Related Questions

સાર, તમામ શાસ્ત્રોનો: નવ કલમો આધ્યાત્મિક પ્રગતિ માટે

એક ભાઈને મેં કહ્યું કે આ નવ કલમોમાં બધું આવી ગયું. આમાં કશું બાકી રાખ્યું નથી. તમે આ નવ કલમો રોજ વાંચજો!' પછી એ કહે છે, 'પણ આ થાય નહીં.' મેં કહ્યું, 'હું કરવાનું નથી કહેતો, બળ્યું.' થાય નહીં એવું ક્યાં કહો છો? તમારે તો એટલું કહેવાનું કે, 'હે દાદા ભગવાન, મને શક્તિ આપો.' શક્તિ માંગવાનું કહું છું. ત્યારે કહે, 'આ તો મજા આવશે!' લોકોએ તો કરવાનું શીખવાડ્યું છે.

પછી મને કહે છે, 'એ શક્તિ કોણ આપશે?' મેં કહ્યું, 'શક્તિઓ હું આપીશ.' તમે માગો એ શક્તિઓ આપવા તૈયાર છું. તમને પોતાને માગતા જ ના આવડે, ત્યારે મારે આવી રીતે શીખવવું પડે કે આવી રીતે શક્તિ માગજો. ના શીખવવું પડે? જુઓ ને, આ શીખવાડ્યું જ છે ને બધું? આ મારું શીખવાડેલું જ છે ને? એટલે એ સમજી ગયા, પછી કહે છે આટલું તો થાય, આમાં બધું આવી ગયું!

આ કરવાનું નથી તમારે. તમે જરાય કરશો નહીં. નિરાંતે રોજના કરતા બે રોટલી વધારે ખાજો, પણ આ શક્તિ માંગજો. ત્યારે મને કહે છે, 'એ વાત મને ગમી.'

પ્રશ્નકર્તા: પહેલાં તો એ જ શંકા હોય કે શક્તિ માગે તો મળે કે નહીં?

દાદાશ્રી: એ જ શંકા ખોટી ઠર્યા કરે. હવે એ શક્તિ માગ્યા કરે છે ને! એટલે એ તમારે શક્તિ મહીં ઉત્પન્ન થયા પછી એ શક્તિ જ કાર્ય કરાવશે. તમારે કરવાનું નહીં. તમે કરશો તો ઈગોઈઝમ વધી જશે. 'હું કરવા જઉં છું ને પછી થતું નથી' એવું થશે પાછું. એટલે પેલી શક્તિ માગો.

પ્રશ્નકર્તા: આ નવ કલમોમાં આપણે શક્તિઓ માગીએ છીએ કે આવું ન કરાય, ન કરાવાય કે ન અનુમોદાય, એટલે એનો અર્થ એવો કે ભવિષ્યમાં આવું ન થાય એના માટે આપણે શક્તિઓ માંગીએ છીએ કે પછી આપણે પાછલું કરેલું ધોવાઈ જાય એના માટે છે આ?

દાદાશ્રી: એ ધોવાય અને શક્તિ ઉત્પન્ન થાય. શક્તિ તો છે જ, પણ એ ધોવાવાથી એ શક્તિ વ્યક્ત થાય. શક્તિ તો છે જ પણ વ્યક્ત થવી જોઈએ. તેથી દાદા ભગવાનની કૃપા માગીએ છીએ, આ અમારું ધોવાય તો શક્તિ વ્યક્ત થઈ જાય.

પ્રશ્નકર્તા: આ વાંચ્યું ને એ બધું, એક જબરજસ્ત વાત છે આ તો. નાનો માણસેય સમજી જાય તો આખી જિંદગી એની સુખમય જાય.

દાદાશ્રી: હા, બાકી સમજવા જેવી વાત જ એને મળી નથી. આ પહેલી વખત ચોખ્ખી સમજવા જેવી વાત મળે છે. હવે એ મળે એટલે ઉકેલ આવી જાય.

આ નવ કલમો છે, એમાં એની મેળે આપણાથી જેટલી પળાતી હોય તેનો વાંધો નથી. પણ ના પળાતી હોય, તેનો મનમાં ખેદ રાખવાનો નહીં. ફક્ત તમારે તો એ કહેવાનું કે મને શક્તિ આપો. તે શક્તિ ભેગી થયા કરશે. અંદર શક્તિ જમે થયા કરશે. પછી કામ એની મેળે થશે. એ તો બધી નવેય કલમો સેટઅપ થઈ જશે, શક્તિ માગશો એટલે! એટલે ખાલી બોલશે તોય બહુ થઈ ગયું. બોલ્યો એટલે શક્તિ માગી ને એટલે શક્તિ મળી. 

×
Share on