પરમ પૂજ્ય દાદા ભગવાન
જૂન, ઓગણીસો અઠ્ઠાવનની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતું સુરતનું સ્ટેશન, પ્લેટફોર્મ નં. ૩ પરના રેલ્વેના બાંકડા પર અંબાલાલ મૂળજીભાઈ પટેલ બેઠેલા. રેલ્વેમાંથી ઊતરી વડોદરા જતી ગાડીની રાહ જોવા જતાં, કુદરતે અધ્યાત્મ માર્ગનું અદભૂત આશ્ચર્ય એ સમયે સર્જ્યું!
કંઈક જન્મોથી વ્યક્ત થવા મથતા ‘દાદા ભગવાન’, અંબાલાલ મૂળજીભાઈ રૂપી મંદિરમાં કુદરતી ક્રમે અક્રમ સ્વરૂપે સંપૂર્ણપણે પ્રગટ થયા. એક કલાકમાં વિશ્વદર્શન લાધ્યું! જગતના તમામ આધ્યાત્મિક પ્રશ્નોના ઉત્તરો દેખાયા ને પ્રશ્નો સંપૂર્ણ વિલય થયા! જગત શું છે? કેવી રીતે ચાલે છે? આપણે કોણ? કર્મ શું? બંધન શું? મુક્તિ શું?... એવા અસંખ્ય પ્રશ્નોના ફોડ દેખાયા. આમ કુદરતે જગતને ચરણે એક અજોડ સંપૂર્ણ દર્શન ધર્યું અને તેનું માધ્યમ બન્યા શ્રી એ.એમ.પટેલ, ભાદરણના પાટીદાર, કંટ્રાક્ટનો ધંધો કરનાર, છતાં પરમ ‘સત્’ને જ જાણવાની, સત્ને જ પામવાની ને સત્ સ્વરૂપ થવાની બચપણથી જ ઝંખના ધરાવનાર એ ભવ્ય પાત્ર માંહી ‘અક્રમ વિજ્ઞાન’ પ્રગટ થયું.
એમને પ્રાપ્ત થયું એ આશ્ચર્ય તો સર્જાયું. પણ એ આશ્ચર્યમાંય આશ્ચર્ય એટલે એમણે જે જોયું, જાણ્યું ને અનુભવ્યું તે અન્યને પણ એ દૃષ્ટિ ખોલાવી શકવાની તેઓની એ સમર્થતા! પોતે પોતાનું કરી છૂટી જનારા ઘણા નીકળે, પણ પોતાની સાથે હજારોને છોડાવવાની સમર્થતા સહિત છૂટનારા તો કેવળ તીર્થંકરો અથવા તો જ્ઞાનીઓમાંય કો’ક જ જ્ઞાની હોય.
જ્ઞાની પુરુષની ઓળખાણ એકમાત્ર તેમની વીતરાગ વાણી ઉપરથી થઈ શકે. બીજું કોઈ સાધન આ કાળમાં નથી. પૂર્વેના કાળમાં તો લોકો એટલા બધા ડેવલપ થયેલા હતા કે જ્ઞાનીની આંખ જોઈને તે વીતરાગતા ઓળખી જાય. જ્ઞાની પુરુષ સમય માત્ર વીતરાગતા વિહોણા ના હોય!
બાકી જ્ઞાની પુરુષને એમના ગુણોથી ઓળખવા જોઈએ. એમના ગુણોની ઓળખાણ એક સામાન્ય મનુષ્યને શી રીતે પડે? જ્ઞાની પુરુષને ૧૦૦૮ ગુણો હોય. એમાં મુખ્ય ચાર ગુણ જે કોઈનેય પ્રાપ્ત ના થાય તેવા હોય.
પ્રતાપ અને સૌમ્યતા બેઉ ગુણ એકસાથે એકમાત્ર જ્ઞાનીને જ હોઈ શકે. બાકી કેટલાકને એકલો પ્રતાપ હોય ને સૌમ્યતા ના હોય અને સૌમ્યતા હોય તેને પ્રતાપ ના હોય. યથાર્થ જ્ઞાનીને એક આંખમાં પ્રતાપ અને એક આંખમાં સૌમ્યતા હોય.
સ્થિરતા, અડગતા તો મેરુ પર્વત જેવી હોય. બાહ્ય કોઈ પણ સંયોગ તેમની આંતરિક સ્થિરતાને હલાવી ના શકે. આ અડગતા અને સંગી ચેતનામાં બહુ ફેર છે. કેટલાક દીવા ઉપર દશ મિનિટ વગર હાલ્યે હાથ રાખે તેને સ્થિરતા ના કહેવાય. એ તો હઠાગ્રહ કહેવાય, અહંકાર કહેવાય. જ્ઞાની સંપૂર્ણ નિર્અહંકારી હોય, સહજ હોય. દેહની અસરની સાથે લેવા-દેવા નથી. જ્ઞાની તો જ્યાં દઝાવાય ત્યાં એક તો હાથ નાખે જ નહીં ને ભૂલથી પડી જાય તો ઝટ લઈ લે! દેહ પણ સહજ સ્વભાવમાં હોય. બાકી અંદરથી જ્ઞાન સ્થિરતા ગજબની હોય! ગમે તે સંયોગમાં અંદરનું એકેય પરમાણુ ના હાલે તેને અસલ સ્થિરતા કહી છે! મહીં જરાય ડખો ના થાય, જરાય બળતરા ઉત્પન્ન ના થાય તે જ સ્થિરતા. બહારની બળતરા તે તો દેહના સ્વાભાવિક ગુણથી ઉત્પન્ન થયેલી હોય. તેને ને આંતરિક બાબતોને કંઈ સંબંધ નથી.
જ્ઞાની પુરુષની દશા અટપટી હોય. સામાન્ય મનુષ્યથી કળાય તેમ ન હોય. જ્ઞાની પુરુષને આશ્રમનો શ્રમ ના હોય, ધજા ના હોય, પંથ કે વાડો ના હોય, બોર્ડ ના હોય, ભગવું કે સફેદ વસ્ત્ર ના હોય, સીધા સાદા વેશમાં ફરતા હોય, તે સામાન્ય જીવને શી રીતે ઓળખાણ પડે?
છતાંય એમને ઓળખવા માટે ભૂલ-થાપ ના ખાઈ જવાય એટલા માટે શાસ્ત્રો કહે છે કે જ્ઞાની પુરુષ તો તે જ કે જે નિશદિન આત્માના જ ઉપયોગમાં રહે, તેમની વાણી અનુભવમાં આવે તેવી હોય, તેમને અંતરંગ સ્પૃહા ના હોય, ગર્વ કે ગારવતા ના હોય, જગતમાં કોઈ ચીજના તે ભિખારી ના હોય! માનના, વિષયોના, લક્ષ્મીના કે શિષ્યોનાય ભિખારી ના હોય. સંપૂર્ણ અયાચકપણું પ્રાપ્ત થાય ત્યાં જ જ્ઞાનપ્રકાશ પ્રગટે. સંપૂર્ણ તરણતારણહાર થયેલા હોય, તે જ બીજાને તારે.
જ્ઞાની પુરુષમાં તો કેટલાક ઉચ્ચ સંયોગી પુરાવા ભેગા થયા હોય, ઉચ્ચ નામકર્મ હોય. યશકર્મ હોય. યશ તો વગર કશું કર્યે સામેથી ઉપર આવીને પડે તેમને. સુંદર મનોહર વાણી હોય. લોકપૂજ્ય પદ હોય અને એવા કેટલાય પુરાવા હોય ત્યારે જ્ઞાની પુરુષ પ્રગટ થાય.
જ્ઞાનીને પુસ્તક વાંચવાનું ના હોય, માળા ફેરવવાની ના હોય, ત્યાં આગળ ભક્ત અને ભગવાનનો ભેદ ના હોય. પોતે જ ભગવાન હોય. ભગવાન તો વિશેષણ છે અને ભગવત્ ગુણો જેને પ્રાપ્ત થાય તેને ભગવાન શબ્દ વિશેષણરૂપે લાગે!
જ્યાં સુધી ભૂલ હોય ત્યાં સુધી માથે ભગવાન હોય. પણ એકેય ભૂલ ના રહે તો કોઈ ભગવાનેય ઉપરી નહીં. જ્ઞાની પુરુષનામાં એકેય ભૂલ ના હોય, તેથી તેમનો કોઈ ઉપરી જ નહીં તેમજ કોઈ અન્ડરહેન્ડ પણ નહીં. પોતે સંપૂર્ણ 'સ્વતંત્ર' હોય.
જ્ઞાનીનું પ્રત્યેક કર્મ દિવ્ય હોય. એકેય કર્મ ક્યાંય બંધનકર્તા ના થાય. જગતનાં લૌકિક કર્મ તે બીજ નાખીને જાય, જ્યારે જ્ઞાનીના કર્મ મુક્તિ આપીને જાય. અરે, એ પોતે તો મુક્ત પુરુષ જ હોય પણ કેટલાયને મુક્તિ આપી શકે તેવા સામર્થ્યવાન હોય!
જ્ઞાનીમાં ૧૦૦૮ ઉત્કૃષ્ટ ગુણો હોય છે. એ બધાનું વર્ણન શક્ય નથી. પરંતુ, એમાંના અમુક ગુણોને નીચે વિસ્તારથી રજૂ કર્યા છે:
જ્ઞાનીમાં અપાર કરુણા હોય, કરુણાના ધામ હોય. એમનામાં દયાનો છાંટોય ના હોય. દયા એ તો અહંકારી ગુણ, દ્વંદ્વગુણ કહેવાય. દયા હોય ત્યાં નિર્દયતા બીજે ખૂણે ભરી પડેલી જ હોય. એ તો નીકળે ત્યારે જ ખબર પડે. જ્ઞાની દ્વંદ્વાતીત હોય. જ્ઞાનીની આંખોમાં નિરંતર અમીવૃષ્ટિ જ હોય. 'આ પેટ્રોલના અગ્નિમાં ભડકે બળતા જગતના તમામ જીવોને કેમ કરીને કાયમી ઠંડક આપું' એ જ ભાવના નિરંતર વહેતી જ હોય.
જ્ઞાનીમાં બાળક જેવી નિર્દોષતા હોય. બાળકને અણસમજણમાં નિર્દોષતા હોય, જ્યારે જ્ઞાનીમાં સંપૂર્ણ ટોચ પરની સમજસહિત નિર્દોષતા હોય. તે પોતે નિર્દોષ દૃષ્ટિ કરી સ્વયં નિર્દોષ થયા હોય અને આખાય જગતને નિર્દોષ જ જુએ!
આડાઈ તો નામેય ના હોય જ્ઞાનીમાં. આડાઈ એ અહંકારનો પ્રત્યક્ષ ગુણ છે. મોક્ષની ગલી બહુ સાંકડી છે. તેમાં આડા થઈને જવાય તેવું છે જ નહીં. સીધો થઈને ચાલે તો આરપાર નીકળી જવાય તેવું છે. આડાઈ એ તો મોટામાં મોટી સંસારની અટકણ છે. જ્ઞાનીની સરળતા એ તો વર્લ્ડમાં ટૉપ ઉપરની હોય. સંપૂર્ણ નિર્અહંકારી પદે વિરાજેલા હોવાથી જેમ કહો તેમ કરે તેવા હોય. કોઈ કહે, 'આ ગાદી ઉપરથી ઊઠી જાવ.' તો તે કહે, 'ચાલ ભાઈ તેમ કરું.' કોઈ ગમે તેટલી સળી કરે પણ જ્ઞાની તે સળીમાં આવી ન જાય. જ્ઞાનીને તો સળી કરો તો ખબર પડે કે કેટલી વીતરાગતા છે! સળી કરે અને ફેણ માંડે તો સમજવું કે આ જ્ઞાની નહોય.
જ્ઞાની પુરુષમાં આગ્રહનું એકેય પરમાણુ ના હોય. સંપૂર્ણ નિરાગ્રહી હોય, આગ્રહ એ તો વિગ્રહ છે અને નિરાગ્રહથી મોક્ષ છે.
ભગવાને કશાયનો પણ આગ્રહ કરવાની ના કહી છે. એકમાત્ર મોક્ષ માટે જ જ્ઞાની પુરુષનો આગ્રહ રાખજે. કારણ કે તેમના જ ચરણોમાં મોક્ષ છે. જ્ઞાની મળે અને તેમની જો કૃપાદૃષ્ટિ પ્રાપ્ત થાય તો મોક્ષ સહેજે હાથમાં આવી જાય તેમ છે!
જ્ઞાનીનો પ્રેમ તે શુદ્ધ પ્રેમ અને તે પરમાર્થ પ્રેમનું અલૌકિક ઝરણું હોય. એ પ્રેમઝરણું આખાય જગતના અગ્નિને ઠારે. મોટામાં મોટી વાત તો એ કે જ્ઞાની પુરુષ સંપૂર્ણ નિષ્પક્ષપાતી હોય. જો પક્ષમાં પડ્યો તો મતાંધ થયો કહેવાય. મતાંધ ક્યારેય પણ સત્ય વસ્તુને પામી ન શકે. એ તો જ્યારે સંપૂર્ણ નિષ્પક્ષપાતીપણું ઉત્પન્ન થાય, અરે જ્ઞાની તો ખુદના પોતાના મન-વચન અને કાયા માટે પણ નિષ્પક્ષપાતી હોય અને ત્યારે જ સર્વજ્ઞપદ પ્રાપ્ત થાય. જો એક જ પક્ષની વાત હોય તો તે એકપક્ષી કહેવાય, સર્વજ્ઞ ના કહેવાય. જ્ઞાની પુરુષની સભામાં તો ક્રિશ્ચિયન, મુસ્લિમ, વૈષ્ણવ, જૈન, સ્વામીનારાયણ, પારસી, ખોજા વગેરે બધાં જ અભેદ ભાવે બેસે. અને દરેકને જ્ઞાની પુરુષ પોતાના જ ધર્મના આપ્તપુરુષ લાગે. એક અજ્ઞાનીને લાખ મત હોય ને લાખ જ્ઞાનીઓનો એક જ મત હોય!
જ્ઞાની એક બાજુ સર્વજ્ઞ પણ હોય અને બીજી બાજુ અબુધ હોય. બુદ્ધિનો છાંટો પણ ના હોય. જ્યાં સંપૂર્ણ બુદ્ધિપ્રકાશ આથમી જાય ત્યાં સર્વજ્ઞપદ સામું વાજતે-ગાજતે હારતોરા સાથે ઉદયમાં આવે! આ જ નિયમ છે અને અબુધ થાય તે જ સર્વજ્ઞ થઈ શકે.
જ્ઞાની પુરુષ કોણ કે જેને વર્લ્ડમાં કશું જાણવાનું બાકી નથી, પુસ્તકો ઝાલવાના (વાંચવાના) નથી, એકેય સ્ટાન્ડર્ડ પાસ કરવાનું બાકી રહ્યું નથી તે! એમને માળા ફેરવવાની ના હોય, કંઈ જ કરવાનું કે જાણવાનું એમને બાકી ના હોય. એ તો સર્વજ્ઞ હોય અને પાછા મુક્ત મનથી વિચરતા હોય!
જ્ઞાની પુરુષના ત્રણ ગુણ જો કોઈ શીખી જાય તો તેનો ઉકેલ આવી જાય! મુક્ત જ રહે તે. તે ત્રણ ગુણો છે - કોમ્પ્રેસિબલ, ફ્લેક્સિબલ અને ટેન્સાઈલ.
કોમ્પ્રેસિબલ એટલે ગમે તેટલું પ્રેસર આવે તો તે પોતે સંકોચાઈ જાય અને પાછા તેવા ખમી લે ને તેવા તરત જ થઈ જાય! ફ્લેક્સિબલ એટલે વાળો તેમ વળી જાય પણ તૂટી ના જાય ક્યારેય પણ! અને ટેન્સાઈલ એટલે ગમે તેટલું ટેન્શન ઝીલી શકે! આ ત્રણ ગુણોને લીધે જગત વ્યવહારમાં ક્યાંય પણ હીચ (મુશ્કેલી) ના આવે ને મોક્ષે નિર્અંતરાયથી પહોંચી જવાય!
જગતમાં 'આપ્તપુરુષ' તે એકલા જ્ઞાની પુરુષ જ કહેવાય. આપ્ત એટલે બધી રીતે વિશ્વાસ કરવા યોગ્ય. સાંસારિક જ બાબતો માટે નહીં, પણ મોક્ષપ્રાપ્તિ માટે, ઠેઠ સુધી વિશ્વાસ કરવા યોગ્ય હોય. જ્યાં સુધી પોતાને આત્મભાન થયું નથી, આત્માની ઓળખાણ થતી નથી, ત્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાની પુરુષ જ પોતાનો આત્મા છે. જ્ઞાની પુરુષ મૂર્તિમાન મોક્ષસ્વરૂપ હોય. એમને જોઈને પોતાનો આત્મા પ્રગટ કરવાનો હોય. જ્ઞાની પોતે પારસમણિ કહેવાય. અને અજ્ઞાનીઓ તે લોખંડ, તે એમને અડતાં જ સોનું થઈ જાય! પણ જો વચ્ચે અંતરપટ ના રાખે તો! જ્ઞાની પુરુષ પાસે અનંત પ્રકારની જ્ઞાનકળા હોય, અનંત પ્રકારની બોધકળા હોય અને અનંત પ્રકારની પ્રજ્ઞાકળા હોય. મોક્ષ મેળવવા માટે જ્ઞાની પાસેથી કામ કાઢી લેવાય તો જ આ ભવ સાર્થક થયો કહેવાય.
આત્મા જાણવા માટે તો જ્ઞાની પુરુષ પાસે જવું જ પડશે. જાણકાર વગર તો કોઈ વસ્તુએય મળતી નથી. ત્યારે નિર્વિકલ્પ સમાધિસ્થ એવા જ્ઞાની પુરુષ પાસે જ જવું પડે. જ્ઞાની પુરુષ શુદ્ધ ચૈતન્ય હાથમાં જ આપી દે. જ્ઞાની ચાહે સો કરે છતાંય તે નિમિત્ત ભાવમાં જ રહે. કોઈ વસ્તુના કર્તા જ્ઞાની ના હોય.
દરેક શાસ્ત્રો છેવટે તો એમ જ કહીને છૂટી જાય છે કે પ્રગટ આત્મા પ્રાપ્ત કરવો હોય તો તું જ્ઞાની પાસે જા. પ્રગટ દીવો જ દીવો પ્રગટાવી શકે. માટે 'ગો ટુ જ્ઞાની'. કારણ કે 'જ્ઞાની' સદેહે આત્મસ્વરૂપ થયા હોય અર્થાત્ તરણતારણહાર હોય!
જ્ઞાનીનો કાળ તો નિરંતર વર્તમાન જ હોય. ભૂતકાળ કે ભવિષ્યકાળમાં ના હોય. નિરંતર વર્તમાન જ વર્ત્યા કરે. તેમને પ્યાલો ફૂટી ગયો તે ભૂતકાળ અને હવે શું થશે એના જ વિચારો અને ચિંતા એ ભવિષ્યકાળ. જ્ઞાની કાળના નાનામાં નાના અવિભાજ્ય ફ્રેક્શન સમયમાં જ રહે. આખાય બ્રહ્માંડના પરમાણુએ પરમાણુમાં ફરી વળેલા હોય. તમામ જ્ઞેયોના જ્ઞાતા-દ્રષ્ટા જ હોય. સમય અને પરમાણુ સુધી પહોંચવું એ તો જ્ઞાનીઓનું જ કામ!
'ગત વસ્તુનો શોચ નહીં, ભવિષ્યની વાંચ્છના નહીં,
વર્તમાન વર્તે સોય જ્ઞાની.'
જ્ઞાની પાસે 'પરમ વિનય' અને 'હું કશું જ જાણતો નથી' આ બે જ વસ્તુ લઈને આવ્યો તો તે તર્યો જ. અરે, એક જ વખત જો જ્ઞાનીનાં ચરણોમાં સર્વ ભાવ અર્પણ કરી પરમ વિનયે નમ્યો તો તેનેય મોક્ષ થઈ જાય તેવું ગજબનું આશ્ચર્ય છે!
આ 'દાદા ભગવાને' ક્યારેય, સપને પણ કોઈનો અપરાધ કરેલો જ નહીં ને ફક્ત આરાધનામાં જ રહેલા. તેથી 'દાદા ભગવાનનું' નામ લઈને જે કંઈ સારા ભાવથી કરે તે અવશ્ય ફળે જ.
જ્ઞાનીનું વર્ણન કરવા વાણી અસમર્થ છે. કલમ અટકી જાય.
વીતરાગ જ્ઞાની પુરુષની દશા કેવી હોય? તો કહે, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી અપ્રતિબદ્ધપણું હોય, એટલે એમને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનું કોઈ બંધન રહ્યું નથી. કોઈ પણ સંજોગ બાધક ના હોય કે કોઈ પણ સંજોગથી બંધાય નહીં, તેથી નિરંતર સ્વતંત્રપણું હોય. ઉદયાધીન વર્તે તેથી નિરંતર સમાધિ દશા હોય. એમનો વ્યવહાર સહજ હોય, એટલે એ સહજાત્મસ્વરૂપ કહેવાય. પ્રગટ સ્વરૂપે સહજતા જોવા મળે એ આ કાળનું ગજબનું આશ્ચર્ય છે.
બ્રહ્મચર્ય વિશે વિગતવાર વાતચીત કરવાની ક્ષમતા કોનામાં હોય?
ફક્ત તેમને જ કે જેમને આત્મજ્ઞાન પ્રાપ્ત થયું હોય અને તે અન્યને પણ પ્રાપ્ત કરાવી શકે. આવી વ્યક્તિ પારદર્શક અને કોઈ પણ પ્રકારના રહસ્યોથી મુક્ત હોય છે. તે જ્ઞાની પુરુષ છે, કે જેમણે પોતાનું સંપૂર્ણ જીવન એકમાત્ર જગતકલ્યાણ માટે સમર્પિત કર્યું હોય છે. તદુપરાંત, તેમનામાં વિષયનું એક પણ પરમાણુ ન હોવાને કારણે, તેમણે બ્રહ્મચર્ય પાળવું પડતું નથી, એ તેમને સહજ વર્તે, તેઓ શુદ્ધ બ્રહ્મચારી જીવન જીવે.
આ કળિયુગમાં આવી વ્યક્તિ શોધવી અત્યંત દુર્લભ છે. આપણે ભાગ્યશાળી છીએ કે પરમ પૂજ્ય દાદા ભગવાનની હાજરીથી આખા જગત પર કૃપા વરસી છે.
બ્રહ્મચર્ય વિશે એમણે ખૂબ ઊંડાણમાં સમજાવ્યું છે. બ્રહ્મચર્ય સંબંધી એમના તમામ સત્સંગોનું કલેક્શન બે પુસ્તકોમાં સંકલિત અને પ્રકાશિત કરવામાં આવ્યો છે.
આ ઉપરાંત, પરમ પૂજ્ય દાદાશ્રીમાં ઘણા ઊંચા ગુણો હતા. એના વિશે વિસ્તૃતમાં જાણવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરો:
subscribe your email for our latest news and events