Related Questions

વાણી કેવી રીતે સુધારવી? કઠોર(દુઃખદાયી) શબ્દો કેવી રીતે ટાળવા?

દાદાશ્રી: કઠોર ભાષા નહીં બોલવી જોઈએ. કો'કની જોડે કઠોર ભાષા બોલી ગયા ને તેને ખરાબ લાગ્યું તો આપણે એની રૂબરૂમાં કહેવું કે, 'ભાઈ, મારી ભૂલ થઈ ગઈ, માફી માગું છું' અને રૂબરૂમાં ના કહેવાય એવું હોય તો પછી અંદર પસ્તાવો કરવો કે ભાઈ, આવું ના બોલાય.

પ્રશ્નકર્તા: અને ફરી વિચાર કરવો જોઈએ કે આવું ના બોલાય.

દાદાશ્રી: હા. એ વિચાર કરવો જોઈએ ને પસ્તાવો કરવો જોઈએ. પસ્તાવો કરે તો જ એ બંધ થાય. નહીં તો એમ ને એમ બંધ થાય નહીં. ખાલી બોલવાથી બંધ ના થાય.

પ્રશ્નકર્તા: મૃદુ, ઋજુ ભાષા એટલે શું?

દાદાશ્રી: ઋજુ એટલે સરળ હોય અને મૃદુ એટલે નમ્રતાવાળી. અત્યંત નમ્રતાવાળી હોય ત્યારે મૃદુ કહેવાય. એટલે સરળ ભાષા અને નમ્રતાવાળી ભાષાથી આપણે બોલવું અને એવી શક્તિ માગવી, તો એમ કરતા કરતા એ શક્તિ આવશે. કઠોર ભાષા બોલ્યા ને દીકરાને ખરાબ લાગ્યું તો તેનો પસ્તાવો કરવો. અને દીકરાનેય કહી દેવું કે, 'હું માફી માગું છું. હવે ફરી આવું નહીં બોલું.' આ જ વાણી સુધારવાનો રસ્તો છે અને 'આ' એક જ કૉલેજ છે.

પ્રશ્નકર્તા: તો કઠોર ભાષા ને તંતીલી ભાષા અને મૃદુતા ને ઋજુતા એ ભેદ શું?

દાદાશ્રી: ઘણા કઠોર ભાષા બોલે છે ને કે, 'તું નાલાયક છે, બદમાશ છે, ચોર છે.' જે શબ્દો આપણે સાંભળ્યા ના હોય ને! કઠોર બોલની સાથે આપણું હૃદય સ્તંભિત થઈ જાય. એ કઠોર ભાષા જરાકે પ્રિય ના પડે. ઊલટું મનમાં બહુ થાય કે આવું ક્યાંથી આ પાછું!! કઠોર ભાષા એ અહંકારી હોય.

અને તંતીલી ભાષા એટલે શું? સ્પર્ધામાં જેમ તંત હોય છે ને? 'જો મેં કેવી સરસ રસોઈ બનાવી અને એને તો આવડતી જ નથી.' એવું તંતે ચઢે, સ્પર્ધામાં ચઢે. એ તંતીલી ભાષા બહુ ખરાબ હોય.

કઠોર ને તંતીલી ભાષા બોલાય નહીં. ભાષાના બધા જ દોષો, આ બે શબ્દોમાં આવી જાય છે. એટલે નવરાશનો ટાઈમ આવે તો 'દાદા ભગવાન' પાસે આપણે શક્તિઓ માગ માગ કરવી. કઢંગુ બોલાતું હોય તો એની પ્રતિપક્ષી શક્તિ માગવી કે મને શુદ્ધ વાણી બોલવાની શક્તિ આપો, સ્યાદવાદ વાણી બોલવાની શક્તિ આપો, મૃદુ-ઋજુ ભાષા બોલવાની શક્તિઓ આપો. આવું માગ્યા કરવું. સ્યાદવાદ વાણી એટલે કોઈને દુઃખ ના થાય એવી વાણી.

×
Share on