આધ્યાત્મિક દૃષ્ટિ હોવાને કારણે, જ્ઞાની પુરુષ અને અક્રમ વિજ્ઞાનના આધ્યાત્મિક વિજ્ઞાની એવા પરમ પૂજ્ય દાદા ભગવાન આ સંસારમાં કોઈ પણ વ્યક્તિને દોષિત જોતા ન હતા. કોઈ એમનું ગજવું કાપે તોય એમને તે દોષિત દેખાય નહીં. તેમને ચોર અને હત્યારા સહિત દરેક વ્યક્તિ પ્રત્યે કરુણા રહેતી હતી. તેઓ દયા અથવા નિર્દયતા જેવા દ્વંદ્વોથી પર હતા. જ્ઞાની પુરુષને દયા ન હોય. જ્ઞાનીઓ દ્વંદ્વથી પર થઈ ગયેલા હોય. એમની દૃષ્ટિ જ નિર્દોષ થઈ ગઈ હોય, એટલે તત્ત્વદૃષ્ટિ હોય. એમની અવસ્થાદૃષ્ટિ ના હોય. બધાનામાં સીધો આત્મા જ દેખાય.
પરમ પૂજ્ય દાદાશ્રી, “અમને તો અપાર કરુણા હોય. અમને સહુ નિર્દોષ જ દેખાય. કારણ અમે જાતે નિર્દોષ દૃષ્ટિ કરીને આખાય જગતને નિર્દોષ જોઈએ છીએ! તાત્ત્વિક દૃષ્ટિએ જોઈએ તો દોષ કોઈનોય નથી, સંજોગો એવા છે તેથી. આ જગતમાં કારુણ્યમૂર્તિ થવાની જરૂર છે. જો કારુણ્યમૂર્તિ થાય તો મોક્ષ સામો આવે, ખોળવા જવો ન પડે. એટલે જ્ઞાનીઓને ખૂબ કરુણા હોય કે લોકો આ દુઃખોમાંથી છૂટે તો સારું. કંઈક સારો સંજોગ બેસી જાય તો સારું.
સત્સંગ દરમ્યાન, જો કોઈ કશું ન સમજવાને કારણે ગુસ્સે થઈ જાય, ત્યારે પરમ પૂજ્ય દાદાશ્રી તરત જ એવું રાખતા હતા કે આમાં તેમનો પોતાનો દોષ છે અને પોતે સો ટકા ખોટા છે. કારણ કે તેઓશ્રી જાણતા હતા કે લોકોનું પોતાની પ્રકૃતિ પર નિયંત્રણ નથી. જો તેઓશ્રી કશી સ્પષ્ટતા કરવા જાય અથવા તો વાતને સમજાવવા જાય તો પણ, તેનાથી સામાનો રોષ વધી જાય અને પછી આગળ શું બને તે કહી શકાય નહીં. તેના કરતા, પોતાની ભૂલ સ્વીકારી લેવી અને પરિસ્થિતિનું સમાધાન લાવવું એ જ સારું. આવી હોય છે જ્ઞાની પુરુષની આધ્યાત્મિક દૃષ્ટિ!
subscribe your email for our latest news and events