Related Questions

શું કર્મ અંતઃક્રિયાથી બંધાય છે?

પ્રશ્નકર્તા: મનુષ્યને કર્મ લાગુ પડતા હશે કે નહીં?

karma

દાદાશ્રી: નિરંતર કર્મ બાંધ્યા જ કરે છે. બીજું કશું કરતા જ નથી. મનુષ્યનો અહંકાર એવો છે કે ખાતો નથી, પીતો નથી, સંસાર કરતો નથી, વેપાર કરતો નથી, તોય માત્ર અહંકાર જ કરે છે કે, 'હું કરું છું', તેથી બધા કર્મો બાંધ્યા કરે છે. એય અજાયબી છે ને? એ પ્રૂવ (સાબિત) થઈ શકે એમ છે! ખાતો નથી, પીતો નથી એ પ્રૂવ થઈ શકે એમ છે. છતાંય કર્મો કરે છે એ પણ પ્રૂવ થઈ શકે છે. તે મનુષ્ય એકલા જ કર્મ બાંધે છે.

પ્રશ્નકર્તા: શરીરને લીધે ખાતા-પીતા હોય, પણ છતાં પોતે કર્મ ના પણ કરતા હોય ને?

દાદાશ્રી: એવું છે ને, કોઈ માણસ કર્મ કરતો હોય ને તો આંખે દેખાય નહીં. દેખાય છે તમને? આ જે આંખે દેખાય છે ને, એને આપણા જગતના લોકો કર્મ કહે છે. આમણે આ કર્યું, આમણે આ કર્યું, આણે આને માર્યો, એવું કર્મ બાંધ્યું. હવે જગતના લોકો એવું જ કહે છે ને?

પ્રશ્નકર્તા: હા, જેવું દેખાતું હોય એવું કહે.

દાદાશ્રી: કર્મ એટલે એમની હિલચાલ શું થઈ, એને ગાળ દીધી તોય કર્મ બાંધ્યું, એને માર્યો તોય કર્મ બાંધ્યું. ખાધું તોય કર્મ બાંધ્યું. સૂઈ ગયો તોય કર્મ બાંધ્યું, હિલચાલ શું કરે છે, એને આપણા લોકો કર્મ કહે છે. પણ હકીકતમાં દેખાય છે એ કર્મફળ છે, એ કર્મ નથી.

કર્મ બંધાય ત્યારે અંતરદાહ બળ્યા કરે. નાના છોકરાંને કડવી દવા પીવડાવો, ત્યારે શું કરે? મોઢું બગાડે ને! અને ગળી ખવડાવીએ તો? ખુશ થાય. આ જગતમાં જીવમાત્ર રાગ-દ્વેષ કરે છે એ કૉઝ છે બધા અને તેમાંથી આ કર્મો ઊભા થયા છે. જે પોતાને ગમે છે એ અને ના ગમતા, એ બેઉ કર્મ આવે છે. ના ગમતા કૈડીને જાય. એટલે દુઃખ આપીને જાય અને ગમતા સુખ આપીને જાય. એટલે કોઝીઝ ગયા અવતારે થયેલા છે, તે આ ભવમાં ફળ આપે છે.

×
Share on