Related Questions

વિષયના વિચારો અને ઈચ્છાઓથી કેવી રીતે મુક્ત થવું?

પ્રશ્નકર્તા: 6. 'હે દાદા ભગવાન! મને કોઈ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી-પુરુષ અગર નપુંસક, ગમે તે લિંગધારી હોય, તો તેના સંબંધી કિંચિ‌‌ત્‌માત્ર પણ વિષય-વિકાર સંબંધી દોષો, ચ્છાઓ, ચેષ્ટાઓ, વિચાર સંબંધી દોષો ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને નિંરતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો.'

દાદાશ્રી: આપણી દ્રષ્ટિ બગડે તો તરત જ મહીં તમારે 'ચંદુભાઈ'ને કહેવું, 'આવું ના હોય. આવું આપણને શોભે નહીં. આપણે ખાનદાન ક્વૉલિટીના છીએ. જેવી આપણી બેન હોય છે, એવી એ બીજાની બેન હોય! આપણી બેન ઉપર કોઈની દ્રષ્ટિ ખરાબ થાય તો આપણને કેટલું દુઃખ થાય! એવું બીજાને દુઃખ થાય કે ના થાય? એટલે આપણને આવું શોભે નહીં.' એટલે દ્રષ્ટિ બગડે તો પસ્તાવો કરવો.

પ્રશ્નકર્તા: ચેષ્ટાઓ, આનો અર્થ શું?

દાદાશ્રી: દેહની ક્રિયા કરતો હોય ને ફોટા પડે. એ બધી ચેષ્ટાઓ કહેવાય. તમે મશ્કરી કરતા હો એ ચેષ્ટા કહેવાય. આમ હસતા હોય એ ચેષ્ટા કહેવાય.

પ્રશ્નકર્તા: એટલે કોઈની હાંસી ઉડાવવી, કોઈની ટીખળ કરવી એ ચેષ્ટાઓ?

દાદાશ્રી: બધી બહુ જાતની ચેષ્ટાઓ છે.

પ્રશ્નકર્તા: તો આ વિષય સંબંધી ચેષ્ટાઓ કેવી રીતે છે?

દાદાશ્રી: વિષયની બાબતમાં દેહ જે જે કાર્યો કરે એનો ફોટો લઈ શકાય, માટે એ ચેષ્ટા બધી. કાયાથી ના થાય એ ચેષ્ટાઓ નહીં. ક્યારેક આ ચ્છાઓ થાય, મનમાં વિચાર થાય, પણ ચેષ્ટાઓ ના થયેલી હોય. વિચાર સંબંધી દોષો એ મનનાં!

'મને નિરંતર નિર્વિકાર રહેવાની શક્તિ આપો.' આટલું તમારે 'દાદા' પાસે માગવાનું. 'દાદા' દાનેશ્વરી છે.

×
Share on