શું તમે ‘એવરીવ્હેર એડજસ્ટેબલ’ એ સાંભળ્યું છે ખરું? આ શબ્દોનો ચોક્કસ અર્થ ખબર છે? શું તમે એવી પરિસ્થિતિઓ કે પ્રસંગોમાં એડજસ્ટ થઈ શકો ખરા જે તમને જરા પણ અનુકૂળ ન હોય? તમે શું પ્રતિભાવ આપશો? શું તમે પરિસ્થિતિને સ્વીકારી લેશો કે પછી તમે કોઈને દોષિત જોઈ લેશો? અથવા તો, તમે આ સમગ્ર પરિસ્થિતિને નેવે મૂકી દો છો? શું તમે ક્લેશરહિત શાંતિપૂર્ણ જીવન જીવવા માટે બધા સાથે એડજસ્ટેબલ વ્યક્તિ બની શકો ખરા?
પરમ પૂજ્ય દાદા ભગવાન કહે છે કે એડજસ્ટ થવું એ જ ધર્મ છે. તેમણે આપણી સમક્ષ ખુલ્લા કરેલા વાસ્તવિક અનુભવો આનું સુંદર રીતે દૃષ્ટાંત આપે છે. પરમ પૂજ્ય દાદાશ્રી કહેતા કે, આ દુનિયામાં કોઈ પણ વસ્તુમાં જરા પ્લસ-માઈનસ કરીને એડજસ્ટમેન્ટ કરવાનું. જ્યાં માઈનસ હોય ત્યાં તેઓ પ્લસ કરી દેતા અને પ્લસ હોય ત્યાં માઈનસ. દાખલા તરીકે, જો કોઈ તેમને એમ કહે કે, તમારું કહેલું બરાબર નથી, તો તેઓ ફક્ત એટલું જ કહેતા, “હા, બરાબર છે.” તેઓ તરત જ એડજસ્ટમેન્ટ લઈ લેતા.
ચાલો, 'એવરીવ્હેર એડજસ્ટેબલ’નો વાસ્તવિક અર્થ, જ્ઞાની પુરૂષ પરમ પૂજ્ય દાદાશ્રી કઈ રીતે તેમના રોજિંદા જીવનમાં અપનાવતા તે જાણીએ. અહીં એમના જીવનના કેટલાક અનુભવો વર્ણવેલા છે.
ઘણી વખત જયારે ચામાં ખાંડ ન હોય, એવા પ્રસંગોમાં પણ પરમ પૂજ્ય દાદાશ્રી કશું બોલતા નહીં. ત્યારે લોકો કહેતા કે, “આવું કરશો ને, તો ઘરમાં બધું બગડી જશે.” ત્યારે તેઓ બીજા દિવસે શું બંને છે તે જોવાનું કહેતા. બીજા દિવસે હીરાબા પૂછે કે, “કાલે ચામાં ખાંડ નહોતી, તે તમે અમને કશું કહ્યું નહીં?” ત્યારે તેઓ કહેતા, “મારે કહેવાની શી જરૂર? તમને ખબર પડશે ને! તમે ના પીતા હોય તો મારે કહેવાની જરૂર પડે. તમે પીવો છો ને, પછી મારે કહેવાની જરૂર શી?”
એક દિવસ હીરાબાએ કઢી બનાવી. તે સરસ બની હતી, પરંતુ તેમાં મીઠું જરાક વધારે પડેલું હતું. પરમ પૂજ્ય દાદાશ્રીને લાગ્યું કે “મીઠું વધારે પડ્યું છે, પણ જરાક ખાવી તો પડશે જ ને!” એટલે પછી હીરાબા રસોડામાં ગયા, કે પરમ પૂજ્ય દાદાશ્રીએ કઢીમાં પાણી ભેળવી દીધું. હીરાબાએ આ જોઈ લીધું અને તેમણે આમ શા માટે કર્યું તે પૂછ્યું. પરમ પૂજ્ય દાદાશ્રીએ કહ્યું કે પાણી ટેબલ પર નાખીએ કે સ્ટવ પર રાખીને, તેમાં કશો ફેર નથી. હીરાબાએ કહ્યું, “પણ ઉપર રેડીને અમે ઉકાળી આપીએ.” ત્યારે પરમ પૂજ્ય દાદાશ્રીએ કહ્યું કે, એનાથી તેમને કશો ફેર પડતો નથી.
એક વખત પરમ પૂજ્ય દાદાશ્રી નહાવા માટે ગયા અને જોયું કે ત્યાં પાણી રેડવા માટે ટંબલર નથી. તેથી, તેમણે પરિસ્થિતિને અનુરૂપ એડજસ્ટમેન્ટ લેવાનું વિચાર્યું. તેમને પાણીમાં હાથ નાખી જોયો તો પાણી બહુ ગરમ હતું. તેમણે થોડા ઠંડા પાણી માટે નળ ખોલ્યો તો ખબર પડી કે ટાંકી ખાલી હતી. તેમણે હાર ન માની કે કોઈ પર ગુસ્સે પણ ન થયા, તેમણે માત્ર એડજસ્ટમેન્ટ લીધું. તેઓ ધીમે ધીમે હાથેથી પાણી ચોપડી ચોપડી, ટાઢું પાડીને નહાયા. બહાર મહાત્માઓ કહેતા હતા, “આજે દાદાને નહાતાં બહુ વાર લાગી.” પરમ પૂજ્ય દાદાશ્રી શું કરી શકે? તેમને પાણી ઠંડું પડવાની રાહ જોવી પડી. તેમણે કોઈને પણ અગવડતા પડવા ન દીધી. તેઓ આટલા એડજસ્ટેબલ હતા!
પરમ પૂજ્ય દાદાશ્રીની એડજસ્ટ થવાની ક્ષમતાની કોઈ સીમા ન હતી. તેઓ ચોર કે ખીસાકાતરુ સાથે પણ એડજસ્ટ થઈ જતા. ચોરને પરમ પૂજ્ય દાદાશ્રીના વ્યવહાર પરથી ખબર પડી જતી કે તેઓ કેટલી કરુણાવાળા હતા. તેઓ ક્યારેય ચોરને ખોટું કરે છે એવું ન કહેતા. કારણ કે તેમના મતે ચોર પોતાના વ્યૂ પોઈન્ટ મુજબ વર્તે છે. આનાથી વિરુદ્ધ, લોકો તો ચોરને નાલાયક કહીને ગાળો ભાંડે. પરમ પૂજ્ય દાદાશ્રી એવી દલીલ કરતા કે, આવો વ્યૂ પોઈન્ટ તો બીજા વ્યવસાયીઓ જેમ કે વકીલો, કે જેઓ જુઠ્ઠા કેસ પોતાના હાથમાં લેતા હોય છે, તેમને પણ લાગુ પડવો જોઈએ. તેમને પણ જુઠ્ઠા ગણવા જોઈએ. એક વ્યૂ પોઈન્ટ પ્રમાણે કોઈ પણ દલીલ કરી શકે કે ચોરોને લુચ્ચા કહે તો જુઠ્ઠા કેસને સાચા કહેનારા વકીલો પણ અવિશ્વસનીય છે. અને છતાં, વકીલોનું ચાલે છે! આમ, પરમ પૂજ્ય દાદાશ્રી કોઈને ક્યારેય ખોટા કે ખરાબ કહેતા ન હતા. તેમના મતે દરેક પોતાના વ્યૂ પોઈન્ટથી સાચા જ છે. તેઓ માત્ર સાચી વાતની સમજ પાડતા અને કાર્યના આવનારા ફળ વિશે જણાવતા. તેઓ દ્રઢ પણે એવું માનતા કે કોઈ ખરાબ છે જ નહીં. લોકો વચ્ચેના મતભેદો અહંકારને કારણે હોય છે.
પરમ પૂજ્ય દાદાશ્રીમાં અસાધારણ ગુણો હતા. તેઓ પારકાં માટે ઉદાર અને પોતાની જાત માટે કરકસરિયા, તો સત્સંગ માટે ઝીણા હતા. તેમની ઈકોનોમી એડજસ્ટેબલ હતી, ઉત્કૃષ્ટ હતી. તેઓ પાણી પણ કરકસરથી વાપરતા. તેઓ સહજતા અને સરળતાની મૂર્તિ હતા.
subscribe your email for our latest news and events