Related Questions

શું મારો આત્મા એ પરમાત્માનો અંશ છે?

“મારો આત્મા પરમાત્માનો અંશ છે” – અહીં હું એટલે આત્મા, અવિનાશી તત્ત્વ એવું સમજીએ. અવિનાશી તત્ત્વ એ હંમેશને માટે અવિભાજ્ય છે. પરમાત્મા એટલે કેવળઆત્મા કે જે આત્માની એવી દશા જ્યાં તેના પર અજ્ઞાનતાનું એક પણ આવરણ કે પડ નથી. જેમણે આવી દશા પ્રાપ્ત કરી હોય તેને ભગવાન કહેવામાં આવે છે. ભગવાન સાથે ઐક્યનો આ સાચો અર્થ છે.

સૌથી પ્રથમ, શા માટે કોઈ પરમાત્માને ટુકડામાં વહેંચી નાંખે? તમે પરમાત્માના ભાગ કરી શકો નહીં. ધારો કે, જો તમે પરમાત્માનો અંશ હો તો તમને કોઈ દુ:ખ પડત નહીં. તમને ક્યારેય દુ:ખી શા માટે થવું પડ્યું, જ્યારે રામ ભગવાન કે જેનો તમે અંશ છો તે શાશ્વત સુખનો આનંદ લઈ રહ્યા છે? 

પરમાત્મા સંપૂર્ણ છે અને હું તેનો અંશ છું”, આ ગેરસમજણ દૂર કરવા માટે જ્ઞાની સ્પષ્ટીકરણ કરે છે કે અનંત આત્માઓ છે અને તેઓ સ્વતંત્ર છે (એકબીજા પર અવલંબિત નથી). જ્ઞાનીઓની દ્રષ્ટિએ પ્રત્યેક જીવમાં સંપૂર્ણ અને સર્વાંગ સ્વતંત્ર આત્મા (પરમાત્મા) છે. માટે આવો, પરમ પૂજ્ય દાદાશ્રી સાથે આ બાબતે થયેલી વાતચીતો પરથી સાચી હકીકત શું છે તે સમજીએ... 

આત્મા પ્રકાશ સ્વરૂપે છે; તેનું કોઈ સ્થૂળરૂપ નથી! 

પ્રશ્નકર્તા: તો બધા આત્મા એક આત્માના જ અંશ છે, એવું કહી શકાય ખરું? 

દાદાશ્રી: ના, ના! બધા આત્મા એક આત્માના જ અંશ ના હોય! એવું છે, હંમેશાંય જે વસ્તુ હોય ને તેમાં આ રૂપી વસ્તુઓનો અંશ હોય, પણ અરૂપીના અંશ ના હોય. અરૂપી એક જ વસ્તુ સ્વરૂપે હોય. એના અંશ થાય, ટુકડા થાય, વિભાજન થાય તો ફરી એ એક ના થાય. એટલે પોતે સર્વાંશ સ્વરૂપે છે. 

પ્રશ્નકર્તા: એટલે હું મારામાં પૂર્ણ શુદ્ધાત્મા છું? 

દાદાશ્રી: તમે પૂર્ણ છો જ, સર્વાંશ જ છો ને!! 

પ્રશ્નકર્તા: તો આત્માનું વિભાજન થઈ શકે નહીં? 

દાદાશ્રી: આત્મા પોતે જ પરમાત્મા છે. અને એ વસ્તુ સ્વરૂપે છે. એટલે એનો એક ટુકડોય છૂટો પડે નહીં, એવી આખી વસ્તુ છે. વિભાજન થાય એટલે ટુકડો થઈ જાય તો વસ્તુ ખલાસ થઈ જાય, પણ એવું નથી. આત્માનું વિભાજન થઈ ના શકે. 

પ્રશ્નકર્તા: બધા આત્માઓ જુદા છે કે બધા એક પરમાત્માના સ્વરૂપો છે? 

દાદાશ્રી: વ્યવહારથી બધા જુદા છે. નામરૂપ જોવા જઈએ તો વ્યવહારથી બધા જુદા છે, 'રિયલી' એક જ છે. 'રિલેટિવલી' જુદા જુદા છે ને 'રિયલી' એક છે! તો આપને શું જાણવું છે? 

શું આત્માનું વિલીનીકરણ પરમાત્મામાં થાય છે

આત્માનું વિલીનીકરણ થાય નહીં. શા માટે દરેક આત્મા પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ખોઈને બીજા માટે બલિદાન આપી દે? 

પ્રશ્નકર્તા: તો એ વાત ખરી છે કે આત્મા પરમાત્મામાં વિલીન તો થાય છે જ, પણ તે એક અવતારમાં નહીં તો બીજા અવતારમાં, નહીં તો ત્રીજા અવતારમાં? 

દાદાશ્રી: ના, ના! ત્યાં આગળ વિલીનીકરણ છે જ નહીં. આત્મા પોતે જ પરમાત્મા છે. 'હું ચંદુભાઈ છું' એવું ભાન છે અત્યારે તમને. એ જ્યારે 'હું આત્મા છું' એવું ભાન થશે ત્યારે તમને પરમાત્માનું ભાન થશે. એ આત્મા એ જ પરમાત્મા છે. તમારો આત્મા એય પરમાત્મા છે, આમનો આત્માય પરમાત્મા છે.  

જીવમાત્રમાં પરમાત્મા રહેલા છે! 

એ બધા કે જેમણે જ્ઞાનીની કૃપાથી જ્ઞાન મેળવેલ છે તેઓ તમારી મહીં બિરાજેલા આત્માને જોઈ રહ્યા છે, અને તે જ પરમાત્મા છે. આત્મસાક્ષાત્કાર પછી તમે પણ કહી શકશો, “મારો આત્મા પરમાત્મા છે.” જો વિલીનીકરણ થતું હોત તો તમે પરમાત્માને જોઈ શકો નહીં! અહીં બકરીમાં પણ ભગવાન જોઈ શકાશે! 

સંપૂર્ણ આત્મા બકરીમાં બિરાજમાન છે, ગધેડામાં પણ ભગવાન બિરાજમાન છે. તે એવો જ આત્મા છે, પણ તેને હજી ભાન થયું નથી. જે અત્યારે હાજર છે તે આત્માની અજ્ઞાનદશામાં છે. “હું ચંદુભાઈ છું”, “હું દેસાઈ છું” એવી જાગૃતિ હમણા તમને છે. ‘હું આત્મા છું’ એવી જાગૃતિ તમને નથી! 

પ્રશ્નકર્તા: આ બ્રહ્મ છે, એને એકમાંથી અનેક થવાની ઈચ્છા કેમ થઈ હશે? 'એકોહમ્ બહુસ્યામ્' એવી ઈચ્છા કેમ થઈ એમને? 

દાદાશ્રી: આ તો એવું છે ને, એ પોતે એક જ છે. બહુ થયેલોય નથી, એક જ છે. પણ ભ્રાંતિથી બહુ થયેલું દેખાય છે. આ એક જ સ્વભાવનું છે. આ સોનાની ગમે તેટલી લગડી હોય ને બધું ભેગું કરીએ તો એકનું એક જ છે ને? બીજું પીત્તળ ભેગું થાય તો નુકસાન! બધા ભગવાન જ છે, ભગવાન સ્વરૂપ જ છે. પણ આ જુદું દેખાય છે, એનું કારણ ભ્રાંતિ છે. 

તત્ત્વ સ્વભાવે કરીને બધું એક, પણ અસ્તિત્વથી અલગ છે! 

આત્માનો સ્વભાવ શાશ્વત સુખ છે. દરેક આત્માનો સ્વભાવ સરખો છે. તેમ છતાં, તેનું અસ્તિત્વ સ્વતંત્ર છે અને તેનું બીજા આત્મામાં વિલીનીકરણ ક્યારેય થતું નથી. તેથી, આપણને બધાને આપણા આત્માનો અનુભવ સ્વતંત્ર રીતે થશે. 

ચાલો, નીચે આપેલી વાતચીત દ્વારા આ સમજીએ: 

પ્રશ્નકર્તા: એટલે બધામાં જે ચેતન તત્ત્વ રહેલું છે, તે એક જ છે? 

દાદાશ્રી: હા, એક જ. પણ એક જ એટલે સ્વભાવે કરીને એક છે! 

પ્રશ્નકર્તા: પછી જ્યારે દેહોત્સર્ગ થાય ત્યારે એ ચેતન જે જતું રહે છે, એનું પછી એકીકરણ ના થઈ જાય? એનું અલગ અસ્તિત્વ કેવી રીતે રહી શકે? 

દાદાશ્રી: આ જગતમાં બધું અલગ છે. અહીં અલગતા લાગે છે ને, તેવી ત્યાંય અલગતા છે! ત્યાં અલગ એટલે સ્વભાવે કરીને બધું એક જ લાગે, પણ અસ્તિત્વથી તો અલગ છે. 

પ્રશ્નકર્તા: પણ ચેતન એક પ્રકારનું હોય તો એનું અસ્તિત્વ અલગ અલગ કેવી રીતે રહી શકે? 

દાદાશ્રી: અલગ જ રહે છે, એટલે એ એક કેવી રીતે થઈ શકે? એક બની શકે જ નહીં ને!!! આ સોનાની લગડીઓ હોય તે બધી જુદી જુદી હોય, પણ કહેવાય બધું સોનું. એવું આ કહેવાય કે આત્મા એક છે. પણ આમ આ લગડીની જેમ બધા જુદા જુદા છે. એ બધામાં બીજો કોઈ ફેર નથી. આ તો આપણને બુદ્ધિથી ઊંધા પાસા દેખાય છે. બાકી ત્યાં સિદ્ધ સ્થિતિમાં બધાય પોતપોતાના સુખમાં જ રહે છે! 

સ્વભાવથી એક છીએ, પણ આ તો ભેદબુદ્ધિથી જુદાઈ લાગે છે! 

જ્યાં સુધી બુદ્ધિ છે, ત્યાં સુધી ડખો રહેશે. જ્યારે બુદ્ધિનો અંત આવશે ત્યારે સ્વ-સ્વભાવમાં ઐક્યનો અનુભવ થશે. બુદ્ધિ શું કરે છે? તે ભેદ પાડે છે. તેથી એકવાર બુદ્ધિ ખલાસ થઈ જાય પછી આ સરળતાથી સમજી શકાય છે. 

પરમાત્મા સાથે વિલીનીકરણ છે જ નહીં. આત્મા પોતે જ પરમાત્મા છે! 

આત્મા પોતે જ પરમાત્મા છે, અજ્ઞાન અવસ્થામાં પણ આત્મા પરમાત્મા છે. ફરક માત્ર સમજણનો છે. જ્યારે કોઈ ઘરે હોય, લોકો કહેશે, ‘તે સ્ત્રીનો પતિ છે.’ અને તે જ્યારે દુકાને જાય છે, લોકો કહે છે, ‘તે બોસ છે.’ જ્યારે તે કોર્ટમાં જાય છે, તેઓ કહેશે, ‘તે વકીલ છે.’ પરંતુ, તે પોતે એક જ છે. તેવી રીતે અજ્ઞાન દશામાં, અંતરાત્મ દશામાં અને કેવળ દશામાં (ભગવાન) એ જ આત્મા છે! અને તે જે દશામાં વર્તતો હોય તે દર્શાવવા માટે આ દરેક વિશેષણ તરીકે વપરાય છે. 

ભ્રાંતિ ભાંગ્યે ભેદ ભૂંસાય! 

લૌકિક ધર્મમાં આત્મા અને પરમાત્મા જુદા છે એવી રીતે ભક્તિ થાય છે. આત્મા અને પરમાત્મા એક છે અને જુદા નથી તેવી ભક્તિ કરવી તે ખરો ધર્મ જગતથી પરે છે. ખરા ધર્મથી મોક્ષ મળે છે! નીચેની વાતચીતમાં ચાલો આપણે વધુ સમજીએ:- 

પ્રશ્નકર્તા: જીવને પરમેશ્વર કેવી રીતે કહેવાય? જીવ તો એક આભાસ છે. 

દાદાશ્રી: ભેદબુદ્ધિથી જીવ કહેવાય. ભેદબુદ્ધિ છે કે હું જુદો ને ભગવાન જુદા છે, ત્યારે જીવ થયો કહેવાય. અને અભેદ બુદ્ધિ થાય કે, 'હું ભગવાન જ છું' એટલે શિવબુદ્ધિ થાય. 

પ્રશ્નકર્તા: 'હું આત્મા છું' એ દ્રષ્ટિએ આત્મામાં ભેદ નથી? 

દાદાશ્રી: 'હું આત્મા છું' એવું ભાન થાય ને એટલે જીવ-શિવનો ભેદ તૂટી ગયો! 

પ્રશ્નકર્તા: એ બરોબર. પણ જીવ અને પરમેશ્વર એમાં શું ફરક છે? 

દાદાશ્રી: જીવ છે તે આ વિનાશી ચીજોનો ભોગવટો માંગે છે અને એને વિનાશી ચીજોમાં શ્રદ્ધા છે. અને પરમેશ્વરને અવિનાશીમાં જ શ્રદ્ધા છે અને પરમેશ્વર પોતાના અવિનાશી પદને જ માને છે. વિનાશી ચીજોની એને કિંમત નથી. ફેર એટલો જ છે. 'જીવ' એટલે એ 'પોતે' ભ્રાંતિમાં છે, એ ભ્રાંતિ જાય એટલે પછી આ વિનાશી ચીજોની મૂર્છા બધી ઊડી જાય, ત્યારે 'પોતે' જ 'પરમેશ્વર' થાય છે! 

ભગવાન, આધ્યાત્મિક ગુરુ, મેયર, સતી, વેશ્યા, ચોર કે ગધેડામાં અંદર રહેલા તત્ત્વના આધારે કોઈ ફેર નથી. આનું કારણ છે કે દરેકની અંદર રહેલો આત્મા સરખો છે. માત્ર ફર્ક એટલો છે કે પ્રગટ પુરુષોમાં આત્મા સંપૂર્ણ જાગૃત થયેલો છે અને આપણામાં અંતરાયેલો છે. છતાં પણ અજ્ઞાનતાના આવરણ ખસીને આત્મા પ્રગટ થવા જેટલી જ વાર છે! મારો આત્મા પરમાત્મા છે તેના અનુભવ માટે જ્ઞાનીનો ભેટો થવો એટલું જ જરૂરી છે!!! 

×
Share on