Related Questions

મૃત્યુ શું છે?

મૃત્યુ એ જીવનનું સત્ય છે, એક અનિવાર્ય હકીકત છે. આ હકીકત આપણે બધા જાણીએ છીએ, છતાં મૃત્યુના નામથી જ ભયની એક કંપારી અનુભવાય છે. પોતાનું મૃત્યુ નજીક છે એવી જાણ થતા જ વધુ જીવવાની આશા ફરીથી જીવંત થઈ જાય છે. જ્યારે કોઈ નજીકના સ્નેહીનું મૃત્યુ થાય ત્યારે લાગણીઓનું વંટોળ ઊભું થાય છે. આપણને નવું જીવન આપ્યું તેવા મા-બાપમાંથી કોઈનું અવસાન થાય, મિત્ર કરતા પણ વધારે વહાલા એવા ભાઈ કે બહેનનું મૃત્યુ થાય, જીવનના આધાર સમ પતિ કે પત્નીનું મૃત્યુ થાય અથવા જેણે હજુ દુનિયા પૂરી જોઈ નથી એવા સંતાનનું અકાળે મૃત્યુ થાય, ત્યારે જીવનમાં એવો ખાલીપો લાગે છે જેને કોઈ ભરી નથી શકતું. પોતાના જ અસ્તિત્વનું એક અંગ જાણે કુદરતે છીનવી લીધું તેવી વ્યથા, ફરિયાદ અને દુઃખ આપણને ઘેરી વળે છે. અને જીવનની ક્ષણભંગુરતાને લઈને અનેક પ્રશ્નો મનમાં ઊભા થાય છે. જેમાંનો એક પ્રશ્ન ‘મૃત્યુ શું છે?’ એ સતત દિલને મૂંઝવે છે.

what is death

ભૌતિક વિજ્ઞાન પ્રમાણે શરીરના મુખ્ય અવયવો જેમ કે, હૃદય, મગજ, ફેફસા વગેરે બંધ થવાની અવસ્થાને મૃત્યુ કહે છે. લૌકિક માન્યતા પ્રમાણે એમ પણ કહે છે કે મૃત્યુ એટલે ભગવાનના ઘરે જવું. નાનપણમાં બાળકોને કહે કે મૃત્યુ પામનાર આકાશમાં તારો થઈ જાય છે. સામાજિક દ્રષ્ટિથી મૃત્યુ એ ખૂબ જ દુઃખદ ઘટના છે, જેમાં પરિવારજનો સફેદ કે કાળા કપડાં પહેરીને શોક વ્યક્ત કરે છે. કેટલીક ધાર્મિક માન્યતા પ્રમાણે શરીરમાંથી આત્મા નીકળી જાય ત્યારે મૃત્યુ થાય છે અને જે-તે ધર્મના રિવાજ મુજબ મૃતદેહને અગ્નિદાહ અપાય છે અથવા જમીનમાં દફનાવાય છે.

મૃત્યુ પછીની દેખીતી પ્રક્રિયાઓ અને રીતરિવાજો તો આપણે જાણીએ છીએ, પણ મૃત્યુ ખરેખર શું છે એની સાચી સમજણ ક્યાંય મળતી નથી. એકનો એક દીકરો ગુજરી જાય ત્યારે ‘ભગવાને મારો દીકરો લઈ લીધો’ એમ કહીએ તો ભગવાનને ખૂની ઠરાવ્યા ના કહેવાય? ભગવાન શા માટે લોકોને પોતાના ઘરે ભેગા કરે? જો આકાશમાં તારો થઈ જઈએ તો તારાઓની સંખ્યા અનેકગણી વધી ના જાય? એટલે મૃત્યુ વિશેની એવી યથાર્થ સમજણની જરૂર છે, જેનાથી સ્વજનના મૃત્યુ પછી જે દુઃખની લાગણી થાય છે તેમાં રાહત થઈ શકે. પોતાના કે બીજાના મૃત્યુ સમયે લાગતો ભય દૂર થઈ શકે. અક્રમ વિજ્ઞાન થકી પરમ પૂજ્ય દાદાશ્રીએ મૃત્યુ વિશે એવી સ્પષ્ટ વૈજ્ઞાનિક સમજણ આપી છે, જે જાણવાથી મૃત્યુનું દુઃખ અને ભય તો દૂર થાય જ છે, પણ મૃત્યુ એક મહોત્સવ બની જાય છે!

જન્મ તેનું મૃત્યુ:

દરેક વસ્તુનો આરંભ તેના અંત સાથે જ હોય છે. સૂર્યનો ઉદય થાય તો અસ્ત પણ હોય જ. વસંતમાં નવા પાનની કૂંપળ ફૂટે અને પાનખરમાં આખું પાન ખરી પડે. સ્કૂલમાં ભણવા ગયા તો તેની શરૂઆત થઈ અને ભણવાનું પૂરું થયું એટલે એનો અંત આવ્યો. નવું શર્ટ સીવડાવ્યું એટલે શર્ટનો જન્મ થયો અને એ ઘસાઈને ફાટી ગયું એ એનું મૃત્યુ થયું. આમ જન્મની સાથે મૃત્યુ જોડાયેલું છે. જ્યાં જન્મ હોય ત્યાં મૃત્યુ અવશ્ય હોય જ!

birth and death

બે દિવસ વચ્ચે રાત:

મૃત્યુ એટલે અસ્તિત્વનો અંત નથી પણ બે અસ્તિત્વ વચ્ચેનો સંધિકાળ છે. જેમ બે દિવસ વચ્ચે રાત છે, તેમ બે જીવન વચ્ચે મૃત્યુ છે. જેમ દેહના કપડાં બદલાય છે, એમ આત્માની ઉપર આ દેહ બદલાય છે. એટલે આ દેહ ટેમ્પરરી છે, વિનાશી છે અને જે ટેમ્પરરી છે તેનું મૃત્યુ થાય છે. જ્યારે આત્મા તો પરમેનન્ટ છે, અવિનાશી છે, શાશ્વત છે. આત્માનું મૃત્યુ હોતું જ નથી, આત્મા અજન્મ-અમર છે! અંતિમ સંસ્કાર વખતે દેહ નષ્ટ થઈને પંચ તત્ત્વોમાં લીન થઈ જાય છે અને આત્મા નવો દેહ ધારણ કરે છે.

જો આપણું પ્રિય સ્વજન જૂના કપડાં બદલીને નવા કપડાં પહેરે તો આપણને કોઈ દુઃખ થાય છે? નથી થતું. કારણ કે, આપણને લક્ષમાં રહે છે કે કપડાં બદલાય છે, વ્યક્તિ બદલાતી નથી. તેવી જ દ્રષ્ટિ જો આત્મા માટે રહે કે આત્મા ફક્ત શરીર બદલે છે, પણ પોતે તો કાયમ રહે છે જ! તો દુઃખ ના થાય. બાળી મૂક્યો એ તો દેહ છે, પણ આત્મા અત્યારે બીજા દેહે ક્યાંક જન્મ લઈ ચૂક્યો છે.

આયુષ્ય એક કર્મ:

તો પછી દેહનું મૃત્યુ થવાનો આધાર શું છે? કર્મો!

ખરેખર મનુષ્ય કેટલા વર્ષો જીવશે એ કર્મોના હિસાબ ઉપર આધાર રાખે છે. કર્મની શરૂઆત થવી એટલે જન્મ અને એક-એક કરીને બધા કર્મો પૂરા થતા શરીરમાંથી આત્મા છૂટો થાય, એ મૃત્યુ! એક અવતાર કર્મોનો જે હિસાબ બાંધ્યો હતો તે પૂરો થઈ જાય એટલે મૃત્યુ થઈ જાય.

આયુષ્ય પણ એક કર્મ છે. તેને મીણબત્તીના ઉદાહરણથી સમજીએ. આપણે મીણબત્તીને તેના દોરાથી સળગાવીએ છીએ. એ દોરો મીણને બાળે છે. જ્યાં સુધી સહેજ પણ દોરો બાકી છે અથવા મીણ બળી રહ્યું છે, ત્યાં સુધી જ મીણબત્તી પ્રકાશ આપી શકે છે. મીણબત્તી અજવાળું આપતી જાય તેમ તેમ તેનું અસ્તિત્વ ઘટતું જાય છે અને છેવટે મીણબત્તી સળગીને ખલાસ થઈ જાય છે. બીજા શબ્દોમાં, મીણબત્તીનું આયુષ્ય પૂરું થાય છે ત્યારે તે ઓલવાઈ જાય છે. જેમ મીણબત્તીમાં દોરો, મીણ, અજવાળું અને આયુષ્ય એમ ચાર વસ્તુના આધારે મીણબત્તી સળગે છે, તેમ મનુષ્યનો દેહ પણ કર્મોના આધારે જીવે છે. જેમ મીણબત્તીને એક વાર પેટાવીએ પછી એ એની મેળે કુદરતી રીતે સળગ્યા જ કરે છે, તેમ મનુષ્ય જન્મે ત્યારથી, કશું જ કર્યા વિના કર્મો ઉકેલ્યા કરે છે. મીણબત્તી સળગતી સળગતી આપોઆપ પૂરી થઈ જાય છે, તેમ આયુષ્યકર્મ પૂરું થઈને દેહ પણ ખલાસ થઈ જાય છે.

કર્મની શરૂઆત થવી એટલે જન્મ અને એક-એક કરીને બધા કર્મો પૂરા થતા શરીરમાંથી આત્મા છૂટો થાય, એ મૃત્યુ!

Karma and death

મૃત્યુ આપણા કર્મનું જ ફળ છે અને દેખીતી રીતે કોઈ બીમારી, વ્યક્તિ, ઘટના કે સંજોગોના નિમિત્તે એ કર્મ પૂરું થાય છે. જો આ સમજણ હાજર રહે તો પછી જે નિમિત્તે આયુષ્યકર્મ પૂરું થાય તે નિમિત્ત કે સંજોગ ગુનેગાર ના દેખાય.

મૃત્યુ નથી આપણા હાથમાં!

મૃત્યુનો આધાર કર્મ ઉપર છે, એટલે જ મૃત્યુ ઉપર કોઈનો અંકુશ નથી. ક્યારેક કોઈક નાનું બાળક જન્મના થોડાં દિવસોમાં જ મૃત્યુ પામે છે. જ્યારે કેટલાક વડીલો સો વર્ષથી પણ લાંબું આયુષ્ય ભોગવે છે. ક્યારેક અકસ્માતમાં કે હાર્ટ એટેક આવતા અચાનક મૃત્યુ થઈ જાય છે, તો ક્યારેક કેન્સરથી વર્ષો સુધી પીડાતા પીડાતા મૃત્યુ થાય છે. વાસુદેવ શ્રીકૃષ્ણ ભગવાનને પગમાં તીર વાગ્યું ત્યારે તે પણ તેમનું મૃત્યુ રોકી નહોતા શક્યા. જીસસ ક્રાઈસ્ટ પણ શૂળી પર ચડતા મૃત્યુને ભેટ્યા હતા. ભગવાન મહાવીર આટલા સમર્થ તીર્થંકર હોવા છતાં પોતાના મૃત્યુકાળમાં રાઈ જેટલો ફેરફાર નહોતા કરી શક્યા.

મૃત્યુ આપણા હાથમાં નથી. પણ આ જીવન કેવી રીતે જીવવું એ તો આપણા હાથમાં છે ને! એટલે જ્યાં સુધી આપણે જીવીએ છીએ, આપણા પ્રિય સ્વજનો જીવે છે, ત્યાં સુધી આ જીવનની એક-એક ક્ષણને જીવી લઈએ અને આ મનુષ્યજીવન સાર્થક બનાવીએ.

×
Share on