Related Questions

આત્માની સફર કઈ છે?

જીવનનો હેતુ આત્માની યાત્રા દ્વારા વિકાસ સિવાય બીજું કંઈ જ નથી!

આત્મા પર કર્મોના આવરણ હોય તેને જીવ કહે છે. તેની યાત્રામાં જીવ વિકાસના અનેક અવસ્થાઓમાંથી પસાર થાય છે અને જેમ કર્મો ક્ષય થતા જાય છે, તેમ આધ્યાત્મિક પ્રગતિ કરે છે. જો બીજી કોઈ ડખલ ના થાય, તો આત્મા સ્વભાવે કરીને ઊર્ધ્વગામી છે અને મોક્ષ તરફ જઈ રહ્યો છે.

જો કે, સામાન્ય રીતે ડખલ થતી હોય છે. આ રીતે, આત્માની મુક્તિ તરફની સફર એટલી સરળ નથી. આમ, તે કુદરતી રીતે જુદી જુદી યોનીઓમાંથી પસાર થાય છે. આ સંસાર મુક્તિ માટે આત્માની પ્રગતિ માટેના ત્રણ વિભાગો છે, જે નીચે મુજબ છે:

૧. એવું જીવન કે જેની કોઈ ઓળખ નથી. તે સંસારમાં પ્રવેશની રાહ જોઈ રહ્યું છે.

કોઈ જીવને સાંસારિક ચક્રમાં પ્રવેશતા પહેલા એક એવી અવસ્થા છે, જેમાં આત્મા પર સંપૂર્ણ આવરણ છે. આ અવસ્થામાં આત્મા બગડેલો નથી અથવા તેનો નાશ થતો નથી. આત્મા છે, પરંતુ તે સંપૂર્ણ રીતે આવરાયેલો છે (તેના પર આવરણના ગાઢ સ્તરોથી). તેથી, આત્માના જ્ઞાનના પ્રકાશનું એક પણ કિરણ બહાર આવવા માટે સક્ષમ નથી. તેને ‘નિગોદ’ કહે છે. આ અવસ્થામાં અનંત આત્માઓ છે, તેઓ સંપૂર્ણ રીતે આવરાયેલા હોય છે. આ જીવોમાં એક પણ ઈન્દ્રિયનો વિકાસ થયો નથી અને તેથી તેઓ નિષ્ક્રિય અવસ્થામાં છે.

૨. એવું જીવન કે જેની ઓળખ છે. તેણે સંસારમાં પ્રવેશ કર્યો છે.

જ્યારે આ દુનિયામાંથી કોઈ આત્મા મોક્ષ પ્રાપ્ત કરે છે, ત્યારે નિગોદમાંથી એક આત્મા સાંસારિક ચક્રમાં પ્રવેશ કરે છે. નિગોદના આત્મા ઉપરથી થોડુંક આવરણ ખસે છે, જ્યાંથી આત્માનો થોડો પ્રકાશ બહાર આવે છે. આમ, એક ઈન્દ્રિય વિકસિત થાય છે. આ સાથે કોઈ ચોક્કસ જીવ આ સંસારમાં તેની યાત્રા શરૂ કરે છે અને ધીરે ધીરે એકેન્દ્રિયથી બે ઈન્દ્રિય, ત્રણ ઈન્દ્રિય, ચાર ઈન્દ્રિય, પંચેન્દ્રિયમાં વિકાસ પામે છે અને પછી મનુષ્યગતિમાં આવે છે કે જ્યાં તેનું મન, બુદ્ધિ, અહંકારનો વિકાસ થાય છે. આ જીવો બંધનમાં હોય છે. દરેક અવસ્થામાં, આવરણોને લીધે આ જીવો અત્યંત દુ:ખમાંથી પસાર થાય છે. આત્મા પરના આવરણ ઓછા થવાનું ચાલુ હોય છે, કારણ કે તેમનો વિકાસ કુદરતી રીતે થયા કરે છે. જ્યારે મનુષ્યગતિમાં હોય ત્યારે વ્યક્તિ મન, બુદ્ધિ અને અહંકારને લીધે નવા કારણો સેવે છે. આ કારણોના આધારે જીવો દેવગતિ, મનુષ્યગતિ, જાનવરગતિ કે નર્કગતિમાં પુનર્જન્મ લે છે. દરેક જન્મમાં જીવ પહેલા કરેલા કારણોના પરિણામની અસરોને ભોગવે છે. આખરે જ્યારે આત્મજ્ઞાન મળે છે, ત્યારે સાંસારિક પ્રગતિ અટકે છે; નવા કર્મો ચાર્જ કરવાનું બંધ થાય છે. જ્યારે બધા જૂના કર્મો કોઈ પણ દખલ વિના ડિસ્ચાર્જ થાય છે, ત્યારે વ્યક્તિ સંપૂર્ણ મોક્ષ પ્રાપ્ત કરે છે!

3. ત્રીજું આત્માની અંતિમ મુક્તિ (મોક્ષ) છે. જેમણે આ સંસારમાંથી મુક્તિ મેળવી છે.

આ મોક્ષે ગયેલા આત્માઓ છે. તેઓ અંતિમ મુક્તિની અવસ્થામાં (મોક્ષમાં) સ્થાન પામેલ છે અને તેથી તેઓ આ સંસારમાં પાછા આવતાં નથી. તેઓ તમામ સાંસારિક બંધનોથી મુક્ત છે.

આત્માની સફર: તેનું સંચાલન કોણ કરે છે?

આ વિશ્વમાં છ અવિનાશી તત્ત્વો છે. તેઓ કાયમ માટે હોય છે. જ્યારે આ તત્ત્વો એકબીજાના સંપર્કમાં આવે છે, ત્યારે તેમની અવસ્થાઓ આપમેળે બની જાય છે.

આ છ તત્ત્વોમાં એક તત્ત્વ આત્મા છે. આત્મા એ કેવળજ્ઞાન સિવાય બીજું કંઈ નથી! અન્ય તત્ત્વો પણ શક્તિશાળી છે (તેમના સંબંધિત ગુણધર્મની દ્રષ્ટિએ), પરંતુ તેમની પાસે કોઈ જ્ઞાન અથવા સમજ (ગુણ) નથી. જ્યારે જડતત્ત્વ અને આત્મતત્ત્વ એકસાથે આવે છે, ત્યારે આત્માની જુદી જુદી અવસ્થાઓ આપમેળે થાય છે. ઉદાહરણ તરીકે, એક આત્મા આપમેળે મનુષ્ય બને છે (તેની અવસ્થા).

જેમ કે, જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી એક બીજાની આસપાસ ફરે છે, ચંદ્રની અવસ્થાઓ જે આપણે જોઈ શકીએ છીએ - ચંદ્રનો પ્રથમ દિવસ, ચંદ્રનો બીજો દિવસ, ચંદ્રનો ત્રીજો દિવસ, વગેરે. જો કે, તે બધા ક્ષણિક છે, પરંતુ ચંદ્ર ક્ષણિક નથી. તેવી જ રીતે મનુષ્ય, દેવી-દેવતાઓ, પ્રાણીઓ, જંતુઓ આત્માની બધી અવસ્થાઓ છે, જે ક્ષણિક છે. તેમ છતાં આત્મા ક્ષણિક નથી.

આપણે શુદ્ધાત્મા છીએ. જો કે, આત્માને જોઈ શકાતો નથી. આપણે જે જોઈ રહ્યા છીએ તે અવસ્થા છે. આત્માની અજ્ઞાનતાને લીધે આપણે વિચારીએ છીએ, “હું આ અવસ્થા (માનવ) છું, હું જ્હોન છું, હું ભાઈ છું, હું ડૉક્ટર છું, વગેરે.” અસંખ્ય આવી ખોટી માન્યતાઓ રચાય છે જેના આધારે સાંસારિક વ્યવહાર શરૂ થાય છે. “હું જ્હોન છું”ની માન્યતા સાથે, “મેં આ કર્યું”ની બીજી ખોટી માન્યતાથી કર્મ ચાર્જ થાય છે. આ બધું આત્માની યાત્રા દરમિયાન આપમેળે બની જાય છે.

ચાલો, નીચેની વાતચીત પરથી સમજીએ:

દાદાશ્રી: આ તો આત્માને એવા સંજોગ ભેગા થયા છે! આ જેમ અત્યારે આપણે અહીં બેઠા છીએ ને બહાર નીકળીએ, તો એકદમ ધુમ્મસ વરસે તો તમે ને હું સામસામે પણ ના દેખાય. એવું બને કે ના બને?

પ્રશ્નકર્તા: હા, બને.

દાદાશ્રી: હા, તે ધુમ્મસ પડે છે તેથી દેખાતું બંધ થઈ જાય છે. એવું આ આત્માને સંજોગોરૂપી ધુમ્મસ પડેલી છે. એટલા બધા સંજોગો ઊભા થાય છે! અને પેલી ધુમ્મસ કરતા તો આ અનંત જાતના પડ છે. એ એટલા બધા ભયંકર આવરણો છે, તે એને ભાન થવા દેતું નથી. બાકી, આત્મા કશું આવ્યોય નથી ને ગયોય નથી. આત્મા પોતે જ પરમાત્મા છે! પણ ભાન જ થવા દેતું નથી, એય અજાયબી છે ને!! અને એ 'જ્ઞાની'એ જોયેલું છે, જે છૂટા થયા છે એમણે જોઈ લીધું છે!!!

પ્રશ્નકર્તા: આત્માને કોણે બનાવ્યો?

દાદાશ્રી: એને કોઈએ બનાવ્યો નથી. બનાવ્યો હોય ને તો તેનો નાશ થાય. આત્મા એ નિરંતર રહેનારી વસ્તુ છે, એ સનાતન તત્ત્વ છે. એનું 'બીગિનિંગ' થયું જ નથી. એનો કોઈ બનાવનાર નથી. બનાવનાર હોય તો તો બનાવનારનોય નાશ થાય અને બનનારનોય નાશ થાય.

પ્રશ્નકર્તા: આત્મા જેવી વસ્તુ શા માટે ઉત્પન્ન થઈ છે?

દાદાશ્રી: એ ઉત્પન્ન જેવું થયું જ નથી. આ જગતમાં છ તત્ત્વો છે, તે તત્ત્વો નિરંતર પરિવર્તન થયા જ કરે છે ને પરિવર્તનને લઈને આ અવસ્થાઓ બધી દેખાય છે. અવસ્થાઓને લોક જાણે છે કે, 'આ મારું સ્વરૂપ છે.' એ અવસ્થાઓ વિનાશી છે અને તત્ત્વ અવિનાશી છે. એટલે આત્માને ઉત્પન્ન થવાનું હોતું જ નથી.

પ્રશ્નકર્તા: એટલે એકલા આત્માને જ મોક્ષે જવાનું છે, બીજા બધાને કંઈ લાગતું નથી?

દાદાશ્રી: આત્મા મોક્ષસ્વરૂપ જ છે, પણ આમાં આ બીજા તત્ત્વોનું દબાણ આવ્યું છે. તે તત્ત્વોમાંથી છૂટે એટલે મોક્ષ થાય! ને પોતે મોક્ષ સ્વરૂપ જ છે. પણ અજ્ઞાને કરીને માન્યા કરે છે કે, 'હું આ છું, હું આ છું', ને એથી 'રોંગ બિલીફો'માં ફસાયા કરે છે! અને જ્ઞાને કરીને છૂટે.

ઉત્ક્રાંતિના માર્ગ પર વિકાસના તબક્કા

આત્મા બધા સમયગાળા (ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય) દરમ્યાન તેની શુદ્ધ સ્થિતિમાં છે. તેમ છતાં આવરણોને લીધે તેની વાસ્તવિકતા તમારી દ્રષ્ટિમાં આવી શકતી નથી. એકવાર તે તમારી દ્રષ્ટિમાં આવે તો દ્રષ્ટિ શુદ્ધ થાય છે, જેના પછી તે ક્યારેય અશુદ્ધ થતી નથી. તેમ છતાં, આત્માએ હંમેશાં દરેક જન્મમાં ઊભી થતી અવસ્થાઓમાં અને દરેક સમયગાળામાં પોતાની વીતરાગતા અને શુદ્ધતા જાળવી રાખી છે. અત્યારે પણ આપણો આત્મા શુદ્ધ છે. દરેકનો આત્મા શુદ્ધ છે, પરંતુ બાહ્ય સ્વરૂપ (અવસ્થા) ઊભું થયું છે, જે તમારી રોંગ બિલીફના આધારે ઊભું થયું છે. આમ, આત્માની યાત્રામાં ઘણી બધી અવસ્થાઓ શામેલ છે, એક તત્ત્વ તરીકે આત્મા શુદ્ધ રહે છે.

આત્મા પાસે અનંત જ્ઞાન છે, પરંતુ તે હંમેશાં કર્મોથી અવરાયેલું છે. જ્યારે અજ્ઞાનતા (વિવિધ ખોટી માન્યતાઓ)ના આવરણ તૂટે છે, ત્યારે આત્માનું તેટલું જ્ઞાન (સંસારિક જીવનમાં) પ્રગટ થાય છે!

દાખલા તરીકે, જો તમે કોઈ ઘડામાં ૧000 વોલ્ટનો બલ્બ મૂકો અને તેને સીલ કરો, તો ઘડામાંથી એક પણ પ્રકાશનું કિરણ બહાર નહીં આવે. હવે, જો તમે ઘડામાં એક કાણું પાડશો, તો પ્રકાશનું એક કિરણ બહાર આવશે. તે જ રીતે, આત્માનો પ્રકાશ એકેન્દ્રિય દ્વારા બહાર આવે છે અને તે એકેન્દ્રિય જીવની અવસ્થા પ્રાપ્ત કરે છે. જ્યારે બીજું કાણું થાય છે, ત્યારે તે બે ઈન્દ્રિયના જીવની અવસ્થામાં આવે છે. અંદર આત્મા સંપૂર્ણ છે, તેનો પ્રકાશ (જ્ઞાન) સંપૂર્ણ છે. જો કે, તેના પર ઘણા બધા આવરણ છે, જેથી પ્રકાશ બહાર આવતો નથી.

ટૂંકમાં, આ રીતે આત્માની યાત્રા થાય છે:

  • જીવની સંપૂર્ણ નિષ્ક્રિય અવસ્થા, જ્યાં કોઈ જ જ્ઞાન અથવા દ્રષ્ટિ જ નથી, પછી,
  • જીવ એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિયમાં વિકાસ પામે છે અને છેવટે મનુષ્યગતિમાં આવે છે, અને પછી તે
  • આત્મસાક્ષાત્કાર કરીને જીવ આખરે છેવટનો મોક્ષ પ્રાપ્ત કરે છે.

તેમને આપણે અત્યંત શ્રદ્ધાથી નમન કરીએ છીએ,
આપણને જેણે શુદ્ધ પ્રકાશ આપ્યો;
દરેક આત્મા હવે એક મંદિર છે, જ્યાં ઘંટનાદ થાય છે,
જય સચ્ચિદાનંદ!

×
Share on