Related Questions

સમાધિ એટલે શું? નિર્વિકલ્પ સમાધિ કેવી રીતે પ્રાપ્ત કરી શકાય?

હેન્ડલ સમાધિ

પ્રશ્નકર્તા: દાદા, મને ચાર-ચાર કલાક સમાધિ રહે છે.

દાદાશ્રી: સમાધિ રહે છે ત્યારે તો રહે છે એ બરાબર છે, પણ પછી એ થોડી ઘણી જતી રહે છે?

પ્રશ્નકર્તા: એ તો જતી જ રહે ને!

દાદાશ્રી: તો એ ટેમ્પરરી સમાધિ કહેવાય કે પરમેનન્ટ?

પ્રશ્નકર્તા: એ તો ટેમ્પરરી જ કહેવાય ને!

દાદાશ્રી: આ જગતમાં ચાલે છે તે બધી ટેમ્પરરી સમાધિ છે, જડ સમાધિ છે. સમાધિ તો નિઃક્લેશ અને નિરંતર રહેવી જોઈએ. આ તો બધી ટેમ્પરરી સમાધિ કરે છે. તમે સમાધિ એટલે શું સમજ્યા છો?

પ્રશ્નકર્તા: એમાં મન એક જગ્યાએ અમુક કાળ સુધી ટકાવી રાખવું હોય તો તે રાખી શકાય.

દાદાશ્રી: પણ એમાં લાભ શો? પ્રાણોને કંટ્રોલ કર્યો તો લાભ થાય, પણ કાયમની ઠંડક થાય? આ તો સગડી પાસે બેસે તેટલો વખત ઠંડી ઊડે, પછી એની એ જ ટાઢ! સગડી તો કાયમની જોઈએ કે જેથી કાયમ ટાઢ ના લાગે. સમાધિ તો જુદી જ વસ્તુ છે. હાથે જો પંખો નાખવાનો હોય તો હાથ દુઃખે ને ઠંડક થાય, એવી હેન્ડલ સમાધિ શા કામની? નાક દબાવવાથી સમાધિ થતી હોય તો બાબાને પણ નાક દબાવવાથી સમાધિ થાય. તો જરા નાના બાબાનું નાક દબાવી જોજો, એ શું કરશે? તરત જ ચિઢાઈને બચકું ભરી લેશે. આ શું બતાવે છે કે આનાથી તો કષ્ટ થાય છે, એવી કષ્ટ-સાધ્ય સમાધિ શા કામની? સમાધિ તો સહજ હોવી જોઈએ. ઊઠતા, બેસતા, ખાતા, પીતા સમાધિ રહે તે સહજ સમાધિ. અત્યારે હું તમારી સાથે વાત કરું છું ને નાક તો દબાવ્યું નથી તો સમાધિ હશે ને? હું નિરંતર સમાધિમાં જ છું અને કોઈ ગાળ ભાંડે તોય અમારી સમાધિ ના જાય. આ નાક દબાવીને સમાધિ કરવા જાય એ તો હઠયોગ કહેવાય. હઠયોગથી તો સમાધિ થતી હશે? આ ગુરુનો ફોટો જો કો'કે ઉઠાવી લીધો હોય તોય તેને મહીં ક્લેશ થઈ જાય! સમાધિ તો નિઃક્લેશ હોવી જોઈએ અને તેય પાછી નિરંતરની; ઊતરે નહીં એનું નામ સમાધિ ને ઊતરી જાય એનું નામ ઉપાધિ! છાંયડામાં બેઠા પછી તડકામાં આવે એટલે અકળામણ થાય એવું! આધિ-વ્યાધિ ને ઉપાધિમાંય સમાધિ રહે એનું નામ સમાધિ! સમાધિ તો પરમેનન્ટ જ હોવી જોઈએ.

સાચી સમાધિ!

પ્રશ્નકર્તા: સમાધિ પરમેનન્ટ હોઈ શકે એ તો હું જાણતો જ નહોતો!

દાદાશ્રી: આખા જગતને બંધ આંખે સમાધિ રહે છે; એ પણ બધાને રહે કે ના પણ રહે; જ્યારે અહીં આપણને ઉઘાડી આંખે સમાધિ રહે છે! ખાતા, પીતા, ગાતા, જોતા સહજ સમાધિ રહ્યા કરે!! આ દાબડા બાંધીને તો બળદનેય સમાધિ રહે છે, એ તો કૃત્રિમ કહેવાય અને આપણને તો ઉઘાડી આંખે ભગવાન દેખાય, રસ્તે ચાલતા, ફરતા ભગવાન દેખાય. બંધ આંખે તો બધા સમાધિ કરે, પણ ખરી સમાધિ તો ઉઘાડી આંખે રહેવી જોઈએ. આંખો બંધ કરવા માટે નથી, આંખો તો બધું જોવા માટે છે, ભગવાન જેમાં છે એમાં જો જોતા આવડે તો! ખરેખર તો 'જેમ છે તેમ' જો, 'જેમ છે તેમ' સાંભળ, 'જેમ છે તેમ' ચાલ. અને છતાંય સમાધિ રહે એવી 'દાદા'ની સમાધિ છે! અને પેલાને તો જગ્યા ખોળવી પડે. અહીં એકાંત નથી, તો જગતમાં ક્યાં જઈશ? અહીં તો પાર વગરની વસ્તી છે. ભીડમાં એકાંત ખોળી કાઢતા આવડે એનું નામ જ્ઞાન. આ ગાડીમાં ચોગરદમથી ભીડમાં દબાય ત્યારે મન-બુદ્ધિ-ચિત્ત અને અહંકાર ચૂપ રહેશે, ત્યારે જેટલું જોઈએ તેટલું એકાંત લો. ખરું એકાંત તો ખરી ભીડમાં જ મળે તેમ છે! ભીડમાં એકાંત એ જ ખરું એકાંત!

સાધુઓ સમાધિ કરે છે, હિમાલયમાં જઈને પૂર્વાશ્રમ છોડે ને કહેશે કે, 'હું ફલાણો નહીં, હું સાધુ નહીં, હું આ નહીં,' તેથી થોડું સુખ વર્તે, પણ તે નિર્વિકલ્પ સમાધિ ના કહેવાય, કારણ કે, તે સમજણપૂર્વક અંદર નથી ગયો.

પ્રશ્નકર્તા: એક જણને ઊભા ઊભા સમાધિ થઈ જાય છે તે મેં જોયું છે, આપણે બૂમ પાડીએ તોય એ સાંભળે નહીં.

દાદાશ્રી: એને સમાધિ ના કહેવાય, એ તો બેભાનપણું કહેવાય. સમાધિ કોને કહેવાય? સહજ સમાધિ, એમાં પાંચેય ઈન્દ્રિયો બધી જાગ્રત હોય, દેહને સ્પર્શ થાય તોય ખબર પડે. આ દેહનું ભાન નથી રહેતું એ સમાધિ ના કહેવાય, એ તો કષ્ટ કહેવાય. કષ્ટ કરીને સમાધિ કરે એ સમાધિ ના કહેવાય. સમાધિવાળો તો સંપૂર્ણ જાગ્રત હોય!

નિર્વિકલ્પ સમાધિ!

જગતના મહાત્માઓએ નિર્વિકલ્પ સમાધિ શેને માનેલી? ચિત્તના ચમત્કારને. દેહથી બેભાન થાય અને માને કે મારું ઈન્દ્રિયજ્ઞાન ખલાસ થઈ ગયું ને અતીન્દ્રિય જ્ઞાન ઊભું થયું નથી. એટલે વચ્ચે નિરિન્દ્રિય ચમત્કારમાં ભટકે! કોઈને ચિત્ત ચમત્કાર દેખાય, કોઈને અજવાળા દેખાય, પણ એ ન હોય સાચી સમાધિ. એ તો નિરિન્દ્રિય સમાધિ છે! દેહનું ભાન જાય તો એ સમાધિ ના હોય. નિર્વિકલ્પ સમાધિમાં તો દેહનું વધારે ચોક્કસ ભાન હોય. દેહનું જ ભાન જતું રહે તો એને નિર્વિકલ્પ સમાધિ કેમ કહેવાય?

પ્રશ્નકર્તા: નિર્વિકલ્પ સમાધિ એટલે શું?

દાદાશ્રી: હું ચંદુલાલ એ વિકલ્પ સમાધિ. આ બધું જુએ તેય વિકલ્પ સમાધિ, આ બાળક કશું ફોડી નાખે તે મહીં વિકલ્પ સમાધિ તૂટી જાય.

પ્રશ્નકર્તા: સંકલ્પ-વિકલ્પ એટલે શું?

દાદાશ્રી: વિકલ્પ એટલે 'હું' અને સંકલ્પ એટલે 'મારું.' પોતે કલ્પતરૂ છે, કલ્પે તેવો થાય. વિકલ્પ કરે એટલે વિકલ્પી થાય. હું અને મારું કર્યા કરે એ વિકલ્પ ને સંકલ્પ છે. જ્યાં સુધી સ્વરૂપનું ભાન ના થાય ત્યાં સુધી વિકલ્પ તૂટે નહીં અને નિર્વિકલ્પ થવાય નહીં. 'મેં આ ત્યાગ્યું, મેં આટલા શાસ્ત્રો વાંચ્યા, આ વાંચ્યું, ભક્તિ કરી, પેલું કર્યું', એ બધા વિકલ્પો છે, તે ઠેઠ સુધી વિકલ્પો ઊભા જ રહે ને 'હું શુદ્ધાત્મા છું,' એમ બોલાય નહીં, 'હું ચંદુલાલ છું, હું મહારાજ છું, હું સાધુ છું' એ ભાન વર્તે છે ને 'હું શુદ્ધાત્મા છું' એ ભાન નથી થયું તો' 'હું શુદ્ધાત્મા છું,' શી રીતે બોલાય? અને ત્યાં સુધી નિર્વિકલ્પ સમાધિ શી રીતે ઉત્પન્ન થાય? આ તો શબ્દ ઉપરથી ઊતરી આવ્યો છે એટલું જ! એકલા વીતરાગ અને તેમના અનુયાયીઓ જ નિર્વિકલ્પ સમાધિમાં હતા અને એ તો બધું જ જાણે, સીધું જાણે ને આડુંય જાણે! ફૂલો ચઢે તેય જાણે ને પથ્થર ચઢે તેય જાણે, જાણે નહીં તો વીતરાગ કેમ કહેવાય? પણ આ તો દેહનું ભાન ગયું એને 'અમે નિર્વિકલ્પ સમાધિમાં છીએ' એમ લઈ બેઠા છે! આ ઊંઘે છે ત્યારેય દેહનું ભાન જતું રહે છે, તો પછી એનેય નિર્વિકલ્પ સમાધિ જ કહેવાય ને? પેલાને જાગતા દેહનું ભાન જાય ને ચિત્તના ચમત્કાર દેખાય, અજવાળા દેખાય એટલું જ. પણ આ ન હોય છેલ્લી દશા, એને છેલ્લી દશા માને એ ભયંકર ગુનો છે! પેલું ભાન તો રહેવું જ જોઈએ અને આ પણ સંપૂર્ણ ભાન રહેવું જોઈએ, તેને નિર્વિકલ્પ સમાધિ કહી, નહીં તો વીતરાગોને કેવળજ્ઞાનમાં કશું જ દેખાત જ નહીં ને?

* ચંદુલાલની જગ્યાએ વાચકે પોતાનું નામ સમજવું.

×
Share on