Related Questions

જ્યારે કોઈ ખોટું હોય ત્યારે શા માટે મારે તેનો અહમ્ ના દુભાવવો જોઈએ?

પ્રશ્નકર્તા: ધંધામાં સામાવાળાનો અહમ્ દુભાય નહીં એવા પ્રસંગો હંમેશાં નથી બનતા, કોઈકના ને કોઈકના તો અહમ્ દુભાયા જ રાખે છે.

દાદાશ્રી: એને અહમ્ દુભાયું ના કહેવાય. અહમ્ દુભાયું એટલે શું કે એ બિચારો કંઈક બોલવા જાય ને આપણે કહીએ, 'બેસ, બેસ. નથી બોલવાનું.' એવું એના અહંકારને દુભાવવો ના જોઈએ. ને ધંધામાં તો અહમ્ દુભાય એ ખરેખર અહમ્ નથી દુભાતો. એ તો મન મહીં દુભાય છે.

પ્રશ્નકર્તા: પણ અહમ્ એ કંઈ સારી વસ્તુ નથી, બરોબર? તો પછી એને દુભાવવામાં શો વાંધો?

દાદાશ્રી: એ પોતે જ અત્યારે અહંકાર છે, માટે એ ના દુભાવાય. એ પોતે જ છે બધું, જેમાં એ કરે તે હું જ છું આ. એટલે દુભાય નહીં. એટલે તમારે ઘરમાંય કોઈને વઢવું-કરવું નહીં. અહંકાર કોઈનો ના દુભાય તેમ રાખવું. અહંકાર કોઈનો દુભાવવો ના જોઈએ. અહંકાર દુભાય તો જુદો પડી જાય માણસ, પછી ફરી ભેગાં ના થાય. આપણે એવું કોઈને ના કહેવું જોઈએ. 'તું યુઝલેસ છે, તું આમ છે, તેમ છે.' એવું ઉતારી ના પાડવું જોઈએ. હા, વઢીએ ખરાં. વઢવામાં વાંધો નથી, પણ જે તે રસ્તે અહંકાર ના દુભાવવો જોઈએ. માથા પર વાગે તેનો વાંધો નથી, પણ એના અહંકાર ઉપર ના વાગવું જોઈએ. કોઈનો અહંકાર ભગ્ન ના કરવો જોઈએ.

અને મજૂર હોય એનોય તિરસ્કાર નહીં કરવો. તિરસ્કારથી એનો અહંકાર દુભાય. આપણને એનું કામ ના હોય તો આપણે તેને કહીએ, 'ભાઈ, મને તારું કામ નથી' અને એનો જો અહંકાર દુભાતો ના હોય તો પાંચ રૂપિયા આપીનેય પણ એને છૂટો કરવો. પૈસા તો મળી આવશે પણ એનો અહમ્ ના દુભાવવો જોઈએ. નહીં તો એ વેર બાંધે, જબરજસ્ત વેર બાંધે! આપણું શ્રેય થવા ના દે, વચ્ચે આવે.

બહુ ઊંડી વાત છે આ તો. હવે તેમ છતાંય કોઈનો અહંકાર તમારાથી દુભાઈ ગયો હોય તો અહીં અમારી પાસે (આ કલમ પ્રમાણે) શક્તિની માંગણી કરવી. એટલે જે થયું, એનાથી પોતે અભિપ્રાય જુદો રાખે છે, માટે એની જવાબદારી બહુ નથી. કારણ કે, હવે એનો 'ઓપીનિયન' ફરી ગયેલો છે. અહંકાર દુભાવવાનો જે 'ઓપીનિયન' હતો, તે આ માંગણી કરવાથી એનો 'ઓપીનિયન' જુદો થઈ ગયો.

પ્રશ્નકર્તા: 'ઓપીનિયન'થી જુદો થઈ ગયો એટલે શું?

દાદાશ્રી: 'દાદા ભગવાન' તો સમજી ગયા ને, કે આને હવે બિચારાને કોઈનો અહમ્ દુભાવવાની ચ્છા નથી. પોતાની ખુદની એવી ચ્છા નથી છતાં આ થઈ જાય છે. જ્યારે જગતના લોકોને ચ્છા સહિત થઈ જાય છે. એટલે આ કલમ બોલવાથી શું થાય કે આપણો અભિપ્રાય જુદો પડી ગયો. એટલે આપણે એ બાજુથી મુક્ત થઈ ગયા.

એટલે આ શક્તિ જ માગવાની. તમારે કશું કરવાનું નહીં, ફક્ત શક્તિ જ માગવાની. અમલમાં લાવવાનું નથી આ. 

×
Share on