Related Questions

આધ્યાત્મિકતા અને ધર્મ વચ્ચે શું તફાવત છે?

આધ્યાત્મિકતા અને ધર્મ બન્ને સમાન નથી. બન્ને વચ્ચે મોટો તફાવત છે. માટે, ચાલો જાણીએ કે આધ્યાત્મિકતા અને ધર્મ વચ્ચે શું તફાવત છે!

આપણે એવું જ માનીએ છીએ કે ધર્મ એટલે દર્શન કરવા જવું, પ્રવચનો સાંભળવા અને ક્રિયાકાંડ કરવા. જો કે, માત્ર આ વિશે વિચારો કે આ બધું કર્યા પછી, જો આપણો એક નાનકડો દોષ પણ આપણી આખી જિંદગીને ફેરવી શકે તો પછી તેને ધર્મ કહી શકાય?

આજના જગતમાં લોકો માત્ર તેમના બાહ્ય આચારથી જ ધાર્મિક વ્યક્તિ તરીકે ગણી લે છે. એટલે કે, જેઓ મંદિર જાય છે, પૂજા કરે છે અને તપસ્યા કરે છે, ક્રિયાકાંડ કરે છે, ઉપવાસ રાખે છે અને દાન આપે છે તે બધા ધાર્મિક ગણાય છે, બીજા નથી ગણાતા. જો કે, આ બધું વ્યક્તિની આંતરિક પરિણીતિ પર આધાર રાખે છે. કારણ કે, એ અગત્યનો ભાગ ભજવે છે એટલે કે, આંતરિક ધ્યાન કેવું છે, કેવા પ્રકારનો ક્રોધ, માન, માયા અને લોભ ભરેલો છે, શું કોઈ છેતરવાનો ભાવ રહેલો છે અને લોકોને લૂંટવાનો ભાવ રહેલો છે અને તેવું ઘણું બધું ચકાસવું જ જોઈએ. એવું એટલા માટે કે તે જ વ્યક્તિની વાસ્તવિક આધ્યાત્મિક પ્રગતિને નક્કી કરી શકે છે!

Spirituality

ધર્મના સામે આધ્યત્મિકતા

બે પ્રકારના ધર્મ રહેલા છે:

  • રિલેટિવ ધર્મ
  • રિયલ ધર્મ

રિલેટિવ ધર્મ સામાન્ય રીતે ધર્મ તરીકે ઓળખાય છે અને સાચો ધર્મ એટલે આધ્યાત્મિકતા. આ જ ધર્મ અને આધ્યાત્મિકતા વચ્ચેનો મહત્ત્વનો તફાવત છે. આજે જુદા જુદા ધર્મો જેને આપણે જાણીએ છીએ, જેવા કે જૈન, વૈષ્ણવ, મુસ્લિમ અને ખ્રિસ્તિ એ બધા રિલેટિવ ધર્મો છે; જ્યારે સાચો ધર્મ સ્વધર્મ જ છે. સ્વ એટલે આત્મા.

રિલેટિવ ધર્મ મન, વાણી અને દેહના ધર્મોને આવરી લે છે. ખરાબ કર્મોથી બચવું અને સારા કર્મોમાં પરોવાવું એ ધર્મ છે. ધર્મ આપણને પકડી (રક્ષણ) રાખે છે; તે આપણા વિકાસના ગ્રાફને નીચે પડવા દેતું નથી.

જો કે, આધ્યાત્મિકતા ધર્મ કરતા વધારે આગળની વાત છે. આધ્યાત્મિક વ્યક્તિને માત્ર પોતાના મન, વાણી અને દેહ ઉપર નિયંત્રણ હોય એટલું જ નહીં, પરંતુ તેઓ અન્ય માટે પણ પ્રેરણારૂપ બની રહે છે. જેને માત્ર આત્મા પ્રાપ્ત કરવાની જ ઝંખના હોય તે વ્યક્તિ ક્યારેય અશુભ ધ્યાન કરી શકે નહીં.

જ્યારે વ્યક્તિને આત્મદર્શન પ્રાપ્ત થાય છે ત્યારે તે સાચા ધર્મની શરૂઆત થઈ કહેવાય છે. દર્શન એટલે કે વ્યક્તિનું જોઈ શકવું. જ્યારે કોઈ જોઈ શકે છે ત્યારે જ તે પ્રગતિ કરી શકે છે. જ્યારે કોઈ સમ્યક્ દર્શન (આત્મજ્ઞાન) પ્રાપ્ત કરે છે, ત્યારે તે વસ્તુને જેમ છે તેમ જોઈ શકે છે અને તે વ્યક્તિએ આધ્યાત્મિક માર્ગમાં પ્રવેશ કર્યો કહેવાય છે.

આધ્યાત્મિકતા વ્યક્તિના અહંકારને ઘટાડવામાં મદદ કરે છે; તે ‘હું જાણું છું’નો કેફ ઓછો કરે છે. જ્યારે, રિલેટિવ ધર્મ ઘણી વખત તે વધારે છે. જ્યારે વ્યક્તિ પોતાના અહંકારથી સંપૂર્ણપણે છૂટો પડી જાય છે; જ્યારે તે તેના દરેક દોષોને જોઈ શકે છે, ભલે ને તે દોષો સૂક્ષ્મતમ લેવલ પર હોય, તો પછી તે સાચા ધર્મમાં પ્રવેશ પામ્યો કહેવાય છે. આ આધ્યાત્મિકતા અને ધર્મ વચ્ચેનો બીજો તફાવત છે.

આધ્યાત્મિકતા આત્મજ્ઞાન માટેનો રસ્તો છે.

આધ્યાત્મિકતા સંપૂર્ણપણે આત્મજ્ઞાનનો રસ્તો છે. ત્યાં કર્તાપણું નથી અને ત્યાં કોઈ ધાર્મિક ક્રિયાકાંડ નથી. જો તમે યોગ્ય રીતે સમજો તો તમે શુદ્ધાત્માની જાગૃતિ રાખી શકો છો અને બધો સમય મન, વાણી અને દેહનું જુદાપણું રાખી શકો છો.

અક્રમ વિજ્ઞાન દ્વારા વ્યક્તિ પ્રત્યક્ષ જ્ઞાની પાસેથી સીધેસીધું આત્મજ્ઞાન મેળવી શકે છે!!! જ્ઞાની પુરુષ માત્ર બે કલાકમાં જ જુદાપણું કરાવી દે છે. તે આત્માની દ્રષ્ટિ છે.

આ અક્રમ વિજ્ઞાનના માર્ગ ઉપર આપણે આપણા જૂના ધર્મોને છોડવાની કે નવા ધર્મને પકડવાની જરૂર નથી. જે કંઈ પણ આપણે માનીએ છીએ તેને એમ જ રાખવાનું છે. આપણા ગુરુ બદલવાની કે ધર્મ બદલવાની કોઈ જરૂર નથી. આપણે જે કંઈ પણ ક્રિયાકાંડ કરતા હોઈએ તે કરી શકાય એમ છે.

×
Share on