Related Questions

શું ખરેખર પુનર્જન્મ છે?

Reincarnation

મૃત્યુ પછી આત્મા દેહ છોડીને જતો રહે છે એ સૌ માને છે, પણ આત્મા જાય છે ક્યાં? શું આત્મા ફરીથી બીજા દેહે જન્મ લે છે? શું પુનર્જન્મ છે? જો છે તો તેનો પુરાવો શું? આવા ઘણા પ્રશ્નો આપણા મનમાં ઊભા થતા હોય છે.

જુદા જુદા ધર્મોમાં પણ પુનર્જન્મ વિશે જુદી જુદી માન્યતાઓ પ્રવર્તે છે. અમુક ધર્મો મુજબ મનુષ્યએ આખી જિંદગી જે પુણ્યકર્મ અને પાપકર્મ બાંધ્યા હોય તેના આધારે મૃત્યુ પછી ગતિ નક્કી થાય છે. જ્યારે બીજા કેટલાક ધર્મોમાં મનાય છે કે, ‘ડે ઓફ જજમેન્ટ’ અથવા ‘કયામતનો દિવસ’ આવશે અને એ દિવસે બધા મૃતદેહમાંથી નીકળીને ભગવાન પાસે જશે, જ્યાં તેમના જીવનના ચોપડાનો હિસાબ જોવાશે. જેણે સારા કર્મો કર્યાં હશે તેને સ્વર્ગ મળશે અને ખરાબ કર્મો કર્યાં હશે તેને નર્ક મળશે. મૃત્યુ પછી જીવ સ્વર્ગ કે નર્કમાં જાય કે પછી ચાર ગતિમાંથી એક ગતિમાં જાય, જીવ બીજે જન્મે તો છે જ. એટલે આ બન્ને વાત પોતે જ પુનર્જન્મને સમર્થન આપે છે.

કારણ વગર પરિણામ ન આવે:

વૈજ્ઞાનિક દ્રષ્ટિથી વિચારીએ તો કારણ (કૉઝ) વગર કોઈ કાર્ય (ઈફેક્ટ) ન થઈ શકે. જેમ આપણે પરીક્ષા આપીએ, એ કૉઝ કહેવાય. પછી રિઝલ્ટ આવે તે તેનું પરિણામ એટલે કે ઈફેક્ટ કહેવાય. જમીનમાં બાજરીનો દાણો નાખીએ એ કૉઝ છે. તેમાંથી છોડ ઊગીને મોટો થાય અને તેમાં બાજરીનું ડૂંડું આવે એ ઈફેક્ટ છે. આ દેહ ધારણ કરીએ છીએ એ પણ એક પરિણામ છે, એટલે તેનું પણ કોઈ કારણ તો હોવું જ જોઈએ. ધારો કે, બાજરીનો દાણો એ પૂર્વજન્મ છે. તો એમાંથી ડૂંડું આવ્યું એટલે આ ભવનો જન્મ થયો અને પછી પાછું એ ડૂંડામાંથી બીજરૂપે દાણો જમીનમાં પડે એ આવતો નવો જન્મ. આમ કૉઝમાંથી ઈફેક્ટ આવે છે અને એ ઈફેક્ટ ભોગવતી વખતે ફરી નવા કૉઝીઝ પડે છે. એટલે કૉઝ-ઈફેક્ટની, જન્મ-મરણની સાઈકલ ચાલ્યા જ કરે છે. આપણે અમુક સમયના ગાળામાં બાજરીનો દાણો જમીનમાં પડ્યો અને એમાંથી ડૂંડું આવ્યું એ જોઈ શકીએ છીએ. પણ મનુષ્યનો પૂર્વભવ અને આવતો ભવ આપણને જોવાતો કે યાદ રહેતો નથી.

પૂર્વજન્મ યાદ ન રહેવાનું કારણ:

મૃત્યુ સમયે મનુષ્યને ખૂબ વેદનાનો અનુભવ થાય છે. આત્માનો સ્વભાવ પરમાનંદી છે એટલે ખૂબ દુઃખ પડે ત્યારે આત્મા દેહથી છૂટો પડીને દેહ ત્યાગે છે. તે ઉપરાંત, જન્મ વખતે ગર્ભમાં પણ મનુષ્યને પાર વગરની વેદના હોય છે. જન્મ અને મૃત્ય સમયની વેદનાને કારણે આવરણ આવી જાય છે અને મનુષ્યને પોતાનો પૂર્વજન્મ યાદ રહેતો નથી. જે મનુષ્યએ આખું જીવન સારા આચાર-વિચાર પાળ્યા હોય, જેને મૃત્યુ સમયે જરાય દુઃખ ન પડ્યું હોય, તેને પૂર્વજન્મ યાદ આવી શકે છે.

મૃત્યુ પછી બીજો જન્મ તુર્ત જ:

મનુષ્યના જ્યારે છેલ્લા શ્વાસ ચાલતા હોય ત્યારે આત્મા શરીરમાંથી ખેંચાય છે. આત્મા ખેંચાઈને બીજા ગર્ભમાં પહોંચી જાય, પછી આ દેહ છોડે છે અને પુનર્જન્મ થાય છે. એટલે મૃત્યુ પછી આત્મા એક દેહમાંથી તે જ સમયે સીધો જ બીજી યોનિમાં જાય છે.

ધારો કે, અમદાવાદમાં કોઈનો દેહ છૂટવાનો હોય અને વડોદરામાં જન્મ થવાનો હોય તો, આત્મા એક દેહ છોડ્યા વિના, જ્યાં જવાનો હોય એટલો ખેંચાય, લાંબો થઈ શકે. પિતાનું વીર્ય અને માતાનું રજ આ બન્ને ભેગા થવાનો ટાઈમિંગ થાય, ત્યારે ત્યાં યોનિમાં પ્રવેશે છે. આત્મા તે વખતે એકદમ કોમ્પ્રેસ થઈ જાય છે. જ્યાં સુધી નવું સ્થાન મળ્યું નથી, ત્યાં સુધી જૂનું ઘણું કરીને છોડતો નથી. એના સ્થિતિસ્થાપક ગુણને લઈને લાંબો થઈને એક છેડો જૂના દેહમાં ને બીજો છેડો નવા કાર્ય શરીરમાં લઈ જાય છે, પછી જ જૂનો દેહ છોડે છે. જેમ સાપ તેના એક દરમાંથી બહાર નીકળતો હોય અને બીજા દરમાં અંદર પેસતો હોય તેમ, આ દેહમાંથી આત્મા એક બાજુ નીકળતો હોય અને બીજી બાજુ જન્મ લે છે.

પુનર્જન્મનો અધિકાર:

મૃત્યુ પછી દેહ તો મડદું થઈ જાય છે. તેને લોકો દફનાવી દે કે બાળી મૂકે છે. એના પરથી એ સાબિત થાય છે કે અંદર જીવ હતો તે દેહમાંથી નીકળી ગયો. તે જીવનો જ પુનર્જન્મ થાય છે. આત્મા પોતે અજન્મ-અમર છે. આત્માને કશી લેવા-દેવા જ નથી.

પુનર્જન્મ થવાનો આધાર શો છે, તેનો વૈજ્ઞાનિક ફોડ અહીં પરમ પૂજ્ય દાદા ભગવાન આપણને આપે છે, જે આપણને વિચારતા કરી મૂકે છે.

પ્રશ્નકર્તા: પુનર્જન્મ કોણ લે છે? જીવ લે છે કે આત્મા લે છે?

દાદાશ્રી: ના, કોઈને લેવો પડતો નથી, થઈ જાય છે. આ આખું જગત 'ઈટ હેપન્સ' (એની મેળે ચાલી રહ્યું) જ છે!

પ્રશ્નકર્તા: હા, પણ એ કોનાથી થઈ જાય છે? જીવથી થઈ જાય છે કે આત્માથી?

દાદાશ્રી: ના, આત્માને કશી લેવા-દેવા જ નથી, બધું જીવથી જ છે. જેને ભૌતિક સુખો જોઈએ છે, તેને યોનિમાં પ્રવેશ કરવાનો 'રાઈટ' (અધિકાર) છે. ભૌતિક સુખો ના જોઈતા હોય, તેને યોનિમાં પ્રવેશ કરવાનો 'રાઈટ' જતો રહે છે.

મૃત્યુ પછી સાથે લઈ જવાનો સામાન:

દેહ છોડીને આત્મા એકલો જતો નથી, પણ તેની સાથે બધા કર્મો જેને કારણ દેહ (કાર્મણ શરીર) કહે છે તે અને તેજસ શરીર (ઈલેક્ટ્રિકલ બૉડી) એમ ત્રણેય સાથે નીકળે છે.

કારણ દેહ (કૉઝલ બૉડી) તો આખા શરીરમાં ભરેલો હોય, તે પરમાણુરૂપે હોય છે. એ પરમાણુમાંથી પછી કાર્યદેહ (ઈફેક્ટિવ બૉડી) બંધાય છે, જેમ વડના બીજમાંથી આખો વડ ઉગે એ રીતે. કૉઝલ બૉડી (કારણ શરીર) સાથે લઈ જાય છે, એનાથી નવું ઈફેક્ટ બૉડી (કાર્ય શરીર) બને છે. જ્યારે માતાનું રજ અને પિતાનું વીર્ય ભેગું થાય ત્યારે નવું ઈફેક્ટ બૉડી (કાર્ય શરીર) ઉત્પન્ન થાય છે. માતાના રજ અને પિતાના વીર્યથી ઉત્પન્ન થયેલું કાર્ય શરીર તેનો ખોરાક બનાવી લે છે પછી એનો દેહ બને છે.

તેજસ શરીર છે તે જ સૂક્ષ્મ શરીર કે ઈલેક્ટ્રિકલ બૉડી કહેવાય છે. ઈલેક્ટ્રિકલ બૉડી દરેક જીવમાં સામાન્ય ભાવે હોય જ અને તેના આધારે બધી શારીરિક ક્રિયાઓ ચાલે છે. ખોરાક પચાવવો, શરીરમાં ગરમી પેદા કરવી, શરીરમાં લોહીનું ઉપર-નીચે સર્ક્યુલેશન કરવું એ બધું સંચાલન ઈલેક્ટ્રિકલ બૉડી કરે છે. આંખોથી જોવામાં જે લાઈટ છે એ બધું ઈલેક્ટ્રિકલ બૉડીને લીધે હોય છે. ઈલેક્ટ્રિસિટીના તાર-દોરડાં જેમ બધે પહોંચે, તેમ ઈલેક્ટ્રિકલ બૉડીની ઈલેક્ટ્રિસિટી બધે જ પહોંચે છે, જેનાથી શરીરની બધી મશીનરીઓ કામ કરે છે. ક્રોધ-માન-માયા-લોભ ઊભા થવા અને કર્મો બંધાવા એ બધું પણ 'ઈલેક્ટ્રિકલ બૉડી'ને લીધે થાય છે.

મૃત્યુ પછી દેહ અને ઈન્દ્રિયો તો ખલાસ થઈ જાય છે. પણ કારણ શરીરમાં કર્મો અને ક્રોધ-માન-માયા-લોભ સાથે લઈને જઈએ છીએ. મૃત્યુ પછી આપણે સાથે શું લઈ જઈએ છીએ, તે પ્રશ્નના જવાબમાં પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે, “આપણા સગાંવહાલાં ના હોય ને એવા પારકા લોકોને કંઈ સુખ આપ્યું હોય ધક્કો ખાઈને, બીજું કંઈ પણ આપ્યું તો એ 'ત્યાં' પહોંચ્યું. સગાંવહાલાં નહીં પણ બીજા બહારના લોકોને પછી અહીં લોકોને દવાનું દાન આપ્યું હોય ઔષધદાન, બીજું આહારદાન આપ્યું હોય, પછી જ્ઞાનદાન આપ્યું હોય અને અભયદાન એ બધું આપ્યું હોય તો એ ત્યાં બધું આવે.”

×
Share on