીકત છે. આ હકીકત આપણે બધા જાણીએ છીએ, છતાં મૃત્યુના નામથી જ... Read More
A. દેખીતી રીતે મૃત્યુના અનેક કારણો હોઈ શકે. કોઈને બીમારીના કારણે મૃત્યુ આવે, તો કોઈને અકસ્માતના કારણે,... Read More
A. મૃત્યુ પછી આત્મા દેહ છોડીને જતો રહે છે એ સૌ માને છે, પણ આત્મા જાય છે ક્યાં? શું આત્મા ફરીથી બીજા... Read More
A. મૃત્યુ પછી આત્મા એક દેહ છોડે છે અને બીજી બાજુ જ્યાં પિતાનું વીર્ય અને માતાનું રજ બે ભેગા થવાનો... Read More
Q. અંતિમ સમયે કઈ જાગૃતિ રાખવી?
A. વ્યક્તિને અંતિમ સમયે ઘણી ઈચ્છાઓ અધૂરી રહી જશે એમ લાગે છે. અણધાર્યું મૃત્યુ નજીક આવે તો ‘હજુ દીકરીના... Read More
Q. જન્મ-મરણના ફેરામાંથી કઈ રીતે છૂટાય?
A. જો આત્મા અજન્મ-અમર છે, તો પછી આવાગમન એટલે કે જન્મ પછી મૃત્યુ, મૃત્યુ પછી ફરી જન્મના ફેરા કોના છે?... Read More
subscribe your email for our latest news and events