Related Questions

હું મારા આત્માને કેવી રીતે જાગૃત કરી શકું?

ઘણા લોકોને આધ્યાત્મિક જાગૃતિનો ધ્યેય હોય છે, જેથી તેઓ શોધી રહ્યા હોય છે કે આત્માને જાગૃત કેવી રીતે કરવો. તો આત્મા જાગૃત કેવી રીતે થાય?

જ્યારે આત્મસાક્ષાત્કાર થાય, ત્યારે આત્મા જાગૃત થાય!  

'હું ચંદુભાઈ (તમારું નામ વાંચવું) છું, આ મન-વચન-કાયા મારા છે’, તેનો અનુભવ રહેવો તેને દેહાધ્યાસ કહેવાય છે. આત્મસાક્ષાત્કાર પછી આ અનુભવ છૂટવાની શરૂઆત થાય છે અને આત્માનુભવની શરૂઆત થાય છે. 

આત્મજાગૃતિ ક્રમિક માર્ગ દ્વારા અને અક્રમ માર્ગ દ્વારા 

આત્મા જાગૃત કરવા માટે અને શાશ્વત સુખના અનુભવ માટે, લોકો રાગ-દ્વેષ, અંતરાયથી છૂટવાની મહેનત કરે છે. આ રૂઢિગત ક્રમિક માર્ગ છે! આ માર્ગમાં તપ અને ત્યાગ દ્વારા, ક્રોધ-માન-માયા-લોભરૂપી નબળાઈને દૂર કરી અહંકારને શુદ્ધ કરવામાં આવે છે. જ્યારે અહંકાર શુદ્ધિ થાય ત્યારે મોક્ષની શરૂઆત થાય છે. માટે ક્રમિક માર્ગ મુશ્કેલ છે. 

જ્યારે અક્રમ માર્ગમાં જ્ઞાની પુરુષની કૃપાથી અહંકાર શુદ્ધ થાય છે. તે આપણો અહંકાર (હું ચંદુભાઈ છું) અને મમતા (આ મન-વચન-કાયા મારા છે) બન્ને લઈ લે છે. તેમની આપેલી આજ્ઞા પાળવાથી, આપણને આત્માનો સંપૂર્ણ અનુભવ પ્રાપ્ત થાય છે. એકવાર આ અનુભવ થઈ ગયો એટલે આપણું કામ થઈ ગયું. આત્માને કેવી રીતે જાગૃત કરવો તેનો આ વૈજ્ઞાનિક જવાબ છે. 

આથી, અક્રમ વિજ્ઞાનના કારણે આજે આત્મા અનુભવ પ્રાપ્ત કરવો સહેલો થઈ ગયો છે. આપણે ‘પરમ વિનય’ અને ‘હું કંઈ જાણતો નથી’ એ ભાવ સાથે જ્ઞાની પુરુષની કૃપાથી આત્મજ્ઞાન મેળવી લેવાનું છે. બીજી કોઈ લાયકાતની જરૂર નથી. આપણે જ્ઞાની પાસે પહોંચ્યા એ જ આપણી લાયકાત છે. આત્મા માટે અને મોક્ષ માટે શું હિતકારી છે એવી યથાર્થ સમજણથી જ્યારે તપ અને ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે, ત્યારે વિશેષ પુણ્યકર્મ બંધાય છે. આવા કર્મોના ફળરૂપે જ્ઞાની પુરુષનો ભેટો થાય છે. જ્ઞાનીને મળીએ ત્યારે મોક્ષ માટે પૂછવું યોગ્ય છે અને છેવટે મોક્ષ પ્રાપ્ત થઈ શકે છે. 

માત્ર જ્ઞાની પુરુષ કે જે દેહાધ્યાસથી મુક્ત છે તે આત્મઅનુભૂતિ આપી શકે 

પોતાના આત્માને પ્રકાશમાન કરવાની વાત આવે છે ત્યારે આત્માના અનુભવ વિશેની ગહન ચર્ચાઓ નિરર્થક સાબિત થાય છે. એવું એટલા માટે છે કે, જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાનીનો ભેટો થાય નહીં; અને તેની પાસેથી જ્ઞાન મળે નહીં, ત્યાં સુધી આપણે વાતો કરી શકીએ; કોઈ અનુભવ નહીં હોય. આત્માનું વર્ણન અને આત્માનો અનુભવ આ બંનેમાં બહુ મોટો તફાવત છે. કોઈ શબ્દોમાં વર્ણવેલી વાતો ભૂલી જશે, પરંતુ જે તેણે અનુભવેલું અને જોયેલું હશે તે ક્યારેય ભૂલશે નહીં. માત્ર પ્રત્યક્ષ જ્ઞાની આપણને આત્માનો અનુભવ આપી શકે છે.

ચાલો, આપણે આ નીચેની વાતચીત પરથી સમજીએ: 

દાદાશ્રી: વેદ એ શબ્દરૂપ જ્ઞાન છે એટલે બુદ્ધિગમ્ય જ્ઞાન છે. વેદ એ ‘થિયરેટિકલ’ છે અને જ્ઞાન એ ‘પ્રેક્ટિકલ’ છે. 

પ્રશ્નકર્તા: એટલે અનુભવગમ્ય? 

દાદાશ્રી: હા. અનુભવગમ્ય એ જ સાચું જ્ઞાન. બાકી બીજું બધું તો ‘થિયરેટિકલ.’ એ ‘થિયરેટિકલ’ શબ્દરૂપ હોય. અને શબ્દથી તો આગળ, ઘણું આગળ ચેતનજ્ઞાન છે. એ અવક્તવ્ય હોય, અવર્ણનીય હોય. આત્માનું વર્ણન થઈ શકે જ નહીં, વેદ કરી શકે જ નહીં. છતાં વેદનું માર્ગદર્શન તો એક સાધન છે. એ સાધ્યવસ્તુ નથી. જો ‘જ્ઞાની પુરુષ’ મળ્યા નહીં ત્યાં સુધી કોઈ દહાડોય કામ નહીં થાય. 

આત્માને જાગૃત કરવો એટલે શું

હજારો મુમુક્ષુઓએ જ્ઞાની પાસેથી આત્મસાક્ષાત્કાર પ્રાપ્ત કરવાની તકનો લાભ લીધેલો છે અને તેમને સાંસારિક ફરજો બજાવવાની સાથે સાથે આત્માનો અનુભવ પણ થયો છે. તેમણે રોજિંદા જીવનમાં ક્લેશ, ભોગવટો, ચિંતા અને દરેક પ્રકારની શંકા અને તણાવથી મુક્તિનો અનુભવ કર્યો છે! જ્ઞાનીએ તેમનામાં જે આત્માને પ્રકાશિત કર્યો છે, તેનાથી તેઓને અને તેમના નજીકના સંબંધીઓને સુખ અનુભવાયું છે. તમે પણ આ મુક્તિનો અનુભવ કરી શકો છો. તમારે માત્ર એટલું કરવાની જરૂર છે, પ્રત્યક્ષ જ્ઞાની પાસેથી જ્ઞાન લઈ લો!!! 

તેમ છતાં, આપણે એ પણ સમજવું જોઈએ કે આત્માની અનુભૂતિ એટલે કોઈ પ્રકાશ થશે કે કોઈ જાતના સુખના ફુવારાઓ અંદરથી ઊભરાશે એવું કશું નથી. તે સાચો અનુભવ નથી. શુદ્ધાત્માનો અનુભવ એટલે તમારું ચંદુભાઈ (વાંચકે પોતાનું નામ સમજવું)થી જુદાપણું અનુભવવું. તદુપરાંત, તમે ચંદુભાઈના દોષો જોઈ શકશો. જ્યારે કોઈ ઈન્દ્રિયજ્ઞાનથી જુએ છે ત્યારે ઈન્દ્રિયજ્ઞાનથી આગળ શું છે તે કેવી રીતે જોઈ શકે? તેના માટે જ્ઞાની પુરુષની જરૂર પડશે કે જે તમારી દ્રષ્ટિ બદલી આપશે, જેથી તમે જાગૃત આત્માના પ્રકાશથી જોઈ શકો! હું મારા આત્માને કેવી રીતે જાગૃત કરી શકું તેના માટેની માત્ર આ મુખ્ય જરૂરિયાત છે. 

દાદાશ્રી: ‘જ્ઞાની પુરુષ’ આત્મજ્ઞાન આપે, તે કેવી રીતે આપે? આ ભ્રાંતજ્ઞાન અને આ આત્મજ્ઞાન, આ જડજ્ઞાન અને આ ચેતનજ્ઞાન, એ બેની વચ્ચે ‘લાઈન ઑફ ડિમાર્કેશન’ (ભેદરેખા) નાખી આપે. એટલે પછી ફરી ભૂલ થવાનો સંભવ ના રહે અને આત્મા નિરંતર લક્ષમાં રહ્યા કરે, એક ક્ષણ આત્માની જાગૃતિ ના જાય. 

×
Share on