More

સ્યાદ્‌વાદ વાણી

જ્ઞાનીની વાણી જીવંત, સાક્ષાત્ સરસ્વતીરૂપ, નિર્‌‌અહંકારી, રાગ-દ્વેષ રહિત, નિર્મમત્વવાળી, નિરાગ્રહી, નિષ્પક્ષપાતી, સ્યાદ્‌વાદ, અનેકાંતવાળી, વચનબળ સહિતની, કડક પણ પ્રેમમય અને કરુણાસભર હોય. સામાના વ્યવહારાધીન એમની વાણી અનેક જીવોને કલ્યાણ માર્ગે દોરનારી હોય! આવી સંપૂર્ણ સ્યાદ્‌વાદ વાણી ક્યારે ઉત્પન્ન થાય? અહંકાર સંપૂર્ણ ખલાસ થાય, જગતમાં કોઈ દોષિત ના દેખાય, જ્યારે બધા જ કષાયોનો ક્ષય થાય, ત્યારે સ્યાદ્‌વાદ વાણી નીકળે. આત્માનો સ્પષ્ટ અનુભવ થયો હોય તો જ સ્યાદ્‌વાદ વાણી નીકળે, ત્યાં સુધી બુદ્ધિની વાત ગણાય. સ્યાદ્‌વાદ વાણી ના નીકળે ત્યાં સુધી મોક્ષમાર્ગમાં ઉપદેશ આપવો ભયંકર જોખમ છે.

જ્ઞાની પુરુષ’ જે સ્યાદ્‌વાદ બોલે છે તે વખતે તેમનો અહંકાર નહીં. ‘જ્ઞાની પુરુષ’ની વાણી મીઠી-મધુરી, કોઈને આઘાત થાય નહીં, પ્રત્યાઘાત થાય નહીં એવી હોય. કોઈને કિંચિત્‌માત્ર દુઃખ ના થાય એવી વાણી નીકળે તો બધું ચારિત્ર્ય જ છે. બાકી બીજા કશા પરથી ચારિત્ર્યબળ ઓળખાય નહીં. જો બુદ્ધિ સ્યાદ્‌વાદ હોય તો સ્યાદ્‌વાદ જેવા લક્ષણ લાગે, પણ એ સંપૂર્ણ ના હોય. જ્યારે જ્ઞાન સ્યાદ્‌વાદ હોય એનું ચારિત્ર્ય તો વીતરાગ ચારિત્ર્ય હોય. જ્ઞાન સ્યાદ્‌વાદ દરેક ધર્મના લોકો પ્રમાણ તરીકે સ્વીકારે. એ વાણીમાં ખેંચ જરાય ના હોય.

વાણીનો કોઈ પણ જાતનો અપવ્યય ના થાય અને વાણીને એના વિભાવિક સ્વરૂપે ના લઈ જાય તે સરસ્વતીની આરાધના. આ તો વિજ્ઞાન છે. જ્યારે વાણી સરસ્વતી સ્વરૂપે થાય ત્યારે લોકોના હૃદયને સ્પર્શે, ત્યારે જ તો લોકોનું કલ્યાણ થાય. હૃદયસ્પર્શી વાણી વર્લ્ડમાં જડવી મુશ્કેલ હોય. જ્ઞાની પુરુષની વાણી હૃદયસ્પર્શી હોય. એનો એક શબ્દ જ જો તમારે સોંસરવો ઊતરી જાય તો એ તમને ઠેઠ મોક્ષે લઈ જાય.

×
Share on