આપણો પુરુષાર્થ આ ચાર આધ્યાત્મિક સાધનોની દિશામાં હોવો જોઈએ:
આપણા મનથી, વાણીથી અને વર્તનથી કોઈ પણ જીવને કિંચિત્માત્ર પણ દુઃખ ના થાય એ આ જગતનું સૌથી મોટું સત્ય છે. આ મોટામાં મોટો સિદ્ધાંત છે અને છેલ્લામાં છેલ્લું વ્યવહાર સત્ય છે. ચાલો જોઈએ, કેવી રીતે!
કોઈને છેતરવું અથવા ત્રાસ આપવો, ચોરી કરવી, કોઈની સાથે વિશ્વાસઘાત કરવો, કોઈને માનસિક ત્રાસ આપવો કે મોટી હાનિ કરવી, આવી જુદી જુદી રીતોથી લોકો બીજાને દુઃખ આપતા હોય છે; એનું ફળ બહુ મોટું આવે છે. આવા ગંભીર પરિણામો પાછળનું આધ્યાત્મિક કારણ એ છે કે દરેક જીવમાત્રમાં ભગવાન રહેલા છે. તેથી આપણે કોઈ પણ જીવને દુઃખ આપીએ તો એનો આપણને દોષ બેસે.
આના પરિણામે, આપણો જન્મ અધોગતિમાં થાય; ત્યાં ઘણી યાતનાઓ ભોગવવી પડે છે, એટલું જ નહીં પણ એનાથી આપણી આધ્યાત્મિક પ્રગતિમાં પણ અવરોધ આવે છે. બીજાને દુઃખ આપવાથી આવું આધ્યાત્મિક નુકસાન થાય છે. સતત આવું આધ્યાત્મિક નુકસાન થવાથી આધ્યાત્મિક જાગૃતિ પર આવરણ આવે છે, જે આપણને અસંવેદનશીલ બનાવે છે અને અને આપણી બુદ્ધિ પણ બગડી જાય છે.
જેને આધ્યાત્મિક પ્રગતિ કરવાની ઈચ્છા હોય પરંતુ બીજાને દુઃખ આપવાનું બંધ ન થયું હોય, તો એ આધ્યાત્મિક માર્ગ પરથી ભટકી જવાનો સંકેત છે. માટે દરેક આધ્યાત્મિક ઈચ્છાઓમાં સૌપ્રથમ કોઈને દુઃખ ના પહોંચે એ હોવું જોઈએ.
આ પ્રયત્નો માટે સૌથી સરળ આધ્યાત્મિક રસ્તો એ છે કે, દરરોજ ભગવાનને પ્રાર્થના કરતી વખતે હૃદયથી ભાવપૂર્વક કહેવું કે, “હે પ્રભુ! મારા મનથી, વાણીથી કે વર્તનથી આ જગતના કોઈ પણ જીવને દુઃખ ન હો. કૃપા કરીને મને એવી પરમ શક્તિ આપો.”
દરરોજ પ્રાર્થના કરવા છતાં પણ આપણાથી બીજાને દુઃખ અપાઈ જાય એવું બની શકે. જ્યારે વ્યક્તિના ક્રોધ, માન, માયા અને લોભ સંપૂર્ણપણે ખલાસ થઈ જાય ત્યારે જ એ કોઈને દુઃખ આપતો બંધ થાય છે. આ લાંબો રસ્તો છે! જોકે ત્યાં સુધી આપણાથી કોઈને દુઃખ પહોંચે એનો બચાવ ન થવો જોઈએ, એના બદલે આપણે હંમેશા આવું કહીને એવો વિરોધ કરવો જોઈએ કે, “આવું ના જ થવું જોઈએ! કોઈને દુઃખ આપવું એ ખરેખર ખોટું જ છે.” હૃદયપૂર્વકના સાચા પસ્તાવા સહિત આપણે ભગવાનને પ્રાર્થના પણ કરીશું કે, “હે પ્રભુ, મેં આ જીવને દુઃખ પહોંચાડ્યું છે, જેનો હું હૃદયપૂર્વક પસ્તાવો કરું છું અને આપની પાસે ક્ષમા માંગું છું. કૃપા કરીને મને એવી શક્તિ આપો કે ફરીથી હું આવા દોષ ના કરું.”
કોઈને દુઃખ ન આપવાની આ નિરંતર જાગૃતિ સામાન્ય રીતે જ્ઞાની પુરુષના આશીર્વાદથી અને આત્મજ્ઞાન પછી પ્રાપ્ત થાય છે.
હવે, કોઈને દુઃખ નથી આપવું એ તો આપણે નક્કી કરી લીધું, પણ આપણને કોઈનાથી દુઃખ થઈ જાય એનું શું? જ્યારે પણ એવું થાય ત્યારે આપણે તરત જ સામી વ્યક્તિને દોષિત જોઈએ છીએ, બરાબર ને? શું તમને ખબર છે કે કોઈ પણ વ્યક્તિ આપણને દુઃખ આપે છે, ત્યારે એ ફક્ત એક ‘નિમિત્ત’ હોય છે જેના થકી આપણને પૂર્વે કરેલા આપણા ખોટા કર્મોનું ફળ મળે છે? તો દોષ કોનો કહેવાય? ખોટા કર્મો કોણે કર્યા હતા? આજે આપણને આપણા જ પૂર્વે કરેલા અવળા કર્મોનું ફળ મળ્યું છે. તો શું આ કુદરતનો સંપૂર્ણ ન્યાય નથી?
આના માટે પરમ પૂજ્ય દાદાશ્રીએ આપણને ચાર આધ્યાત્મિક સિદ્ધાંતો આપ્યા છે, જેને આપણે જીવનની વિવિધ પરિસ્થિતિઓમાં અપનાવી શકીએ છીએ. જે નીચે દર્શાવ્યા પ્રમાણે છે:
આ ચાર સિદ્ધાંતોનો ઊંડાણમાં અભ્યાસ સમજવું એ એક મહત્ત્વના આધ્યાત્મિક પુરુષાર્થરૂપે કામ કરે છે, જેનાથી તમે ઘણી આધ્યાત્મિક શ્રેણીઓ ચડી જાઓ છો. આ પુરુષાર્થનું શ્રેષ્ઠતમ પરિણામ મેળવવા માટે સૌપ્રથમ આત્મજ્ઞાન પામવું જરૂરી છે.
અક્રમ વિજ્ઞાનમાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું અત્યંત સરળ છે. આપણે ફક્ત આત્મજ્ઞાની પાસેથી બે કલાકમાં જ્ઞાનવિધિમાં (નિઃશુલ્ક) આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનું છે. એમની દિવ્ય કૃપાથી જ તમારું કામ થઈ જાય છે!
ત્યાર બાદ, જ્ઞાનીએ આપેલી આજ્ઞાનું પાલન કરતાં આપણને અનુભવ થશે કે ખરેખર લોકો નિર્દોષ જ છે, જગત આખુંય નિર્દોષ જ છે. આપણા દોષે કરીને આપણે બંધાયેલા છીએ, સામાના દોષથી નહીં.
અધ્યાત્મ વિજ્ઞાન પ્રમાણે આપણને જે કંઈ પણ ભોગવવાનું આવે છે એ આપણી પોતાની જ ભૂલોનું પરિણામ છે, એમાં બીજા કોઈનો વાંક છે જ નહીં.
જીવન વ્યવહારમાં અધ્યાત્મમાં આગળ વધવા માટે પ્યૉરિટીની આવશ્યકતા છે. ઈમ્પ્યૉરિટીમાં કોઈ દહાડોય કોઈ કશું પામે નહીં.
આ કાળમાં, વ્યવહારમાં જો સૌથી વિશેષ પ્રાધાન્ય મળ્યું હોય તો તે લક્ષ્મી, વિષય અને માનને! તેથી પરમ પૂજ્ય દાદા ભગવાન કહેતા કે, “પોતે જો વ્યવહારમાં ચોખ્ખો હોય, જ્યાં વિષય-કષાય સંબંધી વિચારેય ના હોય અને સંપૂર્ણ ભીખ ગયા પછી જ આ જગત વાસ્તવિક સ્વરૂપે સમજાય.” જ્યાં કોઈ પણ પ્રકારની ભીખ નથી, ન લક્ષ્મીની, ન વિષયની કે ન માનની ત્યાં પ્યૉરિટી સાથે પરમાત્મ પદ પ્રાપ્ત થાય.
આપણે કોનાથી બંધાયેલા છીએ? આપણને આધ્યાત્મના માર્ગ પર પ્રગતિ કરતા કોણ રોકે છે? એ કોઈ વ્યક્તિ કે સંજોગ નથી પણ આપણી પોતાની ભૂલો જ સૌથી મોટું બંધન છે. કોઈને માનની અટકણ પડેલી હોય, કોઈને લોભની અને કોઈને વિષયની.
જેમ કે, આપણામાં ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ વગેરેના પરમાણુઓ છે, એટલે આપણાથી બીજા દુઃખી થશે અથવા બીજાથી આપણે દુ:ખી થઈશું. જ્યારે આ ભૂલો ભાંગે ત્યારે આપણે કોઈ પણ અંતરાય વિના પ્રગતિ કરી શકીશું. તેથી પોતાની ભૂલો શોધીને એમાંથી બહાર નીકળવા માટેના યોગ્ય પ્રયત્નો કરવા એ જ આપણો સૌથી મોટો આધ્યાત્મિક પુરુષાર્થ છે! જ્યારે આપણે આપણા દોષોને ઓળખીને એમાંથી બહાર નીકળીશું ત્યારે આપણે પ્યૉર બની શકીએ. પરિણામ સ્વરૂપે, આપણને અંતરમાં વધારે ને વધારે મુક્તિ અનુભવાશે. આ જ આધ્યાત્મિક પરિણામ તો આપણને જોઈએ છે, ખરું ને?!
સામાને પોતે હલકો માને છે માટે માન ઊભું રહ્યું છે. માટે કોઈને હલકો નહીં માનવો અને એવું રાખવું કે “એ તો મારો ઉપરી છે”, તો માન ઊડી જાય. પરમ પૂજ્ય દાદાશ્રીએ માનમાં પ્યૉરિટી પ્રાપ્ત કરવા માટે આવી નાની-નાની પણ ખૂબ જ મહત્ત્વની ચાવીઓ આપી છે, તે વાપરીને આપણે આ તમામ કામનાઓમાંથી મુક્ત થઈ આત્મસુખનો અનુભવ કરી શકીશું.
પૈસા માટે પરમ પૂજ્ય દાદા ભગવાન કહેતા કે,”સાચે રસ્તે જવું. એમાં અંદર શાંતિ રહેશે. ભલે બહાર પૈસા નહીં હોય, પણ અંદર શાંતિ ને આનંદ રહેશે. ખોટા રસ્તાનો પૈસો ટકેય નહીં અને અંદર દુઃખી દુઃખી કરે. એટલે ખોટે રસ્તે જવું જ નહીં, એમ નક્કી કરવું.”
પોતાનો અનુભવ કહેતા પરમ પૂજ્ય દાદા ભગવાન જણાવે છે કે, “અમે નાનપણમાં નક્કી કરેલું કે બનતા સુધી ખોટી લક્ષ્મી પેસવા જ ના દેવી. તે આજે છાસઠ વર્ષ થયા પણ ખોટી લક્ષ્મી પેસવા નથી દીધી. તેથી તો ઘરમાં કોઈ દહાડો ક્લેશ ઊભો થયોય નથી.“
જો આપણે નીતિથી ચાલીએ અને ધંધામાં પ્રામાણિકતા રાખીએ તો પૈસાની કોઈ તકલીફ નહીં આવે. કોઈને પૈસાની તકલીફ ભોગવવી પડતી હોય તો એનું કારણ આ ભવમાં કે પાછલા ભવોમાં પૈસાની ચોરી કરેલી હોવી જોઈએ. જ્યાં મન-વચન-કયાંથી ચોરી નહીં થાય ત્યાં લક્ષ્મીજી મહેર કરે.
ચોરીથી આધ્યાત્મિક માર્ગમાં અંતરાય પડે છે. સ્થૂળ ચોરી બંધ થાય ત્યારે તો ઊંચી નાતમાં જન્મ થાય. પણ સૂક્ષ્મ ચોરીઓ એટલે કે ટ્રિક કરવાથી માત્ર પોતાનું જ નહીં પણ બીજાનું પણ ભયંકર નુકસાન થાય છે.
ચાલાકી એટલે માલ વેચતી વખતે " બહુ ચોખ્ખો માલ છે" એમ કહેવું અને ભેળસેળવાળો માલ વેચવો. વધુમાં, વેચનાર ટ્રિક કરીને ખુશ થાય છે, જેનો અર્થ એ છે કે તે ચાલાકીને ટેકો આપી રહ્યો છે. ટ્રિક અને લક્ષ્મીને વેર છે. જેટલી વધારે ટ્રિકો થાય, લાંબા ગાળે એટલી લક્ષ્મી ઓછી આવે. આ બધી ચાલાકીઓથી વધારે પૈસા કમાઈ લેવાશે એવું લાગે ખરું પણ આ વધારાનો પૈસો ગમે તે રસ્તે દુઃખ અને ભોગવટા આપીને જાય. આ રીતે, સમય જતાં પૈસાનો ફાયદો ઘટતો રહે છે. માટે, કપટને જરાય સ્થાન હોવું ના જોઈએ; આપણે દરેક વ્યવહારમાં દરેક રીતે પ્રામાણિકતા રાખવી જ જોઈએ.
આપણને એવું જ લાગે કે પ્રામાણિકતાથી વ્યાપાર કરવા જઈએ તો વધારે મુશ્કેલીઓ આવે. જોકે, પ્રામાણિકપણે કામ કરીને અને જો આર્થિક સંકટ આવી જાય તો એક જ મુશ્કેલી આવે. પણ અપ્રામાણિપણે કામ કરીએ અને જો આર્થિક સંકટ આવી જાય તો બે પ્રકારની મુશ્કેલીઓ આવશે. આર્થિક નુકસાનમાંથી તો સમય જતાં છૂટી જવાશે પણ જ્યારે કુદરત અપ્રામાણિકતાનો દંડ આપવા પર ઊતરે છે ત્યારે એમાંથી છૂટવું ભારે છે.
બીજી બાજુ, પ્રામાણિકતા એ ભગવાનનું મોટું ‘લાઈસન્સ’ છે. જો આપણી પાસે આ લાયસન્સ હોય તો કોઈ આપણું નામ ના દઈ શકે. તેથી આપણે હંમેશા પ્રામાણિક થઈને જ રહેવાનો ચોખ્ખો ભાવ જ રાખવો.
જો ક્યારેક આપણા ભાવમાં ઈમ્પ્યૉરિટી પેસી જાય તો એ દૂધમાં મીઠું પડ્યા બરાબર છે. અહીં, ઈમ્પ્યૉરિટી એટલે મીઠું અને આપણો ભાવ એટલે દૂધ. આ દૃષ્ટાંતમાં, જે કંઈ ખોટું કે ઈમ્પ્યૉર છે તે 'મીઠા' જેવું છે. આ આપણા વર્તન પાછળ મનમાં રહેલા ઈમ્પ્યૉરિટીના ભાવો અથવા ઈમ્પ્યૉર વિચારો હોઈ શકે છે.
મીઠું નાખવાથી દૂધ નકામું થઈ જાય, કારણ કે એ દૂધમાંથી ચા ના બને. તેથી આપણા દૂધમાં મીઠું ના પડે એનું આપણે ધ્યાન રાખવું જોઈએ. આપણી ભાવના બહુ મોટી ના હોય તો ચાલશે પણ ભાવનામાં ઈમ્પ્યૉરિટી તો બિલકુલ ના જ હોવી જોઈએ. દૂધ ઓછું હોય એ ચાલે, એમાં કોઈ હરકત નથી. પણ એમાં મીઠું તો ના જ પડવું જોઈએ.
જેને ખાવામાં અસંતોષ છે ઈ જ્યાં હોટલ દેખે ત્યાં ચોંટી જાય, પણ ખાવાનો એકલો જ કંઈ વિષય છે? આ તો પાંચ ઇન્દ્રિય અને તેમાં કેટલાય વિષય કહેવાય. ખાવાનો અસંતોષ હોય તેને ખાવાનું ચોંટે. તેમ જેને વિષયનો અસંતોષ હોય તે જ્યાં ને ત્યાં આંખો ફેરવ ફેરવ કરતો હોય.
મન-વચન-કાયાથી અખંડ શુદ્ધ બ્રહ્મચર્ય નિશ્ચે મોક્ષ પમાડનારું જ છે.
આવા દુષમકાળે ‘અક્રમ વિજ્ઞાન’ની ઉપલબ્ધિ થયે આજીવનપણે મન-વચન-કાયાથી શુદ્ધ બ્રહ્મચર્ય સચવાઈ ગયું, તેણે એકાવતારી પદ નિશ્ચે કરીને પ્રાપ્ત થાય તેમ છે!
જ્ઞાની પુરુષના ચરણે સમર્પણથી મોક્ષ.
જ્ઞાની એ મોક્ષના ગેરેન્ટર છે અને તેથી જ આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ કરવા માટે છેવટે તો પ્રત્યક્ષ જ્ઞાની પુરુષના ચરણકમળમાં સંપૂર્ણ સમર્પણ કરવું પડશે! સાચા અર્થમાં સમર્પણ એટલે આપણી સર્વ ખોટી માન્યતાઓ જ્ઞાનીના ચરણે સમર્પી દઈએ. તેઓ મિથ્યાદર્શન ભેદીને સમ્યક્ દર્શનની પ્રાપ્તિ કરાવે છે.
વીતરાગોએ કહ્યું છે, “મોક્ષ માટે કશું જ કરવા જેવું નથી. માત્ર જે પોતે છૂટ્યા છે તેવાને ખોળજો, પોતે તર્યા છે ને અનેકોને તારવાનું સામર્થ્ય જેનામાં છે, એવા તરણતારણ જ્ઞાની પુરુષને ખોળજો ને એમની પૂંઠે પૂંઠે નિર્ભય થઈને ચાલ્યા જજો. મોક્ષે જવું હોય તો સજીવન મૂર્તિની હાજરી વગર, એમને સમર્પણ થયા વગર, એમની આજ્ઞા પાળ્યા સિવાય કોઈ દહાડોય મોક્ષે નહીં જવાય.”
સિન્સિયરલી જ્ઞાનીને સમર્પિત રહેવું એ સૌથી મહત્ત્વનો આધ્યાત્મિક પુરુષાર્થ છે.
સમર્પણની સાધનામાં આપણે આપણે જેને સમર્પણ થયા હોઈએ એના પર સંપૂર્ણ વિશ્વાસ રાખવો પણ સમાઈ જાય છે. એ જે કહે કે કરે એમાં પોતાની બુદ્ધિ જરાય વાપરવાની જરૂર ના પડે, પણ તેના બદલે આપણે પૂરી શ્રદ્ધા સાથે એમના કહ્યા પ્રમાણે કરીએ અને એમને સિન્સિયર રહીએ.
આ વાતને પ્રત્યક્ષ રીતે પરમ પૂજ્ય દાદા ભગવાનના શબ્દોમાં જ સમજીએ..
દાદાશ્રી: સિન્સિયર એટલે તન-મન-વચને સાચા. અને તે પાછા ગુરુને સિન્સિયર જ હોય. ગુરુ વઢે તોય સિન્સિયારિટી આઘીપાછી ના થાય, તો એ મોક્ષે જાય. સિન્સિયરનો અર્થ શું? કે પોતાની જાતને સિન્સિયર રહો. એટલે મનને સિન્સિયર રહો, બુદ્ધિને સિન્સિયર રહો, અહંકારને સિન્સિયર રહો. એમાં એને દગો-ફટકો નહીં કરો. આ તો પોતાની જાતને જ દગો-ફટકો કરે છે લોકો, એ શોભાસ્પદ ખરું?
પ્રશ્નકર્તા: બિલકુલ નહીં.
દાદાશ્રી: સિન્સિયર એટલે સિન્સિયર! માણસ જો પોતાની જાતને સિન્સિયર રહે તો એ પરમાત્મા થાય, પછી જ્ઞાની મળે કે ના મળે! પણ એની જાતને સિન્સિયર રહ્યો તો એ બધા સંજોગો ભેગા થઈ જાય. (પ્રગટ) ‘જ્ઞાની પુરુષ’ પાસે જેટલી સિન્સિયારિટી રાખે એટલું આપણું સ્વરૂપ પ્રગટ થઈ જાય.
એ દશાને પામવા માટે હમણાં આપણે એટલું કરી શકીએ કે જ્ઞાની ગમે તે કરે કે કહે, આપણે એમનાથી છૂટા ના પડીએ એવો આપણો સમર્પણભાવ હોવો જોઈએ. જ્ઞાની આત્મા પરના આવરણો તોડીને આપણું કામ કરી નાખે છે.
આશા છે કે, આ બધી વાતો તમને સર્વોત્તમ આધ્યાત્મિક પુરુષાર્થ કરવા માટે પ્રેરણા આપે, જેનાથી આધ્યાત્મિક પંથે તમારી ઉત્તમ પ્રગતિ કરી શકો અને મોક્ષના અંતિમ ધ્યેયને પ્રાપ્ત કરી શકો!
A. આધ્યાત્મિકતાની વ્યાખ્યા આપવી એ એક સરળ નથી, કારણ કે વર્ષોથી લોકો અલગ અલગ દ્રષ્ટિકોણથી તેને સમજે છે.... Read More
Q. આધ્યાત્મિકતા શા માટે જરૂરી છે?
A. આધ્યાત્મિકતા એટલે આત્માની ઓળખાણ કરવી, આપણા દરેકની અંદર રહેલી ચેતના એ જ આત્મા. આવી ઓળખાણ કરવી શા... Read More
Q. આધ્યાત્મિકતા અને ધર્મ વચ્ચે શું તફાવત છે?
A. આધ્યાત્મિકતા અને ધર્મ બન્ને સમાન નથી. બન્ને વચ્ચે મોટો તફાવત છે. માટે, ચાલો જાણીએ કે આધ્યાત્મિકતા... Read More
Q. શું આધ્યાત્મિકતા પ્રાપ્ત કરવા માટે ભૌતિક સુખ સાધનનો ત્યાગ કરવો જરૂરી છે?
A. આજના સમાજમાં એક સામાન્ય માન્યતા પ્રવર્તે છે કે જો કોઈ આધ્યાત્મિક માર્ગે જવા ઈચ્છે છે તો, તેણે બધી... Read More
Q. ભૌતિક વસ્તુઓ તરફ ખૂબ જ આકર્ષણ હોવા છતાં હું આધ્યાત્મિક કઈ રીતે બની શકું?
A. જો તમે સાંસારિક જીવન જીવી રહ્યા છો અને ભૌતિક વસ્તુઓ તરફ તમને ખૂબ આકર્ષણ છે, તો તમને લાગશે કે તમારા... Read More
Q. આધ્યાત્મિકતાના જુદા જુદા પ્રકારો કયા છે?
A. આધ્યાત્મિકતા પ્રાપ્ત કરવા માટે અધ્યાત્મના આ જગતમાં બે પ્રકાર છે, જે આ મુજબ છે: ક્રમિક: આ... Read More
Q. આધ્યાત્મિક પ્રગતિમાં વચ્ચે કયા કયા અવરોધો આવે છે?
A. પરમ પૂજ્ય દાદા ભગવાન આધ્યાત્મિક સાધકોને ત્રણ ખૂબ જ ભયંકર ટેવો બાબતે ચેતવે છે, જે સમય જતા આપણી... Read More
subscribe your email for our latest news and events