Related Questions

આધ્યાત્મિક વ્યક્તિ કેવી હોય?

આધ્યાત્મિક વ્યક્તિ કોણ છે? આધ્યાત્મિક વ્યક્તિ કેવી હોય? આવી વ્યક્તિ એ છે કે જેણે આત્માનુભવની તીવ્ર ઈચ્છા હોય. આ વ્યક્તિને સંસારી ચીજો કરતા સાચા સુખની કામના હોય. પ્રકૃતિના ટોપમોસ્ટ ગુણો મોક્ષમાર્ગે વાટખર્ચીમાં સાંપડે. અત્યંત નમ્રતા, અત્યંત સરળતા, સહજ ક્ષમા, આડાઈ તો નામેય ના હોય-એવાં ગુણો પ્રગતિનું પ્રમાણ કહી શકાય.

તો ચાલો, આધ્યાત્મિક વ્યક્તિ કોને કહેવાય અથવા તો આધ્યાત્મિક બનવું એટલે શું એ વિગતવાર સમજીએ!

પરમ પૂજ્ય દાદા ભગવાન સમજાવે છે, “ત્રણ વસ્તુની મોક્ષમાર્ગમાં જરૂર છે:

  • આત્મા પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા.
  • જ્ઞાની પુરુષ પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા.
  • જ્ઞાની પુરુષ ના મળે તો જ્ઞાની પુરુષ પ્રાપ્ત હો એ ભાવના ભાવવી.”

આધ્યાત્મિક વ્યક્તિ સિન્સિયર અને મોરલ હોય.

સિન્સિયારિટી એ જ ધર્મ છે. ધર્મ તો પોતાની જાતને અને લોકમાત્રને સિન્સિયર રહેવાનું કહે છે.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે, “જો સિન્સિયારિટીના લક્ષ પર ચાલ્યો, એ રોડ ઉપર ચાલ્યો, તો મોરલ થઈ જાય. અને મોરલ થઈ ગયો એટલે પરમાત્મા પ્રાપ્ત કરવાની તૈયારી!”

આધ્યાત્મિક વ્યક્તિ ક્યારેય કોઈને દુઃખ ના આપે.

કોઈને દુઃખ ના આપવાનો અર્થ છે અહિંસાનું પાલન કરવું. જેઓ આધ્યાત્મિક છે એ લોકો આની તરફેણમાં દ્રઢ નિશ્વય હોય છે! પરમ પૂજ્ય દાદા ભગવાન સમજાવે છે...

પ્રશ્નકર્તા: ‘અહિંસાના માર્ગે ધાર્મિક, આધ્યાત્મિક ઉન્નતિ’ એ વિષય પર સમજૂતી આપશો.

દાદાશ્રી: અહિંસા એ જ ધર્મ છે અને અહિંસા એ જ અધ્યાત્મની ઉન્નતિ છે. પણ અહિંસા એટલે મન-વચન-કાયાથી કોઈ પણ જીવને કિંચિત્‌માત્ર દુઃખ ના થાય એ જાણપણામાં રહેવું જોઈએ, શ્રદ્ધાપણામાં રહેવું જોઈએ, તો એ બની શકે.

પ્રશ્નકર્તા: ‘અહિંસા પરમોધર્મ’ એ મંત્ર જીવનમાં કેવી રીતે કામ લાગે?

દાદાશ્રી: એ તો સવારના પહોરમાં બહાર નીકળતી વખતે ‘મન-વચન-કાયાથી કોઈ પણ જીવને કિંચિત્‌માત્ર દુઃખ ન હો’ એવી પાંચ વખત ભાવના કરી અને પછી નીકળવું. પછી કોઈને દુઃખ થઈ ગયું હોય, તે નોંધમાં રાખીને એનો પશ્ચાત્તાપ કરવો.

પ્રશ્નકર્તા: કોઈને પણ દુઃખ ના આપવું એવું જીવન આ કાળમાં કેવી રીતે જીવાય?

દાદાશ્રી: એવો તમારે ભાવ જ રાખવાનો છે અને એવું સાચવવું. ના સચવાય તેનો પશ્ચાત્તાપ કરવો.

આધ્યાત્મિક વ્યક્તિ પોઝિટિવ રસ્તે પ્રગતિશીલ હોય.

પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે,

“કોઈના માટે ખરાબ અભિપ્રાય બેઠેલો હોય તે આપણે સારો બેસાડવાનો કે બહુ સારું છે. જે ખરાબ લાગતો હોય તેને સારો કહ્યો કે ફેરફાર થયો. એ પાછલા અભિપ્રાયને લીધે આજે ખરાબ દેખાય છે. કોઈ ખરાબ હોતું જ નથી. આપણા મનને જ કહી દેવાનું. અભિપ્રાય મને કરેલા છે. મનની પાસે સિલ્લક છે. ગમે તે રસ્તે મનને બાંધવું જોઈએ. નહીં તો મન છૂટું થઈ જાય, હેરાન કરે.”

વ્યક્તિએ હંમેશા પોઝિટિવ બોલવું જોઈએ, પોઝિટિવ વિચારવું જોઈએ, પોઝિટિવ બનવું જોઈએ અને પોઝિટિવ રહેવું જોઈએ; જો ક્યારેય નેગેટિવ ઊભું થાય, તો જે વ્યક્તિ કે સંજોગના કારણે નેગેટિવિટી ઊભી થઈ હોય એની માટે પ્રાર્થના કરીને નેગેટિવને તરત જ પોઝિટિવમાં ફેરવી દેવું જોઈએ. જ્ઞાની પાસે પોઝિટિવમાં રહી શકાય એ માટે શક્તિઓ માંગીને તેનાથી નેગેટિવને ઉડાડી દેવું જોઈએ.

આધ્યાત્મિક વ્યક્તિ ક્યાંય પણ એડજસ્ટ થવા માટે કાયમ તૈયાર હોય.

આધ્યાત્મિક જાગૃતિની પરાકાષ્ઠાએ પહોંચેલો ક્યાંય મતભેદમાં ના પડે, ‘એવરીવ્હેર એડજસ્ટેબલ’ હોય.

આવી વ્યક્તિ કાયમ દરેક વ્યક્તિ કે પરિસ્થિતિમાં પોઝિટિવ શોધી કાઢે અને માટે સરળતાથી એડજસ્ટ થઈ જાય.

તો, આપણે એડજસ્ટ કેવી રીતે થવાનું? એક ઉદાહરણ લઈએ. જો આપણાથી સામાને દુઃખ થાય એવું કંઈક બોલાયું હોય અને તરત જ આપણને આપણી ભૂલનો ખ્યાલ આવી જાય, એ સમયે આપણે એડજસ્ટમેન્ટ લઈને એ કહેવું જરૂરી છે કે, “સોરી, મારાથી ખરાબ રીતે બોલાઈ ગયું. એ મારી ભૂલ હતી. મને માફ કરજો.” આ રીતે એડજસ્ટમેન્ટ લઈ શકાય.

આધ્યાત્મિક વ્યક્તિ ક્રોધ, માન, માયા અને લોભના હથિયારો હેઠા મૂકવા તૈયાર હોય.

ક્રોધ-માન-માયા-લોભ, એ બધી નબળાઈ છે. આત્માને પીડે એ બધા શત્રુઓ કહેવાય છે.

જગત ક્રોધ-માન-માયા-લોભ હથિયારને લઈને સામા થાય છે. જ્યારે, આધ્યાત્મિક વ્યક્તિ એ હથિયાર હેઠા મૂકવા ઈચ્છે છે, કારણ કે જેમ જેમ ક્રોધ-માન-માયા-લોભ મંદ થાય છે, તેમ તેમ આધ્યાત્મિક સમજણ વધુ વધતી જાય છે.
પરમ પૂજ્ય દાદા ભગવાન ત્યાં સુધી પહોંચવાનો માર્ગ બતાડે છે. તેમના મુજબ, ક્રોધ-માન-માયા-લોભ થાય તેનો વાંધો નથી, પણ પછી તેનું પ્રતિક્રમણ કરવું.

આધ્યાત્મિક વ્યક્તિ જગતને નિર્દોષ જોવાનું શીખતો હોય.

છેલ્લા પ્રકારની જાગૃતિ એ કે આ જગતમાં કોઈ દોષિત જ ના દેખાય.

આ સ્થિતિ સુધી કેવી રીતે પહોંચવું એ પરમ પૂજ્ય દાદા ભગવાન એક સિમિલિ દ્વારા સમજાવે છે...

ધારો કે, એક ગામમાં એક સોની રહે છે. પાંચ હજાર લોકોનું એ ગામ છે. તમારી પાસે સોનું છે તે બધું સોનું લઈને ત્યાં વેચવા ગયા. એટલે પેલો સોની સોનું આમ ઘસે, જુએ. હવે આપણું સોનું આમ ચાંદી જેવું દેખાતું હોય, છાસિયું સોનું હોય તોય પેલો વઢે નહીં. એ કેમ વઢતો નથી કે આવું કેમ બગાડીને લાવ્યા? કારણ કે, એની સોનામાં જ દૃષ્ટિ છે.

પરમ પૂજ્ય દાદા ભગવાનની જગતને જોવાની દૃષ્ટિ સોની જેવી જ છે. સોની આ દૃષ્ટિએ ગમે તેવું સોનું હોય તોય સીનું જ જુએને? એવી જ રીતે, ગમે તેવા કષાયો હોવા છતાં જ્ઞાની ફક્ત મહીં આત્માને જ જુએ છે.

×
Share on