Related Questions

આધ્યાત્મિક જાગૃતિનું શું મહત્ત્વ છે?

આધ્યાત્મિક રીતે જાગૃત હોવું એટલે પોતાના ખરા સ્વરૂપને, આત્માને ઓળખવું. આત્મા ત્યારે જાગૃત થયો કહેવાય કે જ્યારે આત્મસાક્ષાત્કાર થાય!

જ્યાં સુધી આત્મસાક્ષાત્કાર નહીં, ત્યાં સુધી ભટકામણ. 

ખરેખર ‘હું કોણ છું’ (આત્માને) નહીં જાણવાથી, અજ્ઞાન આત્મા મિથ્યાત્વમાં માને છે કે, “હું શરીર છું, હું કર્તા છું.” આ અજ્ઞાન માન્યતાના કારણે અનંત અવતારથી એક પછી એક દરેક ભવમાં જન્મ-મરણ અને પુર્નજન્મ તથા જુદી જુદી ગતિમાં જન્મ થયા કરે છે. આ ગતિ જેમ કે:  

૧. દેવગતિ
૨. મનુષ્યગતિ
૩. તીર્યંચ (જાનવર) ગતિ
૪. નર્કગતિ  

નીચે દર્શાવેલ સંવાદો દ્વારા ચાલો વધુ સમજીએ: 

પ્રશ્નકર્તા: મરતા પહેલા જેવી વાસના હોય, એ રૂપે જન્મ થાય છે ને? 

દાદાશ્રી: હા, એ વાસના આપણા લોક જે કહે છે ને કે મરતા પહેલા આવી વાસના હતી, પણ એ વાસના કંઈ લાવી-લવાતી નથી. એ તો સરવૈયું છે આખી જિંદગીનું. આખી જિંદગી જે તમે કર્યું ને એનું મરતી ઘડીએ છેલ્લો કલાક હોય છે, ત્યારે સરવૈયું આવે છે. અને સરવૈયા પ્રમાણે એની ગતિ થઈ જાય છે. 

પ્રશ્નકર્તા: મૃત્યુ પછી બધા કંઈ મનુષ્યરૂપે જન્મતા નથી. કોઈ કૂતરાં, ગાય થાય છે. 

દાદાશ્રી: હા, એની પાછળ 'સાયન્ટિફિક સરકમસ્ટેન્શિયલ એવિડન્સ' છે, વૈજ્ઞાનિક કારણો બધા ભેગા થાય છે. આમાં આનો કોઈ કર્તા નથી કે 'ભગવાને' આ કર્યું નથી અને 'તમે'ય એ કર્યું નથી. 'તમે' ફક્ત માનો છો કે 'મેં આ કર્યું', એટલે આવતો ભવ ઉત્પન્ન થાય છે. જ્યારથી 'તમારી' આ માન્યતા તૂટી જશે, 'હું કરું છું'ની 'રોંગ બિલીફ' એ ભાન 'તમારું' તૂટી જશે અને 'સેલ્ફ'નું 'રિયલાઈઝ' થશે પછી 'તમે' કર્તા છો જ નહીં. 

અનંત અવતારથી કોઈ પણ જન્મમાં આપણે આત્માને ક્યારેય જાણ્યો નથી 

દરેક ભવમાં લોકોએ આપણને માત્ર અજ્ઞાનનું પ્રદાન કરેલું છે. નાનપણથી જગતના લોકોએ આપણને જ્ઞાન આપ્યું કે, “તમે જોન છે (વાંચકે પોતાનું નામ મૂકવું), તમે ફલાણાના દીકરા છો, તમે ડૉક્ટર છો, તમે ભાઈ છો, વગેરે વગેરે.” ત્યારે આપણે તરત એવું માનવા લાગીએ છીએ કે, “હું જોન છું, હું દીકરો છું, હું ડૉક્ટર છું, અને હું ભાઈ છું.” આ બધી માન્યતાઓમાંથી બીજી બધી મિસ્ટેક્સ છે, જ્યારે “હું જોન છું” એ બ્લન્ડર છે. એવું એટલા માટે કે એ અજ્ઞાનતાની શરૂઆત છે અને તેના આધારે બીજી માન્યતોઓ બંધાય છે. 

જ્યારે પ્રત્યક્ષ જ્ઞાની ‘હું કોણ છું’નું યથાર્થ જ્ઞાન આપે છે, આપણું બ્લંડર અથવા મુખ્ય રોંગ બિલીફ કે ‘હું જોન છું’, તે ફ્રેક્ચર થાય છે. આપણે ખરેખર શુદ્ધાત્મા જ છીએ. તેથી આપણે અનુભવીએ કે, “અરે! હું શુદ્ધાત્મા છું.” પછી ભૂલો ભાંગે છે અને આપણને આત્મસાક્ષાત્કારનો અનુભવ થાય છે. આવી રીતે આધ્યાત્મિક જાગૃતિ થાય છે. 

ચાલો આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. રાજાનો નાનો કુંવર ખોવાઈ ગયો. (પોતે કોણ છે તે નહીં જાણતો હોવાથી, લોકો તેને જે કહેતા હતા તે) તેણે માન્યું, “હું આ છું.” પછી પાંચ વર્ષ પછી તે પાછો આવ્યો અને જ્યારે રાજાએ તેને ઓળખ આપી, ત્યારે તેને જણાયું કે, “અરે! હું તો રાજાનો કુંવર છું.” આવું એટલા માટે કે તે ખરેખર રાજાનો કુંવર હતો અને તે ખોવાઈ ગયો હતો, તેને ખબર નહોતી કે ‘હું કોણ છું’ અને તેથી લોકોએ જે કહ્યું તે તેણે માન્યું. આમ, આધ્યાત્મિક જાગૃતિ એટલે તમે ખરેખર કોણ છો તે જાણવું. 

આમ, અજ્ઞાનતાને કારણે અનંત જન્મોથી આપણે આત્માએ જન્મ-મરણના ફેરામાં પુદ્ગલ સાથે રહેવું પડે છે. માત્ર જ્યારે જીવ મનુષ્યગતિમાં આવે છે અને જ્ઞાની પુરુષને મળે છે, ત્યારે મોક્ષ મેળવી શકે છે. જ્યારે પોતાની સાચી ઓળખ માટેની રોંગ બિલીફ ઊડી જાય છે ત્યારે પોતે નિરાલંબ બને છે, સંપૂર્ણ નિરાલંબ! આ જ કારણે અગણિત સુખસાહ્યબી વચ્ચે પણ ઉચ્ચ કોટિના દેવોને તીવ્ર ઈચ્છા હોય છે કે જ્યારે આ દેહ છૂટે ત્યારે તેનો જન્મ મનુષ્યગતિમાં થાય. 

×
Share on