Related Questions

આધ્યાત્મિક જાગૃતિ પછી તમને શું અનુભવ થશે?

પ્રગટેલા દીવાનું ચિત્ર ઓરડાનું અંધારું દૂર ના કરી શકે, પણ એક પ્રગટ દીવો કરી શકે. એવી જ રીતે શાસ્ત્રોનું જ્ઞાન પણ આત્માનો વાસ્તવિક અનુભવ નહીં કરાવી શકે; એ ખાલી તમને સમજણ આપી શકશે. આત્માનો અનુભવ કરવા માટે તમારે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું જરૂરી છે. જ્યારે પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ આ આત્મજ્ઞાન દ્વારા તમારી ઉપર કૃપા ઉતારે ત્યારે આત્માનો અનુભવ શરૂ થાય છે. ત્યારબાદ, “હું શુદ્ધાત્મા છું”ની જાગૃતિ એની મેળે જ સહજપણે રહેશે. આ જાગૃતિ તમને અડધી રાતે જાગશો ત્યારે પણ હશે.

જેને (જે વસ્તુઓને) યાદ કરવા માટે પ્રયત્ન કરવો પડે છે, તે બધું પુદ્ગલના ભાગનું છે. તમારે આત્મા યાદ નહીં કરવો પડે. એકવાર આત્મા તરીકેનો સ્વ-સ્વભાવનો અનુભવ થાય પછી, તમારે તેને યાદ કરવા માટે કોઈ પ્રયત્ન નહીં કરવો પડે.

તમે આત્માનો અનુભવ કરો ત્યારે શું થાય છે?

પોતે અનાદિકાળથી વિભ્રમમાં પડેલો છે. આત્મા છે સ્વભાવમાં, પણ વિભાવની વિભ્રમતા થઈ. તે સુષુપ્ત અવસ્થા કહેવાય. તે જાગ્યો ત્યારે તેનું લક્ષ બેસે આપણને. એ જ્ઞાને કરીને જાગે. 'જ્ઞાની પુરુષ' જ્ઞાને કરીને બોલાવે. એટલે આત્મા જાગે પછી લક્ષ ના જાય. લક્ષ બેઠું એટલે અનુભવ, લક્ષ ને પ્રતીતિ રહે. આ લક્ષની મહીં પ્રતીતિ હોય જ. હવે અનુભવ વધતા જવાના. પૂર્ણ અનુભવને કેવળજ્ઞાન કહ્યું.

આત્માનો અનુભવ થઈ ગયો એટલે દેહાધ્યાસ છૂટી ગયો. દેહાધ્યાસ છૂટી ગયો એટલે કર્મ બંધાતા અટકી ગયા. પછી શું જોઈએ વધારે? પહેલા ચંદુભાઈ શું હતા અને આજે ચંદુભાઈ શું છે એ સમજાય. ત્યારે એ ફરે શાને લઈ ને? આત્મઅનુભવથી. પહેલા દેહાધ્યાસનો અનુભવ હતો અને આ આત્મઅનુભવ છે. પ્રતીતિ એટલે આખી માન્યતા સો ટકા ફરી અને ‘હું શુદ્ધાત્મા જ છું’ એ જ વાત ચોક્કસ થઈ ગઈ અને ‘હું શુદ્ધાત્મા છું’ એ શ્રદ્ધા બેસે પણ ઊઠી જાય પાછી અને પ્રતીતિ ઊઠે નહીં. શ્રદ્ધા ફરી જાય, પ્રતીતિ ફરે નહીં. એ પ્રતીતિ એટલે આપણે આ લાકડી અહીં ગોઠવી છે તેની ઉપર બહુ દબાણ આવે, તો આમ વાંકી થઈ જાય પણ સ્થાન છોડે નહીં. ગમે એટલો કર્મોનો ઉદય આવે, ખરાબ ઉદય આવે, પણ સ્થાન છોડે નહીં. ‘હું શુદ્ધાત્મા છું’ એ ઊડી ના જાય. તે અનુભવ, લક્ષ અને પ્રતીતિ આ ત્રણ રહે. પ્રતીતિ કાયમની રહે. લક્ષ છે તે અમુક ટાઈમ રહે. કંઈક ધંધામાં કે કામમાં પડ્યા કે પાછું લક્ષ ચૂકી જવાય અને કામમાંથી મુક્ત થાય કે પાછું લક્ષમાં આવી જાય. અને અનુભવ તો ક્યારે થાય કે કામમાંથી, બધાથી પરવારી અને એકાંતમાં બેઠા હોય ત્યારે અનુભવનો સ્વાદ આવે. જો કે અનુભવ તો વધ્યા જ કરે. અનુભવ, લક્ષ ને પ્રતીતિ. પ્રતીતિ એ પાયો છે. એ પાયો થયા પછી લક્ષ ઉત્પન્ન થાય, પછી ‘હું શુદ્ધાત્મા છું’ એ લક્ષમાં રહ્યા જ કરે નિરંતર. અને જ્યારે નવરાશમાં બેઠા હોય અને જ્ઞાતા-દ્રષ્ટા થયા થોડીવાર એ અનુભવ. કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય ત્યાં સુધી આ અનુભવ ધીમે ધીમે વધતો જશે. કેવળજ્ઞાન એટલે આત્મઅનુભવની સંપૂર્ણ અનુભવ દશા. હાલમાં તેનો આંશિક અનુભવ પ્રાપ્ત થયો છે.

આધ્યાત્મિક જાગૃતિ પછીના માઈલસ્ટોન

વર્તન, બિલીફ અને જ્ઞાન એકબીજાને ડિપેન્ડન્ટ છે. જેવી બિલીફ તેવું જ્ઞાન મળે અને તેવું જ વર્તન થઈ જાય. વર્તન એ કંઈ કરવાનું ના હોય.

હું શુદ્ધાત્મા છું’ એ દર્શન. એનો અનુભવ થાય એ જ્ઞાન. જેટલા પ્રમાણનો અનુભવ, એટલા પ્રમાણમાં વીતરાગતા, એટલું જ ચારિત્ર. એટલે આ જ્ઞાન-દર્શન-ચારિત્ર ને તપ, ચાર પાયા સહિત હોવું જોઈએ. એ ચોથા પાયાનો નિકાલ તો કરવો જ પડશે ને? એમાં આપણાથી ના પણ ન કહેવાય. હવે તપ ક્યારે કરવાનું? અકળામણ થાય મહીં. તે અંદર હૃદય તપે, પણ પેલો સહકાર તૂટી ગયોને બન્નેનો! એને આપણે જોયા કરવાનું, એનું નામ તપ કહેવાય.

જ્યારે જ્ઞાન અને દર્શન બે ભેગા થાય ત્યારે ચારિત્ર આપોઆપ જ પ્રગટ થાય છે, તે સમયે મહીં નિરંતર તપ હોય છે. પોતાને ના ગમતું આવે ત્યારે તપ કરવું પડે. તપમાં ભૂખ્યા રહેવાની જરૂર નથી. (શરીરને કષ્ટ આપવાની જરૂર નથી.)

તપ એટલે શું, અંદર ઘર્ષણ થાય?

નહીં, મહીં અજંપો થાય ને અકળામણ થાય. મોઢે બહાર ના બોલીએ પણ અંદર ને અંદર અકળામણ થઈ જાય. તે તપ સહન કરવું પડે. બહાર તો ફાઈલોનો નિકાલ કરીએ સમભાવે, પણ મહીં અકળામણ થઈ જાય, એ સહન કર્યું ને પેલાને સામાને દઝાડ્યા સિવાય શાંતિથી સહન કર્યું, એનું નામ તપ કહેવાય. એને અદીઠ તપ કહ્યું.

જ્યારે જબરજસ્ત તપ કરે ત્યારે, 'તે' દર્શનમાંથી જ્ઞાન (આત્માના અનુભવ) તરફ ખસે છે.

આત્માનો અનુભવ માત્ર તપ પછી જ થાય છે. નહીં તો તમને કઈ રીતે અનુભવ થાય? અંતરતપ જેમાં પણ તમને કંઈ પણ અંદર તપે (અકળામણ થાય) અને તેનાથી જુદા રહેવાનો તમે પ્રયત્ન કરો. અને જ્યારે તમે આવું કરશો ત્યારે તમને ખરેખર અનુભવ થશે.

તો જે પણ બાબતોમાં તપ ઊભું થતું હોય, તો તેમાંથી તે મુક્ત થતો જાય.

તમે તેનાથી મુક્ત થઈ જશો અને એ અનુભવ જ ખરેખર આત્માનો અનુભવ છે. આત્માનું સુખ અને પ્રકાશ વધતો જ રહેશે.

એ આત્માનો અનુભવ કેટલો સમય ટકે?

પરમ પૂજ્ય દાદાશ્રી કહે છે કે, કાયમને માટે ટકે. એક મિનિટ, બે મિનિટ માટે નહીં. એક મિનિટ-બે મિનિટ તો આ દરેક વસ્તુઓ છે જ ને, આ દુનિયામાં. આ ખાવા-પીવાની બધી વસ્તુઓ અહીં આગળ જીભ ઉપર રહે તેટલો વખત જ ટકે, પછી જતું રહ્યું. પછી અનુભવ હોય? આપણે મીઠાઈ ખાઈએ તો કેટલીવાર અનુભવ ટકે? અને અત્તરનું પૂમડું ઘાલીએ તો? દશ-બાર કલાક ટકે અને આત્મા તો, એક જ ફેરો અનુભવ થયો કે કાયમ જ ટકે. કાયમ જ અનુભવ રહેવો જોઈએ. નહીં તો એનો અર્થ જ નહીં ને! એ પછી 'મીનીંગલેસ' વાત છે.”

નિરાકુળ આનંદ કયો કહેવાય?

આનંદ બે પ્રકારના: એક આપણને 'બિઝનેસ'માં ખૂબ રૂપિયા મળી જાય, સારો સોદો થઈ ગયો, તે ઘડીએ આનંદ થાય. પણ તે આકુળતા-વ્યાકુળતાવાળો આનંદ, મૂર્છિત આનંદ કહેવાય. છોકરો પૈણાવે, છોડી પૈણાવે તે ઘડીએ આનંદ થાય, તે પણ આકુળતા-વ્યાકુળતાવાળો આનંદ, મૂર્છિત આનંદ કહેવાય અને નિરાકુળ આનંદ થાય તો જાણવું કે આત્મા પ્રાપ્ત થયો.

અહીં સત્સંગમાં જે બધો આનંદ થાય છે, તે નિરાકુળ આનંદ છે. અહીં આકુળતા-વ્યાકુળતા ના હોય. આકુળ-વ્યાકુળવાળા આનંદમાં શું થાય કે મહીં ઝંઝટ ચાલ્યા કરતી હોય. અહીં ઝંઝટ બંધ હોય અને જગત વિસ્મૃતિ રહ્યા કરે. હમણાં કોઈ વસ્તુને લઈને આનંદ આવે તો આપણે સમજીએ કે આ પૌદ્‌ગલિક આનંદ છે. આ તો સહજ સુખ! એટલે નિરાકુળ આનંદ. આકુળતા-વ્યાકુળતા નહીં. જાણે ઠરી ગયેલા હોઈએ એવું આપણને લાગે. ઉન્માદ કશો ના હોય.

ઉનાળામાં બેઠા હો તો પવન આવે ને એય ઠંડો લાગે તો સમજાય કે બરફ હોવો જોઈએ, તેમ અહીં આત્માનો અસ્પષ્ટ અનુભવ થઈ જાય છે; અને આ વેદન શરૂ થયું ત્યારથી સંસારનું વેદન બંધ થાય. એક જગ્યાએ વેદન હોય, બે જગ્યાએ વેદન ના હોય. આત્માનું જ્યારથી વેદન શરૂ થાય, તે આત્માનું 'સ્વસંવેદન' અને તે ધીમે ધીમે વધીને 'સ્પષ્ટ' વેદન સુધી પહોંચે!

×
Share on