Related Questions

હું જૂઠ્ઠું બોલું તો શું હું કર્મ નથી બાંધતો? જૂઠ્ઠું બોલવાનું કેવી રીતે બંધ કરવું?

પ્રશ્નકર્તા: આપણે જૂઠું બોલ્યા હોઈએ, તે પણ કર્મ બાંધ્યું જ કહેવાય ને?

દાદાશ્રી: ચોક્કસ વળી! પણ જૂઠું બોલ્યા હોય ને, તેના કરતા જૂઠું બોલવાના ભાવ કરો છો, તે વધારે કર્મ કહેવાય. જૂઠું બોલવું એ તો જાણે કે કર્મફળ છે. જૂઠું બોલવાના ભાવ જ, જૂઠું બોલાવનો આપણો નિશ્ચય, તે કર્મબંધ કરે છે. આપને સમજમાં આવ્યું? આ વાક્ય કંઈ હેલ્પ કરશે તમને? શું હેલ્પ કરશે?

પ્રશ્નકર્તા: જૂઠું બોલતા અટકવું જોઈએ.

દાદાશ્રી: ના. જૂઠું બોલવાનો અભિપ્રાય જ છોડી દેવો જોઈએ અને જૂઠું બોલાઈ જવાય તો પશ્ચાત્તાપ કરવો જોઈએ કે 'શું કરું?! આવું જૂઠું ના બોલવું જોઈએ.' પણ જૂઠું બોલાઈ જવું એ બંધ નહીં થઈ શકે. પણ પેલો અભિપ્રાય બંધ થશે. 'હવે આજથી જૂઠું નહીં બોલું, જૂઠું બોલવું એ મહાપાપ છે, મહા દુઃખદાયી છે અને જૂઠું બોલવું એ જ બંધન છે.' એવો જો અભિપ્રાય તમારાથી થઈ ગયો, તો તમારા જૂઠું બોલવાના પાપો બંધ થઈ જશે. અને પૂર્વે જ્યાં સુધી આ ભાવ બંધ નહોતા કર્યા, ત્યાં સુધી જે એના 'રિએક્શન' (પ્રતિક્રિયા) છે એટલા બાકી રહેશે. તેટલો હિસાબ તમારે આવશે. તમારે પછી તેટલું ફરજિયાત જૂઠું બોલવું પડશે, તો તેનો પશ્ચાત્તાપ કરી લેજો. હવે પશ્ચાત્તાપ કરો તો પણ પાછું જે જૂઠું બોલ્યા, તે કર્મફળનુંય ફળ તો આવશે અને પાછું તે તો ભોગવવું જ પડશે. તે લોકો તમારે ઘરેથી બહાર જઈને તમારી બદબોઈ કરશે કે, 'શું આ ચંદુભાઈ, ભણેલા માણસ, આવું જૂઠું બોલ્યા?! એમની આ લાયકાત છે?!' એટલે બદબોઈનું ફળ ભોગવવું પડશે પાછું, પશ્ચાત્તાપ કરશો તો પણ. અને જો પહેલેથી પેલું પાણી બંધ કરી દીધું હોય, 'કોઝીઝ' જ બંધ કરી દેવામાં આવે, તો પછી 'કોઝીઝ'નું ફળ અને તેનું પણ ફળ ના હોય.

એટલે આપણે શું કહીએ છીએ? જૂઠું બોલાઈ ગયું પણ 'એવું ના બોલવું જોઈએ' એવો તું વિરોધી છે ને? હા, તો આ જૂઠું તને ગમતું નથી એમ નક્કી થઈ ગયું કહેવાય. જૂઠું બોલવાનો તને અભિપ્રાય નથી ને, તો તારી જવાબદારીનો 'એન્ડ' (અંત) આવી જાય છે.

પ્રશ્નકર્તા: પણ જેને જૂઠું બોલવાની ટેવ પડી ગઈ છે, એ શું કરે?

દાદાશ્રી: એણે તો પછી જોડે જોડે પ્રતિક્રમણ કરવાની ટેવ પાડવી પડે. અને પ્રતિક્રમણ કરે, તો પછી જોખમદારી અમારી છે.

એટલે અભિપ્રાય બદલો! જૂઠું બોલવું એ જીવનના અંત બરોબર છે, જીવનનો અંત લાવવો અને જૂઠું બોલવું એ બે સરખું છે, એવું 'ડિસાઈડ' (નક્કી) કરવું પડે. અને પાછું સત્યનું પૂંછડું ના પકડશો.

×
Share on