Related Questions

આધ્યાત્મિક માર્ગમાં આધ્યાત્મિક ગુરુનું શું મહત્ત્વ છે?

જ્ઞાની પુરુષ જેઓ આધ્યાત્મિક ગુરુ કે આધ્યાત્મિક સુકાની એ જ કે, નિશદિન જેને આત્માનો ઉપયોગ રહે. તેઓ ક્રોધ, માન, માયા અને લોભથી મુક્ત હોય. એમની હાજરીમાં આપણને શાંતિનો અનુભવ થાય, ત્યારે આપણને ખ્યાલ આવે કે તેઓ જ્ઞાની પુરુષ છે. એમની વાણી કોઈ પણ શાસ્ત્રોમાં જડે નહીં અને તો પણ આપણને પરિણામ અનુભવમાં આવે. આવા હોય આધ્યાત્મિક માર્ગદર્શક! જ્ઞાની પુરુષની કૃપા પ્રાપ્ત કરવા માટે માત્ર પરમ વિનયની જરૂર છે.

તો ચાલો જાણીએ કે આધ્યાત્મિક માર્ગમાં જ્ઞાનીની ભૂમિકા ખરેખર કેવી હોય છે...

જો કોઈ આત્માની શોધમાં હોય તો ત્યાં જ્ઞાનીની ભૂમિકા આવે છે!

નાનપણથી જ આપણા ગુરુ કહે, લોકો શીખવાડે, મમ્મી-પપ્પા કહે, કરો કરો; એ કરવું પડે. ધર્મમાં હંમેશા ‘કરવું’ પડે. સાધનના આધારે કરવું પડે અથવા તો મન-વચન-કાયાના આધારે કરવું પડે એ ધર્મ કહેવાય.

મંત્રો અને શાસ્ત્રોનું આરાધન કરવાથી માણસ ડેવલપ થાય અને ઊંચે ચડતો જાય. ચોથા ધોરણમાંથી પાંચમા ધોરણમાં જાય તેથી તે પીએચડી થયો ના કહેવાય; હજી તો એણે ઘણું આગળ વધવાનું છે, બરાબર ને? એ જ રીતે, તે ડેવલપમેન્ટ વગર પીએચડીમાં નહીં આવી શકે. માટે, ડેવલપમેન્ટ માટેના આ બધા જ પગથિયાં જરૂરી છે!

તેથી ધર્મગુરુઓ ધર્મ શીખવાડે છે. પણ અંતે એમાંના ઘણાં એક જ વાત કહે છે, “જો તારે આત્મા પામવો હોય તો આત્મજ્ઞાની પાસે, સત્‌પુરુષ પાસે જજે.” જ્યારે એમને પૂછીએ, ”કેમ?” તો એમનો જવાબ હોય, “હું કુસંગીને સત્સંગી કરવા આવ્યો છું. આગળનું તને આત્મજ્ઞાની પાસે મળશે.”

લોકોને મુક્તિ અપાવવી એ જ્ઞાનીની મુખ્ય ભૂમિકા છે!

મોક્ષ મેળવવા માટે મોક્ષદાતા જોઈએ અને એ મોક્ષદાતા જ જ્ઞાની છે! મોક્ષદાતા વગર મોક્ષપ્રાપ્તિ થાય જ નહીં.

કોઈ પણ મુમુક્ષુ માટે મૂળ મોક્ષમાર્ગને જાણવો આવશ્યક છે. તે જાણવા માટે મોક્ષમાર્ગના દાતા જોઈએ અને તે તરણતારણ હોવા જોઈએ. શાસ્ત્રો આપણને માર્ગદર્શન તો આપે. તેમ છતાં, ખરેખર મોક્ષ મેળવવા માટે છેલ્લે શાસ્ત્રો પણ એમ જ કહે છે કે “ગો ટુ જ્ઞાની!” કારણ કે આત્મા અવર્ણનીય છે અને અવક્તવ્ય છે, વાણીથી બોલી શકાય એવો એ નથી, એનું વર્ણન થઈ શકે એવું નથી. માટે, આધ્યાત્મિક ગુરુની પ્રાથમિક ભૂમિકા આપણને મોક્ષમાર્ગ પર ચઢાવવાની છે!

આપણો આત્મા જગાડી આપવો એ જ્ઞાનીની મુખ્ય ભૂમિકા છે!

જેમનો આત્મા પ્રગટ થયેલો હોય એમનું ખૂબ જ મહત્ત્વ છે, કારણ કે ફક્ત પ્રગટ દીવો જ બીજા દીવા સળગાવી શકે. ધારો કે, એક પ્રગટ દીવો છે; એ દીવાથી બીજો દીવો પ્રગટાવવો હોય તો એના માટે બંને દીવાની પ્રત્યક્ષ હાજરી જરૂરી, બરાબર ને? આ જ કારણ છે કે પ્રત્યક્ષ જ્ઞાનીની જરૂર છે!

પ્રત્યક્ષ જ્ઞાનીની કૃપાથી આપણને સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે કે “ચંદુ (પોતાનું નામ સમજવું) જુદો છે અને હું શુદ્ધાત્મા છું.” આમ, શુદ્ધાત્માની જાગૃતિ શરૂ થાય છે. આ કોઈ ક્રિયાકાંડ નથી, આ વિજ્ઞાન છે!

આત્મા કાયમ શુદ્ધ જ છે! ફક્ત, “હું ચંદુ (પોતાનું નામ સમજવું) છું” એવી ખોટી માન્યતાના કારણે આપણને શુદ્ધાત્માનો અનુભવ થતો નથી. જ્ઞાનીની પ્રત્યક્ષ હાજરીમાં આ ભ્રાંતિ તૂટે છે અને સાચી સમજણ પ્રાપ્ત થાય છે. આપણને હું કોણ છું, કર્તા કોણ છે અને સમસ્યાઓનો કઈ રીતે સમતાભાવે ઉકેલ લાવવો વગેરેનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ જ્ઞાનના આધારે આપણે શુદ્ધાત્માની જાગૃતિ, સાચી માન્યતા અને સાચી સમજણમાં રહી શકીએ છીએ.

શુદ્ધાત્માની પ્રતીતિ બેસાડી આપવી એ જ્ઞાનીની વિશેષ ભૂમિકા છે!

‘હું કોણ છું’ એ ના સમજાય, ત્યાં સુધી ધર્મ-અધર્મમાં ઝોલા ખાવા પડે છે. આપણને જે રીતે લોકો ઓળખે છે, તે જ હું છું એવું માનીએ છીએ. સાચું સ્વરૂપ શું છે એ આપણને ખબર નથી. આપણી સામે જે આવે છે, એને પણ આપણે જે રીતે બધા ઓળખે છે એવી જ રીતે ઓળખીએ છીએ. આનું કારણ એ છે કે પોતાના અસ્તિત્વનું ભાન તો બધાને છે, પણ વસ્તુત્વનું એટલે કે સાચા સ્વરૂપનું ભાન નથી. જ્યારે જ્ઞાની આપણને આત્માનું ભાન કરાવે છે, ત્યારે ‘પોતે’ મૂળ અસ્તિત્વમાં જ રહે. એટલે પોતે પોતાના સ્વભાવમાં રહે અને વ્યવહાર આત્મા (પ્રતિષ્ઠિત આત્મા) એના સ્વરૂપમાં રહે. બેઉ જુદા છે એટલે જુદેજુદું વર્તે. જ્ઞાની પુરુષમાં અનંત પ્રકારની સિદ્ધિઓ હોય, ગજબની સિદ્ધિઓ હોય તેથી આમ બની શકે છે.

‘જ્ઞાની’ની જો પ્રતીતિ થઈ તો આત્માની પ્રતીતિ થાય જ. આત્માની પ્રતીતિ થયા પછી, એનું લક્ષ બેઠા પછી સંસારીકાર્યોનું કર્તા-ભોક્તાપણું છૂટી જ જાય છે. સંસારી કાર્યો તો એની મેળે થયા જ કરે છે.

જ્ઞાની - મોક્ષમાર્ગના નેતા

જ્ઞાની પુરુષે સંપૂર્ણ મોક્ષમાર્ગને જોયો છે, જાણ્યો છે અને અનુભવ્યો છે. તેથી તે માર્ગને બાધક દોષો, તે માર્ગમાં આવતાં વિઘ્નો-આવતી અડચણો કે આવતાં જોખમો જણાવી શકે. એ માર્ગે આવનારાઓને દોષો કેવી રીતે નિર્મૂલન કરી શકાય તેનું સર્વ જ્ઞાન, સર્વ ઉપાય દઈ શકે.

જ્ઞાની પુરુષના સત્સંગમાં આવ-આવ કરવાથી, એમની વાણી સાંભળ-સાંભળ કરવાથી, વાતને સમજ-સમજ કરવાથી કંઈક જાગૃતિ ઉત્પન્ન થાય અને નિજદોષો ઓળખવાની, જોવાની શક્તિ આવે. એ પછી દોષોની કૂંપળો ઉખેડવા સુધીની જાગૃતિ ઉત્પન્ન થયે કાર્યકારી રીતે પુરુષાર્થ માંડે તો દોષોની ગાંઠોનું નિર્મૂલન થાય.

પણ એ સર્વ સાધના જ્ઞાની પુરુષ, આપણા પરમ આધ્યાત્મિક ગુરુની આજ્ઞાપૂર્વક થાય એ અગત્યનું છે. અને જ્ઞાની પુરુષ એને દોષો વિગતવાર ઓળખાવે તેમ તેમ એ દોષોનું સ્વરૂપ પકડાય, એ જડે, પછી એ દોષોથી છૂટવા માંડે. આમ મોક્ષમાર્ગની પૂર્ણાહુતિ થાય. છતાં, દોષોથી છૂટવા માટે જ્ઞાની પુરુષના ચરણમાં જ રહેવું.

×
Share on