Related Questions

ખોરાકની લાલચ હોય તો શું કરવું? આધ્યાત્મિક રીતે સમરસી ખોરાક એટલે શું?

દાદાશ્રી: આ જમતી વખતે તમને અમુક જ શાક, ટામેટાનું જ ગમે, તે તમને ફરી યાદ આવ્યા કરે તો લુબ્ધપણું થયું કહેવાય. ટામેટા જમવાનો વાંધો નથી, પણ ફરી યાદ ના આવવું જોઈએ. નહીં તો આપણી શક્તિ બધી લુબ્ધપણામાં જતી રહે. એટલે આપણે કહેવાનું કે, 'જે આવે એ મને કબૂલ છે.' લુબ્ધપણું કોઈ જાતનું નહીં હોવું જોઈએ. થાળીમાં જે જમવાનું આવે, રસ-રોટલી આવે તો રસ-રોટલી નિરાંતે ખાવી. કોઈ જાતનો વાંધો નહીં. પણ જે આવે તે 'એક્સેપ્ટ' કરવાનું, પેલું બીજું યાદ કરવાનું નહીં.

પ્રશ્નકર્તા: પછી આ સમરસી એટલે?

દાદાશ્રી: સમરસી એટલે વેઢમી, દાળ, ભાત, શાક બધું જ ખાવ, પણ એકલી વેઢમી જ ઠોક ઠોક ના કરાય.

અને આ લોકો ગળપણ છોડે છે. તે ગળપણ તેમની પર દાવો માંડશે. એ શું કહે છે કે મારી જોડે તારે શું છે? પાડાને વાંકે પખાલીને ડામ! અલ્યા, જીભને તો ચોંટી પડાતું હશે? વાંક પાડાનો છે. પાડાનો વાંક એટલે અજ્ઞાનતાનો વાંક.

પ્રશ્નકર્તા: પણ સમરસી ખોરાક એટલે શું? એમાં સરખો ભાવ કેવી રીતે પડે છે?

દાદાશ્રી: તમારા લોકોની નાત હોય, એમાં જે જમવાનું બનાવે ને, તે તમારી 'નાત'ને સમરસી લાગે એવો ખોરાક બનાવે. અને બીજાને તમારી 'નાત'નું ખવડાવે, તેને સમરસી ના લાગે. તમે લોકો મરચું-બરચું ઓછું ખાવાના. સમરસી ખોરાક એટલે દરેક જ્ઞાતિનો જુદો જુદો હોય. સમરસી ખોરાક એટલે ટેસ્ટફુલ, ટેસ્ટવાળું ફૂડ. મરચું વધારે નહીં, ફલાણું વધારે નહીં, બધું સરખા પ્રમાણમાં નાખેલી વસ્તુ. કેટલાંક કહે છે, 'હું તો દૂધ એકલું પીને પડી રહીશ.' ત્યારે સમરસી ખોરાક ના કહેવાય. સમરસી એટલે છ પ્રકારના રસ ભેગા કરીને ખાવ સારી રીતે, ટેસ્ટફૂલ રીતે ખાવા. કડવું ના ખવાય તો કારેલાં ખાવ, કંકોડા ખાવ, મેથી ખાવ પણ કડવું હઉ લેવું જોઈએ. તે કડવું નથી લેતા, તે બધા રોગ ઊભા થાય છે. તેથી પછી 'ક્વીનાઈન' લેવી પડે! એ રસ ઓછો લે એટલે આ ઉપાધિ થાય છે ને વળી! બધા રસો લેવા જોઈએ.

પ્રશ્નકર્તા: એટલે રસ લેવા માટે થઈને શક્તિ માગવાની કે દાદા ભગવાન! શક્તિ આપો કે હું સમરસી ખોરાક લઉં.

દાદાશ્રી: હા, એ તો તમારે શક્તિ માગવાની. તમારી ભાવના શું? સમરસી ખોરાક લેવાની તમારી ભાવના થઈ એ તમારો પુરુષાર્થ. અને હું શક્તિ આપું એટલે તમારો પુરુષાર્થ થયો મજબૂત!

પ્રશ્નકર્તા: કોઈ પણ રસમાં લુબ્ધપણું ના થવું જોઈએ, એ પણ બરાબર છે?

દાદાશ્રી: હા, એટલે એને એમ તો ના જ લાગવું જોઈએ કે મને ખટાશ વગર બીજું ભાવતું નથી. કેટલાંક કહે છે કે, 'મને ગળ્યા વગર ના ફાવે.' ત્યારે તીખાએ શું ગુનો કર્યો? કેટલાંક કહે, 'મને ગળ્યું ભાવતું જ નથી.' 'તીખું એકલું જ જોઈએ.' એ આ બધું સમરસી ના કહેવાય. સમરસી એટલે બધું 'એક્સેપ્ટેડ'. ઓછાવત્તા પ્રમાણમાં, પણ બધું એક્સેપ્ટેડ

×
Share on