Related Questions

અનાહત નાદના ધ્યાનથી શું પ્રાપ્ત થાય?

અનાહત નાદ

પ્રશ્નકર્તા: અનાહત નાદ એટલે શું?

દાદાશ્રી: શરીરના કોઈ પણ ભાગનો નાદ પકડી લે છે તે હાર્ટ પાસે, કોણી પાસે, કાંડા પાસે નાદ આવે, એ નાદના આધારે એકાગ્રતા થાય અને એમાંથી આગળ વધે. તે કઈ જાતનું સ્ટેશન છે એય નથી સમજાતું. બહુ જાતના સ્ટેશનો છે, પણ એનાથી આત્મા કંઈ જડે નહીં. એ આત્મપ્રાપ્તિ માટેનો મોક્ષમાર્ગ ન હોય, એ ધ્યેય નથી, પણ રસ્તે જતા સ્ટેશનો છે, કેન્ટિનો છે. જો આત્મા થયો, બ્રહ્મ થયો તો બ્રહ્મનિષ્ઠ થાય અને તો કામ પૂરું થાય, નહીં તો મહારાજ પોતે જ બ્રહ્મનિષ્ઠ થયા ના હોય, એ જ જગતનિષ્ઠામાં હોય તો ત્યાં આપણો શો શક્કરવાર વળે?

બ્રહ્મ તો છે જ બધામાં, પણ તેમને જગતનિષ્ઠા છે. અત્યારે જગતના મનુષ્યોની નિષ્ઠા જગતમાં છે. જગતના બધા સુખો ભોગવવા માટે નિષ્ઠા છે. પણ 'જ્ઞાની પુરુષ' એ આખી નિષ્ઠા ઉઠાવીને બ્રહ્મમાં બેસાડી દે, તેથી જગતનિષ્ઠા ફ્રેકચર થઈ જાય અને ત્યારે જ છેલ્લું સ્ટેશન આવે ને પછી બધે નિરાંતે ફરે. આ વચલા સ્ટેશને બેસવાથી કશું વળે નહીં, એનાથી તો એક પણ અવગુણ ખસે નહીં. અવગુણ શી રીતે ખસે? એમાં હું જ છું, એમ રહે ને! વેદાંતે પણ કહ્યું કે, 'આત્મજ્ઞાન સિવાય કશું વળે નહીં.'

આ અનાહત નાદ શું સૂચવે છે? એ તો પૌદ્ગલિક છે. એમાં આત્માનું શું વળે? એ ન હોય આત્મા. આત્માનો અનાહત નાદ હશે કે આત્માના આનુષંગિક હશે તો કોઈ પજવશે નહીં, પણ જો પૂરણ-ગલનના છોકરાં હશે તો પજવશે! આત્મા અને આત્માના આનુષંગિકમાં કોઈ ખલેલ કરી શકે એમ છે નહીં અને પૂરણ-ગલનના છોકરાં હશે તો ખલેલ પાડ્યા વગર રહે જ નહીં, માટે કોની વંશાવલિ છે એ ના ઓળખી લેવી પડે?

છતાં, જેને આમાં પડવું હોય તેને અમે હલાવીએ નહીં, એને જે સ્ટેશન છે એ બરોબર છે. એને આ આત્મજ્ઞાન મળે નહીં ત્યાં સુધી એ અવલંબન બરોબર છે.

×
Share on